Kantilal Hemani

Drama Romance

4.8  

Kantilal Hemani

Drama Romance

વ્હાલ

વ્હાલ

4 mins
23.1K


 અમદાવાદના હૃદય જેવા કાંકરિયા તળાવના કિનારે સવાર-સવારમાં એક નાનકડું ટોળું જમા થઇ ગયું. તમાશો હોય તો જ ટોળું ભેગું થાય, નહીતર આજના જમાનામાં કોણ કોના તરફ જૂએ છે? હવેના નવા જમાનામાં લોકો સતત એવો જ પ્રયાસ કરે છે કે કોઈક તો આપણને મન ભરી નહિ,તો થોડા – ઘણું, આડા- અવળી, ત્રાંસી નજરે પણ જૂએ.

આજના આ નાનકડા ટોળાને એક જોવા જેવો સિન મળી ગયો હતો. કાંકરિયાના ઠંડા પાણીને સ્પર્શીને આવતી હવાની મસ્તી લેવા ઘણા અમદાવાદીઓ સવારે અહી આવતા. કેટલાક ધનિક અને શ્વાન પ્રેમી એમના પાળેલાં કૂતરાંને પણ સાથે લઈને આવતાં. આ આવનારી ભીડમાં પાયલ દરરોજ આવતી અને એની સાથે એનો ‘શેરુ’ હોય જ.

શેરુ એના નામ જેવો જ સાહસિક અને ચપળ હતો. એના કાન રડારના જેમ સતત આડા-અવળા થતા રહેતા, એ કાનના લીધે એની આંખો પણ સતત દરેક માણસ ઉપર બાજ નજર રાખતી. એની માલકિન પાયલ સાથે તેજ ચાલમાં ચાલતો શેરુ એમનો વિશ્વાસુ સિક્યુરીટી ગાર્ડના જેવું કામ કરતો હતો.

આલ્હાદક સવાર અને પાયલ નું સૌંદર્ય, હવાની લહેરખીઓ એના છુટા લાંબા વાળ સાથે સતત મસ્તી કરતી હોય એમ એના ઉડતા કેશ કહેતા હતા. એના ગોરા રંગને અનુરૂપ ટાઈટ જીન્સ ઉપર ગુલાબી ટ્રાઉઝર ખુબ શોભતું હતું, ટ્રાઉઝર ઉપરનું ચિત્ર અને સ્લોગન એનો રંગીન મિજાજ છતો કરતુ હતું. કાનમાં નાખેલા ઈયર ફોન અને ચાલવાની અદા એની યુવાનીના રંગમાં અનેરો ઉમેરો કરી રહી હતી. એના કમરમાં શોભામાં અભીવૃધ્ધિ માટે પહેરેલા બેલ્ટ જેવોજ બેલ્ટ એણે આજે શેરુને પણ પહેરાવ્યો હતો. શેરુ પણ પાયલનો મુડ સમજતો હોય એમ એની રંગતમાં ચાલતો હતો. આજના સમયમાં પાયલના મુડ પ્રમાણે જ શેરુ વર્તન કરતો હતો.

હજી તો પાયલ શેરુનો પટ્ટો મજબુત રીતે પકડે એના પહેલાં તો એ પૂરી તાકાતથી દોડીને સામેથી આવતા એક બીજા શ્વાન ઉપર કૂદી પડયો. પાયલ આ હાદસાને સમજે કે વિચારે એના સાથે જ બે કૂતરાંં એક બીજાને બચકાં ભરવા લાગ્યાં. સામેના કૂતરાનો માલિક પોતાની પૂરી તાકાત લગાવીને એના શ્વાનને બચાવવાની કોશિશ કરતો હતો. એ બંનેની વચ્ચે પડવાથી એના હાથમાંથી પણ ખૂન વહેવા લાગ્યું હતું. હવે પાયલ પણ પુરતા હોશમાં આવી ગઈ હતી,એણે એની પૂરી શક્તિ લગાવીને શેરુને પટ્ટાથી પકડીને જુદો કર્યો.

આ કૂતરાં અને માણસોની ઝપાઝપી જોવા માટે કાંકરિયાના કિનારે નાનું સરખું ટોળું વળી ગયું હતું. પાયલની સામે ઉભેલો યુવાન અજય હતો. અજય આ શહેરમાં ગયા અઠવાડિયે જ આવ્યો હતો. કાંકરિયા નજીકની એક બેંકમાં એ ઓફિસર હતો. નજીકમાં જ રહેતો હતો એટલે એની પાલતું “ માણકી” સાથે કાંકરિયાની પાળે આવ્યો હતો.

પહેલા જ દિવસે ઘાયલ માણકીને જોઇને અજય આગ બબુલો થઇ ગયો હતો. એની સામે પ્રતિસ્પર્ધી તરીકે એક યુવાન સ્ત્રી હતી એની જગ્યાએ કોઈ પુરુષ હાજર હોત તો એ જીભ ન ચલાવી હોત પણ એના કસાયેલા હાથ ચાલતા અને એક બે હાડકાના તો બે-ત્રણ ભાગ થઇ ગયા હોત. અજય વધારે પ્રમાણમાં બોલવા લાગ્યો એટલે કોઈ સમજુ માણસ બોલ્યું : ઓ ભાઈ હવે તું અને આ મૂંગા પશુને સારવાર કરાવવા માટે હોસ્પિટલ પહોચો. કૂતરાં માટે મારામારી કરવી માણસો માટે સારી નહિ.

પાયલ અને શેરુને નુકસાન ઓછું થયું હતું અને આમેય આટલા સમયથી પાયલ શાંત હતી. એ હવે બોલી “સોરી. ” લો આ મારું કાર્ડ છે આપ સારવાર કરાવો ખર્ચ હું આપી દઈશ” જોઈ મોટી ખર્ચ વાળી આવું કરડી નજર સાથે બોલીને અજય એની વ્હાલી શ્વાન માણકી સાથે ત્યાંથી નીકળી ગયો, ટોળા પાસે હવે કઈ જોવા જેવું ન હતું એ પણ વિખેરાયું.

ટોળું અહીંથી વિખરાઈ ગયું હતું પણ પાયલના મગજમાં વિચારોનું ટોળું વળી ગયું હતું. એ પણ વિખરાયેલા વિચારો સાથે ઘેર શેરુ ને લઈને પહોચી. એની સમજમાં એ વાત આવતી ન હતી કે શેરૂએ આજે રૌદ્ર સ્વરૂપ કેમ ધારણ કર્યું ? શું એને કોઈ સુગંધ અલગ જ આવી ? કે કોઈ બીજી જ બાબત હતી. . !! એવા અનેક વિચારો સાથે એણે ટીવી ચાલુ કરી પાલતું પ્રાણીઓની સંભાળ વિષે કોઈ નિષ્ણાત કેટલાક વિડીયો બતાવી રહ્યા હતા. જેમાં એક વાત એને કાન ઉપર અથડાઈ, જેમાં એ વાતનો ઉલ્લેખ હતો કે પ્રાણીઓ વચ્ચેની લડાઈ પછી એમને પશુ ચિકિત્સક પાસે બતાવવાં જોઈએ, આપણને ખ્યાલ પણ ન હોય ને એના શરીરમાં કોઈક જગ્યાએ ઈજા હોઈ શકે છે.

આ વાત સાંભળ્યા પછી તરત જ પાયલ કપડાં બદલાવ્યા, શેરુ સાથે ગાડી લઈને હોસ્પિટલ જવા માટે નીકળી ગઈ. હોસ્પીટલમાં પહોચતાં એની આંખો ચાર થઇ ગઈ, કારણકે એની સામે પાછો અજય ઊભો હતો. એની માણકીની ડોક્ટર સારવાર કરી રહ્યા હતા. સમય પસાર થઇ જવાના કારણે અજયનો ગુસ્સો પણ હવે ઓછો થઇ ગયો હતો. બંને શાંત મન અને મગજ સાથે મળ્યા.

માણકીની સારવાર પછી શેરુને પણ તપાસવામાં આવ્યો. આ સમય દરમિયાન અજય અને પાયલ એક બીજાના પરિચયથી અવગત થયાં. હૃદયની કડવાશ પણ ઓછી થઇ. અજયને માણકીની સાથે ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. પાયલને ખ્યાલ હતો કે અજય એકલો જ આ શહેરમાં છે, નિયમિત એ પોતે એના હાથનું બનાવેલું ટીફીન લઈને હોસ્પીટલે જતી. શેરુ પણ સાથે જ હોય.

 પાયલ અને અજય વચ્ચે જેમ મિત્રતા ગાઢ બની એના કરતાં શેરુ અને માણકીનું ટયુનીંગ ઘણું સારું હતું, એનું ઉદાહરણ આજે ત્રીજા દિવસે શેરુ અને માણકી એ આપી દીધું. આજે હોસ્પિટલમાંથી રજા મળી એ સમયે શેરુને લઈને પાયલ પણ ત્યાં આવી હતી. છૂટા પડતી વખતે પાયલ અને અજય વાતોમાં મશગુલ હતાં અને બંનેના હાથમાં પટ્ટાથી શેરુ અને માણકી પકડેલાં હતાં, છતાં બંને એક બીજાની નજીક આવ્યાં અને પ્રેમથી એક બીજાના ચહેરા ઉપર જીભ વડે વ્હાલ કરીને એક બીજાની આંખમાં જોઈ રહ્યાં. આ દ્રશ્ય અજય –પાયલ પણ અપલક નયને જોઈ રહ્યાં.

હવેથી નિયમિત કાંકરિયાના કિનારે-કિનારે ચારેય જીવ ઠંડી હવાની લહેરખીઓ લેવા સાથે જ આવે છે. કારણકે ચારેય જીવ એક જ ફ્લેટ અને એકબીજાના હૃદયમાં રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama