Deepa rajpara

Fantasy Others

4  

Deepa rajpara

Fantasy Others

જાગો મોહન પ્યારે

જાગો મોહન પ્યારે

4 mins
248


"વેરણ રાતડી તો આપણી પરમ શત્રુ જ થઈ બેઠી છે જો ને સારંગી !"

"હા.. સુનંદા, એક એક ઘડી એક એક યુગ સમી વીતી રહી છે.. વિરહનો આ કાળઝાળ અગ્નિ મારા દેહને બાળીને ભસ્મ કરી નાખે એ પહેલાં એની એક ઝાંખી પામી લઉં સખી, આ વેદના જીરવાતી નથી મારાથી !"

"જોને..વ્રજનાં ઠાકુર, નાના બાલ ગોપાલ હવે મોટા થયા છે, એનાં ગોપ સખાઓ સાથે અટખેલી કરતાં રોજ ગો ચારણ માટે વનમાં દૂર નિસરી જાય છે. આપણાં ભાગે તો આખો દિવસ વ્રજ રજમાં ઉપસેલા એમનાં નાના નાના ચરણ ચિન્હ પસવારતા એમનાં પાછા આવવાની રાહ નિહારવાનું જ લખ્યું છે !" મધુમલ્લિકા બોલી.

"વ્રજરાજકુંવરને તો સર્વ સખાઓ સાથે આનંદ કિલ્લોલ કરતા આખો દિવસ ક્યાં વીતી જાય છે તે ખબર જ નથી રહેતી ! અને અહીં.. અહીં તો એની વાટ નિહારવામાં મારી આંખડી એકેય મટકું નથી મારતી સખી..", પ્રિયંવદા ગરમ નિશ્વાસ નાખતાં બોલી.

" સમગ્ર વ્રજ પરિકર તેમજ આકાશનાં દેવતાઓ નિત્ય નંદકિશોરની નટખટ લીલાઓના રસપાન કરતાં આનંદ રસમાં નિમગ્ન બને છે ! આ તો હવે રોજની ઘટમાળ થઈ ગઈ છે પ્રિયંવદા.. ! વનમાં જઈને શ્યામ સુંદર એવી તો મધુરી મોરલી બજાવે છે કે સર્વ પશુ, પક્ષી, તરું, તૃણ એકતાન થઈ જાય છે. દૂર સૂદુરથી આવતો એ મોરલીનો મીઠો નાદ મારા કર્ણપટલ પર પડે પછી તો મારું હૈયું હાથ નથી રહેતું, મારા ચરણ તો વનની દિશામાં દોટ મુકવા આતુર થઈ ઉઠે છે, સાસુ નણંદી, ભરથારની માયાનું બંધન મને નાગપાશ જેવું લાગે છે, ક્યાં પાપનાં ભોગે આ પરમાનંદથી હું જ વંચિત રહી જાઉં છું એ સમજાતું નથી રી !" કનકલતા આમ બોલતાં બોલતાં રડી પડી.

અહીં, જ્યારે સંધ્યાવેળાએ ગોવિંદ યશોદામૈયા પાસે નંદાલય પાછા ફરે, માનાં હાથે ભોજન કરી શ્રમિત પ્રભુ નિંદ્રાધીન થાય, રાત્રિના એ સમગ્ર સમય દરમિયાન સકલ વ્રજનાં નર-નારીઓ, સમગ્ર વૃક્ષ-વનસ્પતિઓ, કુંજગલીઓ, ગાવલડીઓ, અન્ય પશુ-પક્ષીઓ, સૌને ઠાકોરજીનો એટલો બધો વિરહ થઈ જાય છે, કે નિશા ઘેરી બની હોવા છતાં નિંદ્રાદેવીની કારી કોઇ ઉપર ફાવતી નથી ! જડ-ચેતન સર્વ કોઈ મનમોહનનું મુખારવિંદ જોવાને તલસી ઊઠે છે ! ક્યારે પ્રભાત થાય અને બાલગોપાલનાં અમને દર્શન થાય ! એ વિરહમાં જ રાત્રિ પસાર કરે છે ! અને ત્યારે વિરહિણી ગોપીઓ નિત પરસ્પર પોતાની વિરહવ્યથા ઠાલવતી ઉપરોક્ત સંવાદ રચે છે.

