The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

ઊટી ભાગ ૨૨

ઊટી ભાગ ૨૨

12 mins
251


(ડૉ. રાજન જ્યારે પોતાની વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં રાઉન્ડ લઈ લઈ રહ્યાં હતાં, બરાબર એ જ સમયે દિક્ષિત અખિલેશને બેભાન હાલતમાં લઈને આવે છે, આથી ડૉ. રાજન અખિલેશને સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં દાખલ કરીને તાત્કાલિક સારવાર આપવાનું ચાલુ કરી દે છે…..જ્યારે બીજી બાજુ દીક્ષિત સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર બેસે છે, અને તેની આંખોમાંથી દુઃખને લીધે આંસુઓ વહેવા માંડે છે, અને દીક્ષિતનાં મનમાં અનેક વિચારો આવવાં લાગે છે….)

    લગભગ એકાદ કલાક બાદ ડૉ. રાજન સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર આવે છે, ડૉ. રાજનને બહાર આવતાં જોઈને દીક્ષિતે ડૉ. રાજનને પૂછ્યું.

"સાહેબ ! શું થયું અખિલેશને….? આમ તે એકાએક બેભાન કેવી રીતે થઈ ગયો..? બેભાન થવા પાછળનું કારણ શું છે…? હવે અખિલેશને કેવું છે…? અખિલેશને કઈ થશે તો નહીં ને…? શું અખિલેશ હેમખેમ બચી તો જશેને…? શું અખિલેશને કોઈ ગંભીર બીમારી તો નથી ને..?" - આવા અનેક પ્રશ્નો દીક્ષિતે એક જ સાથે ચિંતાતુર થઈને ડૉ. રાજનને પૂછયાં.

"મિ. દીક્ષિત ! ચિંતા ના કરો...તમે મારી સાથે આવો…!" - પોતાની ચેમ્બર તરફ ઈશારો કરતાં ડૉ. રાજન બોલ્યાં.

   દીક્ષિત જ્યારે ડૉ. રાજનની ચેમ્બરમાં દાખલ થયો, ત્યારે ડૉ. રાજનની ચેરની સામે ડૉ અભય બેસેલ હતાં, ડૉ. અભય તરફ ઈશારો કરતાં ડૉ. રાજન બોલ્યાં.

"દીક્ષિત ! મીટ ધ ડૉ. અભય વુ ઇસ વેલ નોન સાઈકિયાટ્રીસ્ટ ઓફ અવર સીટી…" 

"હેલો ! સર..!" - દીક્ષિતે પોતાનાં ચહેરા પર સ્મિત સાથે બોલ્યો.

"બટ ! સર…! અખિલેશ…?" - થોડાક મૂંઝાતા અવાજમાં દીક્ષિત બોલ્યો.

"યસ ! મિ. દીક્ષિત ! હું અને અભય સાથે મળીને અખિલેશનો કેશ હેન્ડલ કરી રહ્યાં છીએ, જ્યારે તમે અખિલેશને બેભાન હાલતમાં અહીં લઈને આવ્યાં હતાં, ત્યારે જ મારી હોસ્પિટલના કર્મચારીને કહીને મેં ડૉ. અભયને મારી હોસ્પિટલે બોલાવી લીધાં હતાં, ડૉ. અભયને નેશનલ લેવલે એટલે કે ઓલ ઇન્ડિયા સાઈકિયાટ્રિક એસોસિએશન દ્વારા બેસ્ટ સાઈકિયાટ્રીસ્ટનો એવોર્ડ પણ મળેલ છે, જેણે માનવામાં ના આવે તેવા ચિત્ર - વિચિત્ર કેસોને પણ સારી રીતે હેન્ડલ કરેલા છે, અને તેમાં તેમને સફળતાં પણ મળેલ છે." - ડૉ. રાજન ડૉ. અભયનો પરિચય આપતાં બોલ્યાં.

