Ajay Parker ' ભાવિ '

Romance

4.5  

Ajay Parker ' ભાવિ '

Romance

તેરી ગલીઓમેં...

તેરી ગલીઓમેં...

3 mins
366


"હાય!, તું મને બહુ ગમે છે."

એક અત્યંત સોહામણી લાગતી યુવતી વિનયને કહીને કોલેજ તરફ સડસડાટ ચાલી ગઈ. આ બાજુ વિનયની કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઈ ગઈ. કારણ સાવ ચોખ્ખું હતું. વિનય એક સાધારણ લાગતો યુવક, દેખાવમાં અને ભણવામાં બંનેમાં મધ્યમ. તેના મિત્રો પણ મોં મોં આંગળી નાખી ગયા.

લગભગ કોઈ યુવતી તરફ ધ્યાન ન આપતો વિનય હવે આ યુવતીને જ જોયા કરવા માંડ્યો. વર્ગમાં પાટલી પર બેઠેલી રેહનાને જોઈ રહેતો. એ આશયે કે હમણાં રેહાના પોતાની તરફ જોશે. રેહાના પાટલી પર બેઠી હોય ત્યારે પોતાની આંગળીથી વાળની લટને ગોળ ગોળ ફેરવ્યા કરતી. ક્યારેક વાળની એ લટ રેહાનાના કોમળ ગાલ પર ફરફરતી.

વિનયને વાળની આ લટની ઈર્ષ્યા આવતી. ક્યારેક તો તાસ પૂરો થયા પછી વિનય એ પાટલીને સ્પર્શી લેતો. જાણે કોઈ આવીને આંગળીઓની છાપ ભૂસી ન નાખવાનું હોય ! ક્યારેક તો રેહનાની બહેનપણીઓ પણ વિનય પર હસતી.

હવે તો આવતાં જતાં વિનય બસ એક જ રસ્તેથી મનોમન ગાતો નીકળતો: 'જીસ ગલીમેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગુજરના નહિ.'

એકવાર વિનય સતત જોયા કરતો હતો. જેથી રેહાના કંટાળીને વિનયની પાસે આવી અને બોલી: "એય મિસ્ટર, તારી જાતને મજનું સમજે છે ? ભણવા આવ્યો હોય તો છાનો માનો ભણી ખા, હડફેટે ચડતો નહિ, નહિ તો ભણવાનું તો ઠીક, આ કોલેજનાં પગથિયાં પણ ભૂલી જઈશ."

વિનય તો સાંભળી આભો જ બની ગયો. એની સમજમાં નહોતું આવતું કે પોતે શું બોલે ?

થોડો સ્વસ્થ થયા પછી બોલ્યો: "અરે, તેં જ તો મને સામે ચાલીને કહ્યું હતું !"

"મેં ? મેં ક્યારે કહ્યું તને ? સ્ટુપીડ !" રેહાના અચરજ પામતી બોલી.

"તો તને કશું યાદ નથી ? એકવાર તું…"

"ઓ હલો, મિસ્ટર, ગળેપડું, હું અને તારા જેવાને ? માય ફૂટ ! અરીસામાં મોઢું જોઈ લેજે પછી ખાલી વિચારજે, હું તારા જેવાને તો સપનામાંય ન આવવા દઉં."

"લે, કર વાત, ઉલટો ચોર કોટવાળને દંડે!"

રેહાના બોલી: "હમમ, હવે બોલ, તું શું કહેતો હતો ? સડકછાપ રોમિયો !"

હવે તો વિનયનાંય ભવાં ચઢી ગયાં. તે બોલ્યો : "એકવાર તેં મને કોલેજના પગથિયાં પર જ રોકીને કહ્યું હતું કે તું મને બહુ ગમે છે." 

ઓહો ! તો એમ વાત છે. અરે યાર સોરી, એ કઈ તારીખ હતી ?

"મને બરાબર યાદ છે, પહેલી તારીખ હતી."

"ઓકે ડિયર, પહેલી તારીખ હતી, બરોબરને ?"

"હા" વિનય માથું ખંજવાળતાં બોલ્યો.

તો એ દિવસે મારે મારા ફ્રેન્ડસ્ સાથે બેટ લાગી હતી કે, આજે જે પણ પહેલો છોકરો અહીંથી પસાર થાય એને મારે એમ કહેવું. અને હું એ બેટ જીતી ગઈ. બસ ! યાદ છે પહેલી તારીખ અને એપ્રિલ મહિનો, તો એપ્રિલ ફૂલ ! હેપ્પી 'એપ્રિલ ફૂલ'!"

વિનય આ બેફિકરી છોકરીની વાત સાંભળીને ઘડીભર તો પગ નીચેથી જમીન સરકી ગઇ. 

"રેહાના ડીઅર, તને અભિમાન શાનું છે ? આ રૂપનું કે ગોરા તનનું ? અભિમાન તો આપણે જાતે કમાયા હોઇએ એનું હોય ! કુદરતી રીતે મળ્યું હોય તેનો તો આભાર જ માનવાનો હોય ! અને હા એક બીજી વાત પણ યાદ રાખજે, તારી આ જવાની જ્યારે તારો પાલવ છોડી દે, દર્પણ જ્યારે ડરામણું લાગે ત્યારે કોઈને 'એપ્રિલ ફૂલ' બનાવજે, પછી જોજે કોણ એપ્રિલ ફૂલ થાય છે ને કોણ એકલું ફૂલ રહી જાય છે."

રેહાના કશું કહેવાની સ્થિતિમાં નહોતી. વિનય ત્યાંથી ગર્વભેર ચાલી નીકળ્યો. મનમાં કેટલીક પંક્તિઓ ગણગણતો.

"તેરી ગલીઓમેં ના રખેગેં કદમ, આજ કે બાદ…"


Rate this content
Log in

Similar gujarati story from Romance