અહીં નિંદ્રાદેવીને મનમોહનની આંખોમાં વસવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે છોડવાનું જરાય મન નથી અને ત્યાં ઉગમણે અરુણોદય થાય છે ત્યારે તો એવું લાગે છે જાણે સૂર્યનારાયણ પણ ઠાકોરજીનાં દર્શન પામવાને અતિ આતુર બની ક્ષિતિજમાં લાલિમા પાથરતા ઉતાવળે ઉદિત થયા ! વહેલી સવારનો શીતળ આહલાદ્દક સમય ! પૂર્વમાં ઉદિત થઈ રહેલાં ભગવાન ભાસ્કર જાણે થીજી ગયેલી પ્રકૃતિને પોતાની રશ્મિની કોમળ હૂંફ વડે પસવારતાં, પ્રસન્નતાનાં આશીર્વાદ પાઠવતાં, કણ-કણમાં અનેરી જીવન ઊર્જાનો સંચાર કરી રહ્યાં છે ! સુસ્ત પ્રકૃતિ પણ આળસ મરડીને બેઠી થઈ રહી છે ! ચોતરફ વ્યાપી રહેલી સૂર્ય કિરણોની લાલિમા એકદમ શાંત પરિશુદ્ધ વાતાવરણમાં ધીમો ધીમો સળવળાટ પ્રસરાવી સૃષ્ટિ ચક્રને ગતિમાન કરી રહી છે ! મીઠો ચંદનથી સુવાસિત અને ઝાંકળબિંદુઓથી ભીની થયેલી વ્રજરજની ખુશ્બુથી પલ્લવિત એવો મલયાનિલ પોતાની મધુર સુરાવલીઓ છેડવાં લાગી જાય છે ! વૃક્ષોના પર્ણોનો ખડખડાટ, પક્ષીઓનાં ચહેચહાટ, ગાવલડીઓનાં ડોકે બાંધેલી ઘૂઘરીઓનો રણકાર, પનિહારીનાં બેડલાનો ટંકાર, મહિ મથતી ગોપીઓનાં હાથમાં પહેરેલાં ચુડલાનો ઝણકાર, ખડખડ વહેતી યમુનાનાં જલતરંગ, સર્વ કોઇ જાણે કોમલ રાગ રાગિણીઓ અને સંગીતનાં સાજ છેડી નંદકુંવરને જગાવવા કોશિશ કરવાં લાગી જાય છે ! પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ, માનવ સમૂહ સૌ પોતપોતાની નિત્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવા એકદમ ઝડપથી તૈયારીમાં લાગી ગયા છે !

સૌની પ્રત્યેક ગતિવિધિમાં એક જ આતુરતા સ્ફુટ થઈ રહી છે, વ્રજનાં એક માત્ર સૌન્દર્યનિધિ, સૌંદર્ય શિરોમણી, સૌંદર્ય સુખધામ એવા સૌંદર્યમૂર્તિ શ્રીમન્ન ઘનશ્યામ સુંદરનાં સુકોમળ મુખારવિંદની ઝાંખી કરી લેવી ! ગોપીઓની ચાલમાં અજબ સ્ફૂર્તિ વર્તાઈ રહી છે ! ચરણ ઉતાવળા થઈ નંદાલયની દિશામાં દોડી જવા એવાં ઉતાવળા થયાં છે કે ગોપી સખીઓથી મોટી મોટી ડાંફ ભરાઈ જાય છે !

વ્રજનાં ગોપ-ગોપીઓ માખણ મિસરીની હાંડીઓ ભરી ગોપાલકૃષ્ણને કલેવા કરાવવાં નંદભુવનનાં આંગણે પધારી ચુક્યાં છે ! હૃદયમાં મનમોહનનાં દર્શનની અભિલાષા લઈ અત્ર-તત્ર-સર્વત્ર સૌ કોઈ પ્રભાત પહોરે ગાઈ ઊઠે છે જાગો મોહન પ્યારે... !

માથે વાંકડિયા વાળ પર મોરપીંછથી સજાવેલો મુકુટ, કટી પર કંદોરો, કાનમાં નાના-નાના કુંડલ, ગળામાં વનમાં ઉગતા વૈજયંતી પુષ્પોની માલા, કાંધે કાળી કામળી અને હસ્તમાં લકુટી, પીળુ પિતાંબર અને કમરમાં ખોંસેલી બાંસુરી, નાનકડાં ચરણારવિંદમાં ઘૂઘરીઓ વાળા નૂપુર ! મનડું મોહી લેતાં અને ચિતડું ચોરી લેતાં મદનમોહન બાલકૃષ્ણપ્રભુનો જમણો શ્રીહસ્ત પોતાનાં હસ્તમાં પકડી નંદબાબા અને ડાબો શ્રી હસ્ત પકડી યશોદા મૈયા જ્યારે પ્રભુને નંદાલયનાં પ્રાંગણમાં પધરાવે છે ત્યારે તો કોટી સૂર્યનાં તેજ ઝાંખા પડી જાય છે, કામદેવનું સમગ્ર ઐશ્વર્ય ઓગળી જાય છે ! વિરહિણી ગોપીકાઓની આંખ તો આ પરમ દર્શન પામી ધન્ય થતાં ધરાતી નથી !

શું એવું નથી લાગતું કે અબુધ ગોપીકા રોજિંદી ઘટમાળને સફળતાથી ભેદી શ્રીકૃષ્ણનાં પરમ પ્રેમ લાલિત્યમાં રંગાઈ અંગ અંગમાં લાલિમાને વરી, મુરલી મનોહરનાં અનુપમ સૌંદર્યનું રસપાન કરતી જીવનની પરમ સાર્થકતાનો નિત્ય આત્મબોધ સૌને કરાવી રહી છે !

ધન્ય દીપાવલી ઉર નિત શ્રીકૃષ્ણ નામ સ્પંદન કરે.. !

વારી જાઉં વ્હાલાં, દરશ કૃપા કરી જાગો મોહન પ્યારે.. !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy