સુલેખા
સુલેખા
સુરેશ્વરાનંદ ભક્તો માટે ભગવાન હતા. એમના વિષે એવું કહેવાતું હતું કે તેઓ સિદ્ધ મહાત્મા છે. એમની એક નજર પણ પડી જાય તો ભવપાર તરી જવાય તથા તમામ પ્રકારના કષ્ટોમાંથી વ્યક્તિને મુક્તિ મળી જાય. એમની કૃપા મેળવવા, ભક્તો સત્સંગ, શોભાયાત્રા અને સન્માન સમારંભ યોજતા હતા.
ભીડથી બચવા તથા લોકો એમને પરેશાન ના કરે તે માટે, શહેરની બહાર એક સરસ વાટિકામાં એમનો ઉતારો હતો. ગઈકાલે એક ભાવિકજને, ઉતારે આવીને એમના કોઈ બીમાર સ્વજનને આશીર્વાદ આપવા વિનંતી કરેલી, ત્યારે એમણે ભાવિકજનને કહેલું કે, સત્સંગના સ્થળ પર મારી સામે એમને લાવજો હું પરમાત્માની કૃપા થાય તે માટે પ્રાર્થના કરીશ.
આજે તેઓ વિધિના લેખ વિષય પર અસ્ખલિત વ્યક્તવ્ય આપી રહ્યા હતા. એક કરતાં અનેક ઉદાહરણો આપી આપીને તેઓ સામે બેઠેલા ભાવિકજનોને વિધિના માર્યા શું શું ભોગવવું પડે છે તે, તથા બનવાકાળ બનીને જ રહે છે તે વર્ણવી રહ્યા હતા. આજે ચાલુ સત્સંગ સમયે તેઓ સહેજ વિચલિત થઈ, થોડી ક્ષણો પૂરતા ચૂપ થઈ ગયા.
ગઈકાલવાળા સજ્જન સાથે, સામે સુલેખા હતી. ફિક્કી, દુર્બળ, નંખાઈ ગયેલી. એમના સ્મરણપટ પર સડસડાટ એક પછી એક એમ અસંખ્ય ચિત્રો પસાર થઈ રહ્યાં. જિદ્દી અને ગર્વિષ્ઠ સુલેખાને એમણે અત્યંત ચાહી હતી. ઘણાં સ્