ટાઈપ કર્યું, આઈ લવ યુ
ટાઈપ કર્યું, આઈ લવ યુ


એણે એની પત્ની માટે બ્રાન્ડ ન્યુ સ્માર્ટ ફોન ખરીધ્યો. પોતે ક્યારેક બહાર હોય ત્યારે કેવી રીતે મેસેજ કરવો, ફોન કરવો એ બધા બેઝિક ફીચર્સ તેની પત્નીને શીખવાડ્યા. થોડાક દિવસોમાં તે સ્માર્ટ ફોનના ફીચર્સ શીખી ગઈ.
સાંજનું ભોજન કર્યા બાદ, બંને ટીવી જોતાં હતા. તેણીની તેનો ફોન હાથમાં લઈ, કીબોર્ડ પર પહેલીવાર ટાઈપ કર્યું : ‘આઈ લવ યુ’. – મલકાતા હોઠ પર હથેળી દાબી દઈ તેણે સેન્ડ બટન પ્રેસ કરી દીધું...
બીજી જ સેકન્ડે તેના ફોનમાં મેસેજની ટોન રણકી...!
તે ચોરીછૂપી આંખના ખૂણેથી એને જોઈ રહી હતી, અને બંધ હોઠમાં મલકાઈ રહી હતી.
તેણે તેનો ફોન લઈને મેસેજ વાંચ્યો. પત્ની તરફથી ‘આઈ લવ યુ ’નો મેસેજ જોઈને તેના હોઠ પર પણ મીઠું સ્મિત મલકી પડ્યું. તેણે ‘આઈ લવ યુ ટુ’ની સાથે ચૂમ્મી છોડતા હાર્ટ શેપનો ઇમોજી સેન્ડ કરી, તેની તરફ દેખીને બંને ભ્રમરો રોમેન્ટિક અંદાજમાં ઉછાળી...
તેણીના ચહેરા પર મલકાતા અને શરમાતા મુખભાવ રમી રહ્યા હતા.
તે તેની પત્નીની બાજુમાં જરાક સરકી, એનો કરચલીવાળો હાથ બંને હથેળી વચ્ચે સ્નેહથી દબાઈ લીધો. એંસીની ઉંમરનો ઉંબરો વટાવી ચૂકેલા બંને વૃદ્ધ હૈયા એ પળમાં યુવાન બની, શુદ્ધ પ્રેમના સમુદ્રમાં ગરકાવ થઈ ગયા.
સમય જરૂર બદલાયો હતો, પણ એ વૃદ્ધ યુગલનો પ્રેમ નહીં...!
* * *