ઉકરડો
ઉકરડો




નાનકડી ઝમકુ છ વર્ષની થઈ એટલે લખીએ તેને નજીકની મ્યુનિસિપાલટી શાળામાં ભણવા મુકી. લખીના ઓરતા હતા કે ઝમકુ ખૂબ ભણે. પોતાની જેમ રોડ પર કચરો વીણી જિંદગી ખરાબ ન કરે.. ઝમકુ પણ હોંશે હોંશે ભણવા જતી. ખૂબ મન દઈ ભણતી. કક્કો, બારાખડી, આંકડા, ચિત્રો દોરતા શીખી. ઘરે આવી મા પાસે બેસી જતી અને શાળામાં શું કરાવ્યું બધું જ કહેતી. લખી બિચારી દારૂડિયા ધણીનો માર ખાઈ, જેમતેમ મજૂરી કરી ઘર ચલાવતી. આખા દિવસની અથાગ મહેનત અને મારપીટ સહન કરતી લખી જ્યારે ઝમકુની અલકમલકની વાતો સાંભળતી ત્યારે તેનો બધો જ થાક જાણે હવા થઈ જતો. ઈશ્વર પાસે એક જ પ્રાર્થના કરતી, `હે ભોળાનાથ ! જે દુઃખ આપવું હોય એ મને આપજે, પણ મારી દીકરીને માથે તારો હાથ રાખજે.’
આમ ને આમ બે-ત્રણ વર્ષ નીકળી ગયા. હવે જાણે ભોળાનાથ લખીની કસોટી કરવા માંગતા હતા. લખીને પેટમાં દુઃખાવો ઉપડ્યો. શરૂઆતમાં તો તેણે સોડા અને ફાકી જેવા ઘરગથ્થુ ઈલાજ કરી જાતને ટકાવી રાખી, પણ દુઃખાવો તો દિવસે-દિવસે વધતો જ જતો હતો. આખરે કંટાળી તે સરકારી દવાખાને ગઈ. ડોક્ટરે નિદાન કર્યું કે, પેટમાં ગાંઠ છે અને ઓપરેશન કરી કાઢવી પડશે. `ઓય મા !’ લખીને ધ્રાસકો પડ્યો. `મારી ઝમકુનું શું ? એનું ભણવાનું ? કચરો વીણવા કોણ જાય ? પૈસા ક્યાંથી લાવવા ?’ ચિંતામાં ને ચિંતામાં લખીએ આખી રાત પડખા ઘસ્યા. માની આ પરિસ્થિતિ જોઈ આઠ વર્ષની ઝમકુ મા પાસે જઈ બેઠી અને પૂછ્યું, `મા શું થયું ? કેમ ઊંઘ નઈ આવતી તને ? આજ તું ડોક્ટરસાહેબને બતાવવા ગઈ હતી, શું કીધું એમણે ?’ દીકરીના પોતાના માટે ચિંતાભર્યા પ્રશ્નો સાંભળી લખીની આંખમાં આંસુ આવી ગયા. `કંઈ નહિ બેટા, ઈ તો ટીકડીઓ લખી દીધી. મટી જાસે બે-ત્રણ દિ માં.’ લખીએ છૂપાવતા કહ્યું, પણ ઝમકુને વિશ્વાસ ન બેઠો એટલે એણે માનો હાથ પોતાના માથા પર મૂકી કહ્યું, `ખા મારા સમ !’ લખીએ ઝાટકાથી પોતાનો હાથ હટાવી લીધો, અને નીચું જોઈ ગઈ. ઝમકુ સમજી ગઈ કે કંઈક વધારે છે. `સાચું બોલ મા. શું કીધુ ડોક્ટરસાહેબે ?’ `પેટમાં ગાંઠ છે કઢાવી જોશે ઓપરેશનથી.’ લખી હજુ વાક્ય પૂરુ કરે છે ત્યાં તો પાછો દુઃખાવો ઉપડ્યો અને તે પેટ પકડી ખાટલામાં આળોટવા લાગી. ઝમકુથી માનું દુઃખ જોવાયું નહિ, તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
બીજે દિવસે સવારે લખી ઊઠીને જોવે છે, તો ઝમકુ નાહીધોઈ તૈયાર થઈ ગઈ હતી. મા જાગી ગઈ એ જોઈ ઝમકુએ ચાનો પ્યાલો મા સામે ધર્યો અને કહ્યું, `ચાલ જલદી આ પીને તૈયાર થઈ જા. ડોક્ટર પાસે જવાનું છે.’ `શું થયું છે તારી મા ને ?’ દારૂના નશામાં લથડાતા લખીના ધણી જગુએ બરાડો પાડ્યો. `બાપુ માને પેટમાં ગાંઠ છે, ઓપરેશનથી કઢાવી પડશે.’ ઝમકુએ તેના પિતા સામે જોઈ કહ્યું. `છાનીમાની બેસ ઓપરેશનવાળી... તું ખાટલો પકડી લઈશ તો પૈસા ક્યાંથી આવશે ?’ કહેતા જગુએ લખીને બાવડેથી ઝાલી ખાટલા પર ધકેલી. ઝમકુને ગુસ્સો તો આવ્યો પણ શું કરે ? તેણે માને ઊભી કરી અને જગુને જોરથી આઘો કર્યો. લખી અને ઝમકુ ડોક્ટરસાહેબ પાસે પહોંચ્યા.
ઝમકુએ ડોક્ટરસાહેબને આજીજી કરતાં કહ્યું, `સાહેબ મારી માને સારુ કરી દો. જેટલા પૈસા થશે હું લાવી દઈશ.’ નાનકડી ઝમકુના કાલાવાલા સાંભળી ડોક્ટરને પણ દયા આવી. તેમણે કહ્યું, `બેટા થઈ જશે બધુ સારુ હો..’ `અરે સાહેબ એ તો હજુ સમજતી નથી. જીદ કરી બેઠી છે. મને આમ ખાટલો પકડવો નહિ પોસાય. હું અહીં બેસી જઈશ તો ઘરમાં રોટલા ક્યાંથી આવશે ?’ `એની ચિંતા ના કર મા.. હું જઈશ તારી જગ્યાએ !’ ઝમકુ હજુ તો વાક્ય પૂરુ કરે એ પહેલા જ લખી જોરથી બરાડી `ના...’ લખીની આંખમાં જાણે લોહી તરી આવ્યું. જે જિંદગી તે ઝમકુને આપવા નહોતી ઈચ્છતી, આજે તેની લાચારી ઝમકુને એ જ કામ કરવા ફરજ પાડી રહી હતી... અતિશય વિચારો અને દુઃખાવાને કારણે લખી બેશુદ્ધ થવા લાગી. ડોક્ટરે તેને દાખલ કરી દીધી અને સરકારી દવાખાનામાં જે થોડોઘણો ખર્ચ આવે તેને પણ ડોક્ટરે પોતાના માથે લીધો અને ઝમકુને શાંત્વના આપી કે, `બેટા હું તારી માને સાજી કરી દઈશ..’ ડોક્ટરસાહેબની દયાભાવનાથી ઝમકુને માની ચિંતા તો ન રહી પણ હવે ઘરમાં ખાવા તો જોશે ને....
ઝમકુ હવે ચૂપચાપ સવારમાં ઊઠી કચરો વીણવા નીકળી પડતી. આઠ વર્ષની ઝમકુ ખભે ઝોળી લઈ રસ્તા પરના કચરાને વીણી તેમાં નાખતી.. એકવાર તેને તેમાં એક ફાટેલી ચોપડી મળી અને તે ખૂબ ખુશ થઈ ગઈ. શાળાએ તો હવે જવાતું નહોતું, પણ વાંચવાનો અને નવું-નવું જાણવાની તેને ખૂબ જ ઘેલછા હતી. કચરો વીણવાનું કામ પતાવી, છાંયડો શોધી બેસી ગઈ અને ચોપડી વાંચવા લાગી. બીજા દિવસે ફરી ત્યાંથી પાછી એક ચોપડી મળી. આમ કરતાં કરતાં કોઈ બંગલા કે સોસાયટી પાસેથી પસાર થાય અને કંઈક વાંચવાનું મળે તો તે સાચવી રાખતી અને કામ પતાવી વાંચતી. તેનું વાંચવા બેસવાનું સ્થાન પણ નક્કી. ત્યાં જ બેસે રોજ. એક દંપતિ તેને આમ કરતાં રોજ જોતું. એકવાર એ દંપતિએ ઝમકુ સાથે વાત કરી, `બેટા રોજ તું શું વાંચે છે અહીં ? તને વાંચતા આવડે છે ?’ `હા.. હું ત્રીજા ધોરણ સુધી ભણી છું. મને તો દાખલાય આવડે છે.’ ઝમકુએ હસીને ગર્વ લેતા કહ્યું. `ત્રીજા ધોરણ સુધી ? તો હવે નથી ભણતી ?’ દંપતિએ આશ્ચર્યથી પૂછ્યું. ઝમકુએ પોતાની પરિસ્થિતિ કહી. નાનકડી છોકરીની દયનીય સ્થિતિ અને ભણવાની ધગશ જોઈ, દંપતિએ કહ્યું, `અમને તારી મા પાસે લઈ જઈશ ?’ `હા.. પણ તમને એનું શું કામ છે ?’ ઝમકુએ નવાઈ પામતા પૂછ્યું. `એ તો તું મળાવીશ તારી માને ત્યારે જ ખબર પડશે.’ એ દંપતિએ એકબીજા સામે હસીને કહ્યું. ‘ઠીક છે, એને આજે દવાખાનેથી રજા મળી જશે. એટલે કાલે મળાવીશ તમને...’
બીજા દિવસે ઝમકુ એ દંપતિને સાથે લઈ ઘરે આવી. `મા હું કહેતી હતી ને એ મહેમાન આવ્યા છે.’ ઝમકુએ ઓળખાણ આપતા કહ્યું. એ દંપતિએ લખી સાથે વાત શરૂ કરી, `તમારી દીકરીને અમે એક અઠવાડિયાથી જોઈએ છીએ, તેની ભણવાની ધગશ જોઈ અમે તમને મદદ કરવા માંગીએ છીએ. અમારી એક સંસ્થા છે, જે ઝમકુ જેવા ઉત્સાહી બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરે છે, તેમને આર્થિક મદદ કરે છે. તમારી ઝમકુ ખૂબ ભણે એ માટે અમે અહીં તમને મળવા આવ્યા છીએ. જો તમારી હા હોય તો...’ સાંભળી લખીના આંખમાં આનંદના આંસુ આવી ગયા. જાણે એક સાથે બધી જ તકલીફો દૂર થઈ ગઈ હતી. ઝમકુને એ સંસ્થા તરફથી મદદ મળી અને તે પાછી શાળાએ જવા લાગી.
લખી આજે ફરી સવારે વહેલા ઊઠી ઝોળી ભરાવી નીકળી પડી કચરો વીણવા.. પણ આજે તેને કોઈ જ ચિંતા નહોતી રહી ઝમકુની. આજે પણ દારૂડિયા પતિની મારપીટ સહન કરતી, ઉકરડામાં રઝળતી, દિવસભર જાતને નીચોવતી લખીને ઈશ્વરથી કોઈ જ ફરિયાદ નહોતી રહી.