STORYMIRROR

Amit Chauhan

Drama

3  

Amit Chauhan

Drama

વેરાયટી

વેરાયટી

7 mins
266

ફોન પર વાત કર્યા મુજબ રાકેશભાઈને રુબરુ મળવાનું ફાઈનલ થઈ ગયું. હવે આકાશને હાશ થઈ. કાર્યનું વળતર સમયસર ન મળવાને કારણે તેનો જીવ અંદરને અંદર વલોવાતો હતો. 

ઘણાં વર્ષોથી, પૈસા કમાવવા તેની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ હતી. દિવસની મોટાભાગની ક્ષણો; તે કેવી રીતે કાર્ય કરવું અને વળતર મેળવવું તે અંગેના વિચારોમાં પસાર થતી હતી. 

ખેર, એ દિવસે તે વહેલો ઊઠી ગયો. તેણે પોતાના પપ્પાને રસી મૂકાવવા ક્યાં જવાનું છે તે સ્થળ અંગે જણાવી દીધું. અને પોતે શહેરમાં અગત્યના કામ અર્થે જનાર છે એ વાત પણ જણાવી દીધી. તેણે પહેલા સ્નાન કરી લીધું. અને એ પછી સાદુ પેન્ટ અને શર્ટ પહેરી લીધા. તેણે ખાદીની એક બેગમાં પાણીની બોટલ મૂકી. તેણે આવશ્યક રૂપિયા પણ પોતાની સાથે લીધા. એ પછી તેણે ચા-નાસ્તો પૂર્ણ કર્યો અને પોતાની મમ્મીને " સાંજે પરત આવીશ " કહેતાં પોતાની સ્કૂટી સંગ નીકળી પડ્યો. 

એ વેળા સમય સવારનો હતો. રસ્તામાં જ તેને મહોલ્લામાં રહેતા ડેવિડભાઈ પગે ચાલીને નોકરીએ જતા જોવા મળ્યા. તેણે પોતાની સ્કૂટી ઊભી રાખી. "ચાલો, આવવું છે?" સાંભળતા જ પેલા ડેવિડભાઈ સ્કૂટીની પાછળની સીટ પર ચઢી બેઠા. " "પૈસા બચાવવા લોકો…" આકાશે મનોમન વિચાર કર્યો. છેલ્લા કેટલાક વર્ષોથી આકાશને આવી બધી બાબતો નોંધવાની રીતસરની ફાવટ આવી ગઈ હતી. કેટલાક મહિના પૂરવે આકાશે; ડેવિડભાઈને લિફ્ટ આપી હતી. એટલે કે એણે પોતાની સ્કૂટી પર ડેવિડભાઈને બેસાડ્યા હતા. એ વખતે થોડે આગળ ગયા બાદ તેની સ્કૂટીના ટાયરમાં પંક્ચર પડ્યું હતુ. તેને એ ઘટના યાદ આવી .જોકે તેમ છતાં તેણે ડેવિડભાઈને બેસાડ્યા. જ્યારે તેમને ઉતરવાનું આવ્યું ત્યારે તેમણે આકાશના ખભે સ્પર્શ કર્યો. 

એ ઊતર્યા પણ એમણે મદદ પ્રાપ્ત થયા બદલ જે શબ્દો બોલવા જોઈએ એ ન બોલ્યા. આ આખા મામલાને એમણે ટેકન ફોર ગ્રાન્ટેડ લીધો. જોકે આકાશ કશું બોલ્યો નહી અને આગળ વધ્યો. થોડે આગળ જતાં તેના મનમાં એક વિચાર દ્રઢ બન્યો કે અભણ અને ભણેલા વચ્ચે એટલો ભેદ કે ભણેલો આભારની લાગણી વ્યક્ત કરે અને અભણ કશું બોલ્યા વિના ચાલતી પકડે! 

ખેર એ પછી આગળ જતાં તેને શ્રી રામ કિરાણા સ્ટોરમાં જવાની ઈચ્છા થઈ આવી. તેણે ત્યાં જઈને દસ રૂપિયાના પાપડી અને ગાંઠીયા બંધાવ્યા. બ્રિટાનીયા મેરીગોલ્ડના બિસ્કીટના બે પેકેટ પણ લીધા. એ પછી તે સીધો રેલ્વે સેટેશને પહોંચ્યો. અહીં આવીને એણે પાર્કિંગ એરિયામાં પોતાની સ્કૂટી પાર્ક કરી. એ પછી પહોંચ ફડાવી. વાહનોની રખેવાળી કરનારે તેની પાસેથી દસ રૂપિયા વસૂલ્યા . એ પછી તે એન.એસ. પટેલ આર્ટસ કોલેજ ખાતે આવ્યો. આ જગ્યાએથી સરકારી બસો શહેર તરફ રવાના થતી હતી. અહીં આવતા તેનું ધ્યાન એક યુવાન પર પડ્યું કે જે તેના દૂરના સગાંમાં આવતો હતો. તે ફોન પર વાત કરી રહ્યો હતો. આકાશે તેની સામે જોયું. એ પછી તેણે નજર ફેરવી લીધી. પેલા યુવાનની વાત પુરી થતાં તેણે આકાશને હાક મારી. આકાશ તેની પાસે જઈ કહેવા લાગ્યો, " ક્યારનોય શું મોબાઈલમાં મંડ્યો રહ્યો છે!"

પેલા યુવાનને એવું લાગ્યું કે આકાશે 'કથા'શબ્દ પ્રયોજ્યો. અને એટલે તેણે વળતો જવાબ આપ્યો, " કથા તો કરવી પડે ને….બૈરા જોડે હવાર હવારમા કથા તો કરવી પડે! " 

આકાશે તો જે કહ્યું એમાં કથાની વાત જ નહોતી આવતી. જોકે પેલા યુવાનને એવું સંભળાયું કે સમજાયું હતું. 

તેણે પૂછ્યું, " તું કઈ દુનિયામાં જીવે છે? દેખાતો નથી "

" તું જે દુનિયામાં જીવે છે એ દુનિયામાં સ્તો…." આકાશ બોલ્યો. 

બંને વચ્ચે ઔપચારિક વાતો થઈ. એ પછી પેલા યુવાને પૂછ્યું, " લગન બગન કર્યા ક નંઈ? "

"ના" આકાશ બોલ્યો. 

એ પછી પેલા યુવાનની વણમાગી સલાહ છૂટવા લાગી, "અવ લગન કરી લે. પોતાની જાતે જ શોધી કાઢવાનું. આવું ક્યાં સુધી ચાલશે.! હગા બગાની આશા રાખતો હોય તો ના રાખીશ. એ જમાના ગયા કે જ્યારે હગા આપણી માટે છોકરી શોધી લાવતા હતા. આ મારું જ ઉદાહરણ લે ને...પહેલાં મમ્મી પપ્પાએ શોધી આપ્યું હતું. પણ અમારે મનમેળ ન થયો અને મેં એને ડિવોર્સ આપી દીધાં. બેબી એ એની સાથે લઈ ગઈ. અને હમણાં એક વર્ષથી મે બીજા લગ્ન કર્યા. એનું પણ છુટું થયેલ છે. મેં તો મારી જાતે શોધી કાઢ્યુ ને….હમણા એની જોડે જ વાત ચાલતી હતી. " 

આકાશે એની બધી વાત શાંતિથી સાંભળી. એ દરમિયાન શહેર તરફ જતી બસ આવી પહોચતા બંને જણ બસમાં ચઢી ગયા. આકાશ બસના આગળના ભાગે બેઠો. કંડકટર આવી ચઢતાં તેણે તેમને એકસો રૂપિયાની નોટ આપી અને શહેરમાં ઊતરવાના સ્ટેન્ડનુ નામ જણાવ્યું. તેને ટિકિટ પ્રાપ્ત થતાં તેનું નિરીક્ષણ કરવા માંડ્યુ. ટિકિટમાં ટાઈમ હતો. 8:36. અને તારીખ હતી: 03/08/2021. 

