સ્વર્ગપરી ને ધરતીનો વીર
સ્વર્ગપરી ને ધરતીનો વીર
સ્વર્ગની સુંદર પરી ઉતરી એક દિવસ ધરતી નિહાળવા ને ધરતી પર સૂકા રણમાં એક વીર પુરુષ સાથે વાતો વાતોમાં જ દિલ દઈ બેઠી. પ્રણય રંગ જામ્યો ને તે પ્રેમની સુવાસ દેવતાઓ સુધી પહોચી.
સુંદર અપ્સરાને ખોવાની બિકમાં દેવતાએ નારાજ થઈ તે પરી સામે જ પેલા વીર પ્રેમી યુવાનને લલકાર્યો હતો. આ ધરતીનો વીર પણ સામી છાતીએ લડયો. ભયંકર લડાઈ થઈ.
"તું જાયો સિંહણ તણો, કેવાણો સિંહણકંથ;
ભડ ભારથે ભીડતા, પગ પાછો ન ભરે પંથ."
પણ અનેક દેવતા આગળ માનવીની તાકાત ઓછી પડતા તે ઘાયલ ખુબ થયો અને પરીને રાહ તેની જોવાનું કહીને વીરગતી પામ્યો.
પણ એ પ્રેમની ઝંખનામાં ફરી જન્મ લઈ આવતાં ફરી એ રાહ જોતી. ફરી એજ યુવાન બનતાં તેને બીજા જનમે પરી ચાહવા લાગે છે.
દેવતાઓ જાણી ક્રોધે ભરાઈ પરીને કહે છે. "આ ધરતીના મરણને પાત્ર એવા તુચ્છ માનવમાં તું એવુ તે શું જોઈ ગઈ છે કે દેવલોક છોડી બીજા જનમે પણ આ માનવને ચાહે છે ?"
પરી નમ્રતાથી કહે છે "હે દેવ..! આપના સ્વર્ગ અને ધરતીમાં ઘણો ફેર છે. સાંભળો..! સ્વર્ગના દેવ અહંકારમાં મારો સુંદર દેહ જોઈ ભોગ માટે જરૂર પુરતા જ મને ચાહે છે.
અને આ માનવ તો મારા હોઠો પર સદાય હાસ્ય છલકતું રહે તે માટે સદા પ્રયત્નશીલ રહે છે. મારા માટે તે દેવતા સામે લડી વીરગતી પામેલ પણ તેના અમર પ્રેમના કારણે ભગવાને ફરી મારા માટે તેને જનમ આપ્યો."
પરી વંદન કરી કહે.."હે દેવતાઓ તમે જે ભગવાનને જોવા હજારો વરસો સુધી તપ કરો છો. તે ભગવાન આ ધરતીના માનવના પ્રેમને વશ થઈ તરત પ્રગટ થાય છે. જો ભગવાન પણ તેના પ્રેમને વશ થતાં હોય તો હું તો સામાન્ય પરી છું.
મને આ માણસનો થોડા વરસોનો સથવારો પણ સ્વર્ગથી અનેકગણો આનંદ આપશે. એટલે મને શ્રાપ આપશો કે જેલ. મંજૂર છે મને. પણ આ સ્વર્ગથી ચડિયાતી ધરતી અને મુઠ્ઠી ઉચેરા આ માનવી એવા રણવીરને છોડી હું સ્વર્ગમાં આવવા માંગતી નહી. આ મારો દ્રઢ નિશ્ચય છે."
એક દેવતા ગુસ્સામાં તેના પ્રેમીને મારવા ભાલો ફેકે છે. પણ પરી આડે આવે છે. અને પરમાત્માને તેના પ્રેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે. અને આશ્ચર્ય.. થયુ.
ભાલો પેલા દેવતા તરફ ગતિ કરે છે દેવતા ભાગે છે ને આકાશવાણી થાય છે. "હે દેવો સત્તાના મોહમાં અંધ ન બનો. પૃથ્વી મારુ સર્જન છે. અને પૃથ્વીના માનવોમાં છલકતો અપાર પ્રેમભાવ મને પણ વારંવાર ખેચી લાવે છે. તે સહુ જાણે છે."
પછી આદેશ થયો. "દેવતાઓ જાઓ તમારા સ્વર્ગમાં અને તમારા સ્વર્ગ કરતાંય ચડિયાતી આ પ્રેમ છલકતી ધરતી પર પરીને રહેવા દો..!"
દેવતાઓ આદેશ સ્વિકારી વીલા મોએ ચાલ્યા ગયા. ને પરી તો બસ એ છલકતાં રણવીરના હૈયા સાથે ચોટી ગઈ..
ધરતીના છલકતાં પ્રેમનો વિજય થયો.

