સમયની કદર
સમયની કદર
રમણીકલાલ માણેકલાલ શેઠ. જેટલું મોભાદાર નામ એટલું જ જાજરમાન વ્યક્તિત્વ. રમણીકશેઠ એટલે ઝવેરી બજારનું મોંઘેરુ રતન. તેમની હીરા પારખવાની સૂઝબૂઝ એવી કે જોતાની સાથે જ ઓળખી જાય, પછી એ પથ્થર હોય કે માણસ. આ કોઠાસૂઝનાં કારણે જ આજે આર. એમ. જ્વેલર્સ ફક્ત એક દુકાન પૂરતી સીમિત ન રહેતાં, ઝવેરી બજારમાં એક બ્રાન્ડ બની ગઈ હતી. પોતે આટલા મોભાદાર તેમજ ઝવેરી બજારના પ્રમુખ હોવા છતાં પણ નાનામાં નાની વ્યક્તિને એટલું જ મહત્વ આપતાં, જેટલું કોઈ કંપનીના માલિકને. આવા સરળ વ્યક્તિત્વનાં કારણે તે ઝવેરી બજારમાં ખૂબ જ લોકપ્રિય હતાં. સૌ કોઈ તેમને રમણીકશેઠનાં હુલામણાં નામથી ઓળખતા હતાં. નાના-મોટા ઝવેરીઓને જ્યારે હીરાની પરખ કરવામાં મૂંઝવણ ઊભી થતી, ત્યારે તે રમણીકશેઠ જોડે આવતાં. રમણીક શેઠ જે નિર્ણય કરે તે સર્વમાન્ય રહેતો. રમણીકશેઠ પોતે સમયના ખૂબ જ પાબંદી હતાં. તેમનું માનવું હતું કે જો વ્યક્તિ સમયની કદર કરશે તો જ સમય તે વ્યક્તિની કદર કરશે. કદાચ તેમની સફળતા પાછળ પણ આ જ કારણ જવાબદાર હતું. રમણીકશેઠે પોતાના પરિવારને પણ આ જ ગુણ આપ્યા હતાં. તેમની પત્ની સુશીલાબેન પણ ખૂબ જ માયાળુ અને લાગણીશીલ સ્વભાવનાં હતાં. ઘરે આવેલ વ્યક્તિ દુકાનનો કારીગર હોય કે મહેમાન, ક્યારેય પણ ભોજન કરાવ્યા વગર ન મોકલે. રમણીકશેઠનો દીકરો આરવ, જેને ઉચ્ચ અભ્યાસ અર્થે રમણીકશેઠે લંડન મોકલ્યો હતો. તેમનું માનવું હતું કે છોકરો લંડનમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરી અહીં આવે અને પોતાની કંપનીને એક વૈશ્વિક સ્તર પર લઈ જાય. જેથી કરીને ભારતનું નામ વૈશ્વિક લેવલે ગુંજતું થાય. રમણીકશેઠે પોતાની કોઠાસૂઝથી ઘણી નાની મોટી કંપનીઓને નુકસાનીમાંથી ઉગારી હતી. જો કોઈ કંપની નુકસાનીમાં જતી હોય તો તે કંપનીમાં પોતાની ભાગીદારી કરી અને તેને ઉગારી લેતાં. આવી અનેક કંપનીઓને તેમણે બંધ થતી અટકાવી હતી અને ઝવેરી બજારમાં ફરીથી ધમધમતી કરાવી હતી.
આજે ઝવેરી બજાર માટે ઉત્સાહનો દિવસ હતો, આનંદનો દિવસ હતો. કારણ કે ઝવેરી બજારને એક નવયુવાન પ્રમુખ મળવા જઈ રહ્યો હતો. જેના જોમ અને જુસ્સાથી ઝવેરી બજાર વૈશ્વિક લેવલે પોતાનું નામ રોશન કરે તેવી આશા હતી. રમણીકશેઠે પોતાની આર. એમ. જ્વેલર્સ બ્રાન્ડની ખુરશી ખાલી કરી અને ત્યાં તેમના પુત્ર આરવને બેસાડ્યો. તેની સાથે સાથે ઝવેરી બજારના દરેક વ્યક્તિની ઈચ્છાને માન આપીને ઝવેરી બજારનાં પ્રમુખ પદ માટે આરવને જ ઉચિત માન્યો. હવે આર. એમ. જ્વેલર્સ અને આખું ઝવેરી બજાર બંને આરવની રાહ જોઈ રહ્યાં હતાં. થોડાક જ દિવસોમાં આરવે ગાદી સંભાળી લીધી અને બમણી ગતિએ કામ શરૂ કર્યું. રમણીકશેઠ જે પૈસો સમાજ કલ્યાણ તેમજ ગરીબોની સેવા અર્થે ખર્ચતાં હતાં, તે પૈસો આરવે માર્કેટિંગ અને પબ્લિસિટીમાં લગાવ્યો. તેનાં સિદ્ધાંતો રમણીકશેઠથી જુદાં હતાં. જ્યાં બે વ્યક્તિથી કામ ચાલતું હતું, ત્યાં આરવે ચાર વ્યક્તિને કામે લગાડ્યાં. શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું, પરંતુ ધીરે ધીરે આરવના નિર્ણયો ખોટા સાબિત થવા લાગ્યાં. ગમે તેટલી પબ્લિસિટી અને માર્કેટિંગ કરવા છતાં પણ આર. એમ. જ્વેલર્સ બ્રાન્ડ નબળી પાડવા લાગી. ઝવેરી બજારના સૌ મિત્રોએ સાથે મળી અને રમણીકશેઠ ફરીથી ઝવેરી બજારની ધુરા પોતાનાં હાથમાં લે તેનાં માટે આરવને વિનંતી કરી. આરવ આ વાત સાંભળી સમસમી ઉઠ્યો અને તેણે પોતાના પિતાને બિઝનેસથી ખૂબ જ દૂર મોકલી દીધા. તે પોતે એકહથ્થુ શાસન ચલાવવા લાગ્યો. સમય જતાં આર. એમ. ઝવેરી બ્રાન્ડ ડૂબવાની કગાર પર આવી ગઈ. આરવના દરેક દાવ ઉલ્ટા પડવા લાગ્યા. તે જેની પણ સાથે બિઝનેસ કરે તેમાં તેને ખૂબ મોટું નુકસાન જતું. હવે રમણીકશેઠ તો હતાં નહીં, તેથી ઝવેરી બજારનાં સભ્યોને તેમની શરમ પણ નહોતી નડતી. તેથી રમણીક શેઠે જે કંપનીઓને ડૂબતી બચાવી હતી, તે લોકોએ પણ ધીરે ધીરે આર. એમ. જ્વેલર્સ બ્રાન્ડથી દૂર રહેવાનું શરૂ કર્યું. અંતે એક સમય એવો આવ્યો કે જે બ્રાન્ડે અત્યાર સુધી લોકોની હાલક ડોલક થતી નૈયાને પાર લગાવી હતી, આજે તેની જ નૈયા ડૂબવાની અણી પર હતી. હવે કંઈ જ થઈ શકે તેમ નહોતું. આરવને પોતાની કંપની નજર સામે ડૂબતી દેખાઈ રહી હતી. તે બિઝનેસ માટે જેને પણ ફોન કરતો કાં તો લોકો ફોન ઉપાડતાં જ નહીં, અને જો ભૂલથી ઉપડી પણ જાય તો, બજાર બંધ છે તેવું કહી વાતને ટાળી દેતાં. અંતે આરવને પોતાનું પ્રમુખ પદ પણ ત્યજી દેવું પડ્યું અને ઝવેરી બજારની દુનિયામાંથી સન્યાસ લઈ લેવો પડ્યો. પોતાની ડૂબી ગયેલી નૈયાને ઉગારવા માટે તેને એક જ ઉપાય સૂઝ્યો અને તે એટલે રમણીકશેઠ.
એક દિવસ વહેલી સવારે આરવ પોતાના પિતા પાસે ગયો અને તેમનાં પગ પકડી તેમની માફી માંગી. તેણે રમણીકશેઠનાં અનુભવનો લાભ લેવાને બદલે પોતાના તર્ક લગાવ્યાં જેનાં કારણે વ્યવસાયમાં ખૂબ જ મોટું નુકસાન થયું તેની વાત પણ કરી. આરવને હવે સમજાઈ ગયું હતું કે તેણે રમણીકશેઠ જેવા બહોળા અનુભવી માણસની કદર ન કરી તેનું જ આ પરિણામ છે. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે રમણીકશેઠને પાછો પોતાની સાથે ઝવેરી બજાર લઈ આવ્યો. રમણીકશેઠ બીજા દિવસે સવારે વહેલાં ઊઠી, પોતાનો જાજરમાન પોશાક પહેરી આર. એમ. જ્વેલર્સમાં આવ્યા. પૂરા છ મહિના બાદ આજે આર. એમ. જ્વેલર્સનું શટર ખૂલ્યું હતું, અને એ પણ બિઝનેસનાં જૂનાં ખેલાડી સાથે. આર. એમ. જ્વેલર્સનો સ્ટાફ તેમજ ઝવેરી બજારનાં લોકો રમણીકશેઠને જોઈ ખુશ થઈ ગયાં. રમણીકશેઠે પોતાના રૂઆબથી જ પોતાની કેબિન સંભાળી અને ટેલિફોન હાથમાં લઈ પ્રમુખની ઓફિસે ફોન કર્યો. સામેથી પૂછ્યું, "કોણ બોલો ?" રમણીકશેઠે જવાબમાં પણ વળતો સવાલ કર્યો, "બજાર ચાલુ છે ?" ફોનમાં રમણીકશેઠનો અવાજ સાંભળીને સામેની વ્યક્તિમાં જાણે એક અનેરો રોમાંચ પ્રસરાઈ ગયો. સામેથી જવાબ આવ્યો, "હા... હા... શેઠ ચાલું જ છે." અનુભવનો આટલો ફર્ક પડે. સૌ કોઈ રમણીકશેઠનાં આગમનથી ખુશ થઈ ગયાં અને ઝવેરી બજાર ફરીથી ધમધમી ઊઠ્યું. આરવે જેમને નાના માણસ ગણી અવગણનાં કરી હતી, તે બધાંની રમણીકશેઠે કદર કરી અને ફરીથી ભેગા કર્યા. સૌ કોઈએ રમણીક શેઠની નાનામાં નાની વ્યક્તિની કદર કરવાની વૃત્તિને બિરદાવી અને તેમની સાથે બિઝનેસ કરવાની તૈયારી બતાવી. આર. એમ. જ્વેલર્સ, જેનો ફોન ઉપાડવાં કોઈ તૈયાર નહોતું, હવે તેના ટેલીફોનની રીંગ એકક્ષણ માટે પણ બંધ નહોતી રહેતી. આર. એમ. જ્વેલર્સે બિઝનેસમાં નવાં કીર્તિમાન સ્થાપ્યા અને અનેક સિદ્ધિઓ હાંસિલ કરી. સૌના લોકલાડીલા એવાં રમણીક શેઠને ફરીથી પ્રમુખપદે બેસાડવામાં આવ્યાં. આજે પણ રમણીકશેઠ ઝવેરી બજારનું પ્રમુખપદ શોભાવી રહ્યા છે. ધન્ય છે આવા શેઠ, તેમની નાનામાં નાની વ્યક્તિની કદર કરવાની વૃત્તિ અને તેમના બહોળા અનુભવને...
