ત્રિભેટે
ત્રિભેટે
ત્રિભેટે.. અતિ વિષમ અને કઠીન સંજોગોનું નિર્માણ થતું હોય છે જ્યારે મનુષ્ય આવી કોઈ પરિસ્થિતિનો સામનો કરે છે.. કયો રસ્તો સાચો અને કયો ખોટો, તે કળવું ઘણું જ મુશ્કેલ હોય છે અને ક્યારેક ક્યારેક મનુષ્ય જ્યારે આવી કોઈ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ નથી હોતો ત્યારે તેની આખી જિંદગી એ ત્રિભેટે ઉપર જ વિતી જતી હોય છે.. આવું જ કંઇક આયાતના જીવનમાં થયું હતું.
રાજકોટના જાગનાથ પ્લોટમાં રહેતા જીપીન દીવાનજીનો એકનો એક પુત્ર આલાપ અને તેની બરોબર સામે રહેતા રમેશ સોનીનો પુત્ર આર્ક્ષ, ખૂબ જ જીગરજાન મિત્રો. બંને એક જ શાળામા સાથે ભણતા હતા. ત્રીજા ધોરણથી સાથે ભણતા હતા અને હવે તો અગિયારમાં ધોરણમાં આવી ગયા હતા. ભણવામાં બંને મિત્રો ખૂબ જ તેજસ્વી હતા. આખી શાળામાં તેમની તેજસ્વીતા ની ચર્ચા શિક્ષક વર્તુળમાં કાયમ થતી. રમત ગમતમાં પણ હંમેશા અગ્રેસર રહેતા આલાપ અને આર્ક્ષ ભલે એક માં ના પેટથી જન્મ નહોતો લીધો પરંતુ સગા ભાઈઓની ગરજ સારતા હતા. અને તેમની આ ઘનિષ્ઠ મિત્રતા ના પરિણામે દીવાનજી કુટુંબ અને સોની કુટુંબ વચ્ચે પણ સારો ઘરાબો હતો. સાતમ આઠમનો મેળો હોય કે પછી નવરાત્રીની ગરબી, બંને કુટુંબ સાથે ને સાથે જ હોય. જીપીન ભાઈ એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી કરતા હતા જ્યારે રમેશ ભાઈ ની સોના ચાંદી ના ઘરેણાંની દુકાન હતી. આમ પૈસે ટકે બંને કુટુંબો ઘણા સુખી હતા. પરંતુ વર્ષોથી જાગનાથ પ્લોટમાં રહેતા હોવા ને કારણે તે વિસ્તાર સાથે પણ તેમને એક નાતો બંધાઈ ગયો હતો એટલે ત્યાં જ તેમના પોતપોતાના ઘર ને નવો ઓપ આપી ને અતિ વૈભવી જીવન જીવતા હતા.
આર્ક્ષ અને આલાપ ની નિશાળમાં, તેમના જ વર્ગમાં આયાત મોહિબી નામની એક વિદ્યાર્થીની પણ ભણતી હતી. તેજસ્વી હોવા ઉપરાંત દેખાવડી પણ હતી. મુસલમાન કુટુંબની દીકરી હોવાને નાતે એક મર્યાદાનું પાલન પણ તે ચુસ્તપણે કરતી હતી. શરૂઆતથી જ આયાત ને આર્ક્ષ અને આલાપ સાથે સારું બનતું. તેનું એક કારણ એ પણ હતું કે તેજસ્વી વિદ્યાર્થી ને બીજા તેજસ્વી વિદ્યાર્થી સાથે હંમેશા સારું બનતું હોય છે જેથી કરી ને ભણવામાં એકબીજા ને મદદરૂપ થઈ ને પોતપોતાની શૈક્ષણિક મુસીબતો નું આસાનીથી નિરાકરણ લાવી શકાતું. આમ આ ત્રિપુટી નિશાળમાં પ્રખ્યાત હતી અને અમુક લોકોની આંખમાં કણાની માફક ખૂંચતી પણ હતી.. ખેર, એનાથી આ ત્રણેય ને કોઈ ફરક નહોતો પડતો.
સમયનું ગાડું ચાલતું રહ્યું. મનુષ્ય માટે ભલે રસ્તો ઉબડખાબડ હોય પરંતુ સમય ને સરવા માટે કોઈ અડચણ નથી હોતી.. એ તો બસ.. સરતો જ રહે છે. આમ ને આમ ધોરણ ૧૨ પણ પૂરું થયું. ત્રિપુટી ઘણા સારા ટકાથી ઉતીર્ણ થઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાણિજ્ય વિભાગમાં દાખલો લઈ લીધો. આર્ક્ષ, આલાપ અને આયાત હવે શાળા ના. વિદ્યાર્થીઓ ના રહી ને કોલેજીયન થઈ ગયા હતા. જીવનમાં નવી નવી ઉર્મિઓનો સંચાર થવા લાગ્યો. પહેરવેશમાં પણ હવે તો કૉલેજ ની છાંટ આવી ચૂકી હતી. આભમાં જ્યારે કોઈ પંખી નવું નવું જ ઊડવાનું શરૂ કરે અને તેના ઊડવામાં જે તરવરાટ હોય તેવો જ તરવરાટ આ ત્રિપુટીમાં જન્મ લઈ ચૂક્યો હતો. કૉલેજનો વર્ગ હોય કે કેન્ટીન, આ ત્રિપુટી સાથે ને સાથે જ હોય. પરંતુ એક વાત એકદમ ઊડી ને આંખે વળગે એવી હતી કે ભલે આર્ક્ષ, આલાપ અને આયાત તેમની યુવાનીના અતિ કઠીન અને લપસણા માર્ગ ઉપર પગરણ માંડી ચૂક્યા હતા પણ અત્યાર સુધી પોતપોતાની મર્યાદામાં રહી ને અને એકબીજા નું સમ્માન જળવાઈ તે રીતે પોતાની મિત્રતા નિભાવતા હતા.
એક દિવસ કોઈક કારણસર આર્ક્ષ કૉલેજ નહોતો આવ્યો. આલાપ અને આયાત અર્થશાસ્ત્રનો વર્ગ પૂર્ણ કરી ને કેન્ટીનમાં ચા પીવા માટે બેઠા હતા. ચા ને ન્યાય આપી ને કેન્ટીન ની બહાર નીકળ્યા. ચોમાસા નું વરસાદી ઝાપટું પડી ગયું હતું એટલે રસ્તા પણ ભીનેવાન હતા. ક્યાંક ક્યાંક પાણી ના ખાબોચિયાં પણ હતા. આયાત અને આલાપ ધીરે ધીરે ચાલતા આવતા હતા ત્યાંજ અચાનક આયાતનો પગ એક પાણી ના ખાબોચિયાંમાં પડ્યો અને પોતાની સમતુલા ગુમાવી. પોતાની જમણી બાજુ એ ચાલતા આલાપનો હાથ તરત જ પકડી લીધો અને પોતાની જાત ને જાળવી.. ."ઓહ્....બાપ રે....હમણાં પડી જાત.... જો તારો હાથ ના પકડ્યો હોત તો" આયાત ના મોઢેથી અમસ્તા જ શબ્દો સરી પડ્યા. આલાપ પણ તેનો હાથ પકડી ને તેને સંભાળી ચૂક્યો હતો. શાળા કાળથી લઇ ને અત્યાર સુધી એમ તો એવા ઘણા પ્રસંગો આવી ગયા હતા જ્યારે શારીરિક સ્પર્શ જેવા કે હાથ તાળી, હસ્તધૂનન કે હળવેથી મિત્રતા ભાવે ધબ્બો મારવો, પરંતુ આજનો જે સ્પર્શ હતો તે ક્યાંક ક્યાંક આલાપ ના શરીરમાં એક કદી પણ ના અનુભવેલો ભાવ ઉત્પન્ન કરી ગયો.. એક અદૃશ્ય ઉષ્માનો સંચાર થઈ ગયો આલાપ ના શરીર મા. તેનાથી અનાયાસે જ આયાત સમક્ષ જોવાઈ ગયું અને જોગાનુજોગ આયાત ની નજર પણ ત્યારે જ આલાપ ની નજરનો સામનો કરી રહી હતી.. આયાત ના મુખેથી સરેલું વાક્ય આમ તો એક સાધારણ હતું પણ આલાપ માટે એ શબ્દો તેના કાનમાં મંદિર ની ઝાલર સમાન ગુંજી રહ્યા હતા (હમણાં પડી જાત.... જો તારો હાથ ના પકડ્યો હોત તો). ખેર...આયાત સ્વસ્થ થઈ ચૂકી હતી. બંને જણ ત્વરિત ગતી એ તે પછીનો વર્ગ ભરવા માટે વર્ગમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. નામાંનો વર્ગ ચાલતો હતો. આયાત તેની નોંધ બનાવી રહી હતી. પ્રાધ્યાપક બોર્ડ ઉપર કાચું સરવૈયું બનાવી રહ્યા હતા. બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની નોંધ ટપકાવવામાં વ્યસ્ત હતા. પણ આજે આલાપ વર્ગમાં હોવા છતાં વર્ગમાં નહોતો. તેના માનસપટ ઉપર આજે અત્યાર સુધી ના આયાત સાથે ની મિત્રતા નું સરવૈયું મંડાઈ ચૂક્યું હતું. એક મોટી અવઢવમાં ગૂંથાઈ ગયો હતો આલાપ આજે. યુવાની ના વર્ગ ની આ આલાપ ની પહેલી પરિક્ષા હતી. વર્ગ પૂરો થયો અને તે સાથે તે દિવસ ની કૉલેજ પણ. આયાત અને આલાપ પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયા.
બીજા દિવસે સવારે ફરી પાછા આર્ક્ષ, આલાપ અને આયાત કૉલેજમાં ભેગા થયા. આયાતનો આજે જન્મદિવસ હતો એટલે તે સરસ મઝાના ગુલાબી સલવાર કમીઝમાં સજ્જ હતી. આજે તો તે જન્નત ની હુર સમાન દીસતી હતી. આર્ક્ષ અને આલાપ તેને માટે સરસ ભેટ લઈ ને આવ્યા હતા. પણ એક વાત ઊડી ને આંખે વળગે એવી હતી તો એ હતી કે બંને જણ ની ભેટ ઉપર એક સરસ ગુલાબ પણ મૂકેલું હતું. આર્ક્ષ એ ખૂબ જ ઉષ્માભર્યું હસ્તધૂનન કર્યું આયાત ને અને જન્મદિવસ ની શુભેચ્છાઓ આપી. આર્ક્ષ ની આંખોમાં આજે કંઇક અલગ જ તોફાન હતું જે આલાપથી છાનું ના રહ્યું. તેના મનમાં ક્યાંક ક્યાંક એક છુપી સોય ભોંકાતી હોય તેવો આભાસ થયો. હવે વારો હતો આલાપ નો. તેણે પણ પોતે લાવેલી ભેટ આયાત ને આપી ને આયાત ને હસ્તધૂનન કરતી વખતે પોતાની બંને હથેળીઓથી આયાત ની હથેળી ઢાંકી દીધી. આયાત પણ ઘણી જ ભાવુક થઈ ગઈ હતી. અને કેમ નહીં.. તેના ખાસ મિત્રો તરફથી જન્મદિવસ ની શુભકામના સાથે સાથે સરસ ભેટ પણ મળી હતી. પણ આજે આયાતથી પણ કઈં છુપુ નહોતું રહ્યું. તે આર્ક્ષ અને આલાપ ની આંખો માથી ઝરતી વીજળીક લાગણીઓનો અનુભવ કરી રહી હતી. અને અજાણતા જ તેની આંખોમાં પણ એક તોફાની ચમક આવી ગઈ હતી. ત્રણેય જણ આજે ઘણા ખુશ હતા. અને એ ત્રણેય જણની જાણ બહાર એક અજબ લાગણીનો સંચાર થઈ ચૂક્યો હતો. લાગણીના બીજ આજે પુષ્પો બનીને ત્રણેય ના માનસ રૂપી બગીચામાં પાંગરી રહ્યા હતા. ત્રણેય જણની સ્થિતિ મહદઅંશે કંઇક એકસરખી જ હતી.. ફક્ત શબ્દો નું આવરણ ઓઢાડવાનું બાકી હતું. લાગણી જ્યાં સુધી લાગણીના પડ હેઠળ દબાઈ રહે ત્યાં સુધી વાંધો નહીં પરંતુ જ્યારે તેને શબ્દો રૂપી આવરણ ચડાવવામાં આવે છે ત્યારે નિર્માણ અથવા વિનાશની પરિસ્થિતિ સર્જાતી હોય છે.
આર્ક્ષ આજે સવારથી આલાપ ના ઘરે હતો. એક વિમાસાળમાં હતો આર્ક્ષ જેનું કોઈ સમાધાન નહોતું મળતું.. .."આલાપ, એક વાત ઘણા વખતથી મગજમાં ઘર કરી ગઈ છે.. તેનો કોઈ ઉકેલ નથી મળતો.. તું કંઇક મદદ કર...શું કરવું અને શું નહીં ની વચ્ચે બરાબરનો અટવાયો છું હું" આર્ક્ષ એ પોતાની મનોવ્યથા ઠાલવી. આલાપ એ આર્ક્ષ ના ખભે હાથ મૂક્યો અને...."આર્ક્ષ, શું થયું છે તે પહેલાં માંડી ને વાત કર...મારાથી શક્ય બધી જ મદદ કરીશ તને.. પણ યાર...મારું પણ કંઇક તારા જેવું જ છે.. અજબ અવઢવમાં છું....કઈં સૂઝતું નથી, પણ તું ચિંતા ના કરીશ.... આપણે આનું નિરાકરણ લાવીશું, અત્યારે તો કૉલેજ જઈએ....આયાત પણ રાહ જોતી હશે". અને આલાપ અને આર્ક્ષ કૉલેજ જવા માટે નીકળી ગયા. પહેલો પીરીયડ એટલો અગત્યનો નહોતો એટલે આયાત બહાર જ ઉભી હતી. પણ આજે તેનું મુખ પણ કોઈ અસાધારણ હોવા ની ચાડી ખાતું હતું. "શું થયું આયાત? કેમ આજે મોઢું ઉતરેલું છે? તબિયત નથી સારી કે શું?" આલાપ એ તો પ્રશ્નો ની ઝડી વરસાવી દીધી.. "ખબર નહીં આલાપ, પણ આજે કઈં વિચિત્ર લાગે છે....ગઈ રાતે સરખી ઊંઘ પણ નથી આવી.. કઈં મઝા નથી આવતી" હવે આયાત એ પોતાની વ્યથા વર્ણવી. આલાપ અને આર્ક્ષ બંને એકબીજા સમક્ષ જોવા લાગ્યા, પણ કશું બોલી ના શક્યા. પણ આજે ત્રણેય જણ ના મનમાં એક વાત ચોક્કસ રીતે અંકાઈ ગઈ હતી કે હવે કોઈક ને કોઈક રીતે અા વિટંબણાનો ઉકેલ તો લાવવો જ છે. આલાપ પોતાના મનમાં નક્કી કરી ચૂક્યો હતો કે તે આયાત ને પોતાની લાગણી વિશે પ્રેમભર્યા શબ્દો નું આવરણ ચઢાવી ને જાણ કરશે, જ્યારે આર્ક્ષ એ નક્કી કર્યું હતું કે તે પોતાની આંખો ના માધ્યમથી આયાત ને તેના પ્રત્યે ના પ્રેમનો એકરાર કરશે. જો તે ખરેખર આયાત ને પ્રેમ કરતો હશે તો તેની આંખો સઘળું કહી દેશે અને શબ્દોની જરૂર નહીં પડે, જ્યારે આયાત પણ કંઇક નક્કી કરી ચૂકી હતી. ત્રણેય ના મનમાં પ્રશ્નો પણ હતા અને એનો ઉત્તર કોઈક ને કોઈક રીતે એકબીજા પાસે હતો. એ ઉત્તરથી કોને શું મળવાનું હતું કે ગુમાવવાનું હતું તે તો સમય ની સોય જ જાણતી હતી.
કૉલેજનો સમય થયો હતો. આલાપ અને આર્ક્ષ, બંને એક બાઈક ઉપર કૉલેજ જવા રવાના થઈ ગયા હતા. આજે તો આ પાર કે પેલે પાર જ હતું. આલાપ બાઈક ચલાવી રહ્યો હતો.. વિચારોમાં પણ હતો.. બાઈક તેની ગતીથી સરકી રહી હતી અને અચાનક ટ્રાફિક સિગ્નલ ઉપર બાઈક રોકવાને બદલે સીધી જ લઈ લીધી અને.. ...જમણી બાજુએથી આવતી સિટી બસની અંદર બાઈક અથડાઈ.. .ત્યાં હાજર સહુ કોઈ ના મોઢેથી ચિત્કાર નીકળી ગયો....લોકો ભેગા થઈ ગયા. એક તરફ આલાપ અને બીજી તરફ આર્ક્ષ ફંગોળાઈ ગયા હતા. બાઈકનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્યાં હાજર લોકો માથી જણાએ તરત જ ૧૦૮ ને ફોન કરીને બોલાવી લીધી અને ગણતરીના સમયમાં ૧૦૮ આવી અને આર્ક્ષ અને આલાપ ને લઈ ને સિવિલ હોસ્પિટલ તરફ કાળમુખી સાયરન વગાડતી વગાડતી રવાના થઈ ગઈ. બંને ના કુટુંબીજનો ને તાત્કાલિક જાણ કરી દેવામાં આવી. સહુ કોઈ ચિંતાતુર ચહેરે હોસ્પિટલ ના તાત્કાલિક સારવાર વિભાગમાં ભેગા થઈ ગયા હતા. ડૉકટર લોકો ની ટુકડી તેમની સારવારમાં લાગી ગઈ હતી. ૪-૫ કલાક ની સધન સારવાર પછી બંને ને આઇ.સી. યુ.માં લઇ જવામાં આવ્યા. ડૉકટર આવી ને તેમના કુટુંબીજનો ને જાણ કરી કે આવનારા ૨૪ કલાક બહુ જ ભારે છે. આયાત પણ ત્યાંજ હાજર હતી. તેનો ચહેરો પારાવાર ચિંતા ના કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલો હતો. તેની આંખો લાલ ચોળ હતી. આગળ નું ભવિષ્ય તદ્દન અંધકારમય હતું. શું થશે તેની કોઈ ને ખબર નહોતી...ખુદ ડૉક્ટર ને નહીં.. .પણ એક ને તો ખબર જ હતી જે આ સ્થિતિનો નિર્માતા હતો.. ઈશ્વર - અલ્લાહ.
ત્રણ - ચાર દિવસ પછી બપોરે ડૉક્ટર આર્ક્ષ પાસે ગયા. તેની આંખો ઉપર ઇજા થઇ હતી. નર્સ સાથે જ હતી. આંખ ઉપર ના પાટા ખોલ્યા. ડૉકટર એ આર્ક્ષ ને તેની આંખો ઉઘાડવાનું કહ્યું. આર્ક્ષ એ ધીરેથી તેની આંખો ખોલી....અને તેના ચહેરા ના હાવભાવ બદલાવા લાગ્યા. તેના કપાળ ની રેખાઓ તંગ થવા લાગી....અને એ લગભગ ચિત્કાર પાડી ઉઠ્યો...."ડૉક્ટર સાહેબ, મને કશું જ દેખાતું નથી....આંખો સમક્ષ ઘોર અંધકાર છે.. સાહેબ, હું કશું જોઈ નથી શકતો....". ડૉકટર અને નર્સ ચિંતામાં પડી ગયા. ડૉકટર ને જે શંકા હતી તે સાચી પડી....આર્ક્ષ તેની દ્રષ્ટિ ગુમાવી ચુક્યો હતો. ભારે પગલે ડૉક્ટર ત્યાંની નર્સ ને જરૂરી સૂચનાઓ આપી ને ત્યાંથી નીકળી અને આલાપ ના રૂમમાં ગયા. ડૉકટર એ તેના બધા રિપોર્ટ જોયા અને તેને પૂછ્યું...."આલાપ, કેમ લાગે છે તને હવે?"....જવાબમાં આલાપ એ તેનું મોઢું ખોલ્યું....હોઠ ફફડ્યા....મોઢાં ની અંદર જીભ પણ સળવળવા લાગી....પણ કોઈ ધ્વનિ નહોતો. ડૉકટર એ ફરી પાછું પૂછ્યું....પણ આલાપ કઈં બોલી ના શક્યો....તેનું મોઢું તો તેના વિચારો ને પ્રતિભાવ આપી રહ્યું હતું પણ તેં સ્વર શૂન્ય હતું. ડૉકટર એ તરત જ પ્રાથમિક તપાસ આદરી....પણ આ શું? આલાપ તેનો સ્વર ખોઈ બેઠો હતો. અકસ્માતે તેની સ્વરપેટી ને નુકસાન પહોંચાડ્યું હતું જેને લીધે તેનો સ્વર જતો રહ્યો હતો.. ખૂબ જ બેબાકળી હાલતમાં આવી ગયો હતો આલાપ.. તેના કુટુંબીજનો ખૂબ જ આઘાતજનક સ્થિતિમાં આવી ગયા હતા....ફક્ત એક જ આશ્વાસન હતું કે તે બંને જણ જીવતા હતા. આ બાજુ આયાત એક પારાવાર આઘાતમાં સરી પડી.. ..શૂન્યાવકાશ.. .ચોતરફ શૂન્યાવકાશ.. .!
જીવન ના એક એવા ત્રિભેટે ઉપર આજે આયાત ઊભી હતી કે તેને કઈં સૂઝતું નહોતું કે જાય તો ક્યાં જાય ? આલાપ જેનું નામ....તે હવે કોઈ દિવસ આયાત ને પોતાની લાગણી પ્રદર્શિત નહીં કરી શકે.. .આર્ક્ષ જેનું નામ, તે હવે તેની આંખોથી આયાત ને પોતાનો પ્રેમ પ્રદર્શિત નહીં કરી શકે.. અને આયાત.. ..તે હવે એક એક એવા ત્રિભેટે એ ઊભી હતી કે કોનો સાથ આપવો....આલાપનો કે આર્ક્ષ નો....કોને આપે અને કોને ના આપે કારણ કે બંને તેના જીગરજાન મિત્રો હતા. અને સ્થિતિ ની કરૂણા એ હતી કે ત્રણમાંથી એકેય એ પોતાની લાગણી એકબીજા સમક્ષ પ્રદર્શિત નહોતી કરી.. સાંધ્ય કાળ હતો.. એક તરફ મંદિરમાં ઝાલર વાગી રહી હતી તો એક તરફ મસ્જિદમાં અઝાન.. ઈશ્વર - અલ્લાહ જ આ ત્રિભેટેનો નિર્માતા હતો.. મનુષ્ય તો ફક્ત અને ફક્ત તેનો કિરદાર નિભાવતા હોય છે..ત્રિભેટે.!
