Pushpak Goswami

Fantasy Inspirational

4.5  

Pushpak Goswami

Fantasy Inspirational

આભાસી દુનિયા

આભાસી દુનિયા

7 mins
368


શેફાલીને નાનપણથી જ હિલસ્ટેશન પર ફરવા જવાનો ખૂબ જ શોખ હતો. જ્યારે પણ ઉનાળાનું વેકેશન પડે કે તરત જ તે પપ્પા પાસે હિલ સ્ટેશન જવાં માટે જીદ કરતી. એક અઠવાડિયા જેવું ત્યાં રહેવાનું અને પછી પાછાં આવી જવાનું. શેફાલીનાં પિતા ખૂબ જ પૈસાદાર હતાં, તેથી તેનાં બધા જ શોખ પૂરા થઈ જતાં. શેફાલી અલગ અલગ ઘણાં હિલસ્ટેશનો ફરી હતી, પરંતુ શિમલા તેનું સૌથી પ્રિય હિલસ્ટેશન હતું.

૧૨ સાયન્સની પરીક્ષા પછી તેણે એમબીબીએસમાં એડમીશન માટે ઓનલાઈન ફોર્મ પણ શિમલાની કોલેજમાં જ ભર્યું. શેફાલી પોતાનાં માતાપિતાની એટલી લાડકવાયી હતી કે તેઓ શેફાલીને એકલી શિમલા મોકલવા માટે કોઈ હિસાબે તૈયાર થયાં નહીં. અંતે શેફાલીનાં મમ્મી વિમળાબેનનાં અતિ આગ્રહને વશ થઈને સુરેશભાઈએ પોતાનો ગુજરાતમાં ચાલતો બિઝનેસ શિમલા શિફ્ટ કરવાનું વિચાર્યું. આ સાંભળી શેફાલી ખૂબ જ ખુશ થઈ ગઈ. અઠવાડિયામાં તો બધો જ સામાન પેક કરીને કુરિયર કંપની દ્વારા શિમલા પહોંચાડી દેવામાં આવ્યો. ત્યારબાદ સુરેશભાઈ પોતાની કાર લઈને વિમળાબેન તેમજ શેફાલી સાથે શિમલા આવી ગયાં. અહીં અભિ નામનો શેફાલીનો ફેસબુક ફ્રેન્ડ હતો, જેણે બધી જ વ્યવસ્થા કરી રાખી હતી. એમ તો શેફાલી ફરવાની શોખીન હતી અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું તેને ખૂબ જ પસંદ હતું, એટલે લગભગ ભારતનાં દરેક પર્યટન સ્થળ પર તેનાં સોશિયલ મીડિયા ફેન્સ મળી રહેતાં. અભિ પણ તેમાંનો જ એક મિત્ર હતો.

એકાદ અઠવાડિયામાં તો શેફાલી શિમલાની દરેક જગ્યાથી વાકેફ થઈ ગઈ. કોલેજમાં પણ તેને થોડું અલગ વાતાવરણ મળ્યું જેથી તેને પોતાની કારકિર્દી કેળવવામાં રસ જાગ્યો. અહીં કોઈપણ વાત સીધી શીખવવામાં કે જબરદસ્તીથી મગજમાં ઠોકી બેસાડવામાં નહોતી આવતી. અહીં વિદ્યાર્થીને પોતાની રીતે વિચારવા દેવામાં આવતાં. વિદ્યાર્થીઓ તેમની રીતે રિસર્ચ કરે અને પછી કોઈ તારણ પર આવે. ત્યારબાદ ક્લાસરૂમમાં તેની ચર્ચા થાય અને અંતે પ્રોફેસર કોનું તારણ સાચું છે તે જણાવે. શેફાલીને ભણવાની આ પદ્ધતિ ખૂબ જ ગમી. તેણે સાયકોલોજી વિષય સાથે અનુસ્નાતક થવાનું પસંદ કર્યું.

શિમલામાં ફરવામાં અને સાથે સાથે કોલેજમાં મનુષ્ય શરીરની જટિલ રચનાઓને સમજવામાં ક્યાં પાંચ વર્ષ પૂરા થઈ ગયા તેની શેફાલીને પણ ખબર ન પડી. પાંચ વર્ષનો એમબીબીએસનો કોર્સ સફળતા પૂર્વક પૂર્ણ કરતાંની સાથે શેફાલી હવે ડૉ. શેફાલી બની ગઈ હતી. આ પાંચ વર્ષ દરમિયાન તે અને અભિ બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયાં હતાં. પરંતુ બંને એટલાં તો પુખ્ત હતાં કે તેમને તેમની મર્યાદા ખબર હતી. શેફાલી અને અભિએ પોતાનાં માતાપિતાની સંમતિ સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. બંને પરિવાર આધુનિક વિચારસરણી ધરાવતાં હતાં અને પોતાના સંતાનોની ખુશી તેમનાં માટે સર્વોપરી હતી. બંને પરિવાર વચ્ચે એક ઔપચારિક મુલાકાત થઈ અને લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. શેફાલીની તો ઈચ્છા હતી કે ધામધૂમથી લગ્ન થાય અને સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ તેની જ ચર્ચા થાય. પરંતુ અભિની ઈચ્છાને માન આપીને સાદગીપૂર્ણ રીતે લગ્ન સંપન્ન કરવામાં આવ્યા.

અભિને માસ્ટર કરવા માટે અમેરિકા જવું હતું, જ્યારે શેફાલીને શિમલામાં રહીને જ સાયકોલોજીમાં PG કરવું હતું. છ મહિના સાથે રહ્યાં બાદ શેફાલીની મંજુરી મેળવી અભિ ત્રણ વર્ષ માટે અમેરિકા જતો રહ્યો, જ્યારે શેફાલીએ કોલેજમાં ભણાવવાની સાથે સાથે પોતાનું PG પણ ચાલું રાખ્યું.

શેફાલી રાત્રે મોડે સુધી સાયકોલોજીની ચોપડીઓ વાંચતી રહેતી હતી અને માનવ મનને સમજવાનો પ્રયત્ન કરતી રહેતી હતી. તેનો પ્રિય વિષય હતો "આભાસ" જેને આપણે "Helucination" પણ કહીએ છીએ. તેણે તેની એવી વ્યાખ્યા કરી કે, "જેનું ક્યારેય અસ્તિત્વ જ નથી તેવી કલ્પનાને જ્યારે વ્યક્તિ કોઈ સ્વરૂપમાં રૂપાંતરિત કરીને તે હોવાનો અહેસાસ કરે છે અને આ અહેસાસ હેઠળ ઘટતી ઘટનાઓને સત્ય માની બેસે છે તે અવસ્થા એટલે આભાસ". જાદુગર આવી જ આભાસી ઘટનાઓ દ્વારા પ્રેક્ષકોને દૃષ્ટિબંધ કરીને પછી જે ખેલ બતાવે છે, તે પણ એક પ્રકારનો આભાસ જ છે. હોતું કંઈ નથી, છતાં બધું જ દેખાય છે અને જે દેખાય છે તેના પર આપણે વિશ્વાસ પણ કરીએ છીએ.

આવા વિષયો પર વાંચન કરતાં કરતાં શેફાલી ક્યારેક પોતે પણ એવા આભાસી જગતમાં પહોંચી જતી. તે ક્યારેક કોઈ હોરર સ્ટોરી વાંચતી હોય કે મૂવી જોતી હોય ત્યારે કોઈ પોતાની આસપાસ છે, તેવો આભાસ તેને સતત થયાં કરતો અને જ્યારે તેને ડર લાગે ત્યારે તે સ્ટોરી કે મૂવી બંધ કરી દેતી. એક દિવસ સવારે અચાનક શેફાલીને ઉબકા આવવાં લાગ્યાં. રાત્રે મોડે સુધી જાગવાનાં કારણે કદાચ આવું બની શકે એમ માની તેણે ઘરમાં કોઈને વાત કરી નહીં. પરંતુ થોડીવાર પછી ફરીથી ઉબકા આવવાં લાગ્યાં. આ વખતે તેનાં સાસુ સુરેખાબેન જોડે હતાં, તેમણે તરત પૂછ્યું, "બેટા ! શું થાય છે ?" ત્યારે શેફાલી એ જવાબ આપતાં કહ્યું કે, "કંઈ નહીં મમ્મી, આ તો રાત્રે થોડું જાગવાનું થયું હતું એટલે અત્યારે વોમિટીંગ જેવું લાગે છે." પરંતુ સુરેખાબેને તરત જ ડોકટરને ફોન કરીને બોલાવી લીધાં. પોતે ડોકટર હોવાં છતાં બીજા ડોકટરની સલાહ લેવી થોડુંક અટપટું લાગે, પરંતુ વડીલોની જીદ આગળ આપણું ચાલે ખરાં? શેફાલીના કેસમાં પણ એવું જ હતું. ડોકટર તરત જ આવી ગયાં અને શેફાલીનું ચેકઅપ કર્યું. બધું જ નોર્મલ હતું. તેમણે સુરેખાબેનને કહ્યું કે, "પારણું બાંધવાની તૈયારી કરો. શેફાલીને સારા દિવસો જાય છે." સુરેખાબેન તો રાજીના રેડ થઈ ગયાં. આ સમાચાર તરત જ વેવાણને કહ્યાં. સુરેશભાઈ અને વિમળાબેન પણ મીઠાઈનો ઢગલો લઈને આવી પહોંચ્યા.

હવે શેફાલી પર સલાહનો વરસાદ થવાનું ચાલું થઈ ગયું. આમ કરવાનું, તેમ નહીં કરવાનું, અહીં જવાનું ને ત્યાં નહીં જવાનું, આમ બેસવાનું, તેમ સૂવાનું વગેરે વગેરે. અભિને પણ આ ખુશખબર આપવામાં આવ્યાં. પરંતુ તે હમણાં જ ગયો હતો એટલે આવી શકે તેમ નહોતો. હવે તો શેફાલીને કામ કરવાનું પણ ઓછું થઈ ગયું એટલે મોટાભાગનો સમય સાયકોલોજીનાં પુસ્તકો વાંચવામાં જ પસાર થવા લાગ્યો.

આમ ને આમ દિવસો પસાર થતાં ગયા અને અંતે એ દિવસ આવી ગયો. શેફાલી એ ફૂલ જેવા કોમળ જોડિયા બાળકોને જન્મ આપ્યો. બધું જ શાંતિથી પતી ગયું. બાળકો પણ તંદુરસ્ત અને શેફાલી પણ સ્વસ્થ હતી. બંને બાળકોનાં નામ રામ અને ક્રિષ્ના રાખ્યાં હતાં. બાળકો દાદા-દાદી સાથે ઉછરવાં લાગ્યાં. રાત્રિનો જન્મ હોવાનાં કારણે બંને બાળકો રાત્રે જાગતાં અને દિવસે સૂઈ જાય. શેફાલીએ પણ ફરીથી કોલેજમાં લેક્ચર લેવાનું ચાલું કરી દીધું હતું. જોતજોતામાં સમય ક્યાં વિતી ગયો તેની કોઈને ખબર જ ન પડી. અભિને આવવાનો સમય પણ થઈ ગયો. તેની પરીક્ષા પણ પૂરી થઈ ગઈ હતી અને પોતે બાળકોને જોવા માટે ઉતાવળો હતો. બાળકોને તેડવાં હતાં, બાળકોને રમાડવા હતાં અને મન ભરીને તેમને વ્હાલ કરવું હતું.

