સ્વાર્થ અને અકસ્માત
સ્વાર્થ અને અકસ્માત
હિમાલયની કેડીઓની આ વાત છે. એક સવારના સુમારે હિમાલયના ઢોળાવ પર એક બસ સવાર થઈ રહી હતી. તેમાં લગભગ ૬૦-૬૫ જેટલા મુસાફરો સવાર હતા. તેમાં એક પહાડી દંપતી પણ જઈ રહ્યું હતું.
તેમનું ગામ આવવાને લગભગ ૩ કિલોમીટરની વાર હતી. પરંતુ તેમનું ખેતર તથા ઘર બંને ગામનું સ્ટેશન આવવા પહેલાં જ આવી જતું હતું. તેથી દંપતીમાંથી પુરુષે કન્ડક્ટરને વિનંતી કરી કે જો તમે અમને અહીં જ ઉતારો તો અમારે ૩ કિલોમીટર ચાલીને પાછું ન આવવું પડે ! કંડક્ટરે ઘંટડી વગાડી, ને બસ ઊભી રહી. દંપતી ઉતર્યું. તથા તેમનો સામાન બસ ઉપરના કેરિયરમાંથી ઉતારવામાં લગભગ ૫ મિનિટનો સમય લાગ્યો. વળી કંડક્ટરે ઘંટડી વગાડી ને બસ પાછી આગળ ઊપડી.
દંપતી હજુ તો સામાન લઈને તેમના ઘરની કેડી તરફ ઉતર્યું જ હતું કે તેમણે જોયું કે એક મોટો પથ્થર ઢોળાવ પરથી સરકતો આવ્યો અને તે બસ ને સાથે લઈને ખીણમાં પડી ગયો ! ખૂબ ચીસો બૂમો સાથે એક સન્નાટો છવાઈ ગયો. પતિ પત્ની પણ ચીસ પાડી ઉઠ્યા. એમ લાગ્યું કે ભાગ્યે જ કોઈ બચ્યું હશે.
પત્નીના મુખ પર રાજીપો હતો પોતાના તથા પતિના બચી જવા ઉપર...પણ પતિ ખુબ દુઃખી હતો ! પત્નીએ કહ્યું કે તમારે તો ખુશ થવું જોઈએ કે આપણે બચી ગયા !
પતિએ જવાબ આપ્યો, કે આપણે તો બચી ગયા. પણ આપણા નીજી સ્વાર્થ માટે જો બસ ઊભી ના રખાવી હોત તો પાંચ મિનિટમાં તો આગળ નીકળી ગઈ હોત ને ચોક્કસ અકસ્માતમાંથી બચી ગઈ હોત ! આપણા અંગત સ્વાર્થ ખાતર ૬૫ લોકોના જીવ ના ગયા હોત.
