"તીખી મિર્ચી"
"તીખી મિર્ચી"


હેતવી એની મમ્મી સાથે મસાલા લેવા ખડામાં આવી. અને એક્ટિવા પાર્કિંગમાં પાર્ક કરી રહી હતી. ત્યાં સામેથી મનન એની મમ્મી સાથે આવતો હતો.
હેતવીની મમ્મી અને મનનની મમ્મીને જુના બેનપણા, એટલે એકબીજાને જોઈને, આનંદમાં આવીને વાતો કરતાં કરતાં છોકરાવ ને એકલાં મૂકી મસાલા જોવા ખડામાં જતા રહ્યા.આમ પણ બેઉ સખીની ઈચ્છા વેવાણ બનવાની હતી.
મનનનાં મોબાઈલમાં રીગ આવતાં એ બાજુ પર વાત કરવા ગયો.
મનનનાં ફોન પૂરો થવાની રાહ જોતી, હેતવી એક્ટિવા પાસે ઉભી રહી હતી ત્યાં બે લફંગા,બાજુના એક્ટિવા પર બેસી ગયા. હેતવી એ જોયું તો સામે આંખ મિચકારી ઈશારો કરતાં ફિલ્મી ગીત ગાવા લાગ્યો..
"બણ જા...બણ..જા તું મેરી...ચાસની"
મનનને આ જોયું, એ ફટાફટ આવ્યો.. તે પહેલા હેતવી નો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો એ નજીકનાં મરચાંની હાટ માંથી મરચાંની ભૂકી લાવી...
પેલા બદમાશો ઉપર ફેંકી...અને એજ મિજાજમાં બોલી... "ઇસ્ક દી ચાસની કે તીખી મિર્ચી? હેતવીના અચાનક હુમલાથી બદમાશો ઊભી પૂંછડીએ ભાગ્યાં.
હેતવીના આ સ્વરૂપને જોઈને મનન આભો બની જોતો રહ્યો. આ જોઈને...હેતવી મનનની નજીક આવી ...ચપટી વગાડતાં " એ મિસ્ટર ક્યાં ખોવાઈ ગયા?"
"બસ તારા આ નવા સ્વરૂપને... નિહાળી રહ્યો હતો, તીખી મિર્ચી.."
"હા આ તીખી મિર્ચી રોવડાવી પણ જાણે છે અને રસોઈમાં બધાં મસાલા સાથે ભળીને રસોઈનો સ્વાદ વધારી પણ જાણે છે...તો શું કહેવું છે તમારે આ તીખી મિર્ચી વિશે?" નેણ નચાવી હેતવી નયન સામે જોયું.
હવે મનન પણ શરારત ભરી અદાથી હેતવીનાં કાન નજીક હળવેથી...
"બણજા..બણ..જા..તું મેરી...ઇશ્ક દી ચાસણી"
રમાબેન...હેતવીની મમ્મીનું ધ્યાન દોરતા બોલ્યાં..લાગે છે, આ વર્ષે પ્રસંગના વધારે મસાલા ભરવા પડશે. બેઉ સખી હસી પડી.