STORYMIRROR

Pravina Avinash

Abstract Tragedy

3  

Pravina Avinash

Abstract Tragedy

ઉપલો માળ

ઉપલો માળ

5 mins
14.8K


માતા અને પિતાની છત્રછાયા વગર સોમો ઉછર્યો હતો. બે ભાઈઓમાં સોમો નાનો. સોમાને મોટોભાઈ ખૂબ ચાહતો અને હરખાતો. બન્ને વચ્ચે ઉમરમાં ઝાઝો ફરક હતો. ઘણાં વર્ષે સોમાની માને દિવસ ચડ્યાં હતાં. તેથી માએ મુખ ભાળ્યું ન ભાળ્યું ત્યાં તો ગામતરે ગઈ.

“આ સોમો છે ને તેનો ઉપલો માળ ખાલી છે.” નાનપણથી આ વાક્ય સાંભળીને સોમો મોટો થયો હતો. પિતાને રાજ રોગ થયો હતો. સોમાના જન્મ પહેલાંજ પિતા આ ફાની દુનિયા છોડી જતા રહ્યા હતા. માને આ ઘા કાળજે લાગ્યો હતો. સોમાને જન્મ આપી, મોટાભાઈને હવાલો સોંપ્યો. પિતા સારા એવા પૈસા મૂકીને ગયા હતા. પ્રેમાળ ભાઈએ તેનો એક પણ પૈસો દબાવ્યો નહીં.

ભાભી નવી પરણેલી હતી. લગ્નને બે વર્ષ માંડ થયા હતાં ત્યાં, દિયર મોટો કરવાનો આવ્યો. વેઠ ઉતારે, સોમાનો ભાઈ બધું સમજે પણ શું કરે? નવી પરણેતરને નારાજ કરવાનું પાલવે તેમ ન હતું. સોમો ધૂળમાં રમી મોટો થયો. જ્યારે ભાભીને પોતાના બાળકો થયાં ત્યારે વગર પૈસાનો નોકર, દિયર મળી ગયો. જે નાના ભત્રીજા અને ભત્રીજીનું ધ્યાન રાખતો. તે ભણે કે નહીં તેની ભાભીને કોઈ ચિંતા ન હતી. આ જીવનામાં જેનું કોઈ ન હોય તેનો બેલી ભગવાન. સોમો વગર માસ્તરે પહેલે કે બીજે નંબરે ઉત્તિર્ણ થતો. જ્યારે ભત્રીજા અને ભત્રીજી બબ્બે માસ્તર ભણાવવા આવે તો પણ માંડ માંડ ધક્કા મારીને પાસ થતાં.

ગમે તેટલી હોશિયારી સોમામાં હોય છતાં પણ, 'તેનો ઉપલો માળ ખાલી છે' એવું ભાભીએ તેના મગજમાં ઠસાવી આપ્યું હતું. હા, સોમાને કોઈ અવળચંડાઈ ગમતી નહીં. ભાભીની સામું બોલતો નહીં. ભાભી કહે તે બધાં કામ કરી આપતો. બને ત્યાં સુધી શાંત રહેતો. જાણે તેના મોઢામાં મગ ન ભર્યા હોય ! કાવાદાવાથી સો જોજન દૂર સોમો ભણવામાં પાવરધો નિવડ્યો. નવરાશની પળમાં માળિયે ચડીને ચોપડીઓનો થોથાં વાંચતો હોય.

મોટાભાઈના નસિબ સારાં, ધંધામાં બરકત આવી ખૂબ કમાયા. સોમો ભણ્યો પણ ઘણું. નાનપણથી ભાભીને જોઈ હતી. ભાભી તો તેની મા હતી. પોતાની ઉપેક્ષા પણ અનુભવી હતી છતાં ભાભીમાને પ્યાર કરે. મોટાભાઈને વંદન કરે. કદી તેમણે સોમાને ખસ કહ્યું ન હતું. ભાભી ભલે ગમે તે કરે, ભાઈ સોમાને લાડ કરવામાં કમી ન રાખતો.

એક વાત તેના મગજમાં જડબેસલાક બેસી ગઈ હતી. ‘સ્ત્રી’ પ્રત્યે કોઈ સંવેદના અનુભવતો નહીં. ભણીગણીને કમાતો થયો. નોકરી પર તેની સાથે કામ કરતી શીલાને તે ખૂબ ગમતો. શીલાને તેના સંસારિક બાબતની કાંઇ ખબર ન હતી. સોમાના શાંત સ્વભાવને કારણે ખૂબ કુણી લાગણી બતાવતી. બન્ને સાથે એક કેબિનમાં બેસતાં. કામકાજ હોય ત્યારે સાથે વાતો કરતાં. સોમો સ્ત્રીઓ પ્રત્યે ઉદાસ કેમ છે તે જાણવા મથતી.

સોમો વિચારતો બધી સ્ત્રીઓ, ’ભાભી જેવી ન હોય.’ છતાં પણ કામ પૂરતી વાત. એક વખત સાથે ચા પીતાં, શીલા બોલી, "મારી ઓરમાન મા કેમે કરી રાજી નથી થતી. બધો પગાર પણ લઈ લે છે. પિતાજી તેને કશું કહી શકતાં નથી." સોમો હવે નાનો ન હતો, કે આ વાક્યનો અર્થ ન સમજે. તેને શીલા પ્રત્યે લાગણી થઈ. કામ પર ઘણાં સ્ત્રી મિત્રો તેની આજુબાજુ આંટા મારે પણ તેને કોઈ ફરક ન પડતો. હમણાંથી શીલા તેના વિચારોમાં ડોકિયા કરી જતી. શીલાને અંદાઝ આવી ગયો હતો, આશા બાંધીને બેઠી હતી.

એક વખત તો બન્ને ભાઈ કામ માટે બહાર ગયા હતાં ત્યારે પ્રેમથી મોટાભાઈએ વાત છેડી. "સોમા, શું તું ક્યારેય ઘરસંસાર નહીં માંડે?"

"મોટાભાઈ મને તમે પિતા કરતાં વધારે પૂજ્ય છો. હવે હું નાનો કીકલો પણ નથી. આદરથી કહું છું, આપણે આ વાત ન કરીએ તો કેવું?" શીલા વિષે અત્યારે કાંઈ કહેવું તેને યોગ્ય ન લાગ્યું.

મોટોભાઇ સમજી ગયો. તેના નાના ભાઇ સોમાનું જીગર, ખૂબ આળું થઈ ગયું છે. મા વગરનો ઉછર્યો છે. તે બાળપણ વિસારી શકતો નથી. હા, તેની જિંદગી ખૂબ સોહામણી છે. ભલેને બન્ને ભાઈ એક ઘરમાં તો સાથે રહે છે. તેને તેના નસિબ પર છોડી દેવો જોઈએ. ત્યાર પછી તેમણે આ વાતનો ઉલ્લેખ કયારેય ન કર્યો.

પૈસાનો વરસાદ ચારે તરફથી હતો. ક્યારેય પૈસો તેના દિમાગ પર બેસી રાજ ન કરતો. હવે તેને ઘરકામ યા બાળકોનું કોઈ કામ કરવું ન પડતું. મોટાભાઈએ બંગલામાં, 'ઉપલો માળ' તેને માટે ફાળવ્યો હતો. હવે તે બરાબર સમજતો થઈ ગયો હતો, 'ઉપલો માળ ખાલી છે' તેનો અર્થ પણ જાણતો હતો. છતાં તેણે કોઈ અસંતોષ ન દર્શાવ્યો. તેને થતું ભાભી એ તેને ભણવા તરફ પ્રેર્યો હતો. જો કદાચ ભાભીએ પ્યાર આપ્યો હોત, તો તે આજે આ સ્થાને કદાચ ન હોત. તેના આંસુ પુસ્તકોએ લૂછ્યાં હતાં. મોટાભાઈના બાળકોમાંથી નવરો પડતો ત્યારે ચોપડા લઈ કાતરિયામાં ભરાતો.

