ઉપલી અદાલત
ઉપલી અદાલત


રોજની જેમ સંજીવ ઘેર આવ્યો. પહેલાં પોતાના રુમમાં ગયો અને કબાટના અંદરના લોકર જેવા ખાનામાં થપ્પીઓ ગોઠવી. કપાળ પર આવેલો પસીનો લૂછ્યો અને નિરાંતનો શ્વાસ લઈને બહારના રુમમાં આવ્યો.
રોજની જેમ પત્નીએ લક્ષ્મી લઈને આવેલા પતિની આગતાસ્વાગતા કરી. જમવામાં ચાર વસ્તુ વધુ બનાવી હતી. જમ્યાબાદ આઈસક્રીમનો મોટો બાઉલ ભરીને લાડ કર્યાં.
પતિ-પત્ની શયનખંડમાં ગયાં પછી મા મંદિરમાં પ્રવેશી. ભગવાનની સામે બે હાથ જોડીને ઊભી રહેલી કાશી ઈશ્વર સાથે સંવાદ કરતી હતી.
“હે નાથ, મારો દિકરો લખલૂટ મિલ્કતનો માલિક છે. જગતનાં દરેક સુખ ભોગવે છે. મારી બધી સગવડતા સાચવે છે. તું તો અંતર્યામી છે તે જાણે છે કે એ કમાણી કઈ રીતે આવે છે.
આવડી મોટી કાપડની મિલનો માલિક છે પણ મન બહુ મલિન છે.
એની મિલમાં બનતા શ્વેત સિલ્કના તાકાઓ દુનિયાભરમાં વખણાય છે પણ એનું દિમાગ કાળાં કામોમાં જ ચાલે છે.
એની મિલમાં સરકારી નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય છે. પ્રદૂષણ ન ફેલાય એ માટેના એક પણ નિયમોનું પાલન નથી થતું. મિલનાં ભૂંગળાઓમાંથી નીકળતા ધુમાડાનું કોઈ નિવારણ નથી થતું. મિલની મશીનરી જૂની થઈ ગઈ છે પણ તદ્દન બેદરકારીથી એ મિલમજૂરોની જિંદગી દાવ પર લગાવીને પૈસા ભેગા કરે જાય છે. એ માર્ગ ભટકી ગયો છે. તારી લાઠીમાં અવાજ નથી હોતો તો મારા ભટકી ગયેલા દિકરાને સન્માર્ગ બતાવ.”
આવી તો કેટલીય ફરિયાદ કાશીમાએ ઉપલી અદાલતને કરી.
સંજીવનું રુટીન એ જ રીતે ચાલતું હતું ત્યાં એક દિવસ મિલમાં એક વૃધ્ધ મશીને અંતે દમ તોડ્યો અને કારીગર પર ખાબકી ગયું. કારીગરને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ લઈ જવાયો. સંજીવ કમને એની ખબર કાઢવા પહોંચ્યો.
હજી તો કારીગરના દિકરાને કચવાતે મને દસ હજાર આપ્યા. કારણકે મનમાં બીક હતી કે બીજા કારીગર આક્રોશમાં ક્યાંક કામ ન છોડી દે.
અને..ત્યાં જ મોબાઈલ પર કોઈ અજાણ્યો નંબર રણક્યો.
“હલ્લો.”
“હા હું રોઝમેરી હોસ્પિટલથી બોલું છું. સંજીવસર, તમારા દિકરા રાજીવને ગંભીર અકસ્માત નડ્યો છે અને એને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. એ માટે લોહીની જરુર છે.”
“ઓહો! ડોક્ટર કાંઈ પણ થાય, ગમે તેટલો ખર્ચ થાય, મારા દિકરાને કાંઈ ન થાવું જોઈએ. હું ગમે તેમ કરીને લોહીની વ્યવસ્થા કરાવું છું.”
બાપુના શેઠને ચિંતામાં ફોન પર ફોન કરતા જોઈ કારીગરના દિકરાએ પૂછ્યું,
“શેઠ શું કાંઈ મુશ્કેલી આવી?”
અણગમા સાથે સંજીવે વાત કરી.
અને એ ગરીબના દિકરાએ તરત કહ્યું,
“મારું લોહી ચાલશે? તમે બાપુને આજે મદદ કરી છે એનો બદલો તો અમે ન વાળી શકીએ પણ કોઈ રીતે નાના શેઠને મદદ થતી હોય તો હું તૈયાર છું.”
સંજીવના મગજમાં એક ડંખ વાગ્યો.
રોઝમેરી હોસ્પિટલમાં નાનાશેઠને એક ગરીબના લોહીએ જીવતદાન આપ્યું.
દિકરો સાજો થઈને ઘેર આવ્યો. એ સાંજે સંજીવ કાશીમાના રુમમાં આવેલા મંદિરમાં આવ્યો.
“હે ઈશ્વર, તું વગર દર્શને ન્યાય કરી ગયો. મિલના ભૂંગળામાંથી નીકળતું પ્રદૂષણ મારા અંતરાત્મા પર છવાઈ ગયું હતું. તેં એક જ બનાવનું નિર્માણ કરીને એ દૂષિત- કલુષિત મનને સ્વચ્છ બનવાની તક આપી દીધી.”
કાશીમાએ એ રાતે ઉપલી અદાલતનો હૃદયપૂર્વક આભાર માન્યો.