પ્રેમની પરાકાષ્ઠા
પ્રેમની પરાકાષ્ઠા
સુરેશ માત્ર પાંચ વર્ષનો હતો જ્યારે તેની માતાનું અવસાન થયું. આટલી નાની વયે માતાની છત્રછાયા ગુમાવી દે તે બાળકનાં માનસપટ પર કેવી અસર થતી હોય છે, તેની આપણે સહુ કલ્પના માત્ર કરી શકીએ. તે પરિસ્થિતિને જીવવાની કે તેમાંથી પસાર થવાની આપણી હિંમત નહી. પરંતુ સુરેશ આ પરિસ્થિતિને જીવ્યો પણ હતો અને તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન પણ તેણે કર્યો હતો. સુરેશની માતા સતત બીમાર રહેતાં હતાં તેથી તેનાં પિતા રમણીકભાઈને પોતાની પત્ની સુનીતા પ્રત્યે કોઈ ખાસ લગાવ હતો નહીં. સુનિતાનાં અવસાનને હજુ તો બે કે ત્રણ મહિના થયાં હશે ત્યાં તો રમણીકભાઈએ બીજા લગ્ન કરી લીધાં. રમણીકભાઈનાં બીજા લગ્ન બાદ સુરેશની મુશ્કેલીઓ પહેલાં કરતાં પણ વધુ ગઈ. સાવકી મા નો તિરસ્કાર અને તેનાં મેણાં રોજ સુરેશને સહન કરવાં પડતાં. ક્યારેક તો રમણીકભાઈ ખૂબ જ નશાની હાલતમાં ઘરે આવતાં અને સુરેશની સાવકી મા તેમને સુરેશ પ્રત્યે ઉશ્કેરતી જેથી રમણીકભાઈ સુરેશને મારતાં પણ ખરાં. આમ સુરેશે નાની ઉંમરમાં જ માતા ગુમાવી અને પિતાનો પ્રેમ પણ ગુમાવ્યો. દારૂડિયો બાપ અને સાવકી મા નાં ઓરમાયા વર્તને સુરેશને અંદરથી એટલો તોડી દીધો કે એક દિવસ તેણે ઘર છોડી દીધું.
સુરેશ ઘરે કોઈને પણ કહ્યાં વગર રેલ્વેમાં બેસીને મુંબઈ આવી ગયો. જ્યારે તે ગુજરાતથી મુંબઈ આવતો હતો તે આખી રાત મુંબઈની ટ્રેનમાં પોતાનાં નસીબને દોષ દેતો અને પોતાની પ્રેમાળ મા ને યાદ કરીને ખૂબ રડ્યો. મુંબઈમાં આવીને તેણે ચા ની કીટલી પર નોકરી શરૂ કરી. ત્યારે તેની ઉંમર માત્ર ૮ વર્ષની હતી. તે જે ચાની કીટલી પર કામ કરતો હતો ત્યાં મોટેભાગે કુલી અથવા તો ટ્રેનમાં મુસાફરી દરમિયાન જે ભિક્ષુકો આવતાં હોય છે તેવાં વધારે આવતાં. કીટલી પર આવનારાં મોટાભાગનાં લોકો એવા હતાં કે જે કાં તો કિસ્મતના માર્યા હતાં અથવા તો પોતાના માણસો દ્વારા સતાયેલા અને તિરસ્કાર પામેલા લોકો હતાં. રાત્રે ઘણીવાર આવાં લોકો ભેગા મળી અને ગીત ગઝલની મહેફિલ જમાવતાં. ઘરે રાહ જોવા વાળું તો કોઈ હોય નહીં, અને દર્દ ગીત કે ગઝલ સ્વરૂપે વહેતું હોય એટલે સમયનું કોઈ ભાન રહે નહીં. સુરેશને પણ આ મહેફિલ ગમવા લાગી. તેણે માત્ર ૧૦ વર્ષની ઉંમરે પોતાની પહેલી ગઝલ અહીં સંભળાવી. તેની ગઝલમાં ભગવાન સામે ફરિયાદ પણ હતી અને પોતાની વહાલસોયી માતા પ્રત્યેનો પ્રેમ પણ હતો. સુરેશની ગઝલ સાંભળનાર દરેકની આંખો ભીની થઈ ગઈ. તે દિવસથી તેનું નવું નામકરણ થયું. તેને સહુ "છોટે ઉસ્તાદ" કહીને બોલાવવા લાગ્યાં.
સુરેશ જ્યાં નોકરી કરતો હતો તે કીટલીનાં માલિકની એક છોકરી હતી જેનું નામ હતું મમતા. અત્યંત સૌંદર્યવાન અને રૂપ રૂપનાં અંબાર જેવી હતી મમતા. તેનાં ચહેરાની લાલિમા એવી કે તેની આગળ ચંદ્ર પણ ફિક્કો લાગે. સુરેશે મમતાને પહેલીવાર તેનાં જન્મદિવસ પર જોઈ અને તેને જોતો જ રહી ગયો. પૈસા તો હતાં નહીં, તેથી ગિફ્ટ આપી શકાય તેવી પરિસ્થિતિ તો હતી નહીં. તેથી સુરેશે તાત્કાલિક મમતા માટે એક ગીત લખ્યું અને તે મહેફિલમાં બધાંની વચ્ચે ગાયું પણ ખરાં. સૌ કોઈ તેનાં ગીતનાં વખાણ કરવાં લાગ્યાં. મમતાને પણ સુરેશનું ગીત ખૂબ જ પસંદ આવ્યું.
માત્ર ૧૧ વર્ષની ઉંમરે સુરેશ મમતાનાં પ્રેમમાં પડ્યો. જીવનને એક નવું ધ્યેય મળ્યું અને જીવન જીવવાનું કારણ પણ. જીવનની જે એકલતા હતી, કે અધૂરપ હતી તે મમતા નાં આવવાથી જાણે પૂરી થઈ ગઈ હોય તેવું તેને લાગ્યું. સુરેશને તો "રણમાં ખીલ્યું ગુલાબ" જેવી અનુભૂતિ થઈ. માતાનાં પ્રેમની જે ખોટ હતી તે હવે મમતા થકી પૂરી થવા લાગી હતી. હવે સુરેશ અને મમતા ક્યારેક ક્યારેક મળવા પણ લાગ્યાં. મમતા પણ કોઈને કોઈ બહાને કીટલી પર આવતી અને સુરેશની એક ઝલક મેળવી લેતી. સુરેશની પણ હવે જે રાતો ઘુમસુમ વીતતી હતી તેનાં બદલે મમતાની યાદમાં વિતવા લાગી. સુરેશ આખો દિવસ કીટલી પર કામ કરતો અને રાત્રે મમતા માટે કવિતાઓ લખતો. એ કવિતાઓ મમતા જ્યારે પણ કોઈને કોઈ બહાને કીટલી પર આવે ત્યારે કોઈ જુએ નહીં તે રીતે મમતાને આપી દેતો. આમ મમતા થકી સુરેશના જીવનમાં જે ખાલીપો આવ્યો હતો તે ભરાવા લાગ્યો.
ચાર વર્ષ તો આમને આમ ચાલ્યું. સુરેશ રાત્રે જાગીને પણ મમતા માટે કવિતાઓ લખતો અને રાતની મહેફિલમાં બધાને સંભળાવતો પણ ખરાં. એક દિવસ એક ઉંમરલાયક કાકાને રાત્રે ચાલું મહેફિલમાં હૃદયની તકલીફ થઈ અને તેમને તાત્કાલિક દવાખાને લઈ જવા પડયાં. સુરેશ પણ તેમની સાથે ગયો હતો તેથી તે દવાખાને જ રોકાઈ ગયો. અહીં એક દિવસ અચાનક જ મમતાનાં ઘરે તેનાં ફોઈ અને ફુઆ આવ્યા. તેમણે તેમનાં કોઈ સગા માટે મમતાનો હાથ માંગ્યો. કુટુંબ સારું હતું અને વ્યક્તિઓ પરિચિત હતી તેથી મમતાનાં પિતાએ બહુ લાંબો વિચાર ન કરતાં તરત જ હા પાડી દીધી. સામેવાળા ને થોડીક ઉતાવળ હતી તેથી એક અઠવાડિયામાં તો લગ્ન પણ લેવાઈ ગયાં અને મમતા પરણીને સાસરે પણ જતી રહી. સુરેશ તો દવાખાને હતો અને કોઈ રીતે તેનાં સુધી આ સમાચાર પહોંચાડી શકાય તેમ હતું નહીં. સુરેશ જ્યારે આવ્યો અને તેને આ વાતની ખબર પડી ત્યારે તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. પોતાની માતાનાં મૃત્યુ પછી જે એકલતામાંથી બહાર આવ્યો હતો, તેનાથી પણ ઊંડી ખાઈમાં તે ફરી ધકેલાઈ ગયો. પ્રેમની આ એ પરાકાષ્ઠા હતી કે તેને તેની મા યાદ આવી ગઈ.
સુરેશે કીટલી પર નોકરી કરતો હતો તે છોડી દીધી. તેનાં બદલે કોઈ મોભાદાર વ્યક્તિઓનાં ઘરે કોઈ પ્રસંગ હોય અને મહેફિલનું આયોજન કર્યું હોય તો ત્યાં પોતાની કવિતા સંભળાવતો. એકલવાયું જીવન, નાનપણમાં મા નો પાલવ છૂટી ગયો અને ખૂબ જ ટૂંકા ગાળાનું પ્રેમ પ્રકરણ અને તેનો પણ કેવો કરુણ અંત. કાયમ માટે જતી પ્રેમિકાની એક ઝલક પણ ન મેળવી શક્યો. આ બધી બાબતો એ તેને નશા તરફ ધકેલ્યો. હવે તે ફક્ત દારૂ પીવાનાં પૈસા મળે તેટલી જ કમાણી કરતો હતો. મમતાના વિયોગમાં અને જિંદગી એ જે અનુભવ કરાવ્યાં હતાં તેનાં પર તેણે અઢળક કવિતાઓ લખી. આ બધી જ કવિતાઓનાં સંગ્રહો તેણે કાયમ માટે નશામાં રહેવા માટે કોઈ ને કોઈ વ્યક્તિઓને વેચી દીધી. તેમાંથી જે પૈસા મળે તેનો દારૂ પીવાનો અને કાયમ નશામાં જ રહેવાનું. આ જ તેની જિંદગી હતી.
એક દિવસ કોઈ અંગત મિત્રએ તેને પૂછ્યું કે, " દોસ્ત ! તું આટલો બધો દારૂ કેમ પીવે છે ? અને સતત નશામાં કેમ રહે છે ?" ત્યારે એક ક્ષણ માટે સુરેશનાં સ્મૃતિ પટલ પરથી સમગ્ર જીવનની ઘટમાળ પસાર થઈ ગઈ. સારા ખરાબ દરેક કિસ્સાઓ તેની આંખ આગળથી પસાર થઈ ગયાં. અચાનક તેણે હોશમાં આવતાં કહ્યું કે, "કદાચ હું હોશમાં આવી જઈશ તો મારા જ અંગત માણસોને મારાથી તકલીફ થશે. તેથી હું ક્યારેય હોશમાં ન આવી જાઉં અને મારા લીધે કોઈને ક્યારેય કોઈ તકલીફ ન થાય તે માટે હું કાયમ નશામાં રહું છું." અને પાછો એક પેગ મારીને સુરેશ સૂઈ ગયો.
આજે સુરેશ ૬૫ વર્ષની આસપાસ પહોંચી ગયો છે, પરંતુ કોઈ તેની ખબર પૂછવા પણ નથી આવતું. તેની ઘરની વ્યક્તિઓમાંથી પણ કોઈને કંઈ જ પડી નથી. આજે પણ જ્યારે કોઈ પિક્ચરનું ગીત વાગતું હોય અને સુરેશની મહેફિલમાં હાજર રહી ચૂકી હોય તે વ્યક્તિ તરત જ ઓળખી જાય છે કે આ સુરેશે લખેલું ગીત છે. આજે પણ યુવાન હૈયાઓ પોતાના પ્રેમનો એકરાર કરવા માટે સુરેશે લખેલી કવિતાઓનો સહારો લે છે. જે પોતાનો પ્રેમ ક્યારેય ન મેળવી શક્યો તેની કવિતાઓ થકી અત્યારે હજારો હૈયાઓ પોતાનો પ્રેમ મેળવે છે. આ જ પ્રેમની સાચી પરાકાષ્ઠા છે.

