STORYMIRROR

Vandana Patel

Tragedy Inspirational Others

4  

Vandana Patel

Tragedy Inspirational Others

ત્યાગ

ત્યાગ

4 mins
311

આજે ધરા મુંબઈથી દીદીના ઘરે જવા નીકળી છે. ટ્રેનમાં પોતાના પ્રેમીને લખેલ પત્ર વાંચે છે. પોતે જ પત્ર લખ્યો હોવા છતાં જિંદગીના નિર્ણય પર વિશ્વાસ આવતો નથી. અવિનાશ અને પોતે જે વાતો કરી એ જ પાછી પત્રમાં રીપીટ કરવાનો શો અર્થ ? હા, ધરા પોતાની દીદીને પત્ર દ્વારા જ જાણ કરવા માગે છે. અને પોતે લગ્નમાં હાજર નહીં હોય એ જાણ કરતો પત્ર અવિનાશને લખેલો છે. અવિનાશ અને ધરાના પ્રેમની પરિભાષા કદાચ જુદી છે. બંનેની પ્રેમની પરિભાષા ત્યાગ છે. 

'ધરાનો અવિનાશને પત્ર'

કાયમી સરનામું: - મુંબઈ

રસ્તો:- પોસ્ટ ઓફિસ.

તારીખ:- તું વાંચે ત્યારની જ.

વિષય:- તારા નિર્ણયને માન આપવા બાબત.

મારા વ્હાલા અવિનાશ,

કેમ છો નહીં પૂછું ....કેમ કે બે દિવસ પહેલાં જ આપણે મળ્યા. તું જરા પણ ઠીક નથી,એ હું જાણું છું. હું અત્યારે દીદીના ઘરે જાઉં છું. હું આ પત્ર તને ત્યાંથી જ પોસ્ટ કરીશ. દીદી આ પત્ર વાંચી લે એટલે આ નિર્ણય કર્યો છે. હું આવડી મોટી વાત દીદીને બોલીને નહીં કહી શકું.

 આપણે ધારીએ શું ને થઈ જાય શું ? કોઈ વાંક વગર આપણે છુટા પડવાનું ! અત્યારે રાતનો સમય છે. બહાર અંધકાર વ્યાપ્યો છે તો મારા મનમાં પણ એવો જ અંધકાર છે. લાગે છે કે 'એ રાત' જેવી જ આ રાત છે.

અવિનાશ, આપણે આપણો રસ્તો જુદો કરી રહ્યા છીએ. મક્કમ બની શકીશું ? હું ઈશ્વરને સતત પ્રાર્થના કરીશ કે આપણને સમજ અને ધીરજ એટલી આપે કે આપણને આપણાં નિર્ણય પર ક્યારેય અફસોસ ન થાય. આપણો લીધેલ નિર્ણય ભૂમિના આવનાર બાળક માટે સર્વથા યોગ્ય છે. તું હિંમત રાખજે. મને તારા નિર્ણય પર ગર્વ છે.

ભૂમિ આપણી સાથે જ કોલેજમાં છે. બધાને એમ જ હતું કે ભૂમિ રાકેશ જોડે જ લગ્ન કરશે. રાકેશ કાયર નીકળ્યો. રાકેશ પોતાના ઘરે કહી ન શક્યો કે હું ભૂમિ સાથે લગ્ન કરીશ. હું ભૂમિના બાળકનો પિતા બનવાનો છું. આ ભૂમિ બાળકનો જીવ લેવા માગે છે. એ તો તું તારા મમ્મીને જે દિવસે હોસ્પિટલ લઈને ગયો એ જ દિવસે ભૂમિ પણ ત્યાં હતી, એટલે તને ખબર પડી. મમ્મીની હાજરીમાં તો તે કંઈ ન પૂછ્યું. કોલેજ આવીને આપણે ત્રણેયે વાત કરી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આખી રાત વિચારવાનું નક્કી કરી સાંજે આપણે ત્રણેય છુટા પડ્યા.

  એ રાત આપણાં ત્રણેય માટે ખુબ ખુબ કસોટીમય બની રહી. ભૂમિ તો રડતી જ હતી કે મારે કારણે તમે બંને ત્યાગ શા માટે કરો છો ? મેં ભૂમિને સમજાવ્યું કે તું મુંબઈની બહાર જઈ બાળકને જન્મ આપી અનાથાશ્રમમાં મૂકી દઈશ તો એ બાળકનું ભવિષ્ય શું ? એ બાળકને શિક્ષા કે સંસ્કાર ઘર જેવા મળશે ? તારું ભવિષ્ય શું ? તારી જોડે કોણ લગ્ન કરશે ? તારી એક નાનકડી ભૂલે આપણાં ત્રણની જિંદગી જોખમમાં મૂકી દીધી. આ બાળક એ ચોથી જિંદગી. એનું ભાવિ નિર્માણ થતા પહેલાં ધ્વંસ ન કરી શકીએ. અવિનાશ, તે ભૂમિને કહ્યુ કે હું તારી જોડે લગ્ન કરવા તૈયાર છું. ત્યારે મારું હ્રદય એક ધબકારો ચૂકી ગયું, પણ મેં ભૂમિને કહ્યુ કે હું અવિનાશના આ નિર્ણયને તારા આવનાર બાળક માટે માન્ય રાખું છું. તારે પણ મક્કમ બનવું પડશે.

અવિ, શું કહું તને ? ભૂમિના ગયા પછી તે મને જે વાત કરી એ સાંભળી મારા રુંવાડા ઊભા થઈ ગયા.

તું મને એટલી હદે ચાહે છે કે તે ભૂમિ સાથે પતિપત્નીના સંબંધની જ ના પાડી દીધી. ભૂમિને આપણા બંનેના પ્રેમની જાણ છે. આપણે આપણી મર્યાદામાં રહીને પ્રેમ કર્યો છે. આપણે નક્કી કર્યુ હતુ કે માસ્ટર પુરુ થાય પછી આપણી સગાઈ, આપણાં લગ્ન અને પછી હનીમૂન. પણ ઓચિંતું આ શું થઈ ગયું !

ભૂમિ તારા આજીવન બ્રહ્મચર્યના નિર્ણયને માન આપશે ? એની પાસે અત્યારે પસંદગીનો અવકાશ નથી.

જિંદગી લાંબી છે, અત્યારે ભૂમિ સ્વીકારી લે પણ પછી એ તને આ કારણથી છોડી દેશે તો ? હું તને ડરાવતી નથી.

આ સવાલ ખબર નહીં કેમ મગજમાં આવી ગયો. ખેર, થોડું સમય પર છોડી દઈએ. ભ્રુણહત્યાનો તારો વિરોધ મને પણ ગમ્યો. ભૂમિને તું સન્માન આપીશ એ હું જાણું છું.

 તે મને પૂછ્યું હતું કે ભૂમિનો ગર્ભપાત રોકીને એક આવનાર બાળક જે પોતાનું નથી, એના ઉછેર અને શિક્ષણનો નિર્ણય બરાબર જ લીધો છે ને ? એ બાળકને ઘરની છત અને સુરક્ષા આપવામાં આપણાં સપનાનો ભાંગીને ભૂક્કો થઈ ગયો. મારાથી કહેવાય ગયું કે આમેય પાયામાં કંઈક નક્કર હોય તો જ ઈમારત મજબૂત બને ને ! રાત વધારે આગળ વધી ગઈ હતી. ઘરે આવ્યા પછી ફોન પર વાત કરી.

એ બાકીની રાત આપણે ત્રણેયે કોન્ફરન્સમાં ફોન પર વાત કરીને પસાર કરી. બધું નક્કી થઈ ગયું. મારાથી તમારા બંનેના લગ્ન નહીં જોવાય. મારી શુભેચ્છાઓ હંમેશા તમારા બંનેની સાથે છે અને રહેશે.

એ રાત આપણાં ચારેયની જિંદગીને વિચિત્ર વળાંક આપનારી બની રહી. આપણાં બંને માટે તો વજ્રઘાત જ કહેવાય. જીરવી લઈશું, જીવી લઈશું, પરંતુ જીવન પ્રત્યેનો એ પ્રેમ, ઉષ્મા, ઉત્સાહ, જોશ ક્યાંથી લાવીશું ?

આપણે બંને ઈશ્વર પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખીશું. 'એ રાત' ને ભૂલી તો નહી શકીએ પણ જીવનને એક નવી દિશા આપી દઈએ. એક અઘરો નિર્ણય કર્યો છે, તો આપણને એમાંથી ઈશ્વર જ બહાર લાવશે. તારો પ્રેમ મારી હિંમત અને પ્રેરણા બનશે.

 લી. તને ક્યારેય ભૂલવા ન માગનારી,

તારી જ પ્રિયતમા ધરા.

ધરા પત્ર વાંચીને ગડી વાળીને પર્સમાં મૂકે છે. સવાર પડવાની થોડી વાર છે. વિચારો સાથેનું યુધ્ધ ટ્રેનની સાથે છુક- છુક કરતું આગળ વધે છે. એ રાત કેવી નિર્ણાયક બની ગઈ ! શું આપણે ઈશ્વરના હાથની કઠપૂતળી છીએ. મુવી જેવી જિંદગી લાગતા અવની આંખો બંધ કરી દે છે, ને બે ટીપાં આંસુના ખરી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy