Deepa rajpara

Abstract

4.7  

Deepa rajpara

Abstract

અસ્તાંચલની આભા

અસ્તાંચલની આભા

6 mins
319


સુહાની હાથમાં ચા નો કપ લઈ ગેલેરીમાં ઊભી દૂર પશ્ચિમમાં આથમી રહેલા સૂરજની પથરાયેલી લાલિમાનું સૌંદર્ય પાન કરતી આકાશી રંગોળીની અનુપમ ભાત નીરખી મનોમન સંવાદ રચી રહી, "પશ્ચિમ દિશા વિશે ક્યારેય ક્યાંય સારું નથી બોલાયું કે નથી તો મારા વાંચવામાં આવ્યું. ડૂબતા સૂરજની વ્યાખ્યા હમેંશા અસ્ત થતાં જીવન સાથે શા માટે જોડી દેવામાં આવે છે ? કેટલું બધું ડિપ્રેસિવ લાગે છે આવું વિચારવું ! આ પાછું જાણે એક પ્રકારનાં માસ હિસ્ટીરિયા જેવું છે કે આથમતા સૂરજ વિશે કોઈને પણ બે લાઈન બોલવાનું કહો તો બધાં એક જ પ્રકારનું નિરાશાવાદી વર્ણન જ કરશે. શું બધાને આવું એક સરખું જ, પ્રોટો ટાઈપ અનુભવાતું હશે ? વ્યક્તિએ વ્યક્તિએ એટલીસ્ટ લાગણી, વિચાર, અનુભૂતિ અલગ તો હોવી જ જોઈએ ને ? હું તો રોજ રોજ પશ્ચિમમાં ઢળતાં સૂરજને જોઉં છું. દૂર ક્ષિતિજમાં ગરક થતાં પહેલાં રોજ નવાં રંગોથી આસમાનમાં નવું જ ચિત્ર દોરતો જાય છે. રોજ નવી વાર્તા લખતો જાય છે."

સુહાની પોતાનાં વિચારમાંથી બહાર આવી અસ્ત પામતાં સૂર્યને બીજા લોકો જે રીતે વિચારે છે એવા દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયોગ કરવાં લાગી. એ સૂરજમાં, આકાશમાં ફેલાયેલા રંગોમાં, અહીં તહી વિખરાયેલા અને પવનનાં ધક્કાથી પરાણે ધીમે ધીમે આગળ વધતા જતા વાદળનાં ગોટાઓમાં નજર ટેકવી ટેકવી અજાણપણે શોધવા લાગી કે કદાચ ક્યાંક સૂરજ થોડો ઝંખવાયેલો, અસ્થિર, નિરાશ એવો અસ્ત વ્યસ્ત દેખાઈ જાય, ક્યાંક સૂરજનાં ચહેરા પર જવાબદારીનો ભાર કદાચ તો પકડાઈ જાય..! પણ સુહાનીની આ જદ્દોજહેત નિષ્ફળ નીવડી ! 

સુહાનીએ ચા નો મગ રોકીંગચેરની બાજુમાં પડેલી ટીપોઈ પર મૂક્યો. ત્યાં સુધીમાં સૂરજની પરિધી લગભગ ક્ષિતિજને ચુમવા જ લાગી હતી. સુહાની મલકી. એણે બીજાનાં દ્રષ્ટિકોણથી વિચારવાને લીધે જે પણ અસમંજસ અને અકળામણ હાથે કરી મનોમન વહોરી લીધી હતી એ ઝટપટ ખંખેરી નાખી. એ તો ક્ષિતિજ સાથે પ્રણય ફાગ ખેલતાં લાલ ગોળાને એકીટશે જોવા લાગી..! "હાય.. મને તો કેવો વ્હાલુડો લાગે છે સૂરજ.. મન થાય છે કે મારી સાડીનાં પાલવની કોર થોડીવાર ક્ષિતિજની રેખા બની જાય અને હું આ રતુમડાં પ્લમ જેવાં ગોળાને એની પર આમથી તેમ રળકાવી સરકાવું, થોડીવાર એની સાથે મસ્તી કરી લઉં, એનાં લાલ ટમેટા જેવા ગાલ ચીંટીયો ભરી ખેંચી લઉં પછી મારા પાલવનાં એક ખૂણે ગાંઠ મારી એને પુરી દઉં ..!" સુહાની ગેલેરીમાં એકલી હતી તો પણ આ મધુરી કલ્પના કરતી હસી પડી. 

દૂર ક્ષિતિજમાં જ્યાં આભ અને લીલી ચુનર ઓઢેલી ધરા એકાકાર થતા હતાં ત્યાં એવો આભાસ ઊભો થતો હતો જાણે આખો આસમાની સમુદ્ર ઉલટો થઈને ઓળઘોળ થતો લટકી ગયો હતો ધરા પર ! સુહાનીને શું ગમ્મત સુઝી કે એ ગેલેરીમાં સ્ટીલનો કઠોડો પકડી પોતાનું આખું શરીર વાંકુ નમાવી ઊલટું દ્રશ્ય જોવાની કોશિશ કરવાં લાગી. એનાં છુટ્ટા વાળ આમતેમ વિખરાયા અને પવનની આછી લહેરખી સાથે ફરફરવા લાગ્યા, એની ઈન્ડિગો કલરની અને એમાં વ્હાઈટ બ્લોક પ્રિંટીંગ કરી છાપેલી અનોખી જ ભાત વાળી પહેરેલી કોટન સાડીનો ખભાપર મુક્ત ગોઠવેલો પલ્લું પણ થોડો સરકી ગયો, બ્લાઉઝનાં બેક સાઈડમાં ટાકેલી બે દોરીમાં ઝૂલતાં નાના લટકણ પણ દોરી સંગાથે એકદમ ઘડિયાળના લોલકની જેમ ઝૂલવા લાગ્યાં અને એમાં વળ ચડીને આટીઓ ઉલટ સુલટ થતી ફૂદરડી રમવા લાગી, હાથમાં પહેરેલી કાચની સળી જેવી પાતળી બંગડીઓનો ચુડલો સરકીને આડો અવળો થયો, કાનમાં ઓકસોડાઈઝનાં લટકણ લટકતાં હતા એ કાનની બુટ વાળીને ઉલટા લચવા મંડ્યા.! તો પણ આવું અજીબ પાગલપન કરવાની સુહાનીને મજા આવી રહી હતી.! સુહાનીએ અનુભવ્યું કે સૂર્ય વાસ્તવમાં અસ્ત થઈ ધરામાં સમાતો વિલુપ્ત થઈ રહ્યો હતો છતાં આ ઉલટા દ્રશ્યમાં એવું લાગી રહ્યું હતું કે દરિયાની વિશાળકાય જલરાશિમાં તાજું જ સ્નાન કરી પાણીમાંથી પલળતો અને તન પર પાણીનાં રેગાળા ઉતારતો એકાએક બહાર પ્રગટ થયો હતો. જલમાંથી ઉદિત થયેલા આ સૂરજમાં તો તરુણાવસ્થાનો તરવરાટ રક્તિમ આભા બની સર્વત્ર વિખરાતો હતો. શું આ એવી જ લાલિમા નહોતી જે પૂર્વાંચલે નિત્ય ઉદિત થતાં અરુણોદયની હોય છે ? સુહાની એની યુવાવસ્થામાં બિલકુલ આવી જ હતી..! એનો તરવરાટ, એની તાજગી, એનો થનગનાટ, એનું જીવંતપણું, એની હાજરી એનાં આસપાસનાં વર્તુળમાં આવીજ લાલિમા બિન્દાસ પ્રસરાવી મુકતાં ! ઉગતાં સુર્યમાં તો હોય જ ને સમસ્ત સચરાચરને જીવંતતા બક્ષી દેવાનું જોમ..! આ છેલ્લો વિચાર આવતા સુહાની જાણે કોઈ વાત એનાં મનમાં એક્દમથી જન્મી હોય એમ એ ચમકી અને થોડી સતર્ક પણ થઈ. પોતે ઉલટ પોઝમાં હતી એમાંથી એક ઝાટકો મારતી સીધી થઈ. એને ક્ષિતિજે નજર કરી. સામેનો સૂરજ થોડો ધરતીમાં ઉતરી ગયો હતો તો પણ સુહાનીનાં અંતરપટ પર તો પેલું ઊલટું દ્રશ્ય જ અડ્ડો જમાવેલું રહ્યું. હવે એ દ્રશ્યમાં સૂરજ હવે એક હોડકું બની ગયો હતો અને આસમાની દરિયામાં મોજથી તરતો હતો. સવારનાં સમયે હોય એવી જ લાલિમા હતી એમાં કશું જ ઓછું નહોતું જણાતું. સુહાનીનું ઝાટકો મારી સીધું થવાનું કારણ પણ આ જ હતું. 

