સુંદરતાની સજા
સુંદરતાની સજા
૫ ફૂટ ૬ ઈંચ હાઈટ, વર્ણ ગોરો, કાળા અને તેમાં ક્યાંક ક્યાંક ભૂરા વાળ તેમજ શિલ્પીઓની કોતરણીમાં જોયું હોય તેવું સુડોળ શરીર. ચહેરાની લાલિમા એવી કે એક સમય માટે ચંદ્ર પણ તેની આગળ ઝાંખો પડી જાય, એવા રૂપ રૂપનાં અંબાર જેવી હતી રીમા. મોટા અને ભરાવદાર હોઠ પર જ્યારે તે ઘાટા લાલ રંગની લિપસ્ટિક લગાવે અને આંખોમાં આંજણ નાખે ત્યારે તો સ્વર્ગની અપ્સરા પણ તેની આગળ ફિકી લાગે તેવી તેની સુંદરતા હતી. મધ્યમ વર્ગની હોવાનાં કારણે તે એટલી તો પગભર થઈ જ ગઈ હતી કે પોતાની સુંદરતા પાછળ જાતે ખર્ચ કરી શકે. રીમાનાં પિતા વિનયભાઈ એક ફેકટરીમાં સામાન્ય વર્કર તરીકે કામ કરતાં હતાં તેથી તેમનાં માટે આ બધા ખોટા ખર્ચા સમાન હતાં. પરંતુ રીમા તેમને સમજાવતી કે,"આજકાલની છોકરીઓ કેટલાં ખર્ચા કરે છે તેની તમને ખબર છે ? તેની સામે મારો ખર્ચ કંઈ જ નથી." વળી તે એમ પણ કહેતી કે, "પપ્પા ! હું ક્યાં તમને કહું છું કે મારો ખર્ચ તમે ઉપાડો ? હું એટલી તો પગભર છું જ કે મારો ખર્ચ જાતે ઉપાડી લઉં છું. પછી તમને શું ચિંતા ?" પરંતુ એક દીકરીનાં બાપ તરીકે આટલી રૂપાળી દીકરીની કેટલી ચિંતા હોય તે વિનયભાઈથી વધારે કોણ સમજી શકે ?
રીમા જ્યાં નોકરી કરતી હતી તેની નીચે જ એક પાનનો ગલ્લો અને ચાની દુકાન હતી. ત્યાં કેટલાક ગુંડા તત્વો બેસી રહેતાં હતા. જે રસ્તે આવતી જતી છોકરીઓની મશ્કરી કરતાં અને તેમની મજાક ઉડાવતાં હતાં. આ વિશે છોકરીઓએ ઘણીવાર કંપનીના માલિકને ફરિયાદ કરી હતી અને માલિકે પણ પોલીસ કમ્પ્લેન કરી હતી. પરંતુ નક્કર પુરાવાનાં અભાવે કોઈ કંઈ પગલા લઈ શકતું નહોતું. એવું નહોતું કે ખાલી રીમાને જ તકલીફ હતી. રીમાની સાથે કામ કરતી બીજી છોકરીઓને પણ આ જ પ્રોબ્લેમ હતો. પરંતુ આ ગુંડા તત્વો સામે બોલવાની કોઈનામાં હિંમત થતી નહોતી. તેથી સૌએ આંખ આડા કાન કરવાનું શરૂ કર્યું અને છોકરીઓ પણ તેમની સામે ધ્યાન આપવાને બદલે સીધે સીધી લિફ્ટમાં બેસીને ઓફિસમાં જતી રહેતી. કંપનીની બહાર જે ચાલતું ત્યાં સુધી તો બધું બરોબર હતું, પરંતુ એક દિવસ અચાનક જ કંપનીમાં કામ કરતા પટાવાળા રમેશે રીમાને પ્રપોઝ કર્યું. રીમાને આ વાતથી ખૂબ જ દુઃખ થયું અને પોતે શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ. આ ઘટના બાદ રીમાએ તરત જ નોકરી બદલી કાઢવાનું નક્કી કર્યું પરંતુ કંપનીના માલિકે તેને એ જ શહેરમાં આવેલી બીજી ઓફિસમાં શિફ્ટ કરી દીધી. જેથી રીમાને હવે કોઈ તકલીફ નહોતી.
બધું જ શાંતિથી ચાલતું હતું રીમાને પ્રમોશન પણ મળી ગયું હતું અને ઘરથી નજીક નોકરી તેથી કોઈ ચિંતા નહોતી. પરંતુ એક દિવસ બન્યું એવું કે જેણે રીમાની આખી જિંદગી જ બદલી નાંખી. રીમાને જેણે પ્રપોઝ કર્યું હતું તે રમેશ, રીમાની નવી ઓફિસ સુધી પહોંચી ગયો હતો. તેણે રીમાને ધમકાવવાની કોશિશ પણ કરી, પરંતુ રીમા કોઈ હિસાબે ન માની. તેથી એક દિવસ મોકો જોઈને રીમા જ્યારે સવાર સવારમાં તૈયાર થઈને પોતાની ઓફિસ જવા નીકળી હતી, તે જ સમયે રમેશ રીમાની સામેની બાજુઓથી આવ્યો. રમેશે મોંઢા પર રૂમાલ બાંધ્યો હતો તેથી રીમા તેને ઓળખી શકી નહીં. જેવો તે રીમાની નજીક આવ્યો કે તરત જ તેણે રીમાનાં ચહેરા પર એસિડ ફેંક્યો અને ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયો. રીમાની ચીસ સાંભળીને આજુબાજુનાં લોકો એકઠાં થઈ ગયાં. પરંતુ રમેશ તરફ કોઈનું ધ્યાન ગયું નહીં અને તે ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયો. રીમા રોડ પર કણસતી રહી. દુખાવો એટલો અસહ્ય હતો કે તે બેભાન થઈ ગઈ. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તેનો ચહેરો એટલી હદે બળી ગયો હતો કે આખા ચહેરા પર પટ્ટી લગાવેલી હતી. ૬ મહિના સુધી સતત તેની સારવાર ચાલી. કેટલાં તો ઓપરેશન કરવામાં આવ્યા. અલગ અલગ જગ્યાએથી ચામડી લઈ અને ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી.
અંતે ૬ મહિનાની મહેનત બાદ રીમાને ઘરે લાવવામાં આવી. આ ૬ મહિના દરમિયાન તેણે ક્યારેય અરીસામાં પોતાનો ચહેરો જોયો નહોતો. તેને પોતાના સૌંદર્યની, પોતાનાં સૂરજની લાલિમા સમાન ચમકતાં ચહેરાને જોવાની તાલાવેલી હતી સાથે ચિંતા પણ હતી. રીમાએ જ્યારે ઘરે આવીને જોયું તો ઘરમાં ક્યાંય અરીસો જ નહોતો. રીમા નાં મમ્મી પપ્પાને ડોકટરે પહેલેથી જ ચેતવી દીધાં હતાં કે શક્ય હોય ત્યાં સુધી રીમાને અરીસાથી દૂર રાખજો. કારણ કે ઘણાં કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે એસિડનો શિકાર બનવાવાળી વ્યક્તિ જ્યારે અરીસામાં પોતાનો બગડી ગયેલો ચહેરો જુએ છે, ત્યારે ખૂબ જ હતાશ થઈ જાય છે અને ડિપ્રેશનમાં આવી જાય છે. આવી વ્યક્તિની કાં તો શારીરિક તબિયત બગડે છે, અથવા તો માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ ઊંડી અસર થાય છે. તેથી મીનાબેને જ્યારે રીમાને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે લાવવાની હતી, તેનાં આગળના દિવસે ઘરમાંથી બધા જ અરીસા કાઢી નાખ્યાં હતાં. રીમાને એમ હતું કે પોતે ઘરે જશે અને સહુથી પહેલાં અરીસામાં મોઢું જોશે, પરંતુ આ શું ? ઘરમાં એક પણ જગ્યાએ અરીસો નહીં. તેણે પોતાની મમ્મીને અરીસા વિશે પૂછ્યું તો તેમનો જીવ પણ પડીકે બંધાયો. હવે જવાબ શું આપવો ? અંતે વિનયભાઈ એ તેને સમજાવી દીધી કે અરીસો તૂટી ગયો હતો અને તૂટેલો કાચ ઘરમાં રાખવો એ અપશુકન કહેવાય. તેથી નવો અરીસો લાવવાનો છે. નવો અરીસો આવી જાય પછી નિરાંતે અરીસામાં જોજે અને તૈયાર થાજે. એટલું બોલતાં બોલતાં તો વિનયભાઈ ને ગળે ડૂમો ભરાઈ આવ્યો. તે રીમાને મેક-અપનાં ખોટાં ખર્ચ કરવાની ના પાડતાં હતાં તે દિવસ તેમને યાદ આવી ગયો. તે આગળ કંઈ જ ન બોલી શક્યાં અને પોતાની રૂમમાં જતાં રહ્યાં. ઘરે આવ્યાને પહેલો દિવસ હતો અને ૬ મહિનાની દોડધામનો થાક પણ હતો એટલે સૌ કોઈ શાંતિથી સૂઈ ગયાં.
રાતનાં ૧ વાગ્યા આસપાસ નો સમય થયો હશે ને રીમાનાં રૂમમાંથી એક જોરદાર ચીસ સંભળાઈ. તે ચીસ એટલી કારમી હતી કે સૌ કોઈ ઊઠી ગયું, અને બધાં રીમાનાં રૂમ તરફ દોડી ગયાં. મીનાબેને નજર કરી તો રીમાનાં હાથમાં અરીસો હતો. તેમણે તરત જ રીમાનાં હાથમાંથી અરીસો ઝુંટવી લઈને ફેંકી દીધો અને રીમાને છાતી સરસી ચાંપી દીધી. તે રીમાને સાંત્વના આપવાં લાગ્યા કે બેટા ચિંતા ન કર, ડોકટરે કીધું છે કે બધું જ સારું... તેમનું વાક્ય અધૂરું જ રહી ગયું અને રીમાએ પોતાનો દેહ છોડી દીધો. રીમા પોતાનાં સૌંદર્યવાન ચહેરાને આટલો કદરૂપો થયેલો જોઈને આઘાત સહન ન કરી શકી અને તેનાં શરીરમાંથી પ્રાણ નીકળી ગયાં. મીનાબેન પોતાની વહાલસોયી દીકરીને બાથમાં ભરીને ખૂબ રડ્યાં. પરંતુ હવે ક્યાં કોઈ પાછું આવવાનું હતું ? ના રીમાનો એ સૌંદર્યવાન ચહેરો કે ના રીમા પોતે. રહી ગઈ તો બસ તેની મીઠી નોકઝોંક અને તેના અલ્લડ નખરાં, સૌના મનમાં મીઠી યાદ બનીને.
આજે એ ઘટનાને એક વર્ષ થઈ ગયું હતું. મીનાબેન રીમાનાં ફોટાને લૂછીને જ્યારે નવો હાર ચડાવવા જાય છે, ત્યારે તે દિવસે બનેલી સમગ્ર ઘટના એક ભયાનક ઘટમાળની જેમ તેમની આંખો સામેથી પસાર થઈ જાય છે. મીનાબેન રીમાની પુણ્યતિથિ પર શહેરની એસિડ એટેકનો ભોગ બનેલી તમામ છોકરીઓને પોતાનાં ઘરે બોલાવી તેમને પ્રેમથી જમાડે છે. તેમને સાંત્વના આપી અને કપરી પરિસ્થિતિમાં પણ જીવન જીવવા બદલ હિંમત આપે છે. આ કાર્ય થકી મીનાબેન તેમજ વિનયભાઈ તેમનાં ઘરે આવનાર દરેક છોકરીમાં ક્યાંક ને ક્યાંક રીમાને શોધવાનો નિરર્થક પ્રયત્ન કરે છે. જ્યારે પણ મીનાબેન સમાચારમાં આવી કોઈ ઘટના બનતી જુએ છે ત્યારે તેમને તેમની રીમા યાદ આવી જાય છે અને આંખનાં ખૂણા આજે પણ ભીના થઈ જાય છે.