Deepa rajpara

Inspirational Others

4.0  

Deepa rajpara

Inspirational Others

ગુરુ વિણ કોણ બતાવે રાહ

ગુરુ વિણ કોણ બતાવે રાહ

3 mins
190


મનુષ્યનાં અનેક જન્મનાં પુણ્યો સંચિત થાય ત્યારે તે પોતાનાં જીવનમાં ગુરુકૃપાનો પ્રસાદ પામે છે ! અતિ સૌભાગ્યશાળી છે એ વ્યક્તિ, જેને ગુરુચરણમાં સ્થાન પ્રાપ્ત થયું છે ! જેવી રીતે ફૂલો સુગંધથી સભર છે એટલે જ પોતાની સુવાસ ચોતરફ વિખેરે છે ! જેવી રીતે વાદળાઓ સભર છે જલથી, આથી જ બીજા ઉપર વરસે છે ! એવી જ રીતે ગુરુ પણ સભર બન્યાં હોય છે પરમાત્માના પ્રેમથી, તેથી જ હવે તેને એના સંપર્કમાં આવતાં દરેકની ઉપર તે પ્રેમ ઉડેલવો છે ! સ્વયં ભગવાનનો સાક્ષાત્કાર ગુરૂને થયો હોય છે આથી જ હવે તેની બધી જ લૌકિક કામનાઓ-જરૂરિયાતો સમાપ્ત થઈ ચૂકી હોય છે ! હવે તો પરમાત્માની કૃપા એમની ઉપર સતત છલકાઈ-છલકાઈ ને વહેવાં લાગી એટલી વરસી છે એટલેજ ગુરુને એ અનરાધાર વરસતી કૃપાનાં ખોબલે-ખોબલાં ભરી પોતાનાં પ્રિય શિષ્યનાં ઘટમાં રેડી તેને સભર કરી દેવો છે !

આપણે દુ:સ્તર માયા પ્રપંચમાં ફસાયેલા જીવ, સીમાઓથી પરે એવા એ અલૌકિક જ્ઞાનની વિશાળતાને જોઈ શકવા પણ સમર્થ નથી ! ત્યારે ગુરુએ આ દિવ્ય અલૌકિક જ્ઞાનને સ્વયંમાં આત્મસાત કરી લીધું હોય છે ! આપણા દ્વારા વણખેડાયેલા એ આનંદ પ્રદેશનો ગુરુએ સાક્ષાત્કાર કરી લીધો હોય છે ! એ અનાહત અગમવાણીનો આહ્લાદ ગુરુ એ માણી લીધો હોય છે ! એ અલૌકિક સુવાસને પોતાનાં રોમ-રોમમાં સમાહિત કરી લીધી હોય છે ! એ દિવ્ય અનંત ઉજાસનાં ગુરુએ દર્શન કર્યા હોય છે ! આવા ગુરુની ચરણ પાદુકાનું પણ જો સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય તો આપણા અસ્તિત્વને સાર્થકતા મળી જાય !

ગુરુનાં છ પ્રકાર છે:--

1. સૂચના આપે છે --> માહિતગાર કરે છે !

2. વક્તા --> જે વાણી વડે જ્ઞાનનો વધારો કરે છે !

3. દર્શક --> જે સાચી દિશાનું દર્શન કરાવે છે !

4. પ્રેરણા આપે છે --> જે યોગ્ય દિશામાં જવાની હિંમતભરી પ્રેરણા કરે છે ! 

5. શિક્ષા આપે છે --> ભૂલનું ભાન કરાવે છે !

6. આત્મબોધ આપે છે --> જીવનનું લક્ષ્ય દર્શન કરાવે છે, પરમ ચૈતન્ય બોધ કરાવે છે !

ગુરુ દત્તાત્રેયનાં 24 ગુરુઓ હતાં ! એ તો સર્વવિદિત્ત છે અને એ વાત જ સાબિત કરે છે કે આપણાં લક્ષ્ય સિદ્ધિપથ પર અનેક સમસ્યાઓ વિધ-વિધ સ્વરૂપે આવી શકે છે ત્યારે એ સમસ્યા, એ પરિસ્થિતિની વિષમતાઓમાંથી પાર કરવા ગુરુ પણ વિધ-વિધ રૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે ! આપણી દ્રષ્ટિ એવી વિશાળ બનાવવાની છે કે આપણે એ ગુરુને સમયસર ઓળખી શકીએ ! આમ, જરૂરી નથી કે ગુરુ કોઈ એક જ હોય ! 

ગમે તેટલા કુશળ તરવૈયા હોઈએ અને નજર સામે અનંત સાગર હોય તો પણ જાતે તરીને પાર કરવાની બાલિશતા ન જ કરાય ! કોઈ નાવમાં બેસીને જ સરળતાથી અને ઝડપથી મુકામ પર પહોચાય છે ! આ માયારુપ અનંત ભવસાગરમાંથી પાર ઉતારવા ગુરુ જ તો આવે છે નૌકા બનીને ! ગુરુ મહિમા વર્ણવી શકવાની મારી શબ્દ સિમિતતાને લીધે વધુ તો શું કહું ! પરમાત્માનાં સ્નેહની-મમતાની સહભાગી બની શકું એવી પાત્રતા મારીજ છે એવો વિશ્વાસ મારા ગુરુનો મારા પર છે એટલેજ મારા ગુરુએ મારા ભાગ્ય પર અપ્રતિમ કૃપા કરી મને સૌભાગ્યશાળી બનાવી છે ! બસ, ગુરુચરણમાં શીશ નમાવી કોટી કોટી વંદન કરું છું !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational