Khushbu Shah

Drama Horror

3.5  

Khushbu Shah

Drama Horror

વેશભૂષા

વેશભૂષા

3 mins
689


આશરે રાત્રીના 12 વાગ્યા હશે. રિયા તેના રૂમમાં સૂતી હતી. મનોજ પણ સૂઈ ગયા હતા પણ મારી આંખોથી ઊંઘ કોશો દૂર હતી. આમ તો આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત ગયો હતો. આ નવા ઘરમાં શિફટિંગ અને રિયાની સ્કૂલમાં વિવિધ સ્પર્ધાઓ હતી તેની ચર્ચા,એ સ્પર્ધામાં ભાગ લેવા માટે તો રિયાડીએ આખું ઘર માથે લીધું હતું ,એમ પણ એ મારી અને મનોજની લાડકી દીકરી હતી એટલે એની ધાંધલ-ધમાલ વધુ હતી.

      મને તરસ લાગી, હું કિચનમાં જઈ પાણી પીવા માટે ઉઠી,ત્યારે અચાનક મને કોઈનું અટ્ટહાસ્ય સંભળાયું, થોડી વાર તો ડર લાગ્યો પણ પછી થયું કે આજુબાજુ કોઈના ઘરેથી અવાજ આવતો હશે, હું જેમ જેમ આગળ વધી તે અટ્ટહાસ્ય વધુ તીવ્ર બન્યું. અંતે રાતની શાંતિ ચીરતી એક ચીસ સંભળાઈ 

"મીના, ક્યાં ચાલી તું ? મને પાણી નહિ આપશે ?"

      હું ખૂબ જ ડરી ગઈ, પાછળ ફરી તો મોંઢા પર ઠંકાયેલા વાળ અને ઠીલા સફેદ ફ્રોકમાં સજ્જ એક નાની છોકરી દેખાઈ, મેં ચીસ પાડી દીધી પણ બીજી ક્ષણ મને ગુસ્સો આવ્યો.

"રિયા,તું ? માર ખાવાની થઇ છે તું..." મેં ગુસ્સામાં જ કહ્યું, ત્યાં સુધીમાં તો મનોજ પણ આવી ગયા.

"રિયા, આ શું કર્યું ? કેમ મમ્મીને ડરાવે છે બેટા ?" મનોજ પણ રિયાને ખીજવાયા.

"હા ..હા ..હા..મમ્મી હું કાલે વેશભૂષામાં શું બનીશ મેં નક્કી કરી લીધું, હું કાલે ભૂત બનીશ." રિયા હસતાં-હસતાં બોલી.

"આ દાંત તું ક્યાંથી કથ્થઈ કરી લાવી અને આ સફેદ ડ્રેસ? શું ધતિંગ માંડયું છે રિયા ?" હું હવે ખૂબ જ અકળાઈ ગઈ હતી.

"મમ્મી મારા સીંગલ બેડની ચાદર હતી ને તે ફાડી દીધી એટલે આ સફેદ ડ્રેસ બની ગયો."રિયા તો હજી પણ હસી જ રહી હતી પણ મારો અને મનોજનો ગુસ્સો ગયો.

"રિયા તે કેટલી મોંઘી ચાદર ફાડી નાંખી અને આ દાંત ?" 

"પપ્પા એ તો મેં દાંત પર બોર્નવીટા ઘસી દીધું."

"અને આ અભિનય એ ટીવી પરથી જોઈને કર્યો કે જુવો તો મનોજ આ કેટલી ચાલાક થઇ ગઈ છે."

"ના મમ્મી, એ તો મારી ફ્રેન્ડે શીખવ્યો."

"શું બકવાસ કરે છે રિયા સાંજ સુધી તો શું બનું? શું બનું? એમ કરી માથું ખાતી હતી. અચાનક કઈ ફ્રેન્ડે શીખવો તને અભિનય ?"

"મમ્મી એ તો મારી ફ્રેન્ડ છે ને તેણે."

"મનોજ આ શું બોલે છે? હું તો જાગતી હતી કોઈ આવ્યું નથી. દરવાજો તો તમે બરાબર બંધ કર્યો હતો ને ?"

" રિયા ક્યાં છે તારી ફ્રેન્ડ ? હજી છે આ ઘરમાં ?" મનોજ ચિંતા સાથે બોલ્યા અને મને પણ હવે ધ્રુજારી ચડી ગઈ.

"હા એ તો મારા રૂમમાં જ રહે છે."

   હવે મારા અને મનોજના ચેહરાનો રંગ ઉડી ગયો. મેં ખેંચીને રિયાને મારી પાસે લઇ લીધી.

"હજી એ તારા રૂમમાં જ છે ? "

"હા પપ્પા."

 મેં અને મનોજે હાંફતા -હાંફતા રિયાના રૂમનો દરવાજો ખોલ્યો, રૂમ સંપૂર્ણપણે ખાલી જ હતો બસ નાની છોકરીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો.

"રિયા બસ,બહુ થયું હવે અભિનય બંધ કર." મનોજના અવાજમાં ડર હતો.

"પણ પપ્પા હું નથી રડતી એ તો મારી ફ્રેન્ડ રડે છે."

  હું અને મનોજ બીજા રૂમમાં રિયાને લઈને ભાગ્યા અને ભગવાનનું નામ દેવા મંડયા કારણ કે રૂમમાં હમણાં તો કોઈ જ ન હતું પણ જો રિયાની વાત સાચી પડી તો....

  આખી રાત ભયના ઓથારમાં વીતાવ્યા બાદ બીજે દિવસે સવારે જ અમે પાછા જૂના ઘરે જતા રહ્યા, ત્યારબાદ એ ઘર સામે પાછું વળીને ક્યારેય ન જોયું, ખબર નહિ રિયા જેને ફ્રેન્ડ કહેતી હતી એ કોણ હતી?


Rate this content
Log in

Similar gujarati story from Drama