તૂટેલી પાંખ
તૂટેલી પાંખ
આંગણે ઉભેલી પિંકી બોલી, "પંખી જોતું આભને, ઘડીક તૂટેલી પાંખને..."
હેતલે નવાઈ પામતા પૂછ્યું, “બેટા, આ શું બબડે છે?"
પતંગની દોરીથી ઈજાગ્રસ્ત કબૂતર તરફ આંગળી ચીંધતા પિંકી બોલી, “માઁ, પેલું કબૂતર જોને, બિચારું કેવું તડપી રહ્યું છે."
હેતલે કહ્યું, "બેટા, પાંખ કપાઈ જવાને કારણે તેને ખૂબ વેદના થઇ રહી છે.”
પિંકીએ નિર્દોષતાથી પૂછ્યું, "હે! માઁ, પાંખ કપાવવાથી ખૂબ વેદના થાય છે?"
આ સાંભળી હેતલને એ પ્રસંગ યાદ આવ્યો જયારે તેના પતિ સુબોધે “સારા ઘરની વહુઓ નાચતી નથી પરંતુ ઘર સાચવે છે.” આમ કહેતાની સાથે તેના ઘૂંઘરુંને ફેંકી દીધા હતા. ભોંય પર પડેલા એ ઘૂંઘરું સાથે ભરતનાટ્યમમાં ઉત્તમ નૃત્યાંગના બનવાનું હેતલનું સ્વપ્ન પણ વિખરાઈ ગયું હતું. ભૂતકાળને વાગોળી હેતલે પિંકીના પૂછેલા પ્રશ્નનો હતાશાથી જવાબ આપ્યો, “હા બેટા, જોકે ઈજા કરતા હવે આસમાનમાં પાછું ઉડી નહીં શકાય એ હકીકત પારાવાર પીડા આપે છે.” આમ કહી હેતલ ધ્રૂસકે ધ્રૂસકે રડતા રૂમમાં મુકેલા એક જુના કબાટ તરફ દોડી ગઈ. કબાટમાં તેણે નૃત્યમાં પારિતોષક મેળવ્યા હતા તે સમયની તસવીરો તથા તેના ઘૂંઘરુંને સાચવી રાખ્યા હતા. વર્ષો પછી ભૂતકાળને આમ પોતાની સામે જોઈ અનાયાસે હેતલના પગ થીરકી ઉઠ્યા.. અશ્રુભીની આંખે હેતલ તસવીરોને તો ક્યારેક તૂટેલા ઘૂંઘરુંને નિહાળી રહી! ત્યાં આંગણામાંથી આવેલા પિંકીના શબ્દોએ પારૂલને વાસ્તવિકતાની ભૂમિ પર લાવી પછાડી, “પંખી જોતું આભને, ઘડીક તૂટેલી પાંખને...”