સૂનો ઝરૂખો
સૂનો ઝરૂખો
નજરે નિહાળી ઝરૂખે ચાંદ સમી એક રૂપસુંદરી
મનોહર મુખડું, શાંત સોહામણી લાગે રૂપસુંદરી
ઑફિસમાં જતાં આવતાં નિનાદની નજર રોજ સામેની તરફના મકાનના બીજા માળના સુંદર કોતરણીવાળા ઝરૂખામાં બેઠેલી રૂપાળી લલના પર પડતી. એ વિચારતો આ આખો દિવસ ઝરૂખામાં બેસીને શું કરતી હશે ? કોની વાટ નીરખતી હશે ? એક દિવસ ધ્યાનથી જોતાં એને એ સુંદરી પાસે ટેબલ પર પુસ્તકો અને એના હાથમાં બોલપેન જેવું કંઈ દેખાયું. આટલે દૂરથી બરાબર તો કંઈ સમજ ન પડી પણ નિનાદે અનુમાન કર્યું કે એ કોઈ લેખિકા લાગે છે અને ખૂબ વાંચતી પણ હશે. કાનમાં ભરાવેલા ઈયર પ્લગથી નિનાદે એવું અનુમાન લગાવ્યું કે સંગીતની પણ શોખીન લાગે છે.
નિનાદનો જાણે હવે એક નિત્ય નિયમ બની ગયો કે આવતાં જતાં એના પર એક નજર નાંખી લેવી. ધીરે ધીરે ખબર નહિ ક્યારે એ એને મનોમન ચાહવા લાગ્યો. રૂબરૂ મુલાકાત તો ક્યારે થઈ જ નહિ પણ એણે પોતાના હૈયામાં એની એક ખૂબસૂરત છબી કોતરી લીધી. એ પ્યારની દેવીની એ પૂજા કરવા લાગ્યો. એ ઝરૂખો નિનાદનો પ્રિય બની ગયો.
એક દિવસ હિંમત કરી એ મકાન પાસે પહોંચ્યો પણ ત્યાં ઊભેલાં સિક્યોરિટી જવાનોને જોઈ એની હિંમત જવાબ આપી ગઈ. એ સુંદરીને મળ્યા વગર જ પાછો ફરી ગયો પણ એની ચાહત ઓછી ન થઈ. એ ઘણીવાર વિચારતો શું આ પોતાનો ઝરૂખો છોડી ક્યાંય જતી જ નહિ હોય? શું એને એનો ઝરૂખો એટલો બધો પ્રિય હશે? કદાચ આ ઝરૂખા સાથે એની કોઈ યાદ સંકળાયેલી હશે.
સમય વીતતો ગયો ને એ સુંદરીએ ઝરૂખો છોડ્યો ન નિનાદે એને જોવાનો પોતાનો ક્રમ. નિનાદના ઘરેથી એને લગ્ન માટે દબાણ કરવા લાગ્યા પણ એ પોતાના મૂક પ્રેમ વિશે કોઈને કંઈ કહી શકતો નહોતો. કહે તો પણ શું કહે ? જેની કોઈ ઓળખાણ, પિછાણ નહિ. જેનું નામ પણ એને ખબર નથી, એ તો નિનાદને ઓળખતી પણ નથી.
એક દિવસ સવારે ઑફિસ જતાં નિનાદે એના મકાન પાસે ભીડ જમા થયેલી જોઈ. એ પણ કુતૂહલવશ ત્યાં પહોંચી ગયો. ત્યાં તો થોડા માણસો એ સુંદર લલનાના દેહને કપડામાં લપેટી માનભેર નીચે લઈ આવ્યાં. લોકોની વાતચીત એના કાને પડી, "બિચારી રાણી, નસીબની મારી. નામની જ રાણી, બાકી અભાગણી. નાની ઉંમરમાં વિધવા થઈ અને પાછી આંખની રોશની પણ ગુમાવી ચૂકી. એમાં સાસરિયાએ કાઢી મૂકી. એ તો પિતા સધ્ધર એટલે એને ઘરે લઈ આવ્યાં અને ખાસ શિક્ષકો રાખી એને અંધજનોની વાંચવા લખવાની રીત શીખવાડી."
"શું ? તેઓ અંધ હતાં ? તો ઝરૂખામાં બેસી શું લખતાં હતાં ?"
"તેમનો સ્વભાવ ખૂબ દયાળુ એટલે પોતાના જેવાં અંધજનો માટે ઓડિયો કેસેટો તૈયાર કરતાં. જેથી જરૂરિયાતમંદ લોકો એ કેસેટ સાંભળી પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે. આ ઝરૂખો એમને ખૂબ પ્રિય હતો એટલે કાયમ અહીં બેસીને જ તેઓ પોતાનું બધું કામ કરતાં."
થોડી વારમાં એ સુંદરતાની દેવીને અંતિમ સૈયા પર સુવડાવી, એને કાળા ચશ્મા પહેરાવી બાજુમાં એમની લાકડી મૂકી. રામ બોલો ભાઈ રામ બોલાયું, તેવો જ નિનાદનો સ્વર ફાટી ગયો અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આજુબાજુ ઊભેલા લોકો સ્તબ્ધ બની એને જોવા લાગ્યા. એક બે જણથી રહેવાયું નહિ તે પૂછી બેઠાં, "તમારા કોઈ સગા થતાં હતાં ?" નિનાદ એમને શું જવાબ આપે ?
બીજે દિવસે જ્યારે નિનાદ ઑફિસ જવા નીકળ્યો ત્યારે અનાયસે એની નજર ઉપર ગઈ. સૂનો ઝરૂખો જોઈ એની આંખ ભરાય આવી. બીજે દિવસથી એણે પોતાનો રસ્તો બદલી નાંખ્યો. સૂનો ઝરૂખો જોવાની હિંમત એનામાં બચી નહોતી.

