ટેલિવિઝન
ટેલિવિઝન
ખુશી કે આનંદ એ એવી વસ્તુ છે કે લોકો પોતાની રીતે મેળવતાં હોય છે, અમીર વ્યક્તિ પોતાની રીતે જ્યારે ગરીબ વ્યક્તિ પોતાની રીતે આનંદ કે ખુશીઓ મેળવી લે છે. અમીર વ્યક્તિનાં સપનાઓ મોટા અને ઊંચા હોય છે, જ્યારે ગરીબ વ્યક્તિઓનાં સપનાઓ અમીર વ્યક્તિનાં સપનાની સરખામણીમાં નાના હોય છે.
કેવલ પર એક ગરીબ છોકરો હતો, પોતાનાં મિત્રોને મોજશોખ કરતાં જોઈને ઘણીવાર તેને પણ મોજશોખ કરવાની ઈચ્છા થઈ આવતી હતી. પણ પોતાનાં પિતાની આર્થિક હાલત એટલી બધી સધ્ધર ન હતી કે તે પણ અન્ય મિત્રોની માફક મોજશોખ કરી શકે. આ બાબત કેવલ અને તેનાં પિતા રાઘવભાઈ પણ સારી રીતે જાણતાં હતાં.
જેમ ઘનઘોર અંધારી રાત પછી, નવી રોશની લઈને ચોમાસુ આવે છે, કડકડતી ઠંડી પછી હૂંફ આપતો ઉનાળો આવે છે, તેવી જ રીતે રાઘવનાં કે કેવલનાં જીવનમાં પણ ખુશીઓ આવવા માટે આતુર હતી, પણ આ ખુશીઓ ક્યારે આવશે તેનાં વિશે હાલ કઈ કહી શકાય તેવું ન હતું.
સ્થળ : હિંગુ ઈલેક્ટ્રોનિક શોપ
સમય : સાંજના 8 કલાક.
શહેરની આન, બાન સમાન હિંગુ ઈલેક્ટ્રોનિક આજે શોળે શણગારે ખીલી ઊઠ્યો હોય તેવું લાગી રહ્યું હતું. પુરેપુરા શો રૂમને અલગ અલગ પ્રકારની રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવેલ હતો, બરાબર આ જ સમયે ત્યાંથી રાઘવ પસાર થાય છે, આથી રાઘવ પોતાનાં પાટલુનનાં ખિસ્સા પર હાથ ફેરવે છે, અને શો રૂમની આ ચમકથી પળભર માટે અંજાય જાય છે. આથી રાઘવ પોતાની સાઈકલનું સ્ટેન્ડ લગાવી, શો રૂમની બહાર બેસેલ સિક્યુરિટી ગાર્ડની નજીક જઈને પૂછે છે.
"હું દરરોજ આ જ રસ્તેથી પસાર થાવ છું, પણ દરરોજ કરતાં આજે આ શો રૂમની કંઈક અલગ જ ચમક છે..!" રાઘવ થોડું ખચકાતાં ખચકાતાં સિક્યુરિટી ગાર્ડની સામે જોઈને પૂછે છે.
"અનોખી ચમક હોય જ ને આજે આ શો રૂમમ બન્યાનાં દસ વર્ષ પૂર્ણ થયેલાં છે, અને અગિયારમાં મંગલવર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છીએ એટલે આજે આ શો રૂમને શણગારવામાં આવેલ છે. અને આજે દસ વર્ષ પુરા થયેલાં છે, એ ખુશીમાં અમારા આ શો રૂમનાં માલિકે પોતાનાં ગ્રાહકોને ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ આપવાં માટે નક્કી કરેલ છે." સિક્યુરિટી ગાર્ડ રાઘવને જણાવતાં બોલે છે.