ક્ષિતિજે કોઈ સૂર્ય ઊગી નહોતો રહ્યો, આથમી રહ્યો હતો તો પણ સુહાનીને ઊગતોતો હોય એવો જ તાજગીસભર લાગ્યો હતો ! "આનો અર્થ એ જ થયો કે સૂર્યને આથમવાનો કોઈ જ રંજ નહોતો ! અસ્તાંચલે પહોંચીને પણ સૂર્ય પોતાનો પ્રભાવ એવોને એવોજ જાળવી રાખવામાં સક્ષમ રહ્યો હતો ! ઉલટાનું અસ્ત સમયે એનું જાજરમાન લાલિત્ય એકદમ ઠંડક વાળું પ્રીતિકર અનુભવાઈ રહ્યું હતું. એનો ઠસ્સો એકદમ બરકરાર હતો. ઉદિત થવાથી લઈ પ્રખર તેજે એકદમ માથા પર આવવું કે જેને પ્રખ્યાતિનું ચરમ સ્થાન કહેવાય અને ત્યારબાદ સતત બધું છોડતાં જઈ ઢળવાની પ્રક્રિયા અને છેવટે અકળમાં ગોથું લગાવી સ્વયંને વિલુપ્ત કરી દેવાનું સાહસ...અને એટલુંજ નહિ, આવી ઘટમાળ તો પાછી રોજિંદી... અને એ રોજિંદી ઘટમાળ ની પ્રત્યેક વિતતી ક્ષણમાં પોતાના અસ્તિત્વનું અપ્રતિમ સૌંદર્ય તો લખલૂંટ લ્હાણ વિખેરતા જ જવાનું..! ઓહ, સૂર્ય સિવાય કોઈની તાકાત નથી આવું જીવી બતાવવાની ..! અસ્ત થતી વેળાએ બીજાને સતત આપ્યા કર્યાની નિભાવેલી જવાબદારીનો તસુ જેટલો પણ ભાર નહિ અને બસ આમ હળવાશથી સમર્પિત થઈ જવાનું !" આટલું બધું, પ્રકાશ કરતાં પણ તેજ ગતિએ સામટું વિચારી ચુકેલી સુહાનીએ જોયું કે સૂર્ય એકદમ ધરતીમાં ગરક તો થઈ ગયો, પણ આ શું, એજ સૂર્ય એની અંદર ટક કરીને ઉદિત થઈ જાણેકે એની છાતીમાં પેસી ગયો..! 

