Rahul Makwana

Tragedy Inspirational Thriller

4  

Rahul Makwana

Tragedy Inspirational Thriller

વેન્ટિલેટર

વેન્ટિલેટર

8 mins
482


પ્રેમ એ દુનિયામાં ઈશ્વર દ્વારા કરવામાં આવેલ એક ઉચ્ચ કોટીનું સર્જન છે. આ પ્રેમ તત્ત્વ એવું છે કે જો દેવોને મેળવવો હોય તો તેઓને પણ પૃથ્વી પર મનુષ્ય અવાતર લઈને જન્મવું પડે છે, પરંતુ મિત્રો ઘણાં મનુષ્યની હસ્તરેખાઓમાં આ પ્રેમ નામની રેખાઓ નથી આવેલ હોતી. તેઓ જીવનમાં ક્યારેય પ્રેમ પામી કે મેળવી શકતા નથી. જો તમને આ દુનિયામાં પ્રેમ નામનું તત્વ મળી રહે તો ભગવાનનો બે હાથ જોડીને સહૃદય આભાર માનજો કે તમને એને લાયક ગણેલ છે.

આશુતોષ પણ એ બદનસીબ મનુષ્યમાંથી જ એક યુવક હતો, તેનો સ્વભાવ સારો હોવાં છતાંય તેને કોઈ યુવતી પસંદ કે પ્રેમ કરતી ન હતી. ધીમે ધીમે સમયનો પ્રવાહ બદલાયો હોય તેમ તેનાં જીવનમાં જાણે એકાએક ઉજ્જડ જમીન પર ધોધમાર વરસાદનાં રૂપમાં "મોહિની" પ્રવેશી. કોલેજનાં છેલ્લાં વર્ષમાં આશુતોષ અને મોહીની એકબીજાનાં સંપર્કમાં આવેલાં હતાં. શરૂઆતમાં તે બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે ધીમે તેઓની આ મિત્રતા સમયનાં વહેણમાં "પ્રેમ"માં પરિણમેલ હતી. 

સ્થળ : આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી 

હોસ્પિટલ.

સમય : સવારનાં 11 : 30 કલાક.

આસ્થા હોસ્પિટલ શહેરની નામચીન અને પ્રખ્યાત હોસ્પિટલ હતી. લોકો દૂર દૂરથી અલગ અલગ પ્રકારનાં ભયંકર અને ગંભીર રોગોની સારવાર કરાવવા માટે આ હોસ્પિટલે આવતાં હતાં. આ હોસ્પિટલ પર કુદરતની મહેર ગણો તો કુદરતની મહેર કે પછી ઈશ્વરનાં આશીર્વાદ ગણો તો ઈશ્વરનાં આશીર્વાદ, આ હોસ્પિટલમાં સ્ટ્રેચર પર સૂતેલો ગંભીર દર્દી પણ સારવાર બાદ પોતાનાં પગે ચાલીને ઘરે જઈ શકતો હતો.

 આ પાછળનું કારણ હતું ત્યાંનાં ડૉકટરનું કૌશલ્ય, ત્યાંની મેડિકલ ટીમની દિવસ કે રાત જોયા વગરની મોતનાં મુખમાં રહેલાં દર્દીઓનો જીવ બચાવવા માટે કરવામાં આવતી જહેમત. તેઓની આ ટીમવર્ક અંતે રંગ લાવતી હતી, અને કોઈનાં પરિવારનાં ચિરાગ કે સિતારાઓને કોઈપણ સંજોગોમાં બુઝવા દેતાં જ નહીં. જ્યારે પણ આસ્થા હોસ્પિટલનું નામ આવે ત્યારે "ડૉ. અતુલ"નું નામ ના આવે તેવું ક્યારેય બનતું જ ન હતું. હાલ આસ્થા હોસ્પિટલની ખૂબ જ નામના થઈ હતી તેની પાછળ ડૉ. અતુલનો સિંહ ફાળો રહેલ હતો, તેવું કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ ના હતી.

ડૉ. અતુલ પોતાની ચેમ્બરમાં બેસીને ઓ.પી.ડી માં બતાવવા માટે આવેલાં દર્દીઓને એક પછી એક એમ તપાસી રહ્યાં હતાં. બરાબર એ જ સમયે તેઓનાં કાને કોઈ યુવાન પથ્થરને પણ પીગાળી દે તેવું વલોપાત કરીને આક્રંદ કરી રહ્યો હોય તેવો અવાજ સંભળાય છે, આથી ડૉ. અતુલ પોતાનાં ગળામાં રહેલ સ્ટેથોસ્કોપ ટેબલ ટેબલ પર મૂકીને પોતાની ચેર પરથી ઊભાં થઈને ચેમ્બરનાં દરવાજા તરફ અચરજ સાથે આગળ વધે છે.

ચેમ્બરની બહાર નજર કરતાંની સાથે ડૉ. અતુલે જે દ્રશ્ય જોયું તે ખરેખર ખુબ જ લાગણીસભર કે હૈયું કંપવી નાખે તેવું હતું. તેઓએ જોયું કે એકવીસ વર્ષની આસપાસ ઉંમર ધરાવતો એક યુવક આઈ.સી.યુ ની બહાર પોતાનાં ગોઠણ પર બેસીને ધ્રુસકે ધ્રુસ્કે રહી રહ્યો હતો, તે વારંવાર, "મોહિની તે મારી સાથે આવું શાં માટે કર્યું ? તે આ રહસ્ય કે રાઝ શાં માટે મારાથી છૂપાવ્યું ? તું મને શાં માટે આ દુનિયામાં એકલો છોડીને જતી રહી..? હવે આ દુનિયમાં મારું કોણ…? હવે નાની બાબતોમાં મારી સંભાળ કોણ રાખશે ? મારૂ ધ્યાન કોણ રાખશે ?" આવું વારંવાર બોલી રહ્યો હતો. આ યુવકની એકદમ બાજુમાં વિરવિખેર હાલતમાં એક બુકે પડેલ હતો. આ દ્રશ્ય જાણે ડૉ. અતુલનાં હૃદયને સ્પર્શી ગયું હોય તેમ તેઓ એકદમ ભાવુક બની જાય છે, આથી ડૉ. અતુલ તે યુવકને પોતાની ચેમ્બરમાં બોલાવવા માટે પ્યુનને આદેશ આપે છે, આથી પ્યુન એ યુવકને બોલાવવા માટે આઈ.સી.સી.યુ તરફ આગળ વધે છે.

બે દિવસ અગાઉ.

સ્થળ : એ.એમ આર્ટ્સ કોલેજ.

સમય : બપોરનાં 4 કલાક.

આશુતોષ કોલેજની બહાર આવેલાં બગીચામાં બેસીને સોશિયોલોજીની બુક વાંચી રહ્યો હતો, બરાબર એ જ સમયે એકાએક ત્યાં મોહિની આવી પહોંચે છે. મોહિનીને અચાનક પોતાની પાસે આવેલ જોઈ આશુતોષનાં આનંદ કે ખુશીઓનો કોઈ જ પાર ના રહ્યો. તેનાં ચહેરા પર ખુશીઓની રેખાઓ ઉપસી આવી, આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક આવી ગઈ. આવું આપણી સાથે પણ ક્યારેય બનતું હોય છે, આપણે કલ્પના જ ના કરી હોય, અને એકાએક આપણી નજર સમક્ષ આપણું પ્રેમીપાત્ર આવે અને આપણને જેટલી ખુશી થાય, તેટલી ખુશી કે આનંદ હાલ આશુતોષ અનુભવી રહ્યો હતો. હાલ ખૂબ જ ખુશ આશુતોષ એ બાબતથી તદ્દન જ અજાણ હતો કે તેની આ ખુશીઓને હવે કાયમી માટે ગ્રહણ લાગી જવાનું છે.

"મોહિની તું ? અત્યારે ? અહીં ?" આશુતોષ એકદમ ખુશ થતાં થતાં મોહિનીની સામે જોઈને પૂછે છે.

"હા ! મારે આજે રજા હોવા છતાં પણ હું આજે તને કંઈક જણાવવા માટે જ અહીં ખાસ આવી છું." મોહિની થોડાં ગંભીર અવાજે આશુતોષને જણાવતાં બોલે છે.

"હા..તો..જણાવ…!" થોડા જ સમયમાં પોતાને એક મોટો આઘાત લાગશે એ વાતથી એકદમ અજાણ આશુતોષ મોહિનીની સામે જોઈને બોલે છે.

"આશુતોષ આપણો એકબીજા સાથેનો સંબંધ કે સંગાથ અહીં સુધીનો જ હતો, આજ પછીથી મારી અને તારી વચ્ચે કોઈ જ સંબંધ રહેશે નહીં.. માટે તું મને હવે કાયમિક માટે ભૂલી જા….એ જ તારા માટે સારું રહેશે..!" મોહિની ગંભીર અવાજે આશુતોષને જણાવતાં બોલે છે.

આ સાંભળતાની સાથે જ જાણે એકદમ ખુશખુશાલ ગામ કે શહેર પર ઓચીતું ભયાનક પૂર આવ્યું હોય અને તે ગામ કે શહેર ઉજ્જડ બની રહ્યું હોય તેવી હાલત હાલ આશુતોષની હતી, એક જ પળમાં તેણે જોયેલાં હજારો સપનાંઓ વિરવિખેર થઈ ગયાં, તેનું મન કે હૃદય હાલ મોહિની જે બાબત જણાવી રહી હતી તે બાબત પર કોઈપણ સંજોગોમાં માની રહ્યાં ના હતાં. તેનાં મનમાં પ્રશ્નોનું એક ઘોડાપૂર આવે છે કે..શાં માટે મોહિનીએ આવો નિર્ણય કરેલ હશે ? આવો નિર્ણય કરવાં પાછળનું મોહિનીનો શું ઈરાદો હશે ? શું મોહિની ખરેખર હવે મારી સાથે સંબંધ નથી રાખવા માંગતી ? મોહિની વગર મારું શું થશે ? કોણ મારું ધ્યાન રાખશે ? મોહિની મારી સાથે મજાક તો નથી કરી રહી ને ? શું હું મારા જીવનમાં ફરી પાછો અગાઉની માફક એકલો થઈ જઈશ ?".

"સાંભળ ! મોહિની આ વિશે આપણે શાંતિથી ચર્ચા કરીએ…!" આશુતોષ પોતાનાં મનને માંડ માંડ મનાવતા અને હિંમત કરીને મોહિની સામે જોઈને બોલે છે.

"ના ! આશુતોષ હવે આપણાં સંબંધમાં ચર્ચાનો કોઈ જ અવકાશ જ નથી...મારા પરિવારે મારા લગ્ન નક્કી કરી દીધેલાં છે, માટે હવે તારે મને ભૂલવી જ પડશે..બાય ટેક કેર..!" મોહિની આટલું બોલી કોલેજનાં બગીચાની બહાર નીકળી જાય છે, જ્યારે આ બાજુ આશુતોષ મોહિનીને રોકવાના નિરર્થક પ્રયત્નો કરી રહ્યો હતો. અંતે હિંમત હારીને પોતાનાં ગોઠણભેર બેસીને રડવા લાગે છે. જ્યારે આ બાજુ મોહિની પોતાનાં આંસુઓ લૂછતાં લૂછતાં કોલેજનાં બગીચાની બહાર નીકળી જાય છે.

આ ઘટનાનાં એક દિવસ બાદ.

આશુતોષને તેનાં એક કોલેજ મિત્ર પાસેથી માલુમ પડે છે, કે મોહિનીને તબિયત લથડી હોવાથી તેને શહેરની જાણીતી અને નામચીન આસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આથી આશુતોષ મોહિનીને મનાવવા માટે અને તેની તબિયત વિશે પૂછવા માટે આસ્થા હોસ્પિટલે જવાં માટેનું નક્કી કરે છે, આથી આશુતોષ આસ્થા હોસ્પિટલે જવાં માટે પોતાનાં ઘરેથી બાઈક લઈને નીકળે છે, અને રસ્તામાંથી ફૂટપાથનાં કિનારે ફૂલો વહેંચવાવાળા પાસેથી મોહિનીને આપવાં માટે એક બુકે ખરીદે છે. થોડીવારમાં આશુતોષ આસ્થા હોસ્પિટલે આવી પહોંચે છે. હોસ્પિટલે પહોંચ્યા બાદ રીસેપ્શન પર રહેલ કર્મચારી દ્વારા તેને માલુમ પડે છે કે મોહિનીને આઈ.સી.યુ માં દાખલ કરવામાં આવેલ છે. આથી આશુતોષ આઈ.સી..યુ પાસે પહોંચે છે, અને ત્યાંના સ્ટાફ દ્વારા આશુતોષને માલુમ પડે છે કે મોહિની તો આ દુનિયાને કાયમિક માટે અલવિદા કહીને પોતાને એકલો જ મૂકીને જતી રહી છે.

હાલનાં સમયે 

આશુતોષ ડૉ. અતુલની ચેમ્બરમાં બેસેલ હતો, અને પોતાનાં મનની વ્યથા ડૉ. અતુલને જણાવી રહ્યો હતો, જ્યારે આ બાજુ ડૉ. અતુલ પણ આશુતોષની વ્યથા એકચિત્ત થઈને સાંભળી રહ્યાં હતાં. 

"તો શું તમને એવું લાગે છે કે મોહિનીએ તારી સાથે વિશ્વાસઘાત કર્યો ?" ડૉ. અતુલ આશુતોષની સામે જોઈને ગંભીર અવાજે પૂછે છે.

"વિશ્વાસઘાત તો નહીં પરંતુ તેણે એકવાર પણ મારો વિચાર ના કર્યો..?" આશુતોષ દુઃખી અવાજે બોલે છે.

"સી...આશુતોષ..તમે તમારી જાતને નસીબદાર માનો કે તમને મોહિની જેવી છોકરી પ્રેમીપાત્રનાં સ્વરૂપે મળી, બાકી આ દુનિયામાં ખૂબ ઓછા લોકો હોય છે જેને મોહિનીની જેમ બેપનાહ મોહાબત કરવાં વાળું પાત્ર મળતું હોય છે. હું તમને આજે એક રહસ્ય જણાવી રહ્યો છું, જે સાંભળી તમને તમારી જાત અને મોહિની પ્રત્યે ખૂબ જ સન્માન થઈ આવશે." ડૉ. અતુલ જાણે આશુતોષને કોઈ રહસ્ય જણાવી રહ્યાં હોય તેમ ભારે અવાજે બોલે છે.

"રહસ્ય ?" આશુતોષ હેરાની સાથે ડૉ. અતુલની સામે જોઈને નવાઈ પામતાં પૂછે છે.

"હા..આજથી પાંચ દિવસ પહેલાં મોહિની મારી પાસે ઓ.પી.ડી માં આવેલ હતી, બધાં રિપોર્ટ કરાવતાં મને ખ્યાલ આવ્યો કે મોહિની "બ્રેઈન ટ્યુમર"થી પીડાઈ રહી છે, અને આ ટ્યુમર એટલી હદે કોમ્પ્લિકેટેડ હતી કે અમે ધારીએ તો પણ તેને ઓપરેશન દ્વારા દૂર કરી શકીએ એમ તેમ ન હતાં. ટૂંકમાં એવું કહી શકાય કે એ સમયે મોહિની મોતનાં મુખ પાસે ઉભેલ હતી, અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી, અને જ્યારે મેં આ વાસ્તવિકતા કે હકીકત મોહિનીને જણાવી તો તેણે મને માત્ર એક જ પ્રશ્ન કર્યો.."સાહેબ મારી પાસે હાલ કેટલાં દિવસો છે ?" આથી મેં જવાબ આપ્યો કે, "કદાચ વધીને ચાર કે પાંચ દિવસ..!" આ જવાબ સાંભળતાની સાથે જ મોહિની અંદરથી પૂરેપૂરી તૂટી ગઈ હોય તેવું મને લાગી રહ્યું હતું. આ સાંભળી મોહીની જોર જોરથી રડવા લાગી, મેં તેને કારણ પૂછ્યું તો તેણે મને જણાવ્યું કે, "મારા વગર આશુતોષનું શું થશે ? એ પાગલ પોતાની જાતનું પણ સરખું ધ્યાન નથી રાખતો, તો હવે તેનું ધ્યાન કોણ રાખશે ? મોહિનીના મનમાં આવા પ્રશ્નો ઉદભવતા તેણે કોઈપણ કિંમતે તારી સાથે જે સંબંધ હતાં, તે સંબંધ પૂરા કરવાં માટે મનોમન નક્કી કરેલ હતું. "તેનાં લગ્ન નક્કી થઈ ગયાં" એ એક તારાથી દૂર થવાનું બહાનું હતું, જેથી તું મોહિનીને સરળતા કે સહેલાઈથી ભૂલી શકે. અને મોહિની પોતે આ દુનિયામાંથી શાંતિપૂર્ણ રીતે વિદાય લઈ શકે...બાકી મોહીનાનાં છેલ્લાં શ્વાસમાં પણ માત્રને માત્ર તારું જ નામ હતું." ડૉ. અતુલ આશુતોષને વાસ્તવિક્તાથી વાકેફ કરાવતાં આ રહસ્ય જણાવે છે.

"સાહેબ ! મને નહોતી ખબર કે કોઈ વ્યક્તિ પોતાનાં પ્રેમ માટે આટલું બધું કરી શકે...મને મોહિનીનાં મૃત્યુનું દુઃખ ઓછું લાગે તે માટે મોહિની પોતાના લગ્ન નક્કી થઈ ગયાં છે, એવું ખોટું બહાનું બતાવી, હકીકતમાં એ મને તેનાં પ્રત્યે નફરત પેદા કરાવવા માંગતી હતી, પરંતુ તમારી વાત સાંભળીને મને આજે મોહિની પ્રત્યે નફરત થવાને બદલે ઉલટાનો વધુ પ્રેમ, માન, સન્માન કે આદર થઈ આવેલ છે, ભલે મારો પ્રેમ ખૂબ જ ટૂંકા ગાળાનો, નિષ્ફળ કે અધૂરો હોય, પણ આ પ્રેમ દુનિયા કે મારા માટે તો કાયમિક માટે મહાન કે અમર રહેશે…."મોહિની એ પોતે વેન્ટિલેટર પર રહીને પોતાનાં સંબંધને વિશ્વાસ અને પ્રેમરૂપી કૃત્રિમ શ્વાસોશ્વાસ પૂરા પાડીને આજે પણ ધબકતો રાખવામાં સફળ રહેલ છે, અને મને આ બધી સાચી વાસ્તવિકતાથી વાકેફ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર…!" આશુતોષ ડૉ. અતુલનો પોતાનાં બે હાથ જોડીને સહૃદય આભાર વ્યક્ત કરતાં કરતાં ચેમ્બરની બહાર નીકળે છે.

આસ્થા હોસ્પિટલની બહાર નીકળીને આશુતોષ દુઃખી અને ભારે હૃદય સાથે બાઈક પોતાનાં ઘર તરફ જતાં રસ્તે ભગાવે છે, પરંતુ હાલ આશુતોષના મનમાં એ બાબતની ખૂબ જ ખુશી હતી કે ભલે મારો પ્રેમ અધૂરો રહ્યો પણ એ પ્રેમ વાસ્તવમાં અમર હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy