તું હી તારણહાર
તું હી તારણહાર


આપણા જૈન મુનિઓ સૈકાઓથી મોઢા પર માસ્ક પહેરતાં આવ્યા છે. બોલતાં હવામાં રહેલ સૂક્ષ્મ જંતુઓની હત્યા ન થઇ જાય માટે. કેવું પુણ્યશાળી કામ!
આ જે આખી દુનિયા મોઢા પર માસ્ક પહેરતી થઈ ગઇ છે. પણ પરિસ્થિતિ ઊંધી છે..શિકારી ખુદ યહાં શિકાર હો ગયા જેવી....મતલબ આજે કરોનાના સૂક્ષ્મ વાયરસ નાક,મોઢા, આંખ વાટે શરીરમાં દાખલ થઇ માણસની હત્યા ન કરી નાંખે એનાથી બચવા માસ્ક પહેરાય છે. આ પણ પુણ્ય નું જ કામ છે. અલબત અહિંસા નું પુણ્ય કરોનાના ખાતામાં જમા થાય છે!!
કહે છે આ હવે આપણી લાઇફ સ્ટાઇલ જ થઈ જશે કારણ કોરોના કંઇ એમ જલદી જવાનો નથી. સ્ત્રીઓ એ હવે નવી ડિઝાઈન..નવા નવા રંગોનાં માસ્ક ખરીદવા પડશે. ડીઝાઈનર કપડાં સાથે ડીઝાઈનર માસ્ક!! ખરચો વધવાનો. જો કે સાવ એવું નથી સામે બચતના પણ રસ્તા છે..હવે મેકઅપ નો સામાન ક્યાં ખરીદવાનો છે? મેકઅપ જ નથી જરૂર કારણ મોંઢુ નહીં હવે તો ચહેરા સામે જોતાં માસ્ક ના જ દર્શન થશે. ચિંતા એ વાતની છે કે હવે'તેરી પ્યારી પ્યારી સૂરતકો,કિસીકી નજર ના લગે' જેવા ગીતો કેવી રીતે રચાશે? સ્ત્રીઓ ભેગી મળે ત્યારે એમની ખીલતી વાક્ ધારા માસ્ક માં મૂરજાઇ નહીં જાય? વિરાટ કોહલીનો વહેમ રાખવા વાળા પુરુષો નું શુ? એમની તો વધારેલી દાઢી જ નહીં દેખાય?!! બોલો આવા જાત જાતનાં ભયંકર વિચારો વચ્ચે પણ હું ઓનલાઈન ક્યાંક સારા માસ્ક મેળવવા પ્રયત્ન કરી રહી છું, ક્યાંય ન મળતી દુર્લભ વસ્તુની જેમ. કારણ...કોરોનાથી એક તું જ તો તારણહાર છો !