ઉત્તરાખંડ ઉન્નત મસ્તકે પહાડો
ઉત્તરાખંડ ઉન્નત મસ્તકે પહાડો
ધરતીનું સ્વર્ગ : કાશ્મીર.... તો પછી દેવભૂમિ ઉત્તરાખંડની સુંદરતાને નવાજવા શું કહેવું ?
ચોતરફ વિખરાયેલી આપણી પોતાની ઉર્જાને કોઈ પણ પ્રયાસ વગર એકત્રિત કરવાનું સ્થળ એટલે ઉત્તરાખંડનાં ઉન્નત પહાડો. કુદરતે શું મહેરબાની કરી છે એ પહાડી જગ્યા પર !
નિરવ શાંતિ અને ઊંચા-ઊંચા પહાડોની વચ્ચેથી પસાર થતી સુંદર નદીઓનાં અવાજ સાંભળી વ્યક્તિ અંતર્મુખ થઈ જાય એમાં કંઈ નવાઈ નહી. મનનાં બધા ઉત્પાતો શમી જાય એવું અદ્ભૂત વાતાવરણ.... અહીં પહોંચ્યા એટલે બધા અવગુણોની બાદબાકી થવા માંડે.
વગર પ્રયત્ને આત્માનો સાક્ષાત્કાર થાય અને દુન્યવી માન-સન્માનની કોઈ જિજીવિષા ના રહે.... માત્ર આત્માનો ઉદ્ધાર કરવાની ઈચ્છા પ્રબળ બને એટલું શુદ્ધ વાતાવરણ ! જીવનનું ખરું ઉદ્દેશ્ય સમજાઈ જાય એટલે કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારની ફરિયાદ ના રહે.
ઉત્તરાખંડના પહાડોની સુંદરતાનું વર્ણન શક્ય જ નથી. પર્વતોનાં ઉન્નત મસ્તકોને ચૂમતા વાદળો જ્યારે ધરતીને મળવા દોટ મૂકે એ દ્રશ્યને કેમેરામાં કેદ ન કરી શકાય પરંતુ આપણી આંખો દ્રારા આપણી ભીતર ચોક્કસ ઉતારી શકાય, આંખો બંધ કરો એટલે ફરી પાછા પહાડોની વચ્ચે.... અદ્ભૂત અને આહલાદક !
ધ્યાન આપોઆપ લાગી જાય એવી પવિત્ર ભૂમિ.... એકની એક જગ્યાએ ફરીથી જવાનો કંટાળો ન આવે એટલી શુદ્ધ જગ્યા.... નદીઓનાં તીવ્ર વેગ પણ સૌમ્ય લાગે અને પહાડોનાં ગીચ જંગલો પણ ડરાવના ના લાગે એવી ભવ્યતા !
આ સુંદરતાને માણવા માટે નાસ્તિક લોકોએ પણ ઉત્તરાખંડની ચારધામ યાત્રા કરવા જવું જ જોઈએ.

