Deepa rajpara

Inspirational

4.5  

Deepa rajpara

Inspirational

છાપ સત્કર્મની

છાપ સત્કર્મની

5 mins
478


આમ તો, જીવનમાં આવનારી દરેક ક્ષણ સ્વયંમાં એક આશ્ચર્ય લઈને આવતી હોય છે. આપણે એ આશ્ચર્ય પ્રતિ એટલું ધ્યાન આપતાં નથી એ અલગ વાત છે..! પરંતુ કોઈ એકાદ ઘટના એવી પણ ઘટી જાય છે જે આમ જોઈએ તો સામાન્ય કે મામૂલી અથવા તો રોજબરોજ નજરે ચડતી દેખાય અને આપણે એનાથી ટેવાયેલાં થઈ જઈએ છીએ એટલે મહત્વપૂર્ણ ન લાગે છતાંય ક્યારેક એ મામૂલી ઘટના સહજ ઘટીને પણ અવર્ણનીય છાપ અંકિત કરી જાય..!

મને હજી પરણીને સાસરે આવ્યે લગભગ છ મહિના જેવો સમય થયેલો. આ એ વખતની વાત કરું છું જ્યારે ઉંમર ૨૦ વરસની, અઢી માસની પ્રેગ્નેન્સીનો ગાળો 'ને મારુ પ્રથમ સંતાનનું નવી દુનિયામાં આગમન થવાનું હતું ! સંતાન માટે તો હોય દુનિયા નવી, સાથે મારી દુનિયા પણ જાણે એક્દમથી ટૂંકા સમયગાળામાં અને કશું સમજુ ન સમજું, એટલી ઝડપથી સતત બદલીને નવી થવા લાગી હોય એવું લાગતું હતું..! કેમકે હજી તો દીકરી તરીકે વીસ વર્ષ સાવ નાદાનિયતમાં રમતાં રમતાં કાઢ્યાં, ભણવાનું પૂરું જ થયું હતું, શહેરી જીવનમાં જીવવાની આદત હતી, ત્યાં સારા ઘરનું માગું આવ્યું લાગતાં લગ્ન પણ મમ્મીન પપ્પાએ તરતજ કરાવી લીધાં. ઉપરથી પતિદેવે વતનથી ખૂબ દૂર બીજા શહેરમાં કપડાનાં કલર અને કપડાની ગળીની બનાવટની ફેકટરી શરુ કરી. એક નાનું સરસ ઘર પણ ત્યાં તાત્કાલિક લઈ લીધું. આથી સ્વાભાવિક મારે ત્યાં રસોડું અને પતિદેવનું ભાણું સાચવવા તાત્કાલિક જવાનું થયું. 

ઘરથી ફેકટરી પણ દસેક કિલોમીટર દૂર એટલે એ વહેલાં જ સવારે ટિફિન લઈ નીકળી જતાં તો છેક વાળું ટાણે આવતાં. આવી રીતે તો હું કદી એકલી ક્યારેય નહોતી રહી. પાછી સ્વભાવે બિકણ પણ ખરી..! ભણી હતી ભલે પણ અનુભવની પાટી તો કોરી જ હતી ! કહું છું ને, એક્દમથી બધા બદલાવ એવા સામે આવતાં હતાં કે મન પચાવી શકતું નહોતું. શહેર અજાણ્યું, પાડોશ સાવ અજાણ્યો, ઘરની દિવાલ અજાણી, ત્યાં સુધી કે શરીરમાં આવી રહેલાં બદલાવ પણ એવાં જ અજાણ્યાં..! 

નવા ગામમાં બધું થાળે પાડતાં હજી બે ચાર દિવસ જ થયાં હશે ને એક દિવસ ઘરે એકલી જ હતી ત્યારે જ ઉલટી ઉબકા અને માથામાં ચક્કર આવવાં શરું થઈ ગયાં. ત્યારે પાછા ફોન પણ કયાં સરળતાથી ઉપલબ્ધ હતાં ? આવી તબિયતમાં ઘરમેળે શું ઉપચાર કરવાં એ ય આવડે નહિ. કલાકમાં તો હાલત સાવ ખરાબ થઈ ગઈ કે કોકડું વળી જમીન પર જ સૂઈ ગઈ..! મૂળ તો સવારથી કામમાં લાગેલી એમાં કશું પેટમાં નાખવાનું ય સુજ્યું નહિ એટલે જ ખાલી પેટ આવું થયું હતું. ગભરામણ ખૂબ થતી હતી પણ પડોશમાં ય કોઈને ઓળખતી નહોતી એટલે કોની મદદ માંગવા જાઉં..? પડી રહી એમજ બસ લગભગ મનમાં ભગવાનનું સ્મરણ કરતી પંદર વીસ મિનિટ સુધી..! 

