Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational drama

3  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational drama

ઉભરો

ઉભરો

2 mins
282


    "ના... કંઈ ખાસ નહીં...." આ શબ્દો સાંભળતા જ એનું મન ખિન્ન થઈ ગયું. રસોડાની બારી ખોલી એણે થોડી તાજી હવા ઊંડે ઊંડે સુધી શ્વાસમાં ભરવાનો બે-ચાર વાર પ્રયત્ન કર્યો. અને મહેમાનો માટે ગેસ ઉપર ચ્હા મૂકી, ચ્હા ઉકળી રહી હતી...એમાં ઉભરાનો અવાજ આવ્યો કે ચ્હા ઉભરાય એ પહેલાં સંધ્યાએ તરત ગેસ બંધ કર્યો. પણ એની અંદર તો "ના...કંઈ ખાસ નહીં......" નો ઉભરો હજુ શાંત થયો ન હતો. 

 એની અંદર હજુ ચ્હા ઉકળે એવો ઉકળાટ અને વાતોનો વલોપાત ચાલી રહ્યો હતો. એણે ટ્રેમાં ચ્હા ભરેલા કપ મૂકયા અને એના પતિ સૂરજના મિત્રોને આપવા ગઈ. બધાએ તેની સામે જોઈ સ્મિત કર્યુ તેણે બધાને તે પાછું આપ્યું અને એ અંદર આવી ગઈ.  

એની અંદર કઈ કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા હતા.

"શું....હું કંઈ ખાસ નથી કરતી ?"

"શું મારા કામનું કોઈ મૂલ્ય નથી ?"

"હું સમય જોયા વગર સમય ખર્ચી રહી છું એનું શું ?"

"બસ આ જ મારી જિંદગી ?" 

 થોડા સમયમાં સૂરજના બધા મિત્રો નીકળ્યા એ એમને વળાવી પાછો આવ્યો. એણે સંધ્યાની સામે નજર કરી, એ મમ્મીજીના ઘૂંટણમાં તેલની માલિશ કરવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. એણે આજના ઓર્ડર પણ સમયસર પુરા કરવાના હતા. એટલામાં ફોનની રીંગ વાગી...સંધ્યાની મમ્મીનો ફોન હતો એણે વાતચીત પૂરી કરી.   

 એ કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે અભ્યાસની સાથે સાથે પ્રિ-વોકેશનલ કોર્સ કરતી. એની મમ્મી કહેતી કે શીખેલું કયારેય એળે જતું નથી. કયારેક નોકરી કરવાની તક ના મળે તો ઘેર બેઠા પણ કામ કરી શકાય. 

 પછી સૂરજ સાથે લગ્ન થઈ ગયા, નાનું કુટુંબ હતું. થોડા સમય પછી બે બાળકો પણ થયા. સૂરજ એક કંપનીમાં જોબ કરતો હતો પણ મોંઘવારી જોતા એક જણની કમાઈ પર ઘર ખર્ચમાં માંડ પહોંચી વળાતું. પપ્પાજીની કીડનીની દવા, મમ્મીજીના ઘૂંટણનું દર્દ એમને તો ઊભાં જ થઈ શકાતું ન હતું. એક વ્યક્તિ દિવસ - રાત હાજર જ જોઈએ. એટલે તો એ નોકરી પણ કરી શકતી ન હતી. બાળકોના ખર્ચા વગેરે જોતા સંધ્યાએ વિચાર્યું કે એ પણ સૂરજને આર્થિક રીતે મદદરૂપ થશે અને એણે ઘરમાં જ નાનું બ્યુટી પાર્લર શરૂ કર્યુ. 

 સૂરજ અને એના બધા મિત્રો સાથે બેસી હસી મજાક કરી રહ્યા હતા, ત્યાં વાત ઘર અને મોંઘવારી પર આવી. તેમાંના એક મિત્ર એ સૂરજને કહ્યું કે, યાર તારે તો સારું છે કે સંધ્યાભાભી તને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે. ત્યારે સૂરજ બોલ્યો. "ના... કંઈ ખાસ નહીં...." અને આ શબ્દો સંધ્યાના કાને પડયા.

એ વિચારી રહી.

ઘર સાફ કરવું, રસોઈ બનાવવી, રસોઈ પીરસવી, વાસણ માંજવા, કપડાં ધોવા, બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા જવું. પપ્પાજીને અને મમ્મીજીને ટાઈમસર દવા આપવી, પાર્લરની આવકમાંથી બાળકોની ફી ભરી આર્થિક રીતે મદદરૂપ થવું. આખું ઘર આમ જ તો એ કાળજીથી સંભાળતી હતી. કદર અને પ્રશંસા તો ના થયા પણ આ.....   

"ના... કંઈ ખાસ નહીં...." એ ખાસ કયારે બનશે ?

કંઈ કેટલીય સ્ત્રીઓ રોજ બરોજના આવા કંઈ કેટલાય ઉભરા એમના અંદર લઈ જીવતી હશે.

ઈચ્છા હોવા છતાં એ ઉભરાતી નહીં હોય, અને અંદર ને અંદર ઠંડી પડી જતી હશે નહીં ?     

"આપ શું માનો છો ?"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy