વાસી બ્રેડનો ટુકડો
વાસી બ્રેડનો ટુકડો
આ કપરા કોરોના કાળમાં જ્યારે બધાના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે ત્યારે બિચારા છૂટક મજૂરી કરવાવાળાની તો દશાજ વિચારી શકાય એમ નથી. મગન પણ છૂટક મજૂરી એ જતો હતો. મગનની વહુ ગીતા તેની ઝૂંપડપટ્ટીની નજીકના બંગલાઓમાં કચરા પોતા અને વાસણ કરવા જતી હતી. અને એમ બંને મહેનત કરીને પોતાની લાડકવાયી દીકરી રૂપા ને ઉછેરી રહ્યા હતા. પણ કોરોનામાં મગનને છૂટક મજૂરીના કામ પણ મળતા બંધ થઈ ગયા, આ બાજુ ગીતા પાસે પણ પહેલાં જેટલા કામ રહ્યા નહીં. ખાલી ગીતાની આવકમાંથી ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું, અને ત્યાં ગીતા બીમાર પડી, તેને શરદી, ખાંસી અને તાવ આવવા લાગ્યા. ઘરમાં બચત તો ખાસ હતી નહીં, બધી લોકડાઉન વખતે વપરાઈ ગઈ હતી. રૂપા પણ હજી માંડ બારેક વર્ષની હતી, તેને કામ પર કોણ રાખે ? અને આમ પણ ગીતા એ કસમ ખાધી હતી કે તે રૂપા પાસે ક્યારેય લોકોના ઘરના કામ નહીં કરાવે, તેને તો રૂપાને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવવી હતી. માંદી ગીતાને ડોક્ટરે દવા લખી આપી અને તેમની પરિસ્થિતિથી વાકેફ ડોક્ટરે પોતાની પાસે પડેલા સેમ્પલમાંથી મફત દવા આપી પણ દીધી અને ઉમેર્યું કે કંઈક ખવડાવ્યા પછી જ દવા આપજો, ભારે ડોઝ છે.
ઘરમાં અન્ન નોએક પણ દાનો હતો નહીં, આથી મગન ક્યાંકથી પરચુરણ કામ કરીને કે ઉધાર લાવીને ખાવાની વ્યવસ્થા કરવા નીકળી ગયો.આ બાજુ ભૂખ અને બિમારીથી ગીતાની હાલત તો ખરાબ થવા લાગી, વળી ખાધા વગર દવા પણ લેવાય એવું હતું નહીં, આથી રૂપા તેમની ઘરની નજીક આવેલા કરિયાણાની દુકાન પર ગઈ તો ત્યાં સેઠ કસ્તુર ચંદ વાસી બ્રેડના ટુકડા કરીને કૂતરા ને ખવડાવી રહ્યા હતા. રૂપાએ સેઠને આજીજી કરી કે; "મને પણ થોડા બ્રેડના ટુકડા આપો ને, ભલે વાસી હશે તો ચાલશે, મારી માં બહુ જ બીમાર છે, ને એને કંઈક ખવડાવીને દવા પીવડાવવાની છે, તો થોડી મહેરબાની કરો ને."કસ્તુર ચંદે ઉપરથી નીચે સુધી રૂપાને જોઈને કહ્યું કે ," વાસી શું કામ ? તું તાજી બ્રેડનું પેકેટ જ લઈ જા ને, જો એ અંદર ખૂણામાં પડ્યું છે." બિચારી ભોળી રૂપા જેવી દુકાનની અંદરના ખૂણા તરફ ગઈ કે તરત જ સેઠે દુકાનનું બારણું અંદરથી બંધ કરી દીધું ને રૂપાને પોતાની હવસનો શિકાર બનાવી. બિચારી રોતી, કકળતી, દર્દથી પીડાતી રૂપા બોલતી રહી કે મારો શું વાંક ? મેં તો વાસી બ્રેડનો ટુકડો જ માંગ્યો હતો ને ! શું હું કૂતરાથી પણ બદતર છું ?