તેની બાજુમાં બેઠેલ એક યુવાન મુસાફર મોબાઈલ એક્સેસ કરી રહ્યો હતો. એટલે કે તે મોબાઈલમાં મગ્ન હતો. જ્યારે શહેરનું બસ સ્ટોપ આવવાને ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે આકાશે પોતાની આસપાસ નજર નાંખી. એમ કરતાં તેના ધ્યાને એક ચાવી આવી. આ ચાવી સાથે રોયલ એનફિલ્ડનુ કિચેઈન એટેચ્ડ હતું. પેલા યુવાને જ્યારે પોતાના ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢ્યો હતો ત્યારે ચાવી સાથેનું કિચેઈન નીકળી જવા પામ્યુ હતુ. આકાશે તેને લઈને પેલા યુવાનને આપ્યું. 

" સારું કર્યુ તમે….થેન્ક યુ. આ ખોવાઈ જાત તો કેટલી બધી મુશ્કેલી પડત મને…." યુવાન કહેવા લાગ્યો. 

" ઑફિસનુ તાળું તોડવું પડત !" આકાશ બોલ્યો 

" ના, આ તો અમારા ઘરની ચાવી છે" યુવાન કહેવા લાગ્યો. 

એ પછી આકાશની નજર યુવાનના ડાબા હાથ ઉપર પડી. તેણે જોયું કે કોણીથી લઈને કાંડા સુધીના ભાગમા કેટલાક ચીરા કે કાપા હતા. 

" આ કાપા શેના પાડેલા છે? " આકાશે પૂછ્યું 

એ પછી ઉમેર્યું, " કોઈ પ્રેમ- બેમ!" 

"હા" યુવાને કહ્યું 

" હાલનું સ્ટેટસ શું છે? " આકાશે પૂછ્યું 

" એના લગ્ન બીજે ઠેકાણે થઈ ગયા છે!" યુવાન બોલ્યો 

" તમે સૈયદ?"આકાશે પૂછ્યું 

" ના, પ્રોટેસ્ટન્ટ " યુવાને જવાબ આપ્યો 

એ પછી આકાશે પોતે રોમન કેથોલિક હોવાનો ખુલાસો કર્યો 

 " આ પ્રોટેસ્ટન્ટ લોકો પૈસે ટકે સદ્ધર હોવાનું કારણ શું હશે?" આકાશને મનોમન સવાલ થયો. 

તે જ્યારે બસ સ્ટેશન ઊતર્યો ત્યારે તેને એક ટેન્ટ જોવા મળ્યો. અહીં કેટલાક સિસ્ટર અને બ્રધર પણ તેના ધ્યાનમાં આવ્યા. તેઓ મુસાફરોને કોરોનાનો ટેસ્ટ વિના મૂલ્યે કરી આપતા હતા. તેને રાણીપમાં રહેતા એક વડીલમિત્રને ત્યાં જવાની ઈચ્છા થ ઈ આવી. પણ તેણે તે ઈચ્છા પુરી કરી નહીં. જો તે એવું કરે તો અગત્યનું કાર્ય રખડી જાય તેમ હતું. એ પછી તે પાલડી ખાતેની સામયિકની ઑફીસે પહોંચ્યો. તેણે છેલ્લા બે અંકોની બે કોપી મેળવી અને પછી તે ગુજરાત કોલેજ ખાતે આવ્યો. જ્યારે તે અહીં આવ્યો ત્યારે અગિયાર વાગવામાં પાંચ મિનિટ બાકી હતી. તેણે પાપડી ગાંઠીયાનુ પડીકું કાઢ્યું અને પેટપૂજા કરવા લાગ્યો. એવામાં એની નજર એક ટાબરિયાં પર પડી. લગભગ આઠેક વર્ષની વયનો એક છોકરો મોટરસાઈકલ પાસે ઊભા રહીને મોબાઈલમાં વ્યસ્ત એક ભણેલા ગણેલા માણસ સમક્ષ કંઈક મેળવવાની આશાએ પોતાનો હાથ લાંબો કરી રહ્યો હતો. પેલા માણસે એના તરફ ધ્યાન ન આપ્યું. આકાશે પોતાના હાથમાં થોડા ગાંઠીયા અને પાપડી લઈને પેલા છોકરા પાસે પહોંચી ગયો. તેણે છોકરાની કુમળી હથેળીમાં ગાંઠીયા પાપડી મૂક્યા. 

 એ પછી મોટરસાઈકલ પાસે ઊભેલો માણસ આકાશ સામે થોડી વાર માટે જોતો રહી ગયો. એ પછી એણે પોતાનો સ્માર્ટ ફોન ચાલુ કર્યો. તેણે જોયું કે અગિયાર વાગવામાં માત્ર એક મિનિટ બાકી હતી. તેણે બિસ્કીટનુ પેકેટ ખોલ્યું અને ચાર બિસ્કીટ પેલા છોકરાને આપી આવ્યો. " આ છોકરાને કોઈ સક્ષમવ્યક્તિ દત્તક લ ઈલે તો કેવું સારુ!" તેને મનમાં એક વિચાર આવ્યો. તેને પેલા છોકરામાં જોરદાર શકયતાઓ જણાઈ. તેના મનમાં ડોક્ટર, એન્જિનિયર, ગાયક, અભિનેતા વગેરેના ચિત્રો ખડાં થઈ ગયા.

 એ પછી તેણે વોટ્સ એપ પર જઈને એક સ્ટેટસ જોઈને જવાબ આપ્યો અને બીજા સ્ટેટસને કેવલ જોયું. 

  જ્યારે તે પ્રકાશકને ત્યાં પહોંચ્યો ત્યારે પ્રકાશક રાકેશભાઈ; કાચની કેબીનમાં દરવાજો બંધ કરીને ફોન પર વાત કરી રહ્યા હતા. આકાશે પોતાનો હાથ ઊચો કરીને પોતે આવી ગયો છે એવા મતલબનો ઈશારો કર્યો. એ વેળા રાકેશભાઈના ભાઈ; નિશાન્તભાઈએ હળવી મજાક કરતાં કહ્યું, "એમને કેબિનમાં પૂરી રાખવાની સજા કરવામાં આવી છે." ગમ્મત સાંભળ્યા બાદ આકાશ મુશ્કુરાયો. એણે મનોમન વિચાર કર્યો કે કામ કઢાવવા માટે પોતે ગમ્મત કરવાની કલા શીખવી પડશે. તેણે એવું પણ વિચાર્યું કે કોઈ ગમ્મત કરે તો તેને તરત જ સમજતા પણ શીખવું પડશે. પહેલાં એને એવું થતું હતું કે જ્યારે કોઈ ગમ્મત કરતું ત્યારે તેને તરત જ લાઈટ થતી નહોતી. લાઈટ થતા વાર લાગતી હતી. 

 ખેર, એણે પોતાનું સ્થાન ગ્રહણ કર્યુ. રાકેશભાઈએ એના માટે ચેક લખીને તૈયાર જ રાખ્યો હતો. ચેકનો સ્પર્શ થતાં જ તેને ચોતરફ રોશની થઈ હોય એવો અહેસાસ થયો. એ જ ટાણે એના મનમાં એક ગીત પણ ગુંજી રહ્યું હતું: સફલ હોગી તેરી ….કાહે કો રોયે……." 

