deepa rajpara

Drama

4.4  

deepa rajpara

Drama

અભિશાપિત

અભિશાપિત

4 mins
1.0K


સાંજનાં ઓળા એનાં ઘરનાં ઝરૂખામાંથી વગર પૂછયે અંદર ઉતરી આવ્યા..! આજે ખબર નહિ કેમ એણે આખા ઘરમાં ફરતી નજર કરી અને એક ગરમ છતાંય ઠાલો શ્વાસ છોડ્યો..! આમ તો એનાં ઘરની એક એક જગ્યાએ એનો સ્પર્શ હતો. ઘરનાં ખૂણે-ખૂણા, દીવાલો, દીવાલ પર સજાવેલું પેલું અધૂરું રહી ગયેલું પેઇન્ટિંગ-જે એણે જાતે બનાવેલું, અને પેલો નાઈટ લેમ્પ-જે ટોટલ વેસ્ટ જ તો હતો..પણ ..એનાં હાથનાં તિલસ્મી સ્પર્શથી નવું જીવન પામી આજે ટેબલ પર અડ્ડો જમાવતો હતો. પેલી જૂની વૉલ કલોક..બસ ટક ટક કરતી ચાલ્યે જતી હતી. એને જીવતદાન એ જ તો આપતી હતી..રોજ સમયસર ચાવીઓ ભરીને..! નહિતર આજનાં જમાનામાં સમય કોની પાસે છે એક તો જુનાંની સામે ય જોવાનો, અને પાછું, સામુ જોવાથી જ ક્યાં પૂરું થઈ જાય છે..? સમયસર ચાવી ભરવાનો ય સમય તો કાઢવો પડે ને..! પણ એ કરતી હતી..! સૌ ચીજ વસ્તુની એક કહાની, દાસ્તાન હતી..! અને એ દાસ્તાનમાં એ મુખ્ય નાયિકા હતી..! કહ્યુંને..એનો સ્પર્શ દરેક જગ્યાએ લાગેલો હતો..! એમ કહી શકાય કે દરેક ચીજ-વસ્તુઓએ કદાચ એને પોતાની અંદર તાદમ્યતાથી શ્વસી જ હશે..! પરંતુ આખા ઘરમાં એક જગ્યા એવી હતી જેને એણે પોતાનાં સમગ્રપણાંથી પોતાનાં પ્રત્યેક શ્વાસોમાં ભરી લીધી હતી, મન-મસ્તિષ્ક-હૃદયમાં છેક ઊંડે સુધી ઉતારી પોતાની કરી લીધી હતી, ના..એને કરી લેવી પડી હતી.. એ હતો એનાં તેરમા માળે આવેલાં ફ્લેટનો પશ્ચિમી ઝરૂખો ..!

કેટલાં બધા સારા માઠા અતિતનો સાક્ષી બન્યો હતો આ ઝરૂખો ..! એણે અમસ્તી જ સરસરી નજર ઝરૂખા પર ફેરવી અને અચાનક એક પછી એક દ્રશ્ય જાણે તાદ્શ હોય એમ ઉપસવા લાગ્યા. એણે ઝરૂખા સામે નજર સ્થિર કરી. એની ફર્સ્ટ મેરેજ એનિવર્સરી હતી ત્યારે અવિનાશે કેટલી બધી કેંડલ્સ, ફ્લાવર્સ, પ્લાન્ટ્સથી સજાવી એને કેન્ડલ લાઈટ ડીનરનું સરપ્રાઈઝ આ ઝરૂખામાં જ તો આપ્યું હતું..! નિયતિ ..! ..એની દીકરી..બન્નેનાં જીવનમાં પ્રવેશવાની છે એ ખબર આપતાજ ખુશીથી ઊછળી પડેલા અવિનાશે એને એકદમથી ઊંચકી આ ઝરૂખામાં લાવી અને ચુંબનોની વર્ષામાં જાણે નવડાવી દીધી હતી અને..અને.. એનાં ગાઢ આલિંગનમાં એવી તો ભીંસી હતી કે અત્યારે ય યાદ આવતાં એક મીઠી ચીસ એનાથી નંખાઈ..! પોતાની જ ચીસનાં પડઘાથી એ સહસા ચમકી..! એણે ઝરૂખા સામે જોયું..! પણ આ શું.. "ઓહ..નિયતિ...નહિ નિયતિ..." ઝરૂખે આવી બેઠેલા પક્ષીને પકડવા નાની નિયતિ પાળીને અડેલીને પડેલાં ટેબલ પર રાખેલા પ્લાન્ટને હટાવી ચડી ગઈ હતી...અને એ દોડી..…હા…પુરી તાકાતથી દોડી..નિયતિને પકડી લેવા ..! પણ નિયતિ..! એનાથી ફરી એક ચીસ નખાઈ ગઈ...! એ ફરી સ્તબ્ધ બની ઝરૂખા સામે જોવા લાગી..! એક ધારદાર સન્નાટો..અને નિર્લેપ સાક્ષી એવો ઝરૂખો..!