સિક્યુરિટી ગાર્ડની આ "ડિસ્કાઉન્ટ" વાળી વાત સાંભળીને રાઘવની પોતાનાં દીકરા કે પરિવાર માટે ટી.વી ખરીદવાની ઈચ્છાને જાણે પાંખો મળી ગઈ હોય, દોડવું હોય અને જાણે એકાએક ઢાળ મળી ગયો હોય તેવું રાઘવ અનુભવી રહ્યો હતો.
આથી ખૂબ જ લાંબો વિચાર કર્યા બાદ રાઘવ એ આલીશાન શો રૂમમાં પ્રવેશે છે, અને ત્યાં રહેલ સેલ્સમેન કે જેનું નામ જીગર હતું, તે રાઘવને એકથી એક ચડિયાતા અલગ અલગ ખૂબીઓવાળા ટી.વી બતાવવા લાગે છે.
"સાહેબ ! તમારા શો રૂમમાં સૌથી સસ્તું ટી.વી. કેટલાં રૂપિયા વાળું છે..?" રાઘવ લાચારી ભર્યા અવાજે જીગરની સામે જોઈને અધવચ્ચે અટકાવતાં પૂછે છે.
"જી ! અમારા શો રૂમમાં સૌથી સસ્તું ટી.વી તમને પાંચ હજાર રૂપિયામાં મળી જશે...પણ..!" જીગર થોડું ખચકાતાં બોલે છે.
"પણ...પણ…શું ?" રાઘવ હેરાનીભર્યા અવાજે જીગરને પૂછે છે.
"પણ..! આ સ્કીમ આજનાં દિવસ પૂરતી જ છે, સામાન્ય રીતે આ ટી.વી.ની કિંમત 9000 રૂપિયા છે, પરંતુ આજે અમારા શો રૂમનાં 10 વર્ષ પુરા થતાં હોવાથી તે તમને સ્કીમમાં 5000 રૂપિયામાં મળી જશે." જીગર રાઘવે પુછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે.
રાઘવે આજે મનોમન કેવલ માટે ટી.વી લેવાનું નક્કી કરેલ હોવાથી તેણે શેઠ પાસેથી 4000 રૂપિયા ઉપાડ પેટે લીધેલ હતાં, આથી રાધવ નિરાશા સાથે પોતાનાં પેન્ટમાં ખિસ્સામાંથી 4000 રૂપિયા કાઢે છે, બીજા ખિસ્સામાં 500 રૂપિયા પડેલા હતાં, આમ બધાં રૂપિયા ભેળવતા પણ 4500 રૂપિયા જ થતાં હતાં. આ જોઈ રાઘવ ખૂબ જ હતાશ થઈ ગયો.
"સારું ! હું પછી ક્યારેક આવીશ આ ટી.વી લેવાં." રાઘવ 4500 રૂપિયા પોતાનાં ખિસ્સામાં પાછા મૂકતાં જીગરની સામે જોઈને બોલે છે.
આ બધું શો રૂમનાં માલિક અશોકભાઈ હિંગુ પોતાની ઓફિસમાંથી જોઈ રહ્યાં હતાં, આથી તેઓએ પોતાની ઓફિસમાંથી તે શોરૂમનાં ઈન્ટરકોમમાં ફોન કરી જીગર સાથે વાત કરતાં પૂછે છે કે.
"જીગર શું મેટર છે ?"
"સર ! આ ભાઈને ટી.વી તો ખરીદવું છે, પરંતુ હાલ તેઓની પાસે માત્ર 4500 રૂપિયા જ છે, જ્યારે ટી.વી ની ડિસ્કાઉન્ટ સાથેની કિંમત 5000 રૂપિયા છે." જીગર આખી મેટર શો રૂમનાં માલિક અશોકભાઈને જણાવતાં બોલે છે.
"જીગર ! એ ભાઈને 4500 રૂપિયામાં ટી.વી આપી દે...આપણે ક્યારેય કોઈ લાચાર કે ગરીબ વ્યક્તિ પાસે કમાવવાની લાલચ કરતાં નથી." અશોકભાઈ જીગરને આદેશ આપતાં જણાવે છે.
ત્યારબાદ જીગર એ ટી.વી રાઘવને પોતાનાં માલિકે જણાવ્યું તે મુજબ 4500 રૂપિયામાં આપે છે, જોત જોતામાં એ ટી.વી ખોખામાં વ્યસ્થિત પેક કરવામાં આવે છે, ત્યારબાદ રાઘવ જીગરને 4500 રૂપિયા આપે છે, ત્યારબાદ જીગર રાઘવભાઈનાં હાથમાં એક કૂપન આપતાં જણાવે છે કે
"આજે અમે એક લકી કુપન ડ્રો નું પણ આયોજન કરેલ છે, અને આજરોજ અમારે ત્યાંથી જેટલાં પણ ગ્રાહકોએ વસ્તુઓ ખરીદી છે તેઓને અમે આ લક્કી કુપન આપેલાં છે, જો તમારા નસીબ સારા હશે તો તમને 1000 રૂપિયા ઈનામમાં લાગશે...પરંતુ રાઘવ હાલ પોતાનાં દીકરા કેવલ માટે ટી.વી ખરીદી રહ્યો હતો, તે પોતાનાં માટે એક લક્કી મેગા ડ્રો સમાન જ હતું. આથી રાઘવ એ કુપન પોતાનાં ખિસ્સામાં મૂકી દે છે. ત્યારબાદ રાઘવ એ ટી.વી પોતાની સાઈકલમાં કેરિયરમાં બાંધીને શો રૂમેથી નીકળે છે.
જાણે કોઈ મોટા પ્લાસી કે બક્ષરનાં યુદ્ધમાં જાણે પોતાનો ભવ્ય વિજય થયો હોય તેમ રાધવ કોઈ રાજા મહારાજાની માફક ખુશ થતાં થતાં પોતાનાં ઘર તરફ આગળ વધી રહ્યો હતો. હાલ રાધવ એ બાબતથી એકદમ અજાણ જ હતો કે હાલ કુદરત તેની જે પરીક્ષા લઈ રહી હતી, એનાંથી પણ અઘરી પરીક્ષા હવે લેશે.
એક દિવસ પહેલાં
સમય : રાતનાં 9 કલાક.
સ્થળ : રાઘવના પાડોશી સુરેશભાઈનું ઘર.
રાઘવ મજૂરી પરથી પોતાનાં ઘરે પરત ફર્યો હતો, ઘરની બહાર તે પોતાની સાઈકલની ઘોડી ચડાવીને પોતાનાં ઘર તરફ આગળ વધે છે, બરાબર એ જ સમયે તેની નજર પોતાનાં મકાનની એકદમ બાજુમાં જ રહેતાં સુરેશભાઈના મકાન પર પડે છે, તેણે હાલ જે કાંઈ દ્રશ્ય જોયું તે જોઈને એક પિતા તરીકે તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું. કારણ કે તેનો પુત્ર કેવલ સુરેશભાઈનાં ઘરની બારીએ ટીંગાઈ રહ્યો હતો, આ જોઈ રાઘવભાઈને ક્ષણિક પોતાની જાત પ્રત્યે નફરત થઈ રહી હતી.
આથી રાઘવ ઈચ્છતો ના હોવા છતાંય "કેવલ બેટા !" એવી એક બૂમ પાડે છે. પોતાનાં પિતાનો અવાજ સાંભળીને કેવલ બારીએથી કૂદકો મારીને ઉતરી જાય છે, અને ડરતાં ડરતાં રાઘવભાઈની પાસે આવી પહોંચે છે.
"કેવલ ! ત્યાં શું કરી રહ્યો હતો બેટા ?" કેવલની આંખોમાં આંખો પરોવી રાઘવભાઈ પૂછે છે.
"જી ! પપ્પા કંઈ જ નહીં…!" કેવલ પોતાની જાતનો ખોટો બચાવ કરતાં કરતાં બોલે છે.
"સાચું બોલજે...હો…!" રાઘવ થોડા ગુસ્સા સાથે ઊંચા અવાજે કેવલને ચેતવણી આપતાં આપતાં બોલે છે.
"પપ્પા ! હું સુરેશકાકાનાં ઘરની બારીએ ટીંગાઈને ટી.વી જોઈ રહ્યો હતો." કેવલ ડરતાં ડરતાં ધ્રુજતાં અવાજે રાઘવને જણાવે છે.
"એ તો તું એમનાં ઘરમાં જઈને પણ જોઈ શકે છો...તો પછી શાં માટે આવી રીતે બારીએ ટીંગાઈને ટી. વી. જોઈ રહ્યો હતો ?" રાઘવ અચરજ સાથે કેવલની સામે જોઈને પૂછે છે.
"પપ્પા ! આજે સવારે કોમલકાકીએ મને તેમનાં માટે બજારમાંથી સાબુ લઈ આવવા કહ્યું, તો મે તેઓને જણાવ્યું કે હું હજી નાનો છું અને એકલો રસ્તો પાર નહીં કરી શકતો...માટે હું સાબુ લેવાં માટે બજારમાં નહીં જઈશ...આથી તેઓએ મને ગુસ્સામાં "મારા ઘરે ટી.વી જોવા માટે હવે આવતો નહીં" એવું કહ્યું. આજે સાંજે હું જ્યારે તેઓનાં ઘરે ટી.વી. જોવા ગયો તો કોમલકાકીએ બધાં છોકરાવ વચ્ચે મારું અપમાન કરીને "મારું કામ કરવું નથી અને મફતમાં ટી.વી જોવાં આવી જવું છે...તારા ઘરે જા અને તારા બાપાને કહે કે તને નવું ટી.વી લઈ આપે." એવું કહીને મને ઘરમાંથી કાઢી મૂક્યો. પણ હું કોઈપણ કિંમતી મારી ફેવરિટ સિરિયલ "અલીફ લૈલા" જોવાનું ચૂકવા માંગતો ન હતો, આથી હું "અલીફ લૈલા" સિરિયલ તેઓનાં ઘરની બારીએ ટીંગાઈને જોઈ રહ્યો હતો." કેવલ રાઘવને માંડીને વાત જણાવતાં ડરતાં ડરતાં બોલે છે.
કેવલે આપેલ જવાબ સાંભળીને રાઘવ પળભર માટે તો ખૂબ જ વ્યાકુળ થઈને દુઃખી બની ગયો, મારું સંતાન સિરિયલ જોવાં માટે પાડોશીની બારીએ ટીંગાય છે, એ વાસ્તવમાં કેવલની લાચારી નહીં પણ મારી લાચારી છે કે હું તેને એક બાપ હોવા છતાંય અમારા ઘરમાં ટી.વી લાવી શકતો નથી. કેવલ દ્વારા બોલાતાં દરેક શબ્દો જાણે રાઘવનાં હૃદયની આરપાર કોઈ વેધક કે તીક્ષ્ણ તીરની માફક તેનાં હૃદયને ચીરીને સોંસરવો નીકળી ગયાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો. હાલ પોતાનાં દીકરા કેવલને આશ્વાસન આપાવા માટે પણ રાઘવ પાસે શબ્દો હતાં જ નહીં.
"સારું ચાલ બેટા…હવે પપ્પા સાથે જમવું નહીં તારે ?" રાઘવ મૂળ વાત ફેરવતાં ફેરવતાં અને મૌન તોડતાં કેવલની સામે જોઈને પૂછે છે.
ત્યારબાદ રાઘવ અને કેવલ પોતાનાં ઘરમાં પ્રવેશે છે, અને ફ્રેશ થયાં બાદ કેવલ, રાઘવ અને તેની પત્ની ભાવના સાથે જમવા બેસે છે. જમ્યા બાદ કેવલ જાણે પોતાની સાથે કંઈ બન્યું જ ના હોય તેવી રીતે પોતાનાં અન્ય શેરી મિત્રો સાથે રમવા માટે ચાલ્યો જાય છે.
આ પ્રસંગ કેવલ માટે તો ભૂલવો એકદમ સહેલો હતો, પરંતુ રાઘવ માટે જાણે આ પ્રસંગ "નાદારી" જાહેર કરનાર હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો. રાઘવનાં મનમાં સતત તેનાં પુત્ર કેવલે જે વાત જણાવી હતી તે વાત જ ઘૂમી રહી હતી.."એક પિતા તરીકે મારા દીકરા કે મારા પરિવાર માટે જો હું ટી.વી પણ ના ખરીદી શકતો હોય તો આ દુનિયામાં મારાથી મોટો કોઈ લાચાર વ્યક્તિ નહીં હોય." આવા વિચારો અવવાને લીધે રાઘવ તે દિવસે આખી રાત સૂઈ જ ના શક્યો, આખી રાત તે પથારીમાં પડખા ફેરવતો રહ્યો હતો.
હાલનાં સમયે..
રાઘવ શો રૂમેથી ટી.વી લીધાં બાદ કોઈ રાજા મહારાજાની માફક ખુશ થતાં થતાં પોતાનાં ઘરે પરત ફરી રહ્યો હતો. બરાબર એ જ સમયે સામેની તરફથી પૂર ઝડપે તેની તરફ એક ટ્રક આવી રહ્યો હતો, તેનાં પ્રકાશથી અંજાઈ જવાને લીધે રાઘવ પોતાનાં પરનો કાબૂ ગુમાવી બેસેલ હતો, બરાબર એ જ સમયે પુરઝડપે પોતાની સામે આગળ વધી રહેલ ટ્રક તેની સાઈકલને અડફેટે લઈ લે છે, અને તેની સાઈકલ દૂર સુધી ફંગોળાય જાય છે, એ સાથે જ ટી.વી નાં ભુક્કેભુક્કા બોલી જાય છે, વાસ્તવમાં એ ટી.વીનાં ભુક્કેભુક્કા નહોતા થયાં, પરંતુ એક પિતાનાં પોતાનાં સંતાનોનાં સપનાઓ પુરા કરવાનાં અરમાનો તૂટીને ચકનાચૂર થયાં હતાં.
આથી રાઘવ એકદમ દુઃખી બની જાય છે, અને રોડનાં કિનારે બેસીને રીતસરના નાના બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા માંડે છે. અને હતાશા સાથે આ ટી.વીવાળી બાબત પોતાનાં મનમાં જ હૃદય પર પથ્થર રાખીને કાયમિક માટે દબાવી દે છે. અને હતાશ થઈને પોતાનાં ઘરે આવી પહોંચે છે.
એ જ દિવસે
સ્થળ : રાઘવનું ઘર
સમય : રાતના 12 કલાક.
રાઘવ અને તેનો પરિવાર સૂવા માટેની તૈયારી કરી રહ્યો હતો, બરાબર એ જ સમયે એક છકડો ત્યાં આવી પહોંચે છે, પોતાનાં ઘર સામે આમ અડધી રાતે છકડો ઉભેલ જોઈને રાઘવ પોતાનાં પરિવાર સાથે ઘરની બહાર આવે છે. તે રિક્ષામાં અમુક ઈલેક્ટ્રોનિક આઈટમો રાખેલ હતી. અને આ રિક્ષામાં જીગર બેસલ હતો, આથી જીગર રાઘવની સામે જોઈને બોલે છે.
"રાઘવભાઈ તમે ખરેખર નસીબદાર છો, આજે અમારા શો રૂમમાં જે ડ્રો રાખેલ હતો, તેમાં તમે વિજેતા બન્યા છો, આ લો 10000 રૂપિયા." રાઘવના હાથમાં રૂપિયા મૂકતાં જીગર બોલે છે.
"સાહેબ ! મારે આ 10000 રૂપિયાની જરૂર નથી, મારે એક ટી.વી જરૂર છે." રાઘવ જીગરની સામે જોઈને બોલે છે.
"પણ...તમે તો શો રૂમમાંથી આજે જ ટી.વી લઈ ગયાં હતાં' ને ?" જીગર હેરાનીભર્યા અવાજે રાઘવની સામે જોઈને પૂછે છે.
ત્યારબાદ રાઘવ શો રૂમેથી ટી.વી લઈને નીકળ્યો ત્યાંથી પોતાની સાથે જે કઈ ઘટનાં ઘટેલ હતી તેનાં વિશે વિગતવાર જણાવે છે, રાઘવની વાત સાંભળ્યા બાદ જીગરનું હૃદય જાણે એક પિતાનો પોતાનાં દીકરા પ્રત્યે રહેલ પ્રેમ જોઈને હૃદય પીગળી ગયું હોય તેવું લાગી રહ્યું હતું, આથી જીગર પોતાની આંખોનાં ખૂણામાં રહેલ આંસુઓ લૂછતાં લૂછતાં રાઘવની સામે સામે જોઈને રિક્ષા ડ્રાઈવરની સામે જોઈને જણાવે છે કે…
"રિક્ષામાં રહેલ ટી.વી રાઘવભાઈનાં ઘરમાં મૂકી આવો..!"
જીગર દ્વારા બોલાયેલાં આ શબ્દો સાંભળીને રાઘવના મુર્જાયેલા મનમાં જાણે અડધી રાતે સવાર પડી હોય તેવો આનંદ અનુભવી રહ્યો હતો. અને ડ્રો માં જીતેલ રકમ પણ રાઘવનાં હાથમાં મૂકે છે.
"આ ટી.વી નાં રૂપિયા…?" રાઘવ હેરાની સાથે જીગરની સામે જોઈને બોલે છે.
"આ ટી.વી મારા તરફથી તમને આપવામાં આવેલ એક નાનકડી બક્ષિસ સમજજો...કારણ કે અમારા માલિક આ દિવાળીમાં બધાં કર્મચારીઓને બોનસમાં એક એક ટી.વી આપવાનાં છે, તો ત્યારે હું ટી.વી નહીં લઈશ...આ મારૂ દિવાળી બોનસ તમારા પુત્ર પ્રેમ સામે કંઈ જ ના ગણાય." આટલું બોલ્યા બાદ જીગર ટી.વી શરૂ કરી આપે છે.
ત્યારબાદ જીગર રાઘવભાઈની રજા લઈને પોતાનાં ઘરે પરત ફરવા માટે રાઘવની સહમતી લઈને નીકળે છે, આ સમયે રાઘવ પોતાનાં બે હાથ જોડીને જીગરનો આભાર માને છે, હાલ રાઘવની આંખોએ જાણે એક જ પળમાં જીગરને ઘણું બધું જણાવી દીધેલ હોય તેવું જીગર અનુભવી રહ્યો હતો. જ્યારે આ બાજુ જીગર પણ મનોમન ખૂબ જ આનંદ અનુભવી રહ્યો હતો, અને આવો આનંદ કે ખુશી જીગરે પોતાનાં જીવનમાં ક્યારેય અનુભવી જ ના હતી.
મિત્રો આપણે પણ જીગરની માફક ગરીબ માણસોને મદદરૂપ બનવા માટે યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવું જોઈએ, આવું કરવાથી જે આનંદ અનુભવાય છે તે આનંદ અહીં શબ્દો સ્વરૂપે ક્યારેય રજૂ ના કરી શકાય, તે આનંદનો અનુભવ તો આપણે આપણી જાતે જ કરવો પડે. હાલ અશોકભાઈ કે જીગર જેવાં લોકોને જ લીધે "ઈન્સાનિયત" કે "માનવતા" જીવી રહી છે, એવું કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી એવું મારું દ્રઢપણે માનવું છે.
