ત્રિવેદીદાદા અને સમય
ત્રિવેદીદાદા અને સમય
"મિ.ત્રિવેદી હવે તમારી પાસે માત્ર બે વર્ષ બચ્યા છે,રોગ વકરતો જાય છે." ડૉ.શાહ ત્રિવેદી દાદાને કહી રહ્યા હતા.
"હમમ....." ત્રિવેદીદાદા નિઃસાસો નાખતા બોલ્યા.
"મને લાગે હવે તમારે તમારા કુટુંબમાં કહી દેવું જોઈએ."એક કુટુંબી ડોક્ટર હોવાને કારણે ડૉ.શાહ ત્રિવેણીદાદાને સમજાવી રહ્યા હતા.
"ના દીકરા, એમ પણ હવે પંચોતેર વર્ષ તો થયા,જેટલું ભગવાન જીવાડે એટલું બોનસ.બસ ક્યારેક એમ થાય કે બાકી રહેલા ટૂંકા ગાળામાં લોકોને યાદ રહે એવું જીવન જીવી જાવ, જો મારા ગયા પછી પણ હું લોકોને યાદ રહી જાવ તો આ સમય મારા હાથમાં આવી જશે અને મારી આગળ તે હારીને ધૂળ થઇ જશે."
"તમે તો તમારા કુટુંબ સાથે વધારે સમય વિતાવો."
"હા.. એ જ."
ભારે હૈયે ત્રિવેદીદાદા ઘરે પહોંચ્યા,ઘરે તો બધા પોતાની યંત્રવત જીંદગીમાં જ મશગુલ હતા. દાદાએ ઘણીવાર કોશિષ કરી જોઈ કોઈ પાસે સમય ના રહેતો દાદા માટે. થોડા પ્રયાસો બાદ તો દાદાને પણ લાગ્યું કે જાણે એ બધાની સરળ રીતે
ચાલતી જીંદગીમાં તે દખલ કરી રહ્યા હતા. દાદાને લાગવા માંડયું કે સમય તો એમને અત્યારે જ હરાવી ગયો હતો. તેઓ ઘરમાંથી બહાર આટો મારવા નીકળ્યા. થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમને એક સભા ભરાયેલી જોઈ.
"દોસ્તો,આજે બીજી ઓક્ટોબરે હું તમને એવા બે વ્યક્તિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું, જેઓ આજે આપણી વચ્ચે તો હયાત નથી પણ હા એમના કાર્યોને લીધે આજે પણ તેઓ આપણી વચ્ચે હોવાનો અહેસાસ થાય છે. ગાંધીજી અને મધર ટેરેસા. સાચ્ચે તેઓ સમયને માત આપી ગયા છે, આજે પણ જયારે આપણે કોઈ સેવાભાવી લોકોને જોઈએ તો આપણને આવા જ મહાનુભવો યાદ આવે છે." પ્રવક્તા બોલી રહ્યો હતો.
તેના આ ભાષણ પરથી જાણે ત્રિવેદીદાદાને પણ નવી દિશા મળી ગઈ તેમને પણ સમયને ધૂળ કરવાની ચાવી મળી ગઈ. તેમને પછીના પોતાના બે વર્ષ પોતાની જાતની પરવાહ કાર્ય વિના લોકોની સેવામાં લગાડી દીધા. અને તેમના ગયા બાદ પણ એ લોકો તેમને યાદ કરતા રહ્યા, દાદાના કાર્યોની સુવાસ એમના ગયા પછી પણ ચારેકોર પ્રસરતી રહી.