"સી.! મિ. દીક્ષિત ! મેં અત્યાર સુધીમાં ઘણાં ચિત્ર-વિચિત્ર કેસ હેન્ડલ કરેલાં છે, અને હું અને રાજન છેલ્લા ઘણાં સમયથી અખિલેશની સારવાર કરી રહ્યાં છીએ પણ અખિલેશનો કેસ અત્યાર સુધી મેં હેન્ડલ કરેલા બધાં જ કેસ કરતાં, મને કંઈક અલગ જ લાગે છે, અખિલેશની અમે સારવાર ચાલુ કરી જ દીધી છે…" - ડૉ. અભયે દીક્ષિતને સમજાવતાં કહ્યું.

"સાહેબ ! પણ ! અખિલેશને સારું તો થઈ જશેને…?" - દીક્ષિતે હળવા અવાજમાં પૂછ્યું.

"સી.! મિ. દીક્ષિત અખિલેશ હાલમાં તો સંપૂર્ણ રીતે સુરક્ષિત જ છે, એટલે કે આઉટ ઓફ ડેન્જર છે, અને હમણાં થોડી જ કલાકોમાં અખિલેશ પહેલાની માફક ભાનમાં આવી જશે...પરંતુ અખિલેશને અમારે આ હોસ્પિટલમાં 24 કલાક માટે ઓબસર્વેશનમાં રાખવો પડશે…!" - ડૉ. રાજન બોલ્યાં.

"સાહેબ ! એમાં મને કોઈ વાંધો નથી...તમારે અખિલેશને જેટલો સમય હોસ્પિટલમાં દાખલ રાખવો હોય, એટલો સમય દાખલ રાખો…પરંતુ અખિલેશને કાંઇ ના થવું જોઈએ...પછી ભલે ગમે તેટલા રૂપિયાનો ખર્ચ થાય...હું એ ભોગવવા તૈયાર છું… બસ અખિલેશને કોઈપણ કિંમતે કંઈ ના થવું જોઈએ." - દીક્ષિત ડૉ. રાજન અને અભયને વિનંતી કરતાં બોલ્યો.

"અરે ! કાંઈ નહીં થશે અખિલેશ...તમે ચિંતા ના કરીશો…!" 

"પણ ! સાહેબ અખિલેશને થયું છે શું…?" - દીક્ષિતે પૂછ્યું.

"હાલમાં અખિલેશની કંડીશન અને તમે આપેલ હિસ્ટ્રી જોતા એવું લાગે છે કે અખિલેશ પી.ટી.એસ.ડી (P. T. S. D.) નો ભોગ બન્યો હોય…!" - ડૉ. અભયે દીક્ષિતને જણાવતાં કહ્યું.

"સાહેબ ! પી.ટી.એસ.ડી એ વળી શું છે…?" દીક્ષિતે આશ્ચર્ય પામતાં પૂછ્યું.

"પી.ટી.એસ.ડી એ એક મેડિકલ ટર્મ છે, જે ખાસ કરીને સાઈકિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં વપરાય છે જેનો મતલબ થાય…"પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર." જેમાં વ્યક્તિ સાથે કોઈ દુર્ઘટના અથવા પોતે ધારેલ ન હોય તેવી અણધારી આફત કે મુસીબત આવે...અને આ મુસીબત કે આફત ફરી પાછી આવશે...એનો સતત વધારે પડતો ડર લાગ્યાં કરે કે ચિંતા થયાં કરે તેને પી.ટી.એસ.ડી. કહેવામાં આવે છે…..અખિલેશનાં કેસમાં પણ કોઈ એક એવી ઘટનાં ચોક્કસ બની હશે કે જેને પોતે કે પોતાનું મન કોઈપણ સંજોગોમાં સ્વીકારવા તૈયાર ન હોય, આથી અખિલેશને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો… જેને લીધે અખિલેશનાં મગજમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું, અને આ સ્ટ્રેસનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે અખિલેશનું શરીર આ આઘાત કે સ્ટ્રેસને સહન ના કરી શકયું….આથી અખિલેશ બેભાન થઈ ગયો… હવે તો સૌ પ્રથમ આપણે અખિલેશ સાથે શું ઘટના બની હશે કે જેને લીધે આટલો ઊંડો આઘાત લાગ્યો હશે...એ આપણે જાણવું જરૂરી છે." - ડૉ.રાજને અને અભયે દીક્ષિતને સમજાવતાં કહ્યું.

