વડલો
વડલો


મિત્રો, આપણે નાનેથી મોટા થયાં એ દરમ્યાન આપણે ઘણી લોકવાર્તાઓ સાંભળેલ હોય છે, અમુક લોકો ક્યારેક પોતાની જિજ્ઞાસાને વશ થઈને એ લોકવાર્તાની ખરાઈ કરવાં માટેની પણ ઈચ્છા ધરાવતાં હોઈ છે...પરંતુ જ્યારે આ લોકવાર્તાની ખરાઈ કરીએ છીએ ત્યારે તેનું પરિણામ કેવું ભયંકર આવશે તેનો આપણે વિચાર પણ કરેલ નથી હોતો !
આવી જ એક ઘટનાં મારી સાથે પણ બનેલ હતી, મારું ગામ અમરેલી હતું, અને દર ઉનાળુ વેકેશનમાં હું મારા મામાના ગામ એટલે કે નવાગામ જતો હતો. લગભગ દર વર્ષે આવી રીતે વેકેશનમાં નવાગામ જતો હોવાથી મારે પણ તે ગામમાં ઘણાં મિત્રો બની ગયાં હતાં. અમારી પાંચ મિત્રોની ટોળકી બની ગઈ હતી.!
એક દિવસ ભર ઉનાળે, મુઠ્ઠી જાર જમીન પર નાખો તો તેની ઘાણી બની જાય, એવા ધકધકતા ધોમ તડકામાં અમે પાંચ મિત્રો ગામનાં પાદરે રમવા પહોંચી ગયાં. મનુષ્યનાં નામે એક ચકલું પણ ફરકતું ના હતું. બધાં જ લોકો પોત પોતાનાં ઘરમાં આરામ ફરમાવી રહ્યાં હતાં, આખા ગામમાં જાણે કરફ્યુ જાહેર કરવામાં આવેલ હોય તેમ નીરવ સન્નાટો છવાયેલ હતો.!
અમે લોકો ધીમે - ધીમે ગામનાં પાદરે રમતાં - રમતાં ગામનાં પાદરની વચ્ચોવચ્ચ આવેલ એક વડલા પાસે જઈ પડયા, એવામાં મારું ધ્યાન એ વડલાની ફરતે બાંધેલ એક લાલ રંગનાં કપડાંની પોટલી પર પડી. આથી ઉત્સુકતાવશ થઈને મેં એ લાલ રંગની પોટલી વડલા પરથી છોડીને નીચે ઉતારી અને ઝડપથી એ પોટલી ખોલી.તો તેમાં ચોખા,ઘઉં, કંકુ, બંગડીઓ, ચાંદલા અને અગરબત્તી એવી બધી વસ્તુઓ હતી. આથી અમે બધા આ વસ્તુઓ જોઈને ગભરાઈ ગયાં. આથી અમે ગામને પાદર આવેલ એક નહેરમાં નાખીને ગભરાઈને પોત-પોતાનાં ઘરે જતાં રહ્યાં.
એ દિવસે રાતે મને ખુબજ તાવ આવી ગયો, મારૂ આખે આખું શરીર ધ્રુજી રહ્યું હતું, હું કંપી રહ્યો હતો, ગામનાં ડોકટર અમારા ઘરે આવ્યાં, અને મને એક ઇન્જેક્શન આપ્યું, અને થોડી દવાઓ લેવાં માટે સમજાવ્યું..ઇન્જેક્શન અને દવા લેવાં છતાંપણ મારો તાવ ઉતરવાનું નામ નહોતો લઈ રહ્યો..! જેમ જેમ કલાકો વીતતા રહ્યાં તેમ તેમ મારી હાલત વધુ ખરાબ થઈ રહી હતી. આથી મારા દાદાએ મને પૂછ્યું કે, " બેટા ! આજે આખો દિવસ તે શું કર્યું...? તે શું - શું પ્રવૃત્તિઓ કરી.?" - આથી મેં મારા દાદાને ગામને પાદર આવેલ વડલાવાળી આખી વાત માંડીને કરી....આ સાંભળી મારા દાદાના ચહેરા પર ગભરાહટ સાથે ચિંતાઓની લકીરો છવાઈ ગઇ. ખૂબ જ ઊંડો વિચાર કર્યા બાદ...મારા દાદા એ એકપણ ક્ષણ વ્યર્થ કર્યા વગર ગામમાં આવેલાં શિવજી મંદિરના પૂજારીને અમારા ઘરે લઈને આવ્યાં, એ પુજારીએ મારા પરથી નજર ઉતારી. મારા થોડાક કેશ કાપીને લાલ રંગના એક કપડામાં વીંટાળી મારા મામાને પેલા વડલા પર લટકાવી આવવા માટે કહ્યું, અને પૂજારી ત્યારબાદ મંદિરે પાછા ફર્યા, અને મારા મામાએ પુજારીએ જે પ્રમાણે જણાવ્યું હતું તે પ્રમાણે કર્યું. થોડાજ કલાકોમાં મારા તાવ ધીમે - ધીમે ઉતારવા લાગ્યો, અને સવાર સુધીમાં તો હું એકદમ પહેલાની માફક સ્વસ્થ થઈ ગયો. !
જોત- જોતામાં મારું ઉનાળુ વેકેશન પણ પૂરું થઈ ગયું, પછી મને મારા મમ્મી પાસેથી જાણવા મળ્યું કે મારા દાદા અત્યાર સુધી મારા મમ્મીને જે લોકવાર્તા કહેતાં હતાં..એ ખરેખર સાચી જ હતી..અને મારાથી જાણતાં કે અજાણતાં એ વડલા સાથે શ્લોક કે મંત્રોચ્ચાર દ્વારા બાંધેલ એક ચુડેલને મેં છનછેડાય ગઈ હતી.!
મારા મમ્મીએ ત્યારબાદ મને આખી વાત કરી કે આજથી ઘણાં વર્ષો પહેલાં અમારા ગામમાં એક ચુડેલ આવી ચડેલ હતી, જે આખા ગામનાં નાના - નાના બાળકોને જ પોતાનો શિકાર કરતી હતી...અને એ ભૂલકાઓનું લોહી પીતી હતી ધીમે - ધીમે એક પછી એક બાળકો ગામમાંથી ગુમ થવાં લાગ્યાં, અને પછી એવું જાણવા મળ્યું કે આપણાં ગામમાં એક ચુડેલ આવી ચડેલ છે, અને આપણાં સંતાનો ગુમ થવાં પાછળ એનો જ હાથ છે, બરાબર એ જ દિવસે અમારા ગામનાં શિવજી મંદિરમાં કાશીથી એક મહંત આવેલ હતાં, આથી ગામમાં રહેતા લોકો અને સરપંચ આ સમસ્યાના નિરાકરણ માટે શિવજી મંદિરે આવેલાં મહંત પાસે ગયાં, એજ દિવસે મોડી રાતે રાતનાં બાર વાગ્યે એ મહંત અને શિવજી મંદિરના પુજારીએ ગામનાં જુવાનોની અને મંત્રોચ્ચારની તાકાતથી એ ચુડેલને ગામને પાદર આવેલ વડલા સાથે બાંધીને સળગાવવામાં આવી હતી..અને ત્યારબાદ બીજે દિવસે એ ચુડેલને મનપસંદ વસ્તુઓ એક લાલ રંગના કપડામાં વીંટાળીને એ વડલા સાથે બાંધી દીધેલ હતી....ત્યારથી માંડીને આજ સુધી એ ચુડેલે ક્યારેય કોઈ ગામ વાસીઓને હેરાન કરેલ ન હતાં..!
મિત્રો આ લોકવાર્તા મારા માટે ખરેખર સાચી જ હતી. પરંતુ હું તેના વિશે જરાપણ જાણતો ન હોવાથી મેં અજાણતાં જ એ ચુડેલને છનછેડી દીધેલ હતી. આથી જ એ રાતે મને ખુબ જ તાવ આવી ગયો હતો અને મારી હાલત લથડી પડેલ હતી. પરંતુ આભાર એ શિવજી મંદિરના પૂજારીનો કે જેણે મને આવી મુસીબતમાંથી હેમખેમ બચાવી લીધો..ત્યારબાદ હું નવાગામ જેટલી વખત ઉનાળુ વેકેશન કરવા ગયો, એ દરમ્યાન એ વડલા પાસે હું ક્યારેય નથી ગયો. જ્યારે પણ હું ત્યાંથી પસાર થતો ત્યારે મને મારા મમ્મીએ કહેલ લોકવાર્તા જે મારા માટે હકીકત જ હતી. એ અચૂકપણે યાદ આવી જતી હતી.!