તાજો ઘા
તાજો ઘા


નેશનલ હાઈવે નંબર-૮ ઉપર પુરપાટ ઝડપે દિપ ગાડી હંકારી રહ્યો છે. તેમને ઉતાવળે પહોંચવાનું છે તેમ છતા હોલ્ડ કરવાનો સમય થયો હતો ત્યાં દૂર તેની નજર એક રેંકડી ઉપર પડી. તેણે પ્રીતિ તરફ નજર કરી પ્રીતિએ પણ હસતા હસતા મુક સંમતી આપી !
રસ્તાની રેકડીની ચાનું પ્રીતિને વળગણ હતું તે વાત હવે તો દિપ પણ જાણી ગયો હતો ! પણ કેમ તે રેસ્ટોરાં કરતા આ રેકડીની ચા ને વધારે ?
* *
'તારી આ માંજરી આંખ ખૂબ જ સુંદર છે. 'સ્વીટ બિલાડા' જેવી… અને બન્ને ખડખડાટ હસી પડતા. તે ક્યારેય કોલેજની કેન્ટીનમાં ચા પીવા માટે જતા નહોતા. જીમિલની સાથે સાથે હવે તો પ્રીતિને પણ રેકડીની ચાનો ચસ્કો લાગી ગયો હતો. ચા પીને ક્યાંય સુધી એકબીજાની આંખમાં આંખ પરોવીને દીલના ભાવ વ્યક્ત કરતા રહેતા !
એક વાર જીમિલના કપાળે તાજો ઘા જોઈને પ્રીતિ ગભરાઈ ગઈ તેણે ક્ષણનો વિલંબ કર્યા વિના દુપટ્ટો ફાડીને તેના કપાળે પાટો બાંધી દીધો. જીમિલ જાણે કંઈ બન્યું ન હોય તેમ હસતો રહ્યો અને પ્રીતિ રડતી રહી.
તે પછી કોલેજનો અભ્યાસ પૂર્ણ થયો. તે સાથે જ જીમિલ જાણે !
* *
દિપ અને પ્રીતિ ચા પીને જેવા ગાડીમાં ગોઠવાયા ત્યાં ગ્લાસ ઉપર ટક.. ટક.. અવાજ થયો. પ્રીતિએ તે તરફ નજર કરી સામે લાંબા લાંબા વાળ માથે પટ્ટી બાંધેલો લઘરવઘર કપડામાં યાચક નજરે મોં તરફ ઈશારો કરતું કોઈ કરગરી રહ્યો છે ! પ્રીતિને દયા આવી ગઈ તેણે જેવો ગ્લાસ નીચે ઉતાર્યો જોયું તો તેના માથે જે પટ્ટી બાંધી હતી તેની આજુબાજુથી ધીમે ધીમે લોહી વહી વહીને ગઠ્ઠ થઈ રહ્યું છે ! હજુ 'તાજો જ ઘા' હતો તેવું લાગી રહ્યું હતું ! તેણે પર્સમાંથી દશની નોટ કાઢી ગ્લાસ નીચે ઉતારી,
'લો… બોલવા જતી હતી ત્યાં બંનેની નજર એક થઈ, દીલ સાથે અનુસંધાન થયું !
એજ સ્વીટ બિલાડા જેવી આંખ !
પ્રીતિ આગળ કાંઈ વિચારે તે પહેલાં તો દિપે ગાડી નેશનલ હાઈવે ઊપર હંકારી મૂકી !