મોટાભાઈના બન્ને બાળકો પરણી ઠરીઠામ થયાં. દીકરો લાખ મનાવ્યા છતાં પિતા સાથે ધંધામાં ન બેઠો. પ્રેમ લગ્ન કરીને, પત્નીનો ચડાવ્યો અમેરિકા ભેગો થઈ ગયો. બન્ને બહુ કમાતાં નહીં પણ ગુજરાન ચાલતું. તેની પત્ની થોડું ભણેલી હતી તેથી બેંકમાં નોકરી કરતી.

ભાભીને હવે દિયરની કિંમત સમજાઈ. સોમા એ પોતાના સૂવાના રૂમમાં મકાનનું પેઈંન્ટીંગ ભિંત ઉપર મઢાવીને મૂક્યું હતું. જેમાં ત્રણ માળ સુંદર સજાવેલા હતાં અને ઉપલો માળ માત્ર બારી બારણા દર્શાવતાં. આમ પણ પોતે મકાનના ઉપલા માળ પર ખૂબ શાંતિથી રહેતો. ઓછામાં ઓછી જરૂરિયાત સાથે. સાદગી તેનો જીવન મંત્ર હતો.

એક વાર ચોમાસામાં મુશળધાર વરસાદ પડ્યો. સોમો બિમારીનો ભોગ બન્યો. ત્રણ દિવસથી નીચે ઉતરી ઘરની બહાર ગયો ન હતો. નોકર આવીને ખાવાનું કે ચા આપી જતો. ભાભી તો દીકરો ગયા પછી ઠંડી થઈ ગઈ હતી. દીકરી પણ પરણીને સાસરે ગઈ. ઘરમાં ત્રણ મોટાં રહેતાં. કોણ કેટલામે માળે છે તે ફોન ઉપરથી જાણી લેતાં. મોટોભાઈ બે દિવસ ખબર કાઢવા આવ્યો. પછી ફોન કરી સોમાની તબિયતની ભાળ રાખતો. ગઈકાલે રાતના બારે મેઘ ખાંગા થયા હતા. આખી રાત વરસાદ ધુમ વરસ્યો. જાણે વાદળમાં કાણું ન પડ્યું હોય !

સોમાને તો ઘેનમાં કાંઈ ખબર ન પડી. મકાનમાં પાણી ભરાણાં. પહેલો માળ આખો પાણીમાં ભાઈ અને ભાભી ને તરતાં ન આવડતું. ઉંઘમાં ખલેલ ન પડીકે શું બન્ને જણાં નિંદરમાં કાયમ માટે પોઢી ગયાં. સવારના પાંચ વાગે સોમાને મકાન ઉપર હેલિકોપ્ટર આંટા મારતું જણાયું. માંડ માંડ ઊભો થઈને પોતાના ઉપલા માળની નાની અગાસી પર બહાર આવ્યો.

હેલિકોપ્ટરવાળાએ કહ્યું, "હમ સીડી ડાલતે હૈ, તુમ ઉસે પકડર ઉપર આ જાઓ. તુમ્હારા પૂરા મકાન પાનીમેં ડૂબ રહા હૈ. અપની જાન બચાલો..." સોમો કહે, "મારા ભાઈ અને ભાભી નીચે પહેલે માળે સૂતાં છે."

"વો લોગોંકે બચનેકી કોઈ ઉમ્મીદ નહી હૈ."

છેલ્લી નજર મકાનના 'ઉપલા માળ' પર નાખીને સીડી ચડી હેલિકોપ્ટરમાં આવી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract