STORYMIRROR

Shobha Mistry

Romance Fantasy

4  

Shobha Mistry

Romance Fantasy

તું અહીં ?

તું અહીં ?

3 mins
324

અજય અને અમિતા, ગુલમહોરના વૃક્ષ પર કોતરેલું નામ વાંચી અમિતા અને અજય બંનેની આંખોમાં આંસુ આવી ગયાં. બે વર્ષથી છૂટા પડેલાં અજય અને અમિતા તેમના મનભાવન ઝાડ પાસે આવીને ઊભા હતાં. બંને અનાયાસ જ સાથે થઈ ગયાં. બંને ઝાડ પર હૃદય આકારમાં કોતરેલાં પોતાના નામ પર હાથ ફેરવી રહ્યાં હતાં.

"તું, અહીં ?" બંનેએ સાથે જ એકબીજાને પ્રશ્ન કર્યો. બંને નિરુત્તર રહી એકબીજાને જોઈ રહ્યાં. અમિતાની આંખમાંથી ટપકતાં આંસુને અજયે પોતાના હાથમાં ઝીલી લીધા.

"અમિ, મને માફ નહીં કરે ?" અજયે પૂછ્યું. અમિતા રડતાં રડતાં અજયને વળગી પડી. બે વર્ષથી મનમાં ભરી રાખેલો ડૂમો જાણે અજયની છાતીમાં ઠલવાય ગયો. તો અજયની આંખો પણ ક્યાં કોરી હતી ? એણે પોતાની પ્રિયાને છાતી સરસી સજ્જડ ભીંસી દીધી. 

"હવે કોઈ દિવસ મને છોડીને ન જઈશ." એણે અશ્રુ નીતરતી આંખે કહ્યું. 

"અજય, મારી શું ભૂલ હતી ?"

"ભૂલ તારી પણ નહોતી અને મારી પણ નહોતી. આપણી સમજણ ઓછી પડી." અજયે કહ્યું. બંને ફરી એકવાર એ જ ઝાડ નીચે એકબીજાને સ્નેહથી ભેટી પડ્યાં જેમ બે વર્ષ પહેલાં ભેટતાં તેમજ. અમિતા ઝાડના થડને અઢેલીને બેસી ગઈ. અજય તેના ખોળામાં માથું નાંખી આડો પડ્યો. બંનેના સ્મરણ પટલ પર વીતેલાં વર્ષોની યાદ જાણે પસાર થઈ ગઈ.

પારેખ એસોસિયેટની કંપનીમાં મેનેજર પદ પર અજય કામ કરતો હતો. થોડા સમય પહેલાં જ અંગત મદદનીશ તરીકે અમિતાની નિમણૂંક થઈ હતી. સાધારણ નાક નકશો પણ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતી અમિતા કામમાં ખૂબ કુશળ હતી. આઠ દસ કલાકના સતત સહવાસે શરૂઆતમાં સહજ આકર્ષણ અને પછી અમિતાની બુદ્ધિ પ્રતિભાથી અજય પ્રભાવિત થયો. અમિતા પણ મનોમન અજય તરફ આકર્ષિત થઈ હતી પણ સ્ત્રી સહજ લજ્જાથી પોતાના મનોભાવ વ્યક્ત કરી શકતી નહોતી. 

પોતાના જન્મદિવસે અજયે અમિતાને કેન્ડલ લાઈટ ડીનર પર આમંત્રણ આપ્યું અને ત્યાં એણે ફિલ્મી સ્ટાઈલમાં પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. જેનો અમિતાએ સ્વીકાર કર્યો અને આમ બંને પ્રેમી પંખીડા એક ડોરમાં બંધાઈ ગયાં. થોડા સમય પછી વડીલોની મંજૂરીથી લગ્નબંધનમાં બંધાઈ ગયાં. જીવન સરસ રીતે ચાલી રહ્યું હતું. પહેલાં ઑફિસમાં બોસ અને અંગત સેક્રેટરીનું સગપણ હતું પણ હવે પતિ પત્ની બન્યા એટલે થોડુંક અજુગતું લાગતું હતું. તેથી અમિતાએ એ જોબ છોડી દીધી અને નવી ઑફિસ જોઈન્ટ કરી જેથી મુક્ત રીતે કામ થઈ શકે. 

અમિતાની નવી ઑફિસના સમય સાથે અજયની ઑફિસનો સમય આગળ પાછળ હતો. એટલે બંને જુદાં જુદાં ઑફિસ જવા નીકળતાં. એમાંથી બંને વચ્ચે શરૂઆતમાં થોડી અને પાછળથી વધુ ખટપટ થવા લાગી. ધીમે ધીમે નાની વાતને મોટું સ્વરૂપ મળવા લાગ્યું. એક દિવસ જે ઝાડ નીચે બંને પ્રણયકાળમાં બેસી ઘુટર ઘુ કરતાં હતાં. તે જ ઝાડ નીચે બંને છૂટા પડી ગયાં. બંનેના વડીલોએ તથા મિત્રોએ સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ તેમને નિષ્ફળતા સિવાય કંઈ હાથ ન લાગ્યું.

શરૂઆતમાં તો બંને પોતાના અહમને કારણે પોતાની રીતે વટમાં રહેવા લાગ્યાં પણ જેમ જેમ સમય સરતો ગયો તેમ તેમ બંનેને એકબીજાની યાદ આવવા લાગી. એકબીજાના સારા પાસાંને યાદ કરવા લાગ્યાં. આમ કરતાં કરતાં બે વર્ષ પસાર થઈ ગયા. આજે એ જ દિવસ હતો જ્યારે બંને પ્રણયના સ્વીકાર પછી પહેલી વખત અહીં આવ્યાં હતાં. આ જ ઝાડ પર એમણે દિલનું ચિત્ર કોતરી તેમાં પોતપોતાના નામ કોતર્યા હતાં. આજે સવારથી બંનેને એકબીજાની ખૂબ યાદ આવતી હતી એટલે બંને એ ઝાડને સ્પર્શ કરવા આવ્યાં પણ અનાયાસે એક જ સમય પર ભેગાં થઈ ગયાં. 

"અમિ, આજે આપણે આ ઝાડની સાક્ષીએ નિર્ણય કરીએ કે આજ પછી કોઈ દિવસ મતભેદને મનભેદમાં ફેરવીશું નહીં."

"અજય, મારું તને વચન છે આજ પછી આપણે હંમેશાં મળીસંપીને પ્રેમથી રહીશું." 

કહેવાય ત્યારે ઝાડ પણ એ કોઈના પ્રેમનું સાક્ષી પણ બની શકે છે. તે આજે એમણે જાણ્યું. ફરી બંને પ્રેમીઓ હાથમાં હાથ પરોવી એક જ દિશામાં સાથે ચાલી નીકળ્યાં. 


Rate this content
Log in

Similar gujarati story from Romance