ઠેરના ઠેર
ઠેરના ઠેર
કાન મારા માનવા તૈયાર ન હતા.
‘શું આ હું અમેરિકાના મંદિરમાં બેસીને સાંભળી રહી છું’ ?
મારી સામેના ટેબલ પર બેઠેલી ૨૨થી ૨૫ વર્ષની યુવતિ જે બે સુંદર બાળકોની માતા પણ છે. અમે સામસામે ટેબલ પર જમવા બેઠા હતાં. બધું સ્પષ્ટ મને સંભળાતું ન હતું. કિંતુ એ છોકરી હાવભાવ અને આંખો દ્વારા દર્શાવી રહેલી લાચારી મને દેખાઈ. તેના અવાજમાં કરૂણતા અને અસહાયતા ટપકતા હતા.
‘મારી સાસુ આમ, ને મારી સાસુ તેમ, મારા પતિને પણ એમ જ કરે આવું આવું કાંઇ ભાંગ્યું તુટ્યું હું સમજી શકી. મારા કાન અને દિમાગ સરવા થયા. મને લાગ્યું આ તાજેતરમાં જ ભારતથી આવી છે. તેના દીદાર ચાડી ખાતા હતા કે ગામડામાંથી આવી હશે. આ બધું અનુભવી આંખોને પારખતાં વાર ન લાગે !
મારો જમવામાંથી રસ ઉડી ગયો. મને થયું આ દીકરીને બે શબ્દો કહું, ‘બેટા ધીરજ રાખજે, સાસુને એની સાસુએ ખૂબ દુખ દીધાં લાગે છે’.
જમીને ઉઠી, જાણી જોઈને મારી બહેનપણીઓને આગળ જવા દીધી. ધીરેથી મેં એને પૂછ્યું, ‘બેટા ભારતથી ક્યારે આવી ?”
‘આન્ટી બે વર્ષ થયા’.
ખૂબ નાદાન અને ભોળી લાગતી હતી.
‘આ બન્ને સુંદર બાળકો તારા છે’?
તેના મુખ પર લાલિમા પ્રસરી ગઈ. ‘હા આન્ટી’.
‘તો વાંધો શો છે ?’
‘મારી સાસુ પૈસા માગે છે. લગ્ન કર્યા ત્યારે ખબર હતી હું સાધારણ માતા અને પિતાની દીકરી છું .’
‘તારા પતિ તને ત્રાસ આપે છે?’
‘ના, આન્ટી એમને તો હું અને બાળકો ખૂબ વહાલા છીએ’. પણ—
‘પણ શું બેટા?’
એમની નોકરી ખૂબ સામાન્ય છે. મારે બાળકો છે એટલે નોકરી કરવા ન જવાય’.
મારું મન વિચારમાં પડી ગયું. ભારતથી ૧૦,૦૦૦ માઈલ દૂર આવેલી આ છોકરીની શું હાલત થશે. અંહી તેને આશ્વાસન દેનાર કોણ ? તેની વાત સહાનુભૂતિથી કોણ સાંભળશે ? તેને કોણ સમજી શકે ? સાચું કહ્યું છે, “સ્ત્રીની મોટામાં મોટી દુશ્મન બીજી સ્ત્રી “. એમાંય આ તો સા————સુ. ! ધીરે રહીને કહ્યું, ‘બેટા, સાસુનો પ્રેમથી દિલ જીતવાનો પ્રયાસ કર. એ પણ એક સ્ત્રી છે. એક વાતનું ધ્યાન રાખજે, તને તારા માતા અને પિતા વહાલા છે ને’?
‘હા, આન્ટી’.
‘તેમ તારા પતિને ગમે તે કરશે, તેને પણ માતા અને પિતા વહાલા છે. ગમે તે થાય . તેમની સામું બોલીશ નહી. તારો પતિ નહી સાંખી શકે. થોડી ધીરજ રાખજે તારી સાસુનું વર્તન બદલાશે’.
મને લાગ્યું તેના હાવભાવ જોઈને કે કદાચ મારી વાત તેને ગળે ઉતરી હશે.
આ એક સળગતો પ્રશ્ન છે. આપણા સમાજનો !
“ક્યારે આ દાનત સુધરશે કે ,”તું તારા બાપને ત્યાંથી શું લાવી”. ‘બાપનું ઘર, વહાલી માતા અને ભાઈ બહેન છોડીને આવી તે ઓછું છે ?
‘તમે યાદ કરોને તમારા માબાપે તમને શું આપ્યું હતું ?’
“યાદ છે, ગધેડું ગંગા નાહ્યે ઘોડું ન થાય”! ભલેને લગ્ન કર્યે ગમે તેટલા વર્ષ થાય, “તારા બાપે શું આપ્યું”? એ વાક્ય પથ્થરની લકિર સમાન છે. આપણા સમાજમાં. અણઘડ પરિવારોમાં. શું તમારા દીકરામાં કમાવાની તાકાત નથી?
આપણી પ્રજા વિમાનમાં બેસીને અમેરિકા આવી એટલે સુધરી ગઈ. ે બાળપણના સંસ્કાર, એ સમાજના રીતરિવાજ અને એ ખોટી અપેક્ષાઓ આપણને ક્યાં લઈ જશે? હવે અભણ પ્રજા તો ન સુધરે પણ ભણેલા પણ જ્યારે આવું વર્તન કરે છે ત્યારે શરમથી મસ્તક ઝુકી જાય છે.
હજુ ગઈ કાલની વાત છે, એક જજે જીવનના દસ નુસખા બતાવ્યા કે, ‘વહુ આવે પછી માતા અને પિતાએ કેવું વર્તન કરવું ‘.
હવે જજ જેવો જજ પણ સત્ય નથી કહી શક્તો તો બીજાની શું વાત કરવી?
એ ભૂલી ગયો કે ‘દીકરી પરણાવ્યા પછી તેના માતા અને પિતાએ દીકરીના ઘરમાં દખલ ન કરવી અને દીકરીને પતિના માતા તેમજ પિતા વિષે કાન ન ભંભેરવા. કારણ દીકરીને ખબર છે, મારી મા ખોટું ન કહે ‘ ? દીકરીના માતા અને પિતા પોતાનું મનફાવતું વર્તન કરે અને ઉપરથી સલાહ આપે, દીકરાના માતા અને પિતાએ શું કરવું ?
આજે સમાજ પર નારાજગી દર્શાવવાની તક સાંપડી. મરજી ન હતી પણ ગઈ કાલનો પ્રસંગ એવો હતો એ ભોળી દીકરીનું મુખ આંખ સમક્ષ તરવરી રહ્યું છે.
જો કોઈની લાગણી દુભવી હોય તો માફ કરશો. થોડામાં ઘણું કહેવાનો પ્રયત્ન આદર્યો છે. યોગ્ય લાગે તો અપનાવશો. જેને લાગુ પડે તેના માટે છે. બાકી સામાન્ય વ્યક્તિની વાત ગણી અવગણશો.