પણ હા મને એ તો જણાવો કે અખિલેશની તબિયત બગડી એ તમને કેવી રીતે ખબર પડી…?" - ડૉ. અભયે દીક્ષિતને અધવચ્ચે ચાલુ વાતે અટકાવતાં પૂછ્યું.

" સાહેબ ! આજે સવારે જ્યારે હું મારી કંપનીએ કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં મારા મોબાઈલમાં કોલ આવ્યો, મેં ડિસ્પ્લે પર નજર કરી, તો તેમાં લખેલ હતું, અનનોન નંબર, આથી મેં કોલ રિસીવ કર્યો, તો સામેંથી મને એક છોકરીનો અવાજ સંભળાયો જેણે પોતાનું નામ સાક્ષી જણાવેલ હતું, તેણે મને કહ્યું કે તમે અખિલેશને મદદ કરો, હાલમાં તે કોઈ મોટી મુસીબતમાં હોય એવું મને લાગે છે, મેં તેને પૂછ્યું કે મારો નંબર તમારી પાસે ક્યાંથી આવ્યો….તો તેણે મને કહ્યું કે હું આ બધું તમને પછી શાંતિથી જણાવીશ તમે પહેલા અખિલેશને મદદ કરો અને તેને બચાવો પ્લીઝ…! આથી મેં એકપણ સેકન્ડ વેસ્ટ કર્યા વગર જ મારી કાર અખિલેશનાં ફ્લેટ તરફ વાળી, અખિલેશનાં નસીબ એ સમયે ખુબજ સારા હતાં કારણ કે એ સમયે હું અખિલેશનાં ફ્લેટથી માત્ર દસ જ મિનિટ દૂર હતો, આથી મેં મારી કારની સ્પીડ વધારી અને એકદમ ઝડપથી અખિલેશનાં ફલેટે પહોચ્યો, ત્યાં જઈને મેં જોયું તો અખિલેશ તેના ફ્લેટની ફ્લોર પર બેભાન થઈને પડેલ હતો, અને તેની આસપાસ ચા અને નાસ્તો ઢોળાયેલ હતો…" - આટલું બોલતાં દીક્ષિતની આંખોમાં આંસુ આવી ગયાં, અને રડવા જેવો થઈ ગયો.

"મિ. દીક્ષિત ! ડોન્ટ વરી...તમે તમતમારે કંઈપણ ચિંતા કર્યા વગર સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર બેસો...અખિલેશ થોડાક જ કલાકમાં ભાનમાં આવી જશે….!" - ડૉ. રાજનએ દીક્ષિતને હિંમત આપતાં કહ્યું.

   ત્યારબાદ દીક્ષિત પોતાના આંસુઓ લૂછતાં-લૂછતાં, ડૉ. રાજનની ચેમ્બરની બહાર નીકળે છે, અને સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર રાખેલ બેંચ પર બેસે છે, ત્યારબાદ પોતાની સાથે આવેલા કંપનીનાં અન્ય કર્મચારીઓને કંપનીએ જવા માટેની સૂચના આપે છે…..અને પોતે વેદાંત હોસ્પિટલમાં જ રોકાય છે.

       આ બાજુ ડૉ. રાજન અને ડૉ. અભય અખિલેશનો કેશ કેવી રીતે સોલ્વ કરવો તેના માટેની સ્ટ્રેટેજી નક્કી કરવાં માંડે છે, અભય રાજનને જણાવે છે કે…

"સી ! રાજન ! આપણી પાસે અત્યાર સુધી ઘણાં જ કેસો આવ્યાં હશે..અને એ બધાં કેસ આપણે સારી રીતે સોલ્વ પણ કરેલા છે.....પરંતુ હું એવું માનું છું કે અખિલેશનો કેસ માત્ર હોસ્પિટલ લેવલે સોલ્વ થઈ શકે એમ નથી…." - અભયે કંઈક વિચારીને રાજનને જણાવ્યું.

"અભય મને કંઈ સમજાયું નહીં." - રાજને નવાઈ સાથે અભયને પૂછ્યું.

"જો ! રાજન આપણે અખિલેશનો કેસ સોલ્વ કરવો હોય, કે પછી તેના કેસ સાથે જોડાયેલા રહસ્યોનો ઉકેલ લાવવો હોય તો તેના મૂળ સુધી પહોંચવું પડશે….આઈ મીન કે આ કેસ જયાંથી શરૂ થયો ત્યાં જ પૂરો થશે….એટલે કે આ કેસનું રહસ્ય કે મૂળ.. જરૂરને જરૂર ઊટી સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલું હોય તેવું મને લાગે છે…!" - અભયે પોતાનાં વિચાર જણાવતાં રાજનને કહ્યું.

"તો..તારું શું માનવું છે…? આ બાબતે…?" - રાજને પૂછ્યું.

"આ કેસ સોલ્વ કરવાં માટે મારે ઊટી જાવું પડશે…!" - અભય પોતાનો વિચાર રજુ કરતાં બોલ્યો.

"ઓકે ! સ્યોર ! એઝ યુ વિશ….તને જે ઠીક લાગે તે કર… આઈ હેવ નો એની ઓબજેક્શન..!" - ડૉ. રાજને અભયનાં વિચાર સાથે સહમતી દર્શાવતા કહ્યું.

"ઓકે ! સ્યોર…! આઈ એમ એસેપટિંગ ધીસ ચેલેજ.!" - ડૉ. અભય એક આત્મ વિશ્વાસ સાથે બોલ્યાં.

  એટલીવારમાં દીક્ષિત ડૉ. રાજનની ચેમ્બરનો દરવાજો ખટ-ખટાવે છે, અને ચેમ્બરમાં આવવાની પરમિશન માંગે છે, અને પોતાનો મોબાઈલ ડૉ. રાજનને આપતાં કહે છે કે…

"સાહેબ ! સાક્ષી...જેણે મને અખિલેશ મુસીબતમાં હતો, અને તેની મને જાણ કરી તેનો ઊટીથી કોલ છે…!" - પોતાનો મોબાઈલ ડૉ. રાજનને આપતાં દીક્ષિત બોલે છે.

"હેલો.."

"હેલો ! ગુડ મોર્નિંગ ! સર..!" - સાક્ષી વિશ આપતાં બોલે છે.

"ગુડ મોર્નિંગ ! સાક્ષી…!" - ડૉ. રાજન બોલ્યાં.

"સર ! હું સાક્ષી વાત કરું છું, હું ઊટીની સિલ્વર સેન્ડ હોટલમાં રીસેપનિસ્ટ તરીકે નોકરી કરું છું….!" - સાક્ષી પોતાનો પરિચય આપતાં બોલી.

"ઓકે ! સાક્ષી ! મને તું અખિલેશ વિશે કે તેની સાથે ઊટીમાં જે ઘટનાં બની એના વિશે તું જે કંઈ પણ જાણે છો, એ મને વિસ્તારપૂર્વક જણાવ, જેથી અમે અખિલેશની સારવાર વ્યવસ્થિત અને સારી રીતે કરી શકીએ….હાલમાં તું એક જ એવી વ્યક્તિ છો કે જે અખિલેશ સાથે ઊટીમાં શું ઘટનાં બની તેના વિશે અમને જણાવી શકે….હાલમાં અખિલેશ બેભાન હાલતમાં છે, જેથી તે અમને જણાવી શકે તેવી હાલતમાં નથી…!" - ડૉ. રાજને સાક્ષીને કહ્યું. આ સમયે ડૉ. રાજને દીક્ષિતનો મોબાઈલ ફોન સ્પીકર મોડ પર રાખી દીધો જેથી કરીને ડૉ. અભય અને દીક્ષિત પણ અખિલેશ સાથે ઊટીમાં શું ઘટના બની તેના વિશે જાણી શકે.

