ટપાલી
ટપાલી


ટ્રીન... ટ્રીન..
સાઈકલની ઘંટડી વગાડતો સડસડાટ જમન સમજુકાકીની ડેલી આવતાં સાઈકલને બ્રેક મારી ડેલીએથી બૂમ પાડતો બોલ્યો, "અરે..! ક્યાં છો સમજુ ડોશી" એટલામાં તો અંદરથી ડેલી ખોલતાની સાથે જ સમજુકાકી બોલ્યાં,
"ડોશી હશે તારી મા, મારો રોયો ડોશી કે' છે, હું તને ડોશી જેવી લાગું છું?"
"સમજુકાકી તમને કાકી કહું તો અને મા કહું તો તમે મારી ખરી મા છો, કાકી મારી મા સ્વર્ગ સિધાવી ત્યાર પછી તમારા હાથના પાંચ વર્ષ રોટલા ખાધા છે, અને પરણાવ્યો પણ તમે મને, હું તમારું આ ઋણ ક્યાં જન્મમાં ચૂકવીશ?"
"હવે બહુ ડાહ્યો થા મા, તારી માએ મરતાં પહેલા વચન માગેલું, મેં તો બસ એ પૂરું કર્યું કે, 'સમજુ મારા દીકરાનું તું ધ્યાન રાખજે, તારો દીકરો સમજી સાચવી લેજે, જ્યાં સુધી જમનની વહુ ન આવે ત્યાં સુધીની જવાબદારી તને આપું છું.' બસ મેં મારું કામ કર્યું એમાં શું મોટી વાત છે.."
"ચાલો સમજુકાકી, મારે હવે મોડું થાય છે. તમે રોજની જેમ ફટાફટ મારા માટે ચા ચુલે ચડાવો એટલે હું છૂટો થાવ. મારે હજું ઘણી ટપાલો દેવા જવાની છે."
"તું ઘડીક ઓટલે બેસ, ત્યાં હું ચા બનાવી લાવું."
થોડીવારમાં તો સમજુકાકી ગરમા-ગરમ ચા કિટલીમાં લઈ આવ્યાં. ડેલીના ઓટલે બેસી કાકી દીકરો ચાની ચૂસકી લેતાં લેતાં વાતોએ ચડી ગયાં.
સમજુકાકીએ એમના સ્વભાવ મુજબ જમનને પૂછ્યું, "હે જમનીયા તારા થેલામાં જોતો ખરા કોઈની કંકોતરી કે કોઈના મેલા કે ઓલી મોંઘીની છોકરીનું છૂટું થયું એના કાગળિયાં તો નથી આવ્યાંને ?"
જમન બોલ્યો, "ના રે સમજુકાકી કશું નથી આવ્યું, આજે તો બસ ટેલીફોનના બિલ છે એ મારે આપવા જવાના છે."
સમજુકાકી બોલ્યાં, "ભલે જમન તું આપી આવ, પણ એ બિલ વચ્ચે જરા જોતો ખરો, મારા પરદેશ જવાના કાગળિયાં મારા સાગરે અમેરિકાથી મોકલ્યા તો નથીને ? જમન, પાસકોર્ડ તો બે વર્ષથી આવી ગ્યો છે, પણ હવે કાગળિયાં ક્યારે આવશે એની રાહ જોવાની રહી."
જમન બોલ્યો, "પાસકોર્ડ નહીં કાકી.. પાસપોર્ટ."
સમજુકાકીએ કહ્યું, "અરે..હા! એ જ, તારો પાસપોર્ટ.. અમને ઘરડાંને એવું ન બોલતાં આવડે મારા દીકરા."
જમને થેલો ચેક કરી બધા બિલ કાઢ્યાં અને એમાં સમજુકાકીના નામનું પરબીડિયું નીકળ્યું. જમન, એ પરબીડિયું જોતાં જ બોલી ઉઠ્યો, "ઓહ..હો.. કાકી તૈયારી કરો હવે પરદેશ જવાની તમારા સાગરની ચિઠ્ઠી આવી છે."
"શું વાત છે જમનીયા તારા મોંમાં ઘી સાકર તો તો.. જલ્દી ખોલ શું લખ્યું છે એ વાંચ તું, આજે પાંચ પાંચ વર્ષથી દીકરા હું રાહ જોતી હતી એ સમય આવી ગયો ખરો હો."
જમને એ પરબીડિયું ખોલ્યું અને પહેલાં તો પોતે આખો પત્ર વાંચી ગયો, થોડીવાર તો એ બેબાકળો થઈ ગયો
, મનોમન વિચારવા પણ લાગ્યો કે, 'સમજુકાકીને આ વાંચી કેમ સંભળાવું?'
અને બીજી તરફ સમજુકાકી ઉતાવળા થતાં હતાં, "જમનીયા તું જલ્દી બોલ શું લખ્યું છે? કંઈ ચિંતા જેવું તો નથી ને? તું બોલતો નથી તો મારો શ્વાસ રૂંધાવા લાગ્યો છે, તું જલ્દી બોલ નહિતર તને મારા સમ છે."
જમને કહ્યું, "તો સાંભળો કાકી તમારા સાગરે લખ્યું છે."
"વ્હાલી બા'
તમે મજામાં હશો, હું પણ મજામાં છું. મારી કોઈ ચિંતા તમે કરતાં નહીં, મેં અહીં મારી મનપસંદ છોકરી સાથે લગ્ન કરી લીધાં છે, અમે બન્ને સાથે ખુશ છીએ અને બા તમારા અહીં આવવા માટે ઘણી કોશિશ કરી, પણ તમારા વિઝા થાય એમ નથી અને હવે હું દેશમાં આવી શકું એમ નથી, તો મારી એવી ઈચ્છા છે કે તમે આપણી જમીન અને મકાન વેચીને, જે પૈસો આવે તે તમે અનાથ આશ્રમમાં આપી દેજો અને તમે પણ ત્યાં રહેવા માટે જતાં રહેજો, એ અનાથ આશ્રમમાં જવાની બધી સગવડ હું અહીંથી તમને કરી આપીશ, તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં અને બની શકે તો તમારા દીકરા સાગરને તમે માફ કરી દેજો.
એજ લી. તમારો સાગર...
આટલું સાંભળી સમજુકાકી તો મોટે સાદે રડતાં રડતાં બોલવા લાગ્યાં, "જમનીયા મારા તો ભાગ્ય ફૂટ્યાં કે શું? છતે દીકરે હું તો દીકરા વગરની નોંધારી થઈ ગઈ, મારા પર તો આભ ફાટી પડ્યું."
હીબકાં ભરતાં ભરતાં સમજુકાકી બોલે જતાં હતાં, "જમનીયા હું અનાથ આશ્રમમાં જાઉં તો તો સ્વર્ગમાં બેઠેલા તારા રઘુકાકાનું મહાણ લાજે, મારે તો હવે મોતને વ્હાલું કરવું રહ્યું. મારા એકના એક દીકરા સાગરે મારાં પર ભારે કરી.. જમનીયા હું તો ક્યાંયની ન રહી.."
જમનથી હવે ચૂપ રહેવાયું નહીં અને બોલ્યો, "કાકી પહેલાં તમે રડવાનું બંધ કરો અને મારી વાત સાંભળો, સાગરે ભલે તમને ના પાડી દીધી હોય, પણ આ જમનીયો શું તમારો દીકરો નથી ? આ જમન જીવતો છે ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી અને મરવાનું જો નામ લીધું છે તો તમને તમારા આ દીકરાના સમ છે. તમારે તો હજું મારા છોકરા રમાડવાના છે. આમ મરવાની વાત નહીં કરવાની. તમે મારા કાકી તો કહેવાના છો, મારી સાચી મા તો તમે છો. હું તમારું ઘડપણ પાડીશ, તમે તમારી ફરજ બજાવી હવે ભગવાને મને મોકો આપ્યો છે, મારી મરી ગયેલી મા ફરી તમારા રૂપે આવી છે, તમે આજથી અહીંયા તાળું મારો અને ચાલો તમારા દીકરાને ઘરે પાંચ વર્ષ એકલા રહી લીધું હવે બસ છે કાકી, મારું ઘર પણ મારી મા ની રાહ જુવે છે ચાલો હવે મારા ઘરે ડોશી."
રડતાં રડતાં પણ સમજુકાકી ફરી બોલ્યાં, "ડોશી હશે તારી મા, જમનીયા ખરેખર તું મારો પેટનો જણ્યો નથી પણ એથી પણ તું વિશેષ છે, તારે લીધે મારો ભવ સુધરી ગયો તારા જેવો દીકરો પામીને..."
-સચિન સોની..
26/09/2020