સૂરજમુખી
સૂરજમુખી
હાથમાં મહેંદી રચાવી, સોળ શણગાર સજેલી જુહીએ કેટલાય કોડ સાથે સાસરામાં પગ મૂક્યો. થોડા જ દિવસોમાં જુહી ઘરમાં બરાબર સેટ થઈ ગઈ. ઘરમાં સાસુ અને સસરા. સસરાજી સ્વભાવે ચિંતન મનનવાળા. મિત્રવર્તુળ પણ બહોળું હોવાથી ઘર બહાર રહેવાનું જ વધારે બને. એથી સાવ ઊલટું સાસુજીનો પગ ઘર બહાર નીકળે જ નહીં. સ્વભાવે ભક્તિભાવવાળા ખરા, પણ બધું ઘરમાં રહીને જ ! નવી નવી પરણીને આવેલી જુહીને આમ તો કંઈ ખાસ અજુગતું નહોતું લાગતું. સંસ્કારી અને કામગરી તેના આ બે ગુણોની મીઠાશ સાસુજીના મનમાં પહેલેથી જ વસી ગયેલી. વળી, કંઈ આમતેમ હોય તો જીતેન પ્રેમથી બધું વાળી લેતો. જીતેનનો મોજીલો અને નખરાળો સ્વભાવ ઘરનું વાતાવરણ હલકું ફુલકું રાખવામાં મદદરૂપ થઈ પડતો. જીતેન તેની મમ્મીનો સ્વભાવ સારી રીતે જાણતો એટલે જુહીને એક બે સૂચનો આપી રાખેલા. પરંતુ જુહીએ તેને અવગણી કાઢેલા.
ધીમે ધીમે જુહી ઘરમાં થાળે પડી ગઈ. જીતેન ઘણીવાર જુહીને કહ્યા કરતો, 'જોજે, મારી બા, ફૂંક મારીને કરડશે. બેટા, બેટા કરી તારી પાસે બધુ કામ કરાવી લેશે. બધામાં હા એ હા કરતી રહીશ તો પસ્તાશે.'
જુહી આ બધું ખાસ ધ્યાન પર ન લેતી. તે જીતેનની વાતને મજાક સમજી ઉડાવી દેતી. થોડા સમય પછી જુહીને જીતેનની વાતો સાચી લાગવા માંડી. બા, કોઈને કોઈ કારણસર જુહીને કામમાં જોતરી જ દેતાં. નવરાશ કાઢીને જુહી બેસે એટલે બા આવી જ ગયા હોય.
'જુહી બેટા, ચાલો ને, આજે મંદિરિયું સાફ કરી નાખીએ', 'જુહી બેટા, તમે થોડો સમય કાઢો તો આપણે આજે ભંડકીયામાંથી જૂનો સમાન કાઢી નાખીએ' 'જુહી બેટા, ચાલોને આજે જરા સમજુમાની બહુ યાદ આવે છે, તમે સાથે આવો તો મળી આવીએ'....વગેરે વગેરે.
આટલું ઓછું હોય તે, સાસુમા જુહીની આગળ પાછળ જ ભમ્યાં કરતાં. શરૂ શરૂમાં જુહીને એમ કે, બા પ્રેમથી બધું શીખવે છે. પણ, સમય રહેતાં હવે જુહી પોતાને નજરકેદમાં હોય તેવું અનુભવવા લાગી. ઘરના કોઈપણ ખૂણે, જ્યાં જુહી ત્યાં બા કોઈને કોઈ બહાને પહોંચી જ જાય. હવે જુહીની અકળામણ વધી. તેણે જીતેન આગળ ફરિયાદ કરી. જીતેને હસીને કહેવા લાગ્યો,
"મેં તને ચેતવી હતી ને ! પણ, તું ના માની. હવે ભોગવ."
"તું મજાક ન કર. મારે બાને ખરાબ લાગે એવું કંઈ નથી કરવું, પણ આમ આખો વખત... અરે ! એટલું તો તું પણ મારી આગળ પાછળ નથી ફરતો જેટલું બા ફરે છે." જુહીએ નીચું જોઈ શરમાઈને મરક મરક થતાં કહ્યું.
"હા, તો. મારી બાને તું બૌ ગમે, ને તને બા. એટલે બા તારો પીછો ન છોડે. આખો વખત તું ને બા સાથે સાથે જ હોવ છો. મારા કરતાં વધુ સમય તો તું બા સાથે હોય છે. હું તો ભૈ, વેઈટિંગમાં હોઉં. આવતીકાલે વેલેન્ટાઈન ડે છે, બોલ તારું ને બાનું ડિનર ટેબલ બુક કરવી દઉં ? વેલેન્ટાઈન વિથ સાસુમા !"
જીતેન ફરી ખડખડાટ હસી પડ્યો.
હવે જુહી ચિડાય ગઈ.
"જા, હવે હું તારી જોડે નૈ બોલું. તને બધામાં જ મજાક સૂઝે છે ને !"
જુહી હવે સાચે રિસાઈ હતી.
એવામાં જીતેને પાછળથી આવી તેની મૃદુલ પાતળી કમરમાંથી હાથ નાંખી જુહીને પોતાની બાહોમાં જકડી લીધી. જુહીએ તેનાથી રિસાઈને છૂટવાના ખોટે ખોટા પ્રયત્નો કર્યા. જીતેન હજી મજાકના મૂડમાં જ હતો. તેણે ફરી ગાવાનું ચાલુ કર્યું.
"બા મારી જાણે સૂરજમુખી ને,
જુહી મારી છે, સૂર્યકુમારી."
જુહીની રીસ પળવારમાં હાસ્યમાં ફેરવાય ગઈ ને તે, શરમથી લજવાયને જીતેનની બાહોમાં સમાઈ ગઈ.
બંનેના ખિલખિલાટથી કમરામાં એક દિવસ વહેલો જ વેલેન્ટાઈન આવી ગયો.