      ત્યારબાદ સાક્ષીએ અખિલેશ વિશે જે કંઈપણ જાણતી હતી, અથવા અખિલેશે સાક્ષીને પોતાની સાથે જે કંઈપણ બન્યું હતું તે જણાવ્યું હતું, એ જ આખી માહિતી સાક્ષી ડૉ. રાજનને આપે છે.

અંતમાં સાક્ષી કહ્યું કે 

"જે શ્રેયાને અખિલેશ શોધતો-શોધતો અમારી હોટલે આવેલ હતો, એ ખરેખર શ્રેયા નહીં પરંતુ નિત્યા હતી…" - ડૉ. રાજન, ડૉ. અભય અને દીક્ષિત આ વાત સાંભળીને અવાક બની ગયાં.

"બટ ! હાઉ ધેટ ઇઝ પોસીબલ…..?" - ડૉ. રાજન નવાઈ સાથે સાક્ષીને પૂછે છે.

"સર ! અખિલેશ સરે મને અમારી હોટલથી પરત ફરતી વખતે, શ્રેયાનો એક ફોટો અને પોતાની કંપનીનું વિઝીટિંગ કાર્ડ આપેલ હતાં, જે ફોટો મારા બેગમાં હતો, એ જ દિવસે અમારી હોટલનાં માલિક વિશ્વજીત સર આવ્યાં, અને હું તને નમસ્કાર કરવાં ગઈ, ત્યારે મારું પર્સ નીચે પડયું, આથી પર્સમાં રાખેલ બધી વસ્તુઓ ફ્લોર પર ઢોળાય ગઈ, જેમાં શ્રેયાનો ફોટો પણ હતો, અને જોગાનુજોગ અમારી હોટલના માલિકની નજર શ્રેયાનાં ફોટા પર પડી….અને ત્યારબાદ વિશ્વજીત સરે મને શ્રેયા વિશેની આખી માહિતી જણાવી…..અને જ્યારે મેં આ બાબતે અમારી હોટલનાં રજીસ્ટરમાં વધું તપાસ કરી, તો મને માલુમ પડ્યું કે અખિલેશે જે શ્રેયાનો ફોટો મને આપેલ હતો તે વાસ્તવમાં શ્રેયા નહીં પરંતુ નિત્યા હતી...જેણે વર્ષો પહેલા જ ઊટીનાં ટાઇગર હિલ પર પોતાના પ્રેમી નિસર્ગ સાથે આત્મહત્યા કરી લીધી હતી." - આ સાંભળી ડૉ. રાજન, ડૉ. અભય અને દીક્ષિતનાં રુવાટાઓ ઉભા થઇ ગયાં, પોતાનાં મગજે જાણે કામ કરવાનું બંધ કરી દીધું હોય તેવું ત્રણેયને લાગી રહ્યું હતું….આ વાત જ એવી હતી કે જેનાં પર વિશ્વાસ આવે તેમ જ ના હતો.

"ધીસ ઇઝ ઈમ્પોસીબલ….!" - ડૉ. રાજન એક ઝટકા કે આઘાત સાથે બોલી ઉઠ્યાં.

"સર ! અખિલેશે મને જે ફોટો આપ્યો એ જો શ્રેયાનો જ ફોટો હોય, તો મારું માનવું છે કે તે ફોટામાં જે છે તે શ્રેયા નહીં પરંતુ નિત્યા જ છે….કારણ કે અમારી હોટલનાં જુનાં રજીસ્ટરમાં એ ફોટા સામે નિત્યા એવું જ નામ લખેલ છે….કદાચ માની લો કે અખિલેશે મને જે ફોટો આપ્યો એ શ્રેયાનો હોય, તો પછી નિત્યાએ અમારી હોટલમાં આપલે ઓળખ કાર્ડમાં પણ એ જ ફોટો કેવી રીતે હોઈ શકે….અને એ ઓળખ કાર્ડમાં તો નિત્યાનું સરનામું પણ લખેલ છે." - આ સાંભળી ડૉ. રાજન, ડૉ. અભય અને દીક્ષિત ખુબ જ આશ્ચર્ય પામ્યાં.

"ઓકે ! સાક્ષી ! તારો ખુબ ખુબ આભાર…..અમને અખિલેશ વિશે અને તેની સાથે ઘટેલ સમગ્ર ઘટનાં વિશે માહિતી આપવા બદલ….! શું તું અમને ભવિષ્યમાં પણ જ્યારે અખિલેશની સારવાર માટે કોઈ માહિતી માટે તારી જરૂર પડશે...તો અમારી આવી જ રીતે મદદ કરીશ…?" - ડૉ. રાજને સાક્ષીને પૂછ્યું.

"હા ! સાહેબ ! ચોક્કસ હું તમારી મદદ કરીશ...તમને જ્યારે પણ મારી કોઈ જરૂરીયાત જણાય તો મને કોલ કરી શકો છો…!" - સાક્ષી બોલી.

"પણ….તું અખિલેશની આટલી બધી મદદ શાં માટે કરી રહી છો….?" - પોતાનાં મનમાં રહેલ શંકાનું સમાધાન કરતાં ડૉ. અભયે પૂછ્યું.

"સાહેબ ! મને ખબર નહીં કે અખિલેશ જેને પ્રેમ કરે છે, કે કરતો હતો એ શ્રેયા છે કે નિત્યા, પરંતુ મેં અખિલેશની આંખોમાં શ્રેયા પ્રત્યે અપાર અને અખૂટ પ્રેમ જોયેલો હતો, જે તેની આંખોમાં આંસુ હોવા છતાંપણ દેખાય આવી રહ્યો હતો…..આથી મેં મનોમન નક્કી કર્યું કે જો હું બે સાચો પ્રેમ કરનાર પ્રેમી પંખીડાને મેળવવામાં મદદ કરીશ તો એ મારું સદભાગ્ય હશે...આથી મેં અખિલેશને મારાથી બનતી મદદ કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું, આથી હું અખિલેશને મદદ કરી રહી છું….!" - ડૉ. અભયે પૂછેલ પ્રશ્નનો જવાબ આપતાં સાક્ષી બોલી.

"તો ! પછી તારી પાસે મારો મોબાઈલ નંબર ક્યાંથી આવ્યો….?" - દીક્ષિતે મનમાં રહેલ પ્રશ્નનો જવાબ મેળવવા માટે સાક્ષીને પૂછ્યું.

"સર ! તમારો કોન્ટેક નંબર મને અખિલેશે આપેલ તમારી ડિજિટેક કંપનીનાં વિઝીટિંગ કાર્ડમાંથી મળ્યો, જેમાં લખેલ હતું દીક્ષિત શાહ...સી.ઈ.ઓ ડિજિટેક સોફ્ટવેર કંપની, મુંબઈ, આથી અખિલેશને મદદ કરવા માટે મેં તમને કોલ કર્યો હતો…!" - સાક્ષી દીક્ષિતે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં બોલી.

"પરંતુ ! આજે તે અખિલેશને આટલાં દિવસ પછી કોલ કર્યો એનું કોઈ ચોક્કસ રિઝન ખરું…?" - ડૉ. અભયે સાક્ષીને પૂછ્યું.

"હા ! સાહેબે ! મને અમારાં હોટલ માલિક વિશ્વજીત સર, અને જુનાં રજીસ્ટરમાંથી શ્રેયા વિશે જે વાસ્તવિકતા જાણવાં મળી, તેના વિશે જણવવાં માટે મેં અખિલેશને કોલ કરેલ હતો, પરંતુ અફસોસ કે અખિલેશનાં હૃદયને આ વાત સાંભળીને એટલો આઘાત લાગ્યો કે હું તેને નિત્યા એવું નામ જણાવું તે પહેલાં જ બેભાન થઈ ગયો." - સાક્ષી જવાબ આપતાં બોલી.

"ઓકે ! સાક્ષી ! થેન્ક યુ વેરી મચ…!" - ડૉ. રાજન બોલ્યાં.

"ઓલવેઝ ! વેલ કમ સર….મારા લાયક કંઈ જરૂર જણાય તો મને કોલ કરજો.." - સાક્ષીએ પોતાનો નંબર જણાવતાં બોલી.

     આ બાજુ ડૉ. રાજનની ચેમ્બરમાં થોડાક સમય માટે એકદમ નીરવ શાંતિ છવાય ગઈ….એક ટાંકણી પડે તો તેનો પણ અવાજ આવે એવો છન્નાટો છવાઈ ગયો હતો, અખિલેશનો કેસ જાણે અનેક રહસ્યો લઈને બેઠો હોય તેવું ડૉ. રાજન અને અભયને લાગી રહ્યું હતું. અખિલેશનો કેસ માનવામાં ના આવે તેવા નવાં-નવાં વળાંકો લઈ રહ્યો હતો, ડૉ. રાજન અને અભય હજુપણ આ કેસ કેવી રીતે હેન્ડલ કરવો એના વિશે મનોમંથન કરી રહ્યાં હતાં, જ્યારે દીક્ષિત તો આ બધું સાંભળીને એકદમ અવાક જ બની ગયો હતો, અખિલેશ સાથે આ શું થઈ રહ્યું હતું તે તેની સમજમાં નહોતું આવી રહ્યું, અખિલેશનાં નસીબમાં શું લખેલ હશે...તે દીક્ષિતને સમજાતું ન હતું.

      એવામાં અચાનક વોર્ડબોય પરેશ ઝડપથી દોડતાં-દોડતાં ડૉ. રાજનની ચેમ્બરમાં આવે છે, અને કહે છે કે…

"સાહેબ ! સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં રાખેલ દર્દી અખિલેશ ભાનમાં આવી રહ્યાં છે,....આ સાંભળતાની સાથે જ ડૉ. રાજન, ડૉ. અભય અને દીક્ષિતે સાઈકિયાટ્રિક આઈ.સી.યુ બાજુ પોતાની ખુરશીમાંથી ઉભા થઈને દોટ મૂકી…! 

   ત્યારબાદ ત્રણેય સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં પહોંચે છે...ત્યાં જઈને જુએ છે તો અખિલેશ ધીમે - ધીમે ભાનમાં આવી રહ્યો હતો, અને એ બકવાટ કરી રહ્યો હતો.

"પ્લીઝ ! મને કોઈ બચાવો….પ્લીઝ મારી મદદ કરો….તે મને મારી નાખશે….!" 

     આ સાંભળીને ડૉ. રાજને અખિલેશને હિંમત આપતાં કહ્યું કે "અખિલેશ ! ડરીશ નહીં..તને કાંઈ નહીં થાય….તું અત્યારે હાલમાં મારી હોસ્પિટલે જ છો, અહીં તને કોઈપણ મારવા આવી શકે તેમ નથી….માટે ચિંતા ના કર અને ડરીશ નહીં તને કંઈ નહીં થશે…!" 

   આટલું સાંભળતા જ અખિલેશ એકાએક પૂરેપૂરી રીતે ભાનમાં આવીને પોતાના પલંગ પર સફાળો બેઠો થઈ ગયો, અને નવાઈ સાથે તેણે ડૉ. રાજનને પૂછ્યું.

"સાહેબ ! હું તો મારા ફલેટે હતો, હું અહી હોસ્પિટલે કેવી રીતે આવ્યો….? મને અહીં હોસ્પિટલે શાં માટે લાવવામાં આવ્યો છે…? મને શું થયું હતું…? મને અહીં હોસ્પિટલ પર કોણ લઈને આવ્યું..?" - આવા અનેક પ્રશ્નો અખિલેશે ભાનમાં આવતાની સાથે જ પૂછયાં.

    ત્યારબાદ દીક્ષિત અખિલેશને આખી વિગત જણાવે છે અને કહે છે કે, "અખિલેશ ! હવે તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી...હું તારી પાસે જ છું, ઉપરાંત ડૉ. રાજન અને ડૉ. અભય પણ અહીં જ છે."

"અખિલેશ ! ઊટીમાં વાસ્તવમાં તારી સાથે શું ઘટના બની હતી તે તું મને જણાવ…!" - ડૉ. અભયે અખિલેશને કહ્યું.

    ત્યારબાદ અખિલેશ મુંબઈથી ઊટી ગયો, ત્યારથી માંડીને ઊટીથી મુંબઈ પરત ફર્યો, ત્યાં સુધી પોતાની સાથે જે કંઈપણ ઘટના ઘટી કે બની હતી, તેના વિશે વિસ્તારપૂર્વક બધી જ માહિતી આપી.

      આ માહિતી સાંભળીને ડૉ. અભયને જાણે આ કેસ સોલ્વ કરવાં માટેનું કોઈ કડી મળી ગઈ હોય તેવું લાગતાં બોલ્યાં.

"અખિલેશ ! હવે ! થોડાંક જ દિવસોમાં તને આ ડરામણા કે ભયંકર સપનાઓ માંથી આઝાદી મળી જશે...અને તારા જીવન સાથે જોડાયેલા ઘણાં રહસ્યો પણ ઉકેલાઈ જશે…!" 

    ત્યારબાદ ડૉ. રાજને અખિલેશને આરામ કરવાં માટે જણાવ્યું અને ડૉ.રાજન અને અભય કન્સલ્ટિંગ રૂમ તરફ જાય છે, જ્યારે દીક્ષિત સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં અખિલેશનાં બેડની નજીક રહેલા ટેબલ પર બેસે છે.

     આ બાજુ ડૉ. રાજન અને અભય કન્સલ્ટિંગ રૂમમાં પહોંચીને ખુરશી પર એકબીજાની સામ-સામે બેસે છે, અને બનેવે વચ્ચે કંઈક ગહન ચર્ચા થાય છે, અને આ ગહન ચર્ચાને અંતે કોઈ મક્કમ નિર્ણય આવેલ હોય તેમ ડૉ. અભય પોતાની ખુરશીમાંથી ઊભાં થતાં- થતાં બોલ્યાં.

"રાજન ! હવે ! જ્યારે આપણે ફરી મળીશું….ત્યારે અખિલેશનો આ કેસ અને અખિલેશનાં જીવન તથા સાથે જોડાયેલા અનેક રહસ્યો પણ...સોલ્વ થઈ ગયાં હશે…" - ત્યારબાદ ડૉ. અભય સાક્ષીનો મોબાઈલ નંબર લઈને પોતાની હોસ્પિટલ તરફ જવા માટે વેદાંત હોસ્પિટલમાંથી બહાર નીકળે છે….અને મનમાં વિચારો કરતાં - કરતાં પોતાની હોન્ડા સીટી કારનો સેલ્ફ મારે છે….અને થોડીક મિનિટોમાં પોતાની હોસ્પિટલે પહોંચે છે….!

     મિત્રો ! શું શ્રેયા જ નિત્યા છે…? કે પછી બનેવે અલગ - અલગ વ્યક્તિ હશે….? જો શ્રેયા જ નિત્યા હોય તો પછી એ અખિલેશને કેવી રીતે મળી શકે...કારણ કે નિત્યાએ તો વર્ષો પહેલા જ પોતાના પ્રેમી નિસર્ગ સાથે આત્મહત્યા કરી લીધી હતી…! શું અખિલેશનાં જીવનમાં અજવાસ આવશે કે પછી તેનું ભવિષ્ય આના કરતાં પણ વધારે અંધકારમય બનશે…? શું ડૉ. રાજન અને ડૉ. અભય આ કેસ કે આ કેસ સાથે જોડાયેલા રહસ્યો ઉકેલવામાં સફળ થશે...કે પછી નિષ્ફળતા હાથ લાગશે..? ડૉ. રાજન અને ડૉ.અભય વચ્ચે કન્સલ્ટિંગ રૂમમાં શું ગહન ચર્ચા થઈ હશે…? - આવા વગેરે રહસ્યોનો કે પ્રશ્નોનો ઉકેલ આવશે કે નહીં એ તો આવનારા સમય જ જણાવી શકશે…!

ક્રમશ : 


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Drama