Sachin Soni

Inspirational

4  

Sachin Soni

Inspirational

માને પત્ર

માને પત્ર

2 mins
257


વ્હાલી મા,

મને નાનપણથી જ કહેવામાં આવ્યું કે મા ભગવાનને ઘરે ગઈ છે. તને ખબર છે એ ભગવાનનું ઘર એટલે શું ? એ ભગવાનનું ઘર એટલે તું ઉંચા આભે તારો બની જયાં તું ટમટમી રહી છે, બસ એ જ તારું ઘર, ઘણીવખત એ આભામંડળમાં મારાં બાળ હૃદયે તને શોધવાની બહુ કોશિશ કરી, પણ તારો મમતાભર્યો ચહેરો મને કદી જોવા ન મળ્યો. 

એટલે જ તો હું તારાથી બહુ નારાજ છું, અને હું નારાજ થઈ પણ શકુંને ? હા નારાજ થવાનો મને પૂરો હક છે. કેમ કે, હું તારો દીકરો, એટલે દીકરો નારાજ થઈ શકે. અને તું ક્યાં મારી નારાજગીથી અજાણ છે મા. કેટલાં વર્ષોથી મનમાં રાખેલી વાત એટલે કે મારી નારાજગી આજે આ પત્રમાં શબ્દોને વાચા આપી વ્યકત કરુ છું.

મા તે મારા પાંચે ભાઈ-બહેનને તારાં મમતાનાં ખોળે બેસાડી તારો વ્હાલભર્યો હાથ તેનાં પર મૂકી એને માનો સ્નેહ આપી બહુ લાડકોડથી ઉછેર્યા. મારાં ભાઈ-બહેનને લાડ લડાવી તારી છાતીએ ચાંપી તારાં હુંફાળાં સ્નેહથી તરબોળ પણ કર્યા. તારો પાલવનો છેડો ઝાલી તારી આગળ-પાછળ ફરી તને મા કહેવાનો લ્હાવો પણ લીધો.

મા હું એમ પણ નથી કહેતો કે મને આ બધું સુખ તે નથી આપ્યું, તારા મને તો તારા બધાં સંતાન એકસમાન હતાં. પણ મેં તારી સાથે બહુ અલ્પ સમય વિતાવ્યો, કારણ કે મારાં નસીબમાં માનું સુખ માત્ર પાંચ વર્ષ સુધીનું જ હતું. અને પાંચ વર્ષ તો મારાં શૈશવનાં હતાં, અને મારાં શૈશવ કાળમાં તને કાળમુખો હૃદય રોગનો હુમલો આવ્યો અને એ તને સાથે લઈ ગયો એ પણ હમેંશ માટે. બસ ત્યારથી મને જણાવવામાં આવ્યું તું ભગવાનને ઘરે ગઈ છે. અને બાળ મને માની પણ લીધું. 

આજે યુવાન થયેલાં તારા દીકરા પાસે માત્ર એક તારો ફોટો છે, અને નાનપણની એ તારી ધૂંધળી યાદોનાં સહારે જીવી રહ્યો છે તારો દીકરો ! મા મારો પત્ર પૂરો કરતાં પહેલાં હું તને એકવાત કહેવાં માંગુ છું. તું ભગવાનને ઘરે છો તો તને કદાચ ભગવાન મળે તો એને મારાં વતી કહેજે, નાનપણમાં કોઈ પણ દીકરાની માને તું તારી પાસે કદી ન બોલાવતો.

પણ મા આ જન્મનાં સ્નેહની તરસ આવતા જન્મે તું પૂરી કરીશ એ આશા સાથે...

અસ્તુ.. 

લી.

દર્દ ભરી યાદ ટપકાવતો 

તારો જ દીકરો....

સચિન સોની


Rate this content
Log in

Similar gujarati story from Inspirational