તમે કયું ગીત ગાશો ?
તમે કયું ગીત ગાશો ?


આમ તો કેનેડાથી તમે ઈન્ડિયા ભાગ્યેજ આવો છો સુહાસ. છેલ્લે ઈન્ડિયા કયારે આવેલા એ પણ તમને યાદ નથી. આજે તમે ઈન્ડિયામાં છો પ્રસંગ પણ કોઈ મોટો નથી. ફેમિલી સાથે આવવાના બદલે તમે એકલા આવવાનું પસંદ કર્યું છે. પચાસ પછીની ઊંમરે મોટાભાગે પતિ પત્ની સજોડેજ પ્રસંગોમાં જતાં હોય છે પણ તમે આજે અહીં એકલા છો. ખબર નહી કેમ પણ કોઈના એક માત્ર કૉલથી તમે આજે મહેફિલના મહેમાન છો.
હા તમે તમારા કૉલેજ કાળના મિત્ર વિશાલના દીકરાના લગ્નમાં પધાર્યા છો. લગ્નના આગળના દિવસે રાતે મ્યુઝિકલ પાર્ટીના આયોજનમાં તમે આવ્યા છો. આ પાર્ટી તો આજે યોજાઈ રહી છે પણ તમારા મનમાં ભૂતકાળની કૉલેજ કાળની મ્યુઝિકલ નાઈટની યાદમાં તમે ખોવાયેલા છો. હા, સુહાસ એ મ્યુઝિકલ નાઈટમાંજ તમારી સલોની જોડે મુલાકાત થયેલી. એ સલોની આજની આ મહેફિલમાં તમારી જેમજ વિશાલની મિત્ર હોવાના નાતે હાજર છે. રફી સાહેબના એક પછી એક હીટ ગીતો
તમે ગાયા હતા કૉલેજની એ મ્યુઝિકલ નાઈટમાં. સલોની મુગ્ધ થઈ ગયેલી. એની એ મુગ્ધતા તમારા પરિણયનું કારણ બની.
પણ તમારી વિદેશમાં સ્થાયી થવાની મહેચ્છાએ પરિણય લગ્નમાં ન પરિણ્મ્યો. કારણ તમે એવી છોકરી સાથે લગ્ન કરવાંનું નકકી કર્યુ કે જેના પિતાજી તમને વિદેશમાં સેટલ કરી શકે. સલોનીને તમે આપેલા કૉલનું અચ્યુતમ્ કેશવમ્ કરી નાંખેલું. સલોની પણ એ આધાતને ભૂલી ઠેકાણે પડી. પણ આજે એવીજ એક મ્યુઝિકલ નાઈટમાં તમે સાથે છો. મ્યુઝિકલ નાઈટનું સંચાલન સલોનીની દિકરી શ્રેયા કરી રહી છે. એની મમ્મી પાસેથી એણે જાણ્યું છે કે તમે કૉલેજ કાળમાં રફીના ગીતો ગાતાં. હમણાંજ તમારો એની સાથે પરિચય કરાવતી વખતે સલોનીએ એ વાત ભારપૂર્વક કહી હતી એનો તો તમને ખ્યાલ જ છે ને સુહાસ. શ્રેયા મ્યુઝિકલ નાઈટમાં તમને રફી સાહેબનું ગીત ગાવા આમંત્રે છે. અલબત્ત એ ગીત સલોની માટે જ હશેને ? કહો સુહાસ કયું ગીત ગાશો ?