વેડફવા માટે પૈસા નથી
વેડફવા માટે પૈસા નથી
હું સખત કંટાળેલો હતો, ડિપ્રેશનમાં હતો, વિકૃત વિચારો આવતા હતાં, મારવાના, મરવાના, લોહી પીવાના, સેક્સના, છેલ્લા માનવીના, પરિવારની સામે લાશ બનીને સૂવાના, ભૂખે મરી જવાના, ખબર નહીં કેટ કેટલા. દરરોજ આમથી તેમ બચી બચીને ભાગતા હતાં, પંદર જણ હતાં પણ બધા જ મારા જેવા, બસ જીગ્નેશને છોડીને. બાવીસ દિવસથી કંઈ બરાબર નહોતું ચાલતું. રોજ એમ્બેસી જતા અને પાછા આવતા, દરરોજ અમને આશ્વાસન મળતું. પૈસા મારા પતવા આવ્યા હતાં. ઇરાક-ઇરાનની લડાઈમાં કોન્ટ્રાકટ પર કામે ગયેલા અમે ફસાયા હતાં જે ભારત પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતાં.
જીગ્નેશ મારો રૂમમેટ હતો, અમે રાજાના દિવસોમાં ફરતા, મઝા કરતા પણ એ ક્યારેય ન આવતો. જરા ચીકણો. હું તો જાહેરમાં જ એની ઠેકડી ઉડાવતો. અને એ હંમેશા હસતા હસતા કહેતો, "હું કમાવવા અહીં આવ્યો છું, વેડફવાના પૈસા નથી મારી પાસે." અને અમે હંમેશા હસતા. જીગ્નેશને બધા જ બહુ ચીડવતા. પણ એ...
છ દિવસ ભટક્યા પછી, એમ્બેસીએ અમને ભારત મોકલવા માટે તૈયારી બતાવી પણ પાસપોર્ટ તો... સુપરવાઈઝર શ્રીલંકન હતો. એની પાસે અમારા પાસપોર્ટ હતાં, એને ભાવ નક્કી કર્યા. ત્રણ હજાર આપવાના હતાં અને મારી પાસે બચ્યા હતાં માત્ર બે હજાર. બધા એ જેમ તેમ પૈસા ભેગા કર્યા હતાં, કોની પાસે માંગુ? જીગ્નેશ પાસે પણ નહોતા. મને ખાતરી થઈ ગઈ કે હું હવે ભારત નહીં જઈ શકું. પણ મારે અહીં મરવું ન્હોતું. મિલન બધાના પૈસા ભેગા કરી રહ્યો હતો, મેં ના પાડી અને એ બીજા બધાના પૈસા લઈને જીગ્નેશ પણ એની સાથે ચાલ્યો ગયો. બે કલાક પછી જીગ્નેશ આવ્યો અને પૂછ્યું,
"કેમ, પૈસા નથી?"
"ના, ઉધાર પણ કોની પાસે માંગુ."
"લે, આ પાસપોર્ટ."
"મારો પાસપોર્ટ, કેવી રીતે?"
"ચાલ, આપણે દેશ જવાના."
"પણ, પૈસા?"
એને ધીરે રહીને એનો બચતનો ગલ્લો બતાવ્યો,
"આને ખાલી કર્યો, આવી ગયા પૈસા."
એ દિવસે એની બચતના પૈસા અને એ ગલ્લા એ મને ભારત સુધી પહોંચાડ્યો.
એ મિલાન શહેર જર્મનીમાં રહે છે અને આજે પણ વાત થાય તો કહે છે,
"તારે ત્રણ હજાર ચૂકવવાના બાકી છે."
અને, હું એને મારી બચતનો ગલ્લો બતાવીને કહું છું,
"મારી પાસે વેડફવા માટે પૈસા નથી."