સુરતનું જમણ ને કાશીનુ મરણ
સુરતનું જમણ ને કાશીનુ મરણ
એકવાર મારે ત્યાં યુગાંડાથી મારો એક પેનફ્રેન્ડ આવેલો...એનું નામ થોડું અટપટું એટલે હું એને જેક કહેતી. ઘણા વર્ષો પહેલા આ પેન ફ્રેન્ડનું ચલણ ઘણું ચાલેલું. એને સુરત વિશે બધું જાણવાની ઈચ્છા.. ખાસ સુરતનું જમણ...આપણે તો એ માટે તૈયાર..
જેક મારી સ્પીચ રેકોર્ડ કરી પછી એને એની ભાષામાં અનુવાદ કરી સાંભળતો.
જેક : "હેય, આઈ વોન્ત તું નો વોટ ઇઝ સુરત જમણ ?"
હું :"ખાવાની વાત આવે તો, સુરત ને કેમ ભૂલાય ! તેમાયે હું પોતે સુરતી. અમે સુરતીલાલા જમવાના ખૂબ જ શોખીન. તો ચાલ, આજે તને સુરતને મધ્યમાં રાખીને આહાર વિહારની વાતો કરું."
જેક : "ઓકે, ગો ઓન."
હું : "સુરતનું જમણ ને કાશીનું મરણ' આ તો તે સાંભળ્યું જ હશે. સુરતીઓ તો મસ્ત-મોજીલા આનંદથી જીવવાવાળા લોકો. ફાફડા, જલેબી, ગાંઠિયા વગર તો સુરતીઓની સવાર ના પડે. વળી, લોચાને યાદ ન કરીએ તો ભૈ લોચો જ પડે !સુરતી ઊંધિયું ને આંધળી વાણીનો પોંક તો દેશ-વિદેશમાં પ્રખ્યાત. સુરતનું જમણ જો દાઢે વળગે તો તમને દુનિયામાં ક્યાંય ભોજન ના ભાવે. આમ જુઓ તો સુરતની ખાણી-પીણીનો કોઇ જોટો ન જડે. તીખું તમતમતું અને ચટાકેદાર ભોજન સુરતની ઓળખ. અરે હા, ઘારી તો ભૂલાઈ જ ગઈ. ભૈ, સુરતની જમણાદાસની ઘારી... આહા.. હા..અત્યારે લખતાં લખતાંય મોઢામાં પાણી આવી ગયું".
જેક : ધેન, વોટ અબાઉત યોર હેલ્થ ઓર ડાઈજેસન" ?
હું: "આહારની બાબતમાં અમારા સુરતના ફૂડ અધિકારીઓ પણ પાછા ધ્યાન એટલું જ આપે, હોં! શહેરીજનોને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે માટે સુરતમાં ફૂડ લેબોરેટરી પણ છે. વેસુ ખાતેના હેલ્થ સેન્ટરમાં ફુડની ક્વોલિટી ના ચેકિંગ માટેની અધ્યતન મશીનરીઓ છે. ટેસ્ટિંગ માટેના સાધનોની ખરીદી કરી શકાય એ અર્થે રાજ્ય સરકારે ત્રણ કરોડની ફાળવણી કરેલ છે".
જેક : ઓહઃ ધેટ્સ ગુડ. નાવ ઉ ટેલ મી અબાઉત ક્લીનલીનેસ ?"
હું : " આ તો થઈ સુરતની ચટાકેદાર વાનગીઓની મસાલેદાર વાતો. સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો, અહીં પણ સુરત બાજી મારી જાય. ખાવાની કાચી સામગ્રી હોય કે રાંધેલી સામગ્રી, બધાની ક્વોલિટીનું ધ્યાન રખાય. થોડા સમય પહેલા દેશની સૌપ્રથમ ત્રિદિવસીય સ્માર્ટ સીટીસ સમીટ અહીં સુરતમાં જ યોજાયેલી."
જેક : યુ પીપલ અવેર અબાઉત હેલ્થ ?"
હું : "યેસ,યેસ. વી ઓલ આર હેલ્થ કોન્સિયસ. સુરતીઓ ભલે ચટપટું ખાવાના શોખીન પણ, બીમાર ન પડે તેનું ધ્યાન રાખે. આરોગ્ય બાબતે સુરતીઓ પાછા સજાગ હોં ! રોજ વહેલી સવારે તમે ગૌરવ પથ પર નજર નાખો તો કેટલાય લોકો તમને ચાલતા, જોગિંગ કરતા કે સાયકલિંગ કરતા જોવા મળશે. લોકો આ નિત્યક્રમ પતાવ્યા પછી એ જ લોકો તમને જાની લોચો કે ડુમસના લશ્કરી ભજીયા પર જોવા મળે તો નવાઈ નહીં, અને એ જ અમારા સુરત અને સુરતીઓની ઓળખાણ છે. આ બધાની વચ્ચે સુરતીઓએ પોતે આરોગ્ય વિશે જાગૃત છે, તે સાબિત કરી બતાવ્યું. પ્લેગ, રેલ અને કોરોના જેવી મહામારી દરમિયાન સુરતીઓએ હાઇજિનનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. ડોકટરોએ પણ પોતાની ફરજ પુરી નિષ્ઠાથી કરી. માણસ બીમાર ન પડે એવું તો ન બને, પણ બીમારી લાંબી ન ચાલે એનો એમણે પૂરેપૂરો ખ્યાલ રાખ્યો અને કોરોના દરમિયાન એકબીજાને ઘર વપરાશની ચીજવસ્તુઓથી લઇ હોસ્પિટલ સુધીની સેવાઓ લોકોએ ડર્યા વગર અને નિ:સ્વાર્થપણે કરી. આ સેવાકાર્ય કરવામાં ઘણા સ્વર્ગે સિધાવ્યા, પરંતુ તેમની પાછળ તેમનું સેવાકાર્ય તો ચાલુ જ રહ્યું. સુરતની પ્રજા 'શો મસ્ટ ગો ઓન' માં માનવાવાળી છે. સલામ છે સુરત ને, સલામ છે મારા સુરતીલાલાઓને.
જેક : "ઓ વાવ, આઈ લવ સુરત એન્ડ સુરત જમણ"