રાતની ફ્લાઇટ હતી અને અભિએ કહી રાખ્યું હતું કે પોતે આવી જશે, રાત્રે કોઈએ એરપોર્ટ પર લેવા આવવાની જરૂર નથી. રાત્રે અભિ આવ્યો ત્યારે બધાં સૂઈ ગયાં હતાં, ખાલી શેફાલી અને અભિનાં મમ્મી સુરેખાબેન જાગતાં હતાં. રાત્રે બાળકો સૂઈ ગયાં હતાં એટલે અભિએ વિચાર્યું કે અત્યારે ડિસ્ટર્બ નથી કરવાં, સવારે ઉઠશે એટલે રમાડીશ. રાત્રે મોડું વધારે થઈ ગયું હતું એટલે બધાં સૂઈ ગયાં. એકાદ કલાક જેવું થયું હશે. જેટ લેગનાં કારણે અભિને ઊંઘ નહોતી આવતી. હોલમાં કોઈ ગણગણી રહ્યું હોય તેવું તેને લાગ્યું. તે દરવાજો ખોલીને હોલ તરફ ગયો તો શેફાલી ધીમા અવાજે હાલરડું ગાઈ રહી હતી અને ઘોડિયામાં સૂતેલાં બાળકને હીંચકા નાંખી રહી હતી. તે જોઇને અભિ હેબતાઈ ગયો. કારણ કે ઘોડિયામાં કોઈ હતું જ નહીં. તેણે તરત જ સુરેખાબેનને ઉઠાડી અને સમગ્ર વાત કરી.

સુરેખાબેને કહ્યું કે, "બેટા ! જે દિવસે રામને ભગવાને બોલાવી લીધો, ત્યારથી શેફાલી ઘણીવાર આ રીતે આવે છે અને ખાલી ઘોડિયાને હીંચકો નાંખે છે. રામ હવે આ દુનિયામાં નથી તે વાત શેફાલી સ્વીકારી શકતી નથી અને તેને સતત એવો આભાસ થયા કરે છે કે રામ હજું પણ તેની આસપાસ જ છે. મેં અને તારા પિતાજીએ ઘણી કોશિશ કરી, ઘણાં ડોકટરો પણ બદલી જોયાં. પરંતુ બધાનું કહેવું એક જ છે કે, શેફાલી પોતે એક Psychiatrist છે, પરંતુ તેણે આ વાત પોતાનાં મનમાં એટલી તો ઊંડે સુધી ઉતારી દીધી છે કે તેની દવા સમય જ છે. અમે તારી જ રાહ જોતાં હતાં, કે કદાચ તું આવે અને કંઈ ફર્ક પડે. બસ બેટા હવે તારી અમાનત તારા હવાલે. તું સતત એની પડખે જ રહેજે. એની આવી દશા અમારાથી પણ નથી જોવાતી. એકમાત્ર તું જ છે, જે તેને આભાસી દુનિયામાંથી બહાર કાઢી શકે છે."

અભિએ પોતાની મમ્મીને વચન આપ્યું કે કંઈ પણ થાય, પોતે શેફાલીને આ તકલીફમાંથી બહાર કાઢીને જ રહેશે. અભિ હળવેકથી શેફાલીને ઉભી કરીને પોતાનાં રૂમમાં લઈ ગયો અને તેનું માથું પોતાનાં ખોળામાં રાખી પ્રેમથી સુવાડી દીધી.

દિવસો વીતતાં ગયાં ને વર્ષો પણ વીતતાં ગયાં. અભિ સતત શેફાલીને આભાસી દુનિયામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરતો રહ્યો. ઘણીવાર રીસામણાં પણ થતાં તો મનામણાં પણ થતાં, પરંતુ અભિ ક્યારેય હિંમત હાર્યો નહીં. તે જાણતો હતો કે સમય જ શેફાલીની દવા છે અને એક દિવસ ચોક્કસ આ દવા અસર કરશે જ. અંતે તે દિવસ આવી ગયો. અભિની મહેનત રંગ લાવી. છેલ્લાં એક વર્ષથી શેફાલીને એક પણ વાર રામનો આભાસ થયો નથી કે ક્યારેય તે રાત્રે ઉઠીને ઘોડિયાં પાસે આવી નથી. ઈશ્વર પરની શ્રધ્ધા અને અભિનો પ્રેમ જ આજે શેફાલીને પોતાની સામાન્ય જિંદગીમાં પાછી લઈ આવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy