આંધળી દોટ
આંધળી દોટ
આજે સુરભી ખૂબ જ ખુશ હતી. તેનો કોલેજમાં આજે પહેલો દિવસ હતો. નવાં કપડાં પહેરી, નવી હેર સ્ટાઈલ લઈને, ચહેરા પર મેક અપ કરીને તે કોલેજ જવા નીકળી. કોલેજમાં પગ મૂકતાંની સાથે જાણે વિહરવા માટે આખું આકાશ મળી ગયું હોય તેવી અનુભૂતિ થઈ. ક્લાસમાં જતાંની સાથે તે આનંદિત થઈ ગઈ. કેટલાંક જૂનાં ચહેરા તો કેટલાંક નવાં, ક્યાંક જૂની સખીઓ મળી તો સાથે નવાં મિત્રો પણ મળ્યાં. સુરભીને કોલેજ ખૂબ જ ગમવા લાગી. ધીરે ધીરે નવાં મિત્રો સાથે પરિચય વધતો ગયો અને થોડાક જ સમયમાં તેમનું આખું ગ્રુપ બની ગયું.
જોતજોતામાં તો ફ્રેશર પાર્ટીનો સમય આવી ગયો. સુરભી મધ્યમવર્ગની હતી તેથી તેનાં માટે આવી પાર્ટીઓ સાવ નવી વાત તો ન કહી શકાય પરંતુ એક રોમાંચક અનુભવ સમાન ચોક્કસ હતી. સુરભીનાં ગ્રુપની બીજી છોકરીઓ આ પાર્ટીમાં જવાની હતી, પરંતુ સુરભી માટે તેમાં જવું થોડું મુશ્કેલ હતું. સુરભીનાં પપ્પા મનોજભાઈ સ્વભાવે થોડાં કડક હતાં. તેમનું માનવું હતું કે અંધારું થાય તેનાં પહેલાં પરિવારની દરેક વ્યક્તિ ઘરમાં આવી જવી જોઈએ. રાત્રે અત્યંત જરૂરી કામ સિવાય કોઈને ઘરની બહાર જવાની પરવાનગી નહોતી. એટલે સુધી કે સુરભીનો નાનો ભાઈ વિનય પણ બહાર જઈ શકતો નહીં. તેવી પરિસ્થિતિમાં સુરભી માટે ફ્રેશર પાર્ટીમાં જવું લગભગ અશક્ય જ હતું. તેમ છતાં સુરભીની સખીઓનાં કહેવાથી મનીષાબેન એટલે કે સુરભીનાં મમ્મીએ મનોજભાઈને વાત કરી. પરંતુ મનોજભાઈ પોતાની વાત પર અડગ હતાં. તેમણે ઉપરથી સુરભીના મમ્મીને ધમકાવતા કહ્યું કે,
"મનીષા ! શું તમે પણ નાનાં છોકરાઓ જેવી વાત કરો છો ? તમને ખબર છે કે અત્યારનાં સમયમાં છોકરીઓ સાથે કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે. તેમ છતાં તમે સુરભીને સમજાવવાને બદલે તેનો સાથ આપો છો ?"
મનીષા બેને વળતાં જવાબમાં કહેલું કે,
"શું તમે પણ જુનવાણી વિચારોને લઈને બેસી રહ્યા છો ? જરાક છોકરાઓનું પણ વિચારો. તેમનાં મિત્રવર્તુળમાં કેવી કેવી વાતો થાય તેની ખબર છે તમને ?"
"એ જે હોય તે. પરંતુ હું મારી દીકરીને ક્યાંય મોકલવાનો નથી અને આ મારો અંતિમ નિર્ણય છે." -
આટલું કહીને મનોજભાઈ ટીવી ચાલું કરીને સમાચાર જોવામાં વ્યસ્ત થઈ ગયાં. સુરભીનું ફ્રેશર પાર્ટીમાં જવાનું જે સપનું હતું, તેનાં પર પાણી ફરી ગયું. તે દિવસે સુરભીએ નક્કી કર્યું કે જો જીવન પોતાની રીતે જીવવું હશે તો આ ઘરમાં રહીને તે શક્ય નહીં બને. તેથી તેણે એક પ્લાન બનાવ્યો. માસ્ટર ડિગ્રી મેળવવા માટે રાજ્ય બહાર ભણવા જવાનો. હોંશિયાર તો તે હતી જ, અને હવે ભણવા માટેનું કારણ પણ મળી ગયું. સુરભીએ ત્રણ વર્ષ ખૂબ જ મહેનત કરી અને ત્રણે વર્ષ તે કોલેજમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ. તેથી તેણે નક્કી કર્યા મુજબ મુંબઈની કોલેજમાં તેને એડમીશન પણ મળી ગયું. હવે શરૂ થઈ તેની અસલી જિંદગી.
મુંબઈમાં પગ મૂકતાંની સાથે તેનાં હાવભાવ બદલાઈ ગયાં. એક મહિનામાં તો તેણે ભણવાની સાથે સાથે કામ પણ મેળવી લીધું. તે હોંશિયાર તો હતી જ. તેમાં પાછો ખૂબસૂરતીનો ઉમેરો થયો પછી પુછવું જ શું ? સૌંદર્ય એવું કે જે એકવાર જુએ તે જોતો જ રહી જાય. તેનાં ચહેરાની લાલિમા જોઇને કોઈપણ મંત્રમુગ્ધ થઈ જાય. સુરભીએ પ્રોફેશનલ ફોટોગ્રાફર જોડે ફોટોશૂટ કરાવી અને એક આલ્બમ તૈયાર કરાવ્યો. અલગ અલગ જગ્યાએ તે આલ્બમ આપ્યો અને તેનાં આધારે જ તેને નાની નાની કંપનીમાં એડ કરવાની ઑફર આવવા લાગી. ધીરે ધીરે એડ વધતી ગઈ અને પૈસો પાણીની જેમ આવવા લાગ્યો. હવે પૈસાની કોઈ કમી નહોતી, તેથી મોંઘાદાટ કપડાં અને એથી પણ મોંઘી જ્વેલરી તેની આદત બની ગઈ. આજે તેની પહેલી બોલીવુડ પાર્ટી હતી. તેણે તૈયાર થવામાં કોઈ જ કસર રાખી નહોતી. તેને એમ હતું કે સૌની નજર આજે તેના પર જ અટકેલી રહેવી જોઈએ અને થયું પણ એવું જ. જેવી તે હોલમાં પ્રવેશી, સૌ કોઈ તેની સામે જ જોઈ રહ્યાં હતાં. બોલિવુડની ઘણી જાણીતી હસ્તીઓને તે મળી અને તેની નશીલી આંખોથી સૌને ઘાયલ પણ કર્યાં. આજે તેને પોતાની ફ્રેશર પાર્ટી યાદ આવી, જ્યારે પહેલી વાર તેને પાર્ટીમાં જવું હતું અને પપ્પાએ ના પાડી હતી તે પણ યાદ આવ્યું. તેનો બદલો લેવા માટે આજે તેણે મન મૂકીને પાર્ટી એન્જોય કરી, ખૂબ જ ડ્રીંક કર્યું અને જાણે અજાણે ક્યાંક ડ્રગ્સ પણ લીધું. સવારે ઉઠી ત્યારે તે કોઈ પ્રોડ્યુસરનાં રૂમમાં હતી. તેને આખી વાત સમજાઈ ગઈ. પરંતુ પ્રોડ્યુસર તરફથી તેને ૩ મોટી ફિલ્મોની ઑફર થઈ, જે સુરભી માટે સ્વપ્ન સમાન હતી. તેથી તેણે શરીરની સામે ફિલ્મોની ઑફર સ્વીકારી લીધી. તે સમયે બોલિવુડમાં આવી વાત નવી નહોતી, તેથી સુરભીને આ વાત સાથે એડજેસ્ટ થવામાં બહુ સમય ન લાગ્યો.
ધીરે ધીરે સુરભીની પ્રસિદ્ધિ વધતી જતી હતી, તેની સાથે સાથે તેની નશો કરવાની આદત પણ વધતી જતી હતી. એક સમય એવો આવ્યો કે તે પોતાની જિંદગીના સર્વોચ્ચ મુકામ પર હતી. તેની પાસે પૈસો હતો, સુખ સાહ્યબી હતી, મોજશોખની તમામ વસ્તુઓ હતી, પરંતુ પરિવાર નહોતો. સુરભી જ્યારે હિરોઈન બની ત્યારે તેણે પોતાનાં પહેલા પ્રીમિયરમાં પરિવારને આમંત્રણ આપ્યું હતું, પરંતુ પિતાને આ વાતની ખબર પડતાં તે નારાજ થઈ ગયાં હતાં, અને તેમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ વાતથી નારાજ થઈને સુરભીનાં પરિવારે તેની સાથે કોઈ સંબંધ રાખ્યો નહોતો. કદાચ આ પણ એક કારણ હોઈ શકે સુરભીની નશો કરવાની આદત પાછળ. સુરભી પાસે બધું જ હોવા છતાં તે પોતાની જાતને એકલી અનુભવતી હતી. પૈસો પુષ્કળ હતો, પરંતુ પ્રેમ નહોતો, હૂંફ નહોતી. પરિવાર અને તેની લાગણીની કિંમત હવે સુરભીને સમજાઈ રહી હતી. આ એકલતામાં જ તેણે સતત નશામાં રહેવાનું ચાલું કર્યું અને તેના પરિણામ સ્વરૂપ તેનાં પતનની શરૂઆત થઈ.
એક પાર્ટીમાં તેણે પત્રકારને બીભત્સ વર્તન કરવા બદલ લાફો મારી દીધો અને ત્યાંથી તેની પડતીની શરૂઆત થઈ. તે પત્રકારે સુરભીની ઈમેજ એવી તો બગાડી કે કોઈ પ્રોડ્યુસર તેની સાથે કામ કરવા તૈયાર નહોતો. સુરભી પાસેથી ફિલ્મો છીનવાઈ જવાં લાગી. કોઈ તેને નવું કામ આપવાં માટે તૈયાર નહોતું. અંતે તે સતત ચિંતામાં ને કામ ન મળવાના કારણે સતત નશામાં રહેવા લાગી.
એક દિવસ અચાનક સમાચાર જોતાં જોતાં મનોજભાઈની નજર સુરભીનાં સમાચાર પર પડી. મુંબઈની કોઈ ગલીમાં ફાટેલાં કપડાંની હાલતમાં સુરભી રોડની બાજુમાં નશાની હાલતમાં બેભાન અવસ્થામાં પડી હતી. પોતાની ફૂલ જેવી દીકરીની આ હાલત જોઈને કયો બાપ બેસી રહે ? મનોજભાઈ કંઈ પણ વિચાર્યા વગર તરત જ વિનયને લઈને મુંબઈ ઉપડ્યા. મુંબઈ આવી સુરભીનું સરનામું શોધ્યું અને સીધા તેનાં ઘરે આવી ચડ્યાં. ઘરની ડોરબેલ વાગી. સુરભી લથડાતાં પગે દરવાજો ખોલે છે, અને નજર સામે પોતાનાં પિતાને જોઇને પોતાને રોકી નથી શકતી. તે પિતાને આલિંગન આપવા જાય છે, પરંતુ તેનાં પગ જમીન પર સરખાં ન પડવાને કારણે તે પડી જાય છે અને બેભાન થઈ જાય છે. મનોજભાઈ અને વિનય તરત જ એમ્બ્યુલન્સ ને કોલ કરીને બોલાવે છે અને સુરભીને હોસ્પિટલ લઈ જાય છે.
બે દિવસ હોસ્પિટલમાં રાખવાં છતાં તેની તબિયતમાં સુધાર આવતો નથી. સુરભી મનોજભાઈ અને વિનયને જોઇને ખૂબ જ ખુશ થઈ જાય છે. તે આજીજી કરે છે કે કોઈપણ ભોગે પોતાને આ આદતમાંથી બચાવી લે અને તે રડવા લાગે છે. મનોજભાઈ પણ સુરભીને ભેટીને રડી પડે છે અને તેને આશ્વાસન આપે છે કે પોતે તેને નશાની કુટેવમાંથી બચાવી લેશે. મનોજભાઈ મનીષાબેનને પણ મુંબઈ બોલાવી લે છે. બધાં સુરભીની સેવા કરવામાં લાગી જાય છે. શરૂઆતમાં તો આ કામ ખૂબ જ મુશ્કેલ લાગે છે. સુરભીને ડ્રગ્સ ન મળતાં તેનાં શરીરમાં ખેંચ આવવા લાગી, તે જોર જોરથી બૂમો પાડતી તેમજ રડતી અને ક્યારેક તો દુઃખ સહન ન થતાં દીવાલ સાથે માથું પછાડતી હતી. મનીષાબેનથી સુરભીની આ હાલત નહોતી જોવાતી, પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.
અંતે ૧૪ મહિનાની જહેમત બાદ સુરભી ધીરે ધીરે નોર્મલ થવા લાગી. તેની નશો કરવાની આદત હવે તેની રીતે જ છુટતી હોય તેવું લાગ્યું. પોતાની દીકરીને સામાન્ય જિંદગીમાં પાછી આવતી જોઇને મનીષાબેન અને મનોજભાઈ ખૂબ જ ખુશ હતાં. વિનય પણ મોટી બહેનનો પડ્યો બોલ ઝીલવા તૈયાર જ હોય. અંતે ૧૮ મહિના બાદ બધાની મહેનત રંગ લાવી અને સુરભી બિલકુલ સામાન્ય થઈ ગઈ.
તેણે અધૂરું મૂકેલું પોતાનું માસ્ટર પણ વતન પરત ફરીને ત્યાં જ પૂરું કર્યું. એક દિવસ તેની કોલેજમાં વાતમાંથી વાત નીકળી અને તેની એક સખીએ પૂછ્યું કે, "તું તો હિરોઈન હતી, તો પાછી કેમ આવતી રહી ?" ત્યારે થોડીક ક્ષણો માટે સુરભીની નજર સામે મુંબઈમાં બનેલી ઘટનાઓની આખી ઘટમાળ સર્જાઈ ગઈ અને અચાનક જ ફ્લેશબેકમાંથી પાછી આવી હોય તે રીતે તેણે કહ્યું, "કંઈ નહીં! બસ એ માયાનગરીની જિંદગી મારા માટે નહોતી. મારા જીવનમાંથી હું તેને એક ખરાબ સ્વપ્નની જેમ ભૂંસી કાઢવા માંગુ છું." અને તે બેગ લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગી, એક નવી આશા અને નવાં ઉત્સાહ સાથે...