તારી મારી મિત્રતા !
તારી મારી મિત્રતા !
અવની સાવ સામાન્ય ઘરની દીકરી અને પવનના ઘરની સ્થિતિ ખૂબ સારી કહી શકાય તેવી, એક જ સોસાયટીમાં રહેતા અને સાથે એક શાળામાં ભણતા, નિખાલસ દોસ્તીથી બંધાયેલા હતાં.
અવની અને પવન દરરોજ બાળ સહજ ચેષ્ટા કરતાં કરતાં ધીમે ધીમે સાથે સાથે મોટા થતાં ગયાં. દરરોજની એમની લડાઈ અને ઝગડવું તથા એકબીજાના ઘરે એકબીજાની ફરિયાદ કરવાં જવું, પછી મોટાઓને ઝગડતાં કરીને બંને જણા બાગમાં રમવા જતા રહેતાં, જ્યારે મોટાઓની ચર્ચા પૂરી થાય, ત્યાં તો બંને પાકા દોસ્ત બની, લસરપટ્ટી કે હીંચકા ખાતા હોય એવું તો ઘણીવાર બન્યું, અને તેથી મોટાઓએ એ બંનેની ફરિયાદ સાંભળવાની બંધ કરી દીધી.
દિવસો જતા ક્યાં વાર લાગે ? અવની અને પવન બારમા ધોરણમાં આવી ગયાં, યુવાનીનાં ઉંબરે આવીને અવનીએ પગલાં મૂક્યાં તો પવનની મૂછનો દોરો પણ ફૂટવાં લાગ્યો. જમાનાની હવા પણ ધીમે ધીમે આવવા લાગી. ઘરની પરિસ્થિતિ પ્રમાણે હવે બંને અલગ-અલગ કોલેજમાં ભણવા જવું પડ્યું, પવનનાં માતા-પિતાએ અલગ સોસાયટીમાં મકાન લીધું ત્યાં રહેવા ગયાં, હવે તો અવની અને પવન જે રોજ મળતા અને રમતા તે ઓછું થઈ ગયું. મિત્રતા તો હતી પણ મળવાનું ઓછું થઈ ગયું. ક્યારેય પણ જુદા રહેવાનું વિચાર્યું ન હતું. બંનેનાં મન એકબીજાને મળવા વ્યાકુળ થવા લાગ્યાં, પરંતુ આજના જેટલાં મુક્ત વિચારોનો તે જમાનો ન હતો. મર્યાદા હતી, અવનીના મનમાં એમ કે પવન પહેલ કરી આવે, અને પવનને થાય કે અવની કાંઈ કહે. આમ મનની વાત મનમાં રાખીને બંને જીવતા રહ્યાં. અવનીએ કોલેજ પૂરી કરી શિક્ષિકાની નોકરી લીધી, અને પવન સારી કંપનીમાં નોકરી કરવા લાગી ગયો.ફોનનો જમાનો હતો પણ ખૂબ ઓછા ફોન. તે પણ ઘરમાં એક ડલબુ. આવાં મોબાઈલ ન હતાં.આથી મનમાં ઈચ્છા છતાં મળી શકાતું નહીં અને ફોન પર વાત પણ શક્ય ન હતી.
અવનીની માતાએ તેના માટે છોકરાને જોવાના શરૂ કર્યા, અને પ્રથમ છોકરા સાથે જ તેની સગાઈ નક્કી કરી. સગાઈની વિધિ રાખેલ માટે પવનના ઘરે આમંત્રણ મોકલાવ્યું,તેઓ આશ્ચર્યમાં પડી ગયા. પવનને ખૂબ નવાઈ લાગી તેણે કહ્યું," ખૂબ જલ્દી કરી નાખી, વાટ પણ ન જોઈ." અવની તો ક્યાંક કશું બોલી શકી નહીં, અવનીના લગ્ન થયાં અને સાસરીમાં આવી ગઈ. પવનના પણ લગ્ન થયા, બંને પોતાની જિંદગી હસી ખુશીથી પસાર કરવા લાગ્યા. મનના ખૂણામાં મનની લાગણી, સપના, વણ કહેવાયેલા શબ્દો, બધું બંધ કરી મોટા પથ્થર મૂકી દાબી દીધું. ક્યારેક એકાંતમાં યાદ અચાનક સળવળી ઊઠે, અને એક અજંપો બની આંખમાંથી છાનોમાનો ઢળી પડે. કોઈ પણ ગુના વિના મનને મળેલ એક બેગુનાહ ભરેલી સજા જાણે ભોગવી રહ્યા હોય તેમ લાગતું.
ભલે દુનિયા બદલાય, કુટુંબ બદલાયા, પણ આજેય તારી મારી મિત્રતા એવી જ છે.