સુહાની પોતાની જીવેલી પ્રત્યેક ક્ષણોને અવલોકવા લાગી. જીવન માં આવેલાં પ્રત્યેક તબક્કાઓને સુહાનીએ પ્રબળ આત્મવિશ્વાસથી પસાર કર્યા હતાં. એવું નહોતું કે સુહાનીનાં જીવન માં કોઈ તકલીફ નહોતી આવી..! ખૂબ ખૂબ આવી હતી. ઘણું ઘણું ગુમાવ્યું હતું. પણ એણે પોતાની આવડતથી, સમજદારીથી, સૂઝબૂઝથી જવાબદારી નિભાવી હતી એ વાતનો ઈન્કાર તો કોઈ કરી શકે એમ જ નહોતું,..બિલકુલ આ સૂર્યની જેમજ તો..! જીવન મધ્યાહ્નને તો પ્રખર તપતા સૂર્ય જેવો જ ઉર્જા સભર સમયગાળો પણ એવો જ માણ્યો જ હતો. સુહાનીનાં નામનો સિક્કો પડતો જાણે..! વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા તલપાપડ અસંખ્ય લોકો વડે સુહાની સતત ઘેરાયેલી રહેતી. સુહાનીએ પણ આપવામાં જ તો સાર્થકતા માની હતી..આ સૂરજની જેમજ..! એકપણ જવાબદારી નિભાવવામાં પીછેહઠ નહોતી કરી. સુહાનીનાં સંપર્કમાં આશા લઈ આવેલું કોઈપણ કદી નિરાશ થઈ પાછું વળ્યું હોય એવો કોઈ દાખલો સુહાનીને યાદ નહોતો આવતો. અને અન્યને કશુંક આપી દીધાથી પોતાનું કાંઈ લૂંટાઈ ગયું કે ઓછું થઈ ગયું એવો ભાવ પણ એને ક્યારેય પજવી શક્યો નહોતો. આજે પ્રૌઢાવસ્થામાં પ્રવેશી ચુકેલી સુહાનીને એનું વ્યક્તિત્વ આજની તારીખે પણ આ આથમતા સૂર્ય જેવું જ પ્રભાવશાળી દિસી રહ્યું. આટલું આપતા રહીને પણ સુહાનીનું આંતરિક સૌંદર્ય આથમતા સૂર્યની જાજરમાન લાલિમા જેવું જ સભર વિલસતું અનુભવાઈ રહ્યું. સમગ્ર જીવનની ઘટમાળ કેવી પણ વીતી હોય એનાં રંજની કોઈજ લકીર સુહાનીનાં મુખનું તેજ ઓછું કરી શકતી નહોતી..!

રોકીંગચેરમાં પોતાનું પાતળું તન આરામદેહ રીતે ગોઠવી, ઝૂલતી ઝૂલતી સુહાની બન્ને લાકડાનાં હાથા પર હાથમાં પહેરેલી વિટીઓ વાળી આંગળી વડે થપકી દેતી મ્યુઝિકલ ટ્યુન આપતી આંખો બંધ કરી હળવાશથી કશુંક સ્મિત સહ ગણગણવા લાગી ! એને લાગ્યું કે પેલાં ક્ષિતિજમાં ધરતી અને આભ રૂપી બંને કમાડ ઉઘાડી અંદર છૂપાઈ ગયેલાં સૂરજનો હાથ પકડી બીજી તરફથી પોતાની પાસે ખેંચી લઈને એનાં પાલવમાં સંતાડવામાં સફળતા મળી ગઈ હતી ! ક્ષિતિજ પર ભલે કમાડ વસાઈ ગયા હતા પરંતુ પોતાની દ્રષ્ટિની પેલે પારની દુનિયામાં ક્યાંક તો નવો સૂરજ ઊગ્યો જ હતો ને ! સૂરજે પોતાનું સ્વાભાવિકપણું છોડયાં વિના કર્મ કરવું ચાલુ જ રાખ્યું હતું ! સુહાનીએ ત્વરાથી બાજુ પર પડેલો મોબાઈલ ઉઠાવ્યો અને કોઈક નંબર પર કોલ જોડી બોલી, " ડિયર, રાત્રે કેન્ડલ લાઈટ ડિનર પર જઈએ..? યાર, આજે ડાન્સ ફ્લોર પર મસ્ત ઝૂમવાની ઈચ્છા છે. આવીશ ને !" અને ફોન મુકતાં જ સુહાની જીવનની બીજી ઈનીંગ રમવા તૈયાર થઈ ગઈ..અરે હા..પેલા સૂરજની જેમ જ સ્તો..! દૂર અસ્તાંચલે અનેરી જ ગરીમાપૂર્ણ આભા પ્રસરી હતી !


Rate this content
Log in

Similar gujarati story from Abstract