નિયતિનાં જવાંનું દુઃખ અવિનાશ જીરવી શક્યો નહોતો. બસ, ઝરૂખામાં ઊભો રહી સિગરેટનાં ધુમાડામાં રચાતા વલયોમાં ખોવાયેલો જ રહેતો. બન્નેનાં સંબંધમાં અકળ એવી દૂરી જાણે કાયમી છવાઈ ગઈ હતી...! એણે ઘણી કોશિશ કરી હતી અવિનાશની નજીક જવાની..! પણ વ્યર્થ..! એણે ફરી એક ઊંડો, ગરમ, સાવો ઠાલો શ્વાસ છોડ્યો. ખબર નહિ કશુંક અંદર ચુથાતું હોય એવું લાગ્યું..અને..અને.. એણે ઝરૂખા સામે જોઈ હાથ લંબાવી, છાતી ફાટી જાય એવી ફરીથી ચીસ નાખી...અવિઇઇઇ.....નહિ..નહિ...અવિઇઇઇ....! પણ અવિનાશે ત્યાં સુધીમાં તો ઝરૂખામાંથી છલાંગ લગાવી દીધી હતી..! એ સમયે હલકમાં અટવાઈ ગયો હતો એનો શ્વાસ..! તો ય એણે પોતાનાં અસ્તિત્વની સમગ્રતાથી, ફાટી આંખે ઝરૂખાની દીવાલો સામે જાણે ત્રાડ જ પાડી હતી, "અભિશાપિત...!" ગુંજી ઉઠ્યો અવાજ...દિવાનખંડમાં સજેલો ટેબલ લેમ્પ પડીને તૂટી ગયો હતો એના અવાજથી..પણ, પડઘો થઈ પાછો પોતાની તરફ જ ફર્યો..! "કોણ અભિશાપિત ..?" એણે ખાસ્સી વાર પોતાનાં હાથ વડે કાન દાબી રાખ્યાં હતાં. છેવટે એ પોક મૂકી ઝરૂખા ને કહી રહી..,"તું અભિશાપિત.."! ઝરૂખાની દિવાલોમાંથી અટ્ટહાસ્ય સંભળાયું.., "હજી વિચારી લે..! હું તો મૂક-સાક્ષી માત્ર..તારે બાકીનું જીવન મારા સહારે જ વિતાવવાનું છે..! તારી એક એક વેદનાનું સાક્ષી મારે થઈ વગર વાંકે મારે સહન કરવાનું છે..! મેં તો તને કહ્યું નહિ કે મારા માટે તું છો અભિશાપિત..!" હા, વાત તો ઝરૂખાની સાચી જ તો હતી..! એ મૌન થઈ ગઈ. હવે એનાં મૌનનો સાક્ષી હતો નિર્લેપ, નિષ્ઠુર ઝરૂખો !

દૂર ક્ષિતિજમાં સૂર્યાસ્ત થઈ રહ્યો હતો..એણે ઝરૂખામાં પડેલી આરામ ખુરશીમાં પોતાનું શરીર ઠાલવી દીધું..! જાણે ઘણી લાંબી મુસાફરી કરી હોય એવો થાક વર્તાયો..! એણે આંખો મીંચી દીધી..! અચાનક અજબ હળવાશ અનુભવાઈ..એટલી હળવાશ કે એ ઊડવા લાગી..! એ પેલા નિર્લેપ નિષ્ઠુર ઝરૂખાની કેદમાંથી જાણે આઝાદ થઈ ગઈ હતી..! એ જઈ રહી હતી અવિનાશને પામવા..! આ જ તો એની નિયતિ હતી..! સંધ્યાનો સિંદૂરી રંગ આકાશમાં ઉતરી આવ્યો..એનું પેઇન્ટિંગ પૂર્ણ થઈ ગયું હતું..! અને પેલી વૉલ કલોક...એ બંધ થઈ ગઈ હતી..!


Rate this content
Log in

Similar gujarati story from Drama