એમાં ડોરબેલ વાગી. પ્રશ્ન થઈ ગયો, અહીંયા તો કોઈ જાણીતું નથી અત્યારે કોણ હોઈ શકે ? માંડ કરી ઊભી થઈ, વાળ સરખા કર્યા અને મો પર છવાયેલાં પીડાનાં ભાવ પણ બને એટલા સંકોર્યા. ડોર વ્યુઅર માંથી જોયું તો એક બેન હતાં એટલે બારણું ખોલ્યુ. દરવાજો ખુલતાં જ બેન તો હસતાં હસતાં અંદર જ આવી ગયાં. હાથમાં વાસણમાં કશુંક ઢાકેલું સાથે લઈ આવ્યાં હતાં જેમાંથી ગરમાગરમ સોડમ આવતી હતી. બેન હશે વાતોડિયા જ એટલે હું કશું કહું એ પહેલાં જ એતો એની ધૂનમાં બોલવા લાગ્યાં, "અલી બાઈ..તું આટલા દિ' થી અહીં રહેવા આવી છો પણ બહાર જ નીકળતી નથી તે મને થયું લાવ હું જ મળી જઉં. જો મહિના હોય ને..તો શરીરનું ધ્યાન પણ સરખું રાખવાનું..તિ મને થયું આજ બાજરાનાં રોટલા ને અહીંનું વખણાતું દેશી શાક રાંધ્યું છે તો લાવ ને આ બે જીવીને ય હવાદ ચખાડું..આમેય આ સમયમાં હવાદિલું ખાવાનું મન પણ બહુ થાય ..!" હું મારું દુઃખ થોડીવાર તો ભૂલી ગઈ 'ને મારી તો આંખો પણ વિસ્મયથી પહોળી થઈ ગઈ..! ગજબ કહેવાય..આને ક્યારેય હું મળી નથી તો આને મારી ખબર કેવી રીતે પડી ? પણ બેન પ્રશ્ન પૂછવાનો મોકો દે તો ને ..? એતો બસ એની ધૂનમાં બોલ્યે જ જતાં હતાં.." કાલે જ તું શાકવાળી બાઈ પાસે ઊભી'તી ત્યારે જ તારું શરીર જોઈ હું તો વર્તી જ ગઈ હતી..છે તો બાઈને મહિના જ...તને ખબર છે.. બે જીવીની આંતરડી ઠારવાનું 'ને એમાંય એને ભાવતું ખવડાવાનું પુણ્ય કેવડું છે ? ભલી બાઈ..આલે ..ગરમાગરમ રોટલાને આય નું પેસિયલ શાક છે હો.. હમણાં જ રાંધીને લાવી છું ..હાલ ખાઈ જ લે..મારાથી અજાણ્યું ન રાખીશ હો ..!" 

તમે માનશો..એ દિવસે એ બેનનાં રૂપમાં મને સાક્ષાત ભગવાન મારી વહારે આવેલાં દેખાયાં હતાં. સાચે કકડીને ભૂખ લાગી જ હતી પણ તેવડ નહોતી કે રસોડામાં જાઉં ને હાથે કંઈક બનાવી ને ખાઉં..! અને આ પીડાનો ઉકેલ પેટમાં થોડુંક અન્ન પધરાવવાથી થઈ જાય એવી પણ ક્યાં ખબર હતી..! કોણે મારી પીડાનો સાદ સાંભળી લીધો હશે..કોણે મારી વ્યથાને સ્પર્શી લીધી હશે..કે આ મદદ આમ મોકલી ? આ સુખની અનુભૂતિ વાસ્તવમાં 'અવર્ણનીય' જ છે જેને શબ્દોમાં વર્ણવી શકવું શક્ય નથી જણાતું. કદાચ વધારે સમય જો હું એમજ કાઢી નાખત તો પેટમાં ઉછરી રહેલા બાળકને પણ અસર થાત જ. એ દિવસે સાચે જ પેટમાં ઉપડેલો દાહ એ પ્રેમથી લાવેલાં ગરમાગરમ રોટલાએ એવો ઠાર્યો છે કે મને આજની તારીખે પણ એ એટલું જ તાજું યાદ છે ! પેટમાં અન્ન ગયું ને જે મોળ ઉપડી હતી તે સાવ શાંત થઈ ગઈ. અને આજની તારીખે હજી પણ એ અવર્ણનિય તૃપ્તિને યાદ કરી હું એ બેનને અનેક દુઆ આપું છું..મનોમન પગે લાગી લઉં છું ! 

હજી બીજું આશ્ચર્ય એ ઘટી ગયું કે બીજે દિવસે એ બેનને એમનાં વાસણ પાછા આપવા ગઈ તો એમનાં ઘરે તાળું હતું. બાજુમાં રહેતાં બીજા બહેન કહે કે એમની તો ટ્રાન્સફર બીજે થઈ ગઈ અને કાલે સાંજે જ એ લોકો નીકળી ગયાં..! હું હતપ્રભ બની એમનાં વાસણોને જોતી રહી ગઈ. આ ઘટના તો મારી સમજની બહારની જ છે કે કોઈ સાવ અજાણ્યું વ્યક્તિ સમયનાં એક ટુકડા પૂરતું તમારા જીવનમાં પ્રવેશી એનું કાર્ય કરી એકાએક એમનાં નામોનિશાન પણ ભૂંસી એવું જતું રહે કે એનાં કોઈ સગડ જ ન મળે..! ખેર..એક જ વાર એમનો ચહેરો જોયો હતો..બેન તો પોતાનું કામ કરીને ચાલ્યા ગયાં પરંતુ મારા હૃદયમાં જીવનભર માટે એમની છાપ છોડતાં ગયાં..! 

 આજે પણ એમનું એ વાસણ મેં મારી પાસે સાચવી રાખ્યું છે. પુણ્યની તો મને ખબર નથી પણ બે જીવી માટે મારે ગમે ત્યારે રોટલા રાંધવાનો સંજોગ આવે તો તત્ક્ષણ કોઈપણ બહાના વિના બનાવી જ નાખું છું..અને પ્રેમથી જમાડું છું ! આટલું સત્કર્મ કરતાં એ બેનનાં ગરમાગરમ રોટલા મને શીખવી ગયાં !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational