Vandana Vani

Drama

4.3  

Vandana Vani

Drama

ઉકેલ

ઉકેલ

2 mins
11.7K


"રોશની તારી તબિયત તો સારી  છે ને? કેટલા દિવસથી હું અનુભવુ છું, તું બરાબર વાત નથી કરતી." દિકરાના ક્લાસ માટે વડોદરા રહેતી રોશનીને રોહને પૂછ્યું.

"તબિયત તો બરાબર છે પણ કઈ મજા નથી આવતી. સવાર પડે છે રાતની રાહ જોતી, અને રાત આવે છે દિવસને જાણે ધક્કો મારતી. મને નથી સમજાતું, કેમ એવું થાય છે." કહેતા રોશની ગળગળી થઈ ગઈ.  

"હું આવી જાઉં ત્યાં? જોકે મને રજા મળવી બહુ મૂશ્કેલ છે. પાંચ રજા માંડ બચી છે જે મેં દીપની પરીક્ષા માટે સાચવી રાખી છે." રોહનના અવાજમાં ચિંતા પરખાઈ જતી હતી. 

દિકરાએ બારમાના ક્લાસ વડોદરા શરૂ કર્યા એટલે રોશની એક વર્ષ માટે વડોદરા દિકરા સાથે રહેવા ભાડાના ઘરમાં આવી ગઈ. રોહનની વલસાડમાં જ સરકારી નોકરી એટલે એ છોડીને જઈ ન શકે સ્વાભાવિક હતું. વડોદરામાં હજી ત્રણ મહિના કાઢવાના બાકી હતા ને રોશની એવી કંટાળી કે જીવન પ્રત્યે તેનો રસ ઊડી ગયો. અંતિમ તબક્કામાં ક્લાસ છોડીને ન જવાય અને આ તો દિકરાના ભવિષ્યનો સવાલ, કોઈ સમાધાનનો પ્રશ્ન જ ન આવે! ચિંતિત રોહન પાસે પણ આનો કોઈ ઉપાય ન હતો. દર વખતે ફોન પર વાત કરતી વખતે રોશનીનો ઉદાસ સ્વર તેને અકળાવી મૂકતા.

આજે તો રોહને નક્કી કરી લીધું કે આનો કોઈ ઉપાય શોધી લેવો પડશે નહીં તો રોશની કોઈ બીમારીમાં ધકેલાઈ જશે.

"રોશની તને યાદ છે આપણા લગ્ન સગાઈના ચાર વર્ષ પછી થયા હતા. ત્યારે તો ઘરમાં બધાની વચ્ચે એક જ ફોન રહેતો. વાત પણ આપણે કોઈકની હાજરીમાં જ કરવી પડતી. અઠવાડિયે માંડ એક વખત વાત કરતા, ત્યારે તું કેટલી ઉત્સાહથી વાત કરતી. આજે દિવસમાં બે વખત ફોન કરું છું તો પણ તું ખુશ નથી? ક્યાંક મારા પરથી..." રોહનના બોલતા વાક્યને તોડીને રોશનીએ જવાબ આપ્યો.

"ના એવું નથી રોહન. મને હજી પણ તારા ફોનની એટલી જ ઇંતેજારી છે. પણ એક વાત કહું? પહેલા ફોનના વાયર સાથે રમતાં-રમતાં વાત કરતી વખતે મને એવું લાગતું કે આ વાયરનો એક છેડો તારા સુધી જોડાયો છે. તું મારી સામે છે."

"હમ્મ, વાહ અવાજ બદલાઈ ગયો ને!" રોહને મજાક કરતા કહ્યું.

"સાચી વાત કહું આ મોબાઈલમાં વાત કરતી વખતે એવું થાય છે કે હવામાંથી આવતો તારો અવાજ અને પ્રેમ હવામાં જ ઓગળી જાય છે! છેડો અટકી ગયો છે તું મારા સુધી નથી પહોંચતો એવું મને લાગે છે." રોશનીએ દિલનો ખૂણેખૂણો સાફ કરી નાખ્યો.

"ઓહો એવું છે! કાલે બંદા સાક્ષાત હાજર થશે, રજાને મારો ગોળી! પણ એક વાત તો તારી સાચી, ફોન પર વાત કરતાં -કરતાં, વાયરના ગૂંચળા ઉકેલતા જીવનના ઘણા ગૂંચળા ઉકેલાઈ જતા હતા. હવે તો આ મોબાઈલમાં બધા પ્રશ્નનો એક જ ઉકેલ! રિસ્ટાર્ટ અથવા ફોર્મેટ!"

આખરે ગૂંચવાયેલી ગાંઠ ઉકેલાઈ ગઈ. રોશની રોહનને ભાવતી વેઢમી બનાવવામાં ગૂંથાઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama