Sachin Soni

Drama Inspirational Others

4.5  

Sachin Soni

Drama Inspirational Others

પ્રેમ કરવાની મનાઈ

પ્રેમ કરવાની મનાઈ

4 mins
257


પ્રેમ કરવાની મનાઈ છે એવું ફરમાન આપણાં ઘરમાંથી કોણે જાહેર કર્યું ? એવા એક સવાલ સાથે આખા ઘરમાં દરેક વ્યક્તિને પૂછતા કાર્તિકને અંતે ભોળી મમ્મી શારદા પાસેથી ખબર પડી કે આ વાક્ય તો બે દિવસ પહેલાં દાદી બોલ્યાં હતાં.

મમ્મી પાસેથી વાત જાણી કે તરત જ કાર્તિક દાદીના રુમમાં દોડતો પહોંચ્યો. કાર્તિકે દરવાજેથી જોયું તો દાદી તો કાનુડાની મૂર્તિ સામે બેસી માળા કરવામાં વ્યસ્ત હતાં. કાર્તિક જાણતો હતો કે દાદીના પૂજાનાં સમયમાં ખલેલ પહોંચે તો શિવજીની માફક દાદીનું ત્રીજું નેત્ર ખુલતાં વાર ન લાગે.

   એટલે કાર્તિક ચૂપચાપ રુમમાં આવી દાદીની આરામ ખુરશી પર આવી બેસી ગયો, અને દર પાંચ મિનિટે કાંડે બાંધેલી ઘડિયાળમાં જોતો રહેતો, હમણાં દાદી ઊભાં થશે એવી એક કલાક રાહ જોયા પછી અંતે દાદી ઊભાં થઈ સીધા "બોલ્યાં સૌપ્રથમ તો તું મારી ખુરશી ખાલી કર ચલ ઊભો થા, આમ સવાર સવારમાં દાદીની ખુશામત કરવા આવ્યો છે કે કોઈ ફરિયાદ લઈ બોલ."

   " કઈ કામ હોય તો જ શું તમારી પાસે આવું એવું કંઈ નથી, આ તો મારી વ્હાલી દાદીને મળવાનું બહુ મન થયું એટલે તમારી પાસે આવ્યો, દાદી તમે આરામથી ખુરશી પર બેશો હું તમારા પગ દબાવી આપું." આટલું કહી કાર્તિક દાદીના પગ પાસે બેસી દાદીના પગ દબાવવા લાગ્યો, અને દાદી પાસે મીઠી મીઠી વાતો કરતાં કરતાં વાત વાતમાં "બોલ્યો ખરો દાદી બે દિવસ પહેલાં મારા ઘરમાં પ્રેમ કરવાની મનાઈ છે એવું ફરમાન તમે જાહેર કર્યું ?"

   "હા...મેં જ જાહેર કર્યું છે કેમ એમાં તને શું તકલીફ છે ? અને તને આ ફરમાન વિશે પેલી વાંદરીએ જણાવ્યું લાગે છે ?" "કાર્તિક: કોણ વાંદરી..?" 

" જે તને ગેલેરીમાં ઊભો જોઈ તારી સામે કોઈના કોઈ બહાને પોતાની ગેલેરીમાંથી તને નિહાળતી હોય છે, જે તને તારા ફોનમાં રોજ મેસેજ કરતી પહેલી આપણી સામે રહેતી સંધ્યા હવે ઓળખ્યો કે હજુ બીજું પણ કહું એના વિશે ?"

     કાર્તિક શરમાતો 'બોલ્યો દાદી તમે તો મારી બહુ ખબર રાખો છો તમે તો લેડી જાસૂસ નીકળ્યાં, દાદી એ છોકરી મને બહુ ગમે છે, એ મને પ્રેમ કરે છે અને હું એને પ્રેમ કરું છું."

   " તો તો તમારા પ્રેમને લગ્નનું નામ આપવું જ પડશે તારા પપ્પાને કહેવું પડશે મારે. કાર્તિક લગ્નનું નામ સાંભળતા બહુ હરખમાં આવી "બોલ્યો જી દાદી."

" સંધ્યાના મમ્મી પપ્પાને ખબર છે તમારા પ્રેમ વિશે..?"

"ના દાદી એને કશી જ નથી ખબર."

    "તો ચાલ આપણે દાદી દીકરો માંગુ લઈ આજે જ સંધ્યાના પપ્પા પાસે તારા માટે સંધ્યાનો હાથ માંગવા જઈએ.

પણ કાર્તિક સંધ્યાના પપ્પા તને પૂછશે તું શું કરે છે ? મતલબ કામ શું કરે છે? મહિને કેટલા પૈસા તું કમાય છે? અથવા એમ પણ પૂછે હાલમાં તો તું અભ્યાસ કરે છે તો આગળ જતા નોકરી કરીશ કે તારા પપ્પાની દુકાન સંભાળીશ તારું લક્ષ શું છે ? દીકરીનો બાપ છે એ તો કંઈ પણ પૂછી શકે ? એને પણ પોતાના દીકરીની ચિંતા તો હોયને ."

   " અરે...! દાદી એમાં શું ડરવાની વાત છે આપણી પાસે તો આટલો બધો પૈસો છે, આલીશાન દુકાન પણ છે કોઈ જાતની આપણાં ઘરમાં ક્યાં કોઈ કમી છે."

" દીકરા તારી બધી વાત સાચી, પણ તું શું કરે છે એના જવાબમાં આ જવાબ ચાલે નહીં. પહેલાં તું મને જણાવ તારું લક્ષ શું છે ? તારે ભણીને નોકરી કરવી છે કે પપ્પાની દુકાન સંભાળવી છે ."

" હું ભણું પણ છું સાથે બપોર પછી દુકાને પણ જાઉં છું તો ખરો બેન્કનાં બધા કામ સંભાળું છું દાદી." 

  "મને ખબર છે તું દુકાને જાય છે, પણ તું ત્યાં બેસીને ક્યારેય કોઈ ગ્રાહક સંભાળ્યા છે, કોઈ જવાબદારી તે કદી લીધી છે. કાર્તિક લગ્ન કોઈ ઢીંગલી પોતીયાનો ખેલ નથી, 

લગ્ન કરવા હોય તો તમામ જવાબદારી ઉપાડવા તું સક્ષમ હોવો જોઈએ એકલા પ્રેમ કર્યે પેટ નથી ભરાતું દીકરા ભૂખ લાગે ત્યારે પેટને અનાજ પણ આપવું પડે, એના માટે પૈસા પણ કમાવવા પડે, આજે આપણે પૈસાદાર છીએ કાલની કોને ખબર છે આ લક્ષમી ચંચળ છે, તે રાતમાં કોઈને પૈસાદાર બનાવી શકે છે અને એક રાતમાં રોડ પર પણ લાવી શકે છે, તું કહે છે હું બેન્કનું કામ સંભાળું છું એ કામ તો કોઈ માણસ રાખીએ તો એ પણ સંભાળી લે.

મારો કહેવાનો હેતુ બસ એટલો જ છે પહેલાં તું કંઈક બન મનમાં કોઈ લક્ષ રાખ પછી તારા લગ્ન માટે તારા મમ્મી પપ્પા તારી દાદી હયાત છે હજુ, માટે બે દિવસ પહેલાં સંધ્યા ઘરે આવી હતી હું જાણી જોઈને બોલી હતી કે આ ઘરમાં પ્રેમ કરવાની મનાઈ છે. એટલે એ પણ બિચારી તારી રાહ ન જોવે."

    "દાદી ખરેખર તમે મહાન છો, તમે કહેલી વાત આજથી હું ગાંઠે બાંધું છું જ્યાં સુધી હું મારા પગભર ન થાઉં મારી રીતે પૈસા ન કમાઉ ત્યાં સુધી મારા ચંચળ મનને પણ સમજાવી દઈશ કે પ્રેમ કરવાની મનાઈ છે."


Rate this content
Log in

Similar gujarati story from Drama