deepa rajpara

Drama

4  

deepa rajpara

Drama

કોની કરામત ?

કોની કરામત ?

3 mins
431


આજે સ્વરાને ખબર નહિ કેમ ઊબકા પર ઊબકા આવતાં હતાં, વારંવાર એ બાથરૂમ તરફ દોડી જતી હતી..! એને શું થઈ રહ્યું છે એ સમજાતું નહોતું એટલે સ્વરા ખુદ સખત અવઢવમાં પડી ગઈ હતી.. સ્વરા એક અલ્હડ, નટખટ, સદા ગુંજતી-ચહેકતી રહે એવી નાદાન છોકરી ! મમ્મી-પપ્પાની એકની એક વ્હાલી દીકરી..! ઘરમાં ઈન મિન ને તિન હોવા છતાં સ્વરાની હાજરી વારવરણને જાણે જીવંતતાથી ભરી દેતી..! અસલ પેલા સામેનાં લીમડાનાં ઝાડ પર રહેતી પેલી કોયલની જેમજ..! 

સ્વરાનું ઘર એનાં દાદાનાં વખતનું જૂની બાંધણીનાં ઘાટનું પણ સંપન્ન એવું હતું. સ્વરાનાં બેડરુમની બાલ્કની ઘરનાં પાછળનાં ભાગમાં, જ્યાં પેલો ચાર પેઢી જૂનો એવો લીમડો ઉગેલો હતો, એની બિલકુલ સામે જ પડતી. આમતો, પાછળનાં ભાગમાં વાડામાં ઘણાં ઘણાં ફૂલછોડ અને બીજા નાનાં-મોટાં ઝાડવાઓથી નાનકડા બગીચા જેવું જ વાતાવરણ હતું. ક્લબલતા પક્ષીઓ, રંગબીરંગી પતંગિયા અને ફૂલોથી મઘમઘતું રહેતું. 

સ્વરા બાલ્કનીમાં લગાવેલાં હિંચકે ઝૂલતી બગીચાને પોતાની કોલેજનાં કેમ્પસ સાથે સરખાવતી વિચારતી કે ત્યાં પણ અસલ આ બગીચા જેવો જ માહોલ છે. યુનિફોર્મમાંથી માંડ આઝાદી મળી હોય એમ કોલેજનાં છોકરા-છોકરીઓ મસ્ત પરફ્યુમ છાંટી કલરફૂલ કપડામાં કોલેજમાં આવી વાતાવરણને કેવું ગુંજાવી દયે છે. પપ્પાએ અપાવેલા નવાં બાઈક અને સ્કૂટીમાં ફરતાં છોકરા છોકરીઓ એને પેલાં આમ તેમ ઊડાઊડ કરતાં પતંગિયા જેવાં જ લાગતાં. સ્વરા પણ કોલેજમાં સખીઓ અને મિત્રો સાથે પેલી કોયલની જેમ જ ચહેકતી રહેતી. સ્વરાને નાનપણથી જ પોતાની મસ્તીમાં રહેવું અને ગીતો ગણગણતાં રહેવું ખૂબ પ્રિય હતું. 

સ્કૂલ લાઈફ છોડીને આ વર્ષે જ સ્વરાએ કોલેજમાં એડમિશન લીધું હતું પણ સ્વરાનાં દેખાવ સાથે અવાજનો ચાર્મ જ એવો હતો કે થોડા જ વખતમાં સ્વરા પોતાની અદાઓથી, પોતાનાં અવાજથી બધા વચ્ચે જાણીતી થઈ ગઈ હતી. અનેક છોકરાઓ એની સાથે દોસ્તી કરવાંની ફીરાકમાં જ રહેતાં પણ એમ કંઈ સ્વરા કોઈને ભાવ ન આપતી..! ઉલટાનું સ્વરા એ બિચારા છોકરાઓ પર ખબર નહિ શી 'કરામત' કરીને પણ પોતાનું કામ કઢાવી જ લેતી. આજે કોઈ લેક્ચર અટેન્ડ નથી કર્યું તો એની નોટ્સ કોઈ છોકરા પાસે તૈયાર કરાવી લેવી, કોઈ રેસ્ટોરન્ટમાં જઈ પૈસાદાર નબીરાનાં ખિસ્સા હળવા કરાવી દેવા આ બધા કામ સ્વરા મીઠડા અવાજે ચુટકીમાં પતાવી શક્તી..અસલ પેલી ઝાડ પર રહેતી કોયલની જેમ જ તો..!

કોયલ આમ તો આખો દિવસ સ્વરાની જેમજ પોતાની મસ્તીમાં કૂંક-ફૂંક કરતી ચહેકતી એક ડાળથી બીજી ડાળ પર ઊડાઊડ કર્યા કરતી. સ્વરા જ્યારે ખાલી સમયમાં બાલ્કનીમાં બેઠી હોય ત્યારે એને જ નિરાખ્યાં કરવામાં અજબ મજા આવતી. ક્યાં સમય નીકળી જતો ખબર જ ન રહેતી. એ ઝાડ પર થોડા સમયથી એક કાગડો-કાગડી પણ આવ્યાં હતાં. બિચારા કાગડો અને કાગડી કાં-કાં કરવાની થોડી કે ય કોશિશ કરવા જતાં ત્યાં કોયલ પોતાનાં ચહેકાટથી મોટા અવાજે વાતાવરણ ગજવી દેતી. કાગડાનો વારો આવવા જ ન દયે..! કાગડો કાગડી કોયલની નજીકની ડાળી પર બેસવાની કોશિશ કરે તો કોયલને ચાંચ મારી ભગાડી દેતાં ય આવડે. આ બધું સ્વરા જોતી અને ખૂબ હસી પડતી..બિચારા કાગડા કાગડીની કારી ફાવતી નહિ..! કોયલ પણ એવી ચબરાક હતી કે જરૂર પડ્યે પોતાનાં ઈંડા કાગડા પર 'કરામત' કરી એનાં માળામાં મૂકી આવતી. ઈંડામાંથી બચ્ચા નીકળે ત્યારે કાગડો કાગડી એવાં ભોઠા પડતાં..! 

સ્વરાએ જોયું કે હમણાં-હમણાં જ્યારે પણ બાલ્કનીમાં આવતી ત્યારે પેલાં લીમડાનાં ઝાડ પર રહેતી કોયલની ગતિવિધિ થોડી બદલાયેલી હતી. અને આજે તો કાંઈક અજબ કૌતુક સ્વરાએ જોયું..! આજે પેલો કાગડો કરામત કરી કોયલનાં માળામાં પોતાનાં ઈંડા મૂકી આવ્યો હતો..એક ફૂટેલા ઈંડામાંથી નીકળેલું કાગડાનું બચ્ચું એનું પોતાનું જ છે કે..એ કોયલ સમજી નહોતી શકતી..! અત્યારે કોયલ મુંઝાયેલી હાલતમાં પોતાનાં માળા પાસે આમતેમ ઊડાઊડ કરી રહી હતી..! સ્વરાનો હાથ એકદમથી એનાં પેટ પર ગયો.. એ થથરી ગઈ...એની સાથે પણ કોઈ કરામત કરી ગયું હતું..! અને બીજમાંથી કૂંપળ ફોડી કુદરતે પણ પોતાની કરામત બરાબર દેખાડી દીધી હતી..! કોલેજમાં સાથે જ ભણતાં પેલાં મોહિત અને સુરભિએ એકબીજાને ચેલેન્જ કરી હતી ફૂટડી સ્વરાને બરાબર પાઠ ભણાવવાની..અને એમાં મોહિતની કરામત ફાવી ગઈ હતી..!


Rate this content
Log in

Similar gujarati story from Drama