  તેની સિસ્ટમ જ એવી હતી કે જે તે સિચ્યુએશન અનુસાર તેના મન-મગજમાં ફિલ્મી ગીતો ગુંજી રહેતા હતા. નિશાન્તભાઈએ આકાશને તેની કરિયર રિલેટેડ પ્રશ્નો પૂછ્યા એટલે એને સારું લાગ્યું. તેમણે તેને ભાષાપ્રેમ વિશે પૂછ્યું. પોતે કેવી રીતે કાર્ય કરે છે એ અંગે પણ પૃચ્છા કરી જોઈ. 

  એ પછી તેણે પ્રકાશકના કાર્યાલયેથી ઘેર પરત ફરવાની તૈયારી કરી. જ્યારે તે બસ સ્ટેશને આવ્યો ત્યારે આણંદ તરફ જતી બસો ઊભેલી હતી. પણ એને જે બસમાં જવાનું હતું તે આવી નહોતી. તેણે અનેક મુસાફરો ઉપર નજર નાંખી દીધી. તેણે અવલોકન કર્યુ કે દરેકને ક્યાંક પહોંચવું હતું. "મંઝિલ કો પાના હૈ, કુછ કર દીખાના હૈ" વાળો ભાવ પ્રત્યેકના ચહેરા પર જોઈ શકાતો હતો. એટલીવારમા એક બસ આવી. તેણે જોયું કે બસના આગળના ભાગે ' એક્સપ્રેસ ' લખેલું હતું. તે અંદર ચઢીને બેસી ગયો. જ્યારે બસ ઉપડવાની થઈ ત્યારે ગણ્યા ગાંઠ્યા જ મુસાફરો હતા. 

  થોડી વાર બાદ કંડકટર આવ્યા. એમણે ટિકિટ ફાડી અને આકાશને આપી. આકાશે જે તે ભાડું આપી દીધું. તેણે ટિકિટમાં જોયું તો 84 રૂપિયા લખેલા હતા. સમય હતો: 2:00 

જ્યાં સુધી શહેરની હદ હતી ત્યાં સુધી બસ ધીમે ધીમે આગળ વધતી રહી. એ પછી મુખ્ય રોડ આવી જતાં બસની ગતિ વધી. " દાદાને રૂબરૂ ન મળી શકાયું તો કશો વાંધો નહીં પણ ફોન પર વાત તો કરી શકાશે" એમ વિચારી એણે દાદાનો નંબર જોડ્યો. દાદા ઊઘ પૂરી કરીને જ ઉઠ્યા હતા. એમની સાથે એણે સાહિત્યની વાતો કરી. એ વાત એટલી લાંબી ચાલી કે વાતવાતમાં આણંદ આવી ગયું. 

તે પારકીન્ગ એરિયામાં ગયો. પહોંચ આપી અને પોતાની સ્કૂટી સંગ ઘેર જવા રવાના થયો. ટાઉન હોલ આવતા સ્કૂટી બંધ થઈ જવા પામી. તેણે ટેન્ક ખોલી ચેક કરી જોયું કે પેટ્રોલ છે કે કેમ ! પેટ્રોલ ખલાસ થઈ જવા પામ્યું હતું. તે સ્કૂટીને ઢસડીને એટલે કે દોરીને પેટ્રોલ પંપ પાસે લઈ ગયો. પેટ્રોલ પુરાવતા જ સ્કૂટી સરસ રીતે દોડવા લાગી. 

  જ્યારે તે ઘેર આવ્યો ત્યારે પાંચ વાગ્યા હતા. તેને નવાઈ લાગી કે પોતે આટલે દૂર ગયો હતો તોયે સમયસર ઘેર આવી પહોંચ્યો હતો. તે મનોમન બોલી ઊઠ્યો: થેન્કસ ટુ એક્સપ્રેસ બસ.


Rate this content
Log in

Similar gujarati story from Drama