deepa rajpara

Abstract Inspirational

4.0  

deepa rajpara

Abstract Inspirational

સ્વર્ણિમ ક્રાંતિ

સ્વર્ણિમ ક્રાંતિ

6 mins
190


"શરીરને સાવ હળવું છોડી દો..! એકપણ સ્નાયુ તંગ કરવાનો નથી. શાંત..એકદમ શાંત..મનને બે આંખ વચ્ચે બિલકુલ..મધ્યમાં.. બંને ભૃકુટીઓની વચ્ચે સ્થિર કરી દો..હથેળીઓ ખુલ્લી છોડી દો..કોઈ મુદ્રા બનાવવાની નથી..આંખો સાવ બંધ..એક નિશ્ચય કરી લો, આજે ગમે તે થઈ જાય..ધરતીકંપ પણ આવી જાય તો પણ આંખો ખોલવાની નથી જ.., બસ, જે થાય તે ચુપચાપ સાક્ષીભાવે જોયા કરવું છે..!" -ગુરુજીનો ઘેરો પડછંદ અવાજ આખા હૉલમાં ગુંજી ઉઠ્યો. એકદમ પિન ડ્રોપ સાઇલન્સ વાતાવરણમાં છવાઈ ગયું..! 

હોલમાં બેઠેલાં બધા જ સાધકો ગુરુજીની વાણીને અનુસરતાં આંખ બંધ કરી પલાંઠી વાળી બેસી ગયા. દિતિપ્રિયા પણ બધાની સાથે એમ કરવા જાણે કે મજબૂર થઈ. પણ મનમાં ને મનમાં વિચારવાં લાગી, "અરે..! ગજબ છે..! એમ કેમ શાંત થઈ જવાય.. ? અને આંખ બંધ જ કરીને બેસી જવાનું હોય તો અહીં જોવાનું શું છે ? અને પાછા આદેશ પણ આપે છે કે કંઈપણ થઈ જાય આંખ ખોલવાની નહિ..! તો તો આ લોકો અમને અંધારામાં રાખી ક્યાંક જંતર-મંતર તો નથી કરવાનાંને..!"

એક ક્ષણ માટે તો દિતિપ્રિયાને ઊભાં થઈ ભાગી જવાનું મન થઈ ગયું.. પણ આટલાં બધાં લોકોની વચ્ચે એ હિંમત કરી ન શકી અને ગુરુજીનાં અવાજનાં ચુંબકીય પ્રભાવની અસર પણ એનાં મન પર કબજો કરતી હોય એવું લાગ્યું.

દિતિપ્રિયા આમ તો, કોઈ એવી રૂઢિચુસ્ત ધાર્મિક સ્ત્રી નહોતી. હા, નાનપણમાં ઘરનાં વડીલોને પૂજા-પાઠ, કર્મકાંડ કરતાં જોયાં હતા. સાસરે આવીને પણ સાસુ સસરાને સતત સેવા પૂજા વગેરેમાં રત જોયા હતાં. નાનપણથી જ આ બધા ધરમ કરમ જોઈને મનમાં અનેક પ્રશ્નોની વણજાર ઊભી થઈ જતી..પરંતુ આજ સુધી એને એકેય પ્રશ્નોનાં કોઈએ સંતોષકારક જવાબ નહોતાં આપ્યાં. મોટેરા અગર તો જવાબ આપવામાં નિષ્ફળ થાય તો ઉલટાનું દિતિપ્રિયાને ખિજાઈ ચૂપ બેસાડી દેતાં. દિતિપ્રિયા પણ ખૂબ ભીરુ સ્વાભાવની બની ગઈ હતી. દિતિપ્રિયાની મુશ્કેલી એ હતી કે એનો એવાં વાતાવરણમાં ઉછેર થયો જ્યાં સ્ત્રીઓને વધુ પડતું ચૂપ રહેતા જ શીખવાડવામાં આવતું. આથી દિતિપ્રિયા પણ અંદરથી સહમીને ચૂપ થઈ જતી. પરંતુ પેલા અંદર ઊઠતાં પ્રશ્નો એને કાયમ પજવતા રહેતાં..!

"મનમાં કોઈ જ પ્રશ્નો નથી..આ ક્ષણે હું સંપુર્ણપણે..સમગ્રપણે ખાલી છું..આ શરીર પણ મારું શરીર નથી..ઉતારી નાખો બધા વિચારોનો ભાર આ ક્ષણ પૂરતો. આજસુધી આ શરીરે ઘણાં અનુભવો આપ્યાં પરંતુ આજે આ શરીરને થોડીવાર સ્વયંથી અલગ કરી સ્વયંનું ચિત્ર જોવાની કોશિશ કરવી છે..! માત્ર ધ્યાન તમારા આવતાં જતાં શ્વાસ પર..આ શરીરને સ્થિર બેસવાની ટેવ નથી..આ મનને ભટકવાની આદત છે..પણ આજે એ બંને માંથી કોઈની કારી નથી ફાવવા દેવી..! આજે શ્વાસની પણ પેલે પાર પહોંચવું છે..!" - ગૃરુજીનો સ્નેહ નીતરતો સ્વર આખા હોલમાં છવાઈ ગયો. એ અવાજમાં ખરેખર અજબ જ ચુંબકીય બળ હતું કે દિતિપ્રિયા અવશપણે ગુરુજીનાં અવાજને અનુસરતી પોતાનાં શ્વાસ-ઉચ્છવાસ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી બંધ આંખે જોવા લાગી..! 

શ્વાસની ગતિની સાથે દિલોદિમાગ પણ પેરેલલ ચાલતાં હતાં. દિતિપ્રિયા મનમાં જ વાર્તાલાપ કરવાં લાગી, "પ્રશ્નો શું કામ નથી.. ? અનેક પ્રશ્નો છે. હું અહી જવાબ મેળવવા આવી છું અને તમે મનમાં કોઈ જ પ્રશ્ન નથી એમ કહી પ્રશ્નોનો છેદ ન ઉડાડી શકો..! તો તો તમે પણ બાકી બીજા લોકો જેવા જ એક, નવું શું છે ?" 

અથર્વ સાથે લગ્ન થયાં. એક ઘરમાંથી બીજા ઘરમાં જવાથી વિશેષ કોઈજ નવી બાબત દિતિપ્રિયા સાથે નહોતી ઘટી. સવારથી રાત સુધીમાં એક સ્ત્રીએ એની ફરજોમાં આવતાં કાર્યોની ઘરેડમાં દિતિપ્રિયા જીવનનાં વર્ષો જ ઓછા કરી રહી હતી. સાસુ સસરા સેવા પૂજા, ભજન કીર્તન વગેરેમાં રચ્યાં પચ્યા તો રહેતાં, અનેક લોકોની આવન જાવન ઘરમાં રહેતી. દિતિપ્રિયા ઘરની વહુ હોવાથી બધાની આગતા સ્વાગતામાં જોડાઈ જતી. એમની શાસ્ત્રોક્ત વાતો, ચર્ચા, દલીલો બારણાં પાછળ ઊભા રહી સાંભળતી. પરંતુ જે પેલાં પ્રશ્નો હજીપણ દિતિપ્રિયાનો પીછો ન છોડતાં,એમાંથી એકેયનો જવાબ એને કદિ નહોતો મળતો. બસ, સૌ ખાઈ-પી ને મોટી મોટી વાતો કરીને ચાલ્યા જતાં. નજર સામે આવો નર્યો દંભ જોઈ અકળાઈ જતી એ ..અને કરી પણ શું શકતી એ ? પરંતુ દિતિપ્રિયાને ખબર નહોતી કે એ પ્રશ્નો એક સાદ જ તો હતાં, એક અંતર્નાદ હતાં અંદરનો..! 

"અકળાવાની જરાય જરૂર નથી..આજે આ હોલમાં જ્યાં સુધી હું છું ત્યાં સુધી બહારની દુનિયાને ભૂલી જવી છે. જીવને ખૂબ સુખ દુઃખ દેખાડ્યા છે. અનેક ઝંઝાવાતોનો પીડાઓનો સામનો કરી ખૂબ થાક લાગ્યો છે એ બધો થાક એક ક્ષણ પૂરતો ઉતારી શાંતિનો આસ્વાદ લેવો જ છે મારે..! બસ, શ્વાસ લેવાનું ભૂલવાનું નથી..જુઓ અંદર આવતો શ્વાસ ક્યાં સુધી અંદર જાય છે ? ક્યાં સ્પર્શે છે ? એ સ્થાનને જુઓ" -ગુરુજીનો વ્હાલ ભર્યો સ્વર અજબ શાતા આપતો હતો, પીંછાની જેમ સહેલાવતો હતો..! આ હૂંફ પહેલાં ક્યારેય નહોતી અનુભવી..!

અથર્વનાં જીવનમાં દિતિપ્રિયાનું શું મહત્વ હતું એ દિતિપ્રિયા ક્યારેય સમજી જ શકી નહોતી. અથર્વ સાવ ચૂપ રહેવાવાળો, દબાઈને રહેવાવાળો એક અંતર્મુખી વ્યક્તિ ધરાવતો માણસ હતો. અથર્વનો પરિવાર સમાજમાં ખૂબ મોટી શાખ ધરાવતો પરિવાર હતો. પિતાની પ્રભાવશાળી છબી હેઠળ અથર્વ હંમેશા ઓજપાયેલું જ વર્તન દાખવતો. પોતાની વાત પોતાનાં પિતાની સામે રાખવા જેટલી ય હિંમત એકઠી કરવામાં એને પરસેવો વળી જતો..! આમાં, દિતિપ્રિયા માટે તો એની વાત કોઈ સાંભળે પણ ખરાં એટલોય અવકાશ નહોતો બચતો. જાણે કે અથર્વનાં ભીરુ વ્યક્તિત્વનાં ભાર હેઠળ દિતિપ્રિયાનું અસ્તિત્વ જ દબાઈ જતું ! 

દિતિપ્રિયાનાં શ્વાસ તેજ બન્યાં, મનોમન ઉલટાની વધુ અકળાઈને વિચારવા લાગી, "અસ્તિત્વનું પરવશપણું શું હોય એ મને પૂછો ગુરુજી..! પોતાનાં હાથે જ પોતાનું ગળું દબાવીને જીવતા રહેવાની સજા જાતને સતત આપી છે ક્યારેય ? ખેર, તમને નહિ સમજાય એ દર્દ..!" દિતિપ્રિયા પોતાની જાતને સધિયારો આપવા પુરાવા શોધતી હોય એમ પોતાનો ભૂતકાળ ખંખોળવા લાગી. 'તારે તો પરણીને સાસરે જવાનું છે.- આ તારું કાયમી ઘર નથી' આ વાક્ય પિયરમાં રોજ-રોજ બધાનાં મોઢે સાંભળતી. ધીરે ધીરે સમજણી થતી ગઈ એમ પોતાને સંકોરતી ગઈ એમ વિચારીને કે ચાલો જે મારું ઘર હશે ત્યાં હું વ્યક્ત થઈશ. સાસરે આવીને તો સાસુ-સસરા, પતિ, સગા-સંબંધીઓ વચ્ચે ખુદને મળવાનો અવકાશ પણ ગુમાવી બેઠી. રહ્યું સહ્યું હતું તે પોતાનાં દીકરાને ઉછેરમાં ભુલાવી બેઠી. એ ઉછેર પણ એની પોતાની મરજીનો કયાં હતો. દાદાએ પુત્રને તાબામાં રાખી પૌત્રને લાડપ્યારનાં અતિરેકથી મોટો કર્યો હતો. એનું પરિણામ આજે એ હતું કે દીકરો ભણી-ગણી, પરણીને પત્ની સાથે વિદેશમાં વસી ગયો. સમયનાં પ્રવાહે દિતિપ્રિયાએ સાસુ-સસરા અને પતિને નજર સામે સ્વર્ગે સિધાવતા જોયાં. ખપ પૂરતી સંપત્તિ અને મકાન દીકરાએ દિતિપ્રિયાને માટે રાખ્યું અને બાકી બધું સંકેલો કરી દીકરો વિદેશ ચાલ્યો ગયો. બધાની વચ્ચે રહીને પણ એકલી દિતિપ્રિયા આજે ખરેખર એકલતાની ખાઈમાં ધકેલાઈ ગઈ હતી.

ગુરુજીનું દિતિપ્રિયાનાં જીવનમાં આગમનનાં સંજોગો નિર્મિત થવાનો સમય પાકી ગયો હોય એમ હવે તો પેલા પ્રશ્નોની વણજાર દિતિપ્રિયાનાં મગજ પર ભૂતાવળ બની હાવી થવા લાગી. "કોઈ તો આમાંથી બહાર કાઢો.." આ અંતર્નાદ એક દિવસ તો એટલો ઘેરો બન્યો કે કદિ ઘરની બહાર ન નીકળવા વાળી દિતિપ્રિયાનાં પગ આજે અવશપણે કોઈ અજ્ઞાત ચુંબકીય બળનાં પ્રભાવની પાછળ ચાલવા લાગ્યાં. ક્યાં જવાનું છે તેનાંથી બેખબર બસ એ ચાલતી ચાલતી ગુરુજીએ જ્યાં મુકામ કર્યો હતો ત્યાં પહોંચી ગઈ. 

"સૌ શાંતિથી બેસી જાઓ"-એક આદેશ આવ્યો અને એ એકદમ ઝબકી ગઈ..સામે કોઈ દિવ્ય વિભૂતિ ખડી થઈ ગઈ હોય એમ આશ્ચર્યથી દિતિપ્રિયા ગુરુજીને પોતાની સામે નિરખવાં લાગી. પોતે અહીં કેવી રીતે પહોંચી ગઈ એ સમજાય એ પહેલાં તો સૌ સાધકો હોલમાં ધીમા ગણગણાટ સાથે બેસી જવા લાગ્યાં હતા. દિતિપ્રિયા પણ બેસી ગઈ..! 

દિતિપ્રિયા સાચે જ અતિશય વિચારો કરીને ખૂબ થાકી ગઈ હોય એમ છેવટે ભૂતકાળમાંથી ખેંચાઈને ફરી પોતાનાં શ્વાસ પર પાછી આવી. એને લાગી રહ્યું કે ધીમે ધીમે એનામાંથી એક એક કરીને બધું છૂટું પડી રહ્યું છે. અસહ્ય ભાર એની મેળે જ હળવો થવાં લાગ્યો હતો..પોતે પોતાને શ્વેત પંખ બની હવામાં લહેરાતી જોવા લાગી. અસીમ લાલિમા સર્વત્ર ફેલાઈ ગઈ હતી.. દૂર કોઈ અજ્ઞાત પ્રદેશમાં જવા માટે દ્વાર દેખાઈ રહ્યું હતું. જેનાં બારણાંની તિરાડમાંથી તીક્ષ્ણ તેજપુંજ રેલાઈ આવતો હતો. કોઈ અકળ ચુંબકીય શક્તિ એને એ તરફ દોરી જઈ રહી હતી..! એણે એ દ્વારને જિજ્ઞાસાથી સહેજ હાથ લંબાવી ધક્કો માર્યો.. એકાએક અતુલ્ય પ્રકાશનો બાંધ તૂટ્યો હોય એમ એનાં પર દિવ્ય તેજનો ધોધ વરસવા લાગ્યો..એ અનંત પ્રવાહમાં દિતિપ્રિયાને સઘળા પ્રશ્નોનાં ઉત્તર મળવાં લાગી ગયા અને એ પ્રશ્નોની ભૂતાવળ સાવ માટે ઓગળી જઈ વહેવા લાગી..! 

દિતિપ્રિયા આંખોમાં આંસુ સાથે એકદમ ઊભી થઈ ગુરુજીનાં ચરણોમાં ઢળી પડી. દૂર પૂર્વાચંલે ક્ષિતિજમાં સોનાનો સૂરજ નવી આભા લઈ ઊગ્યો હતો..!


Rate this content
Log in

Similar gujarati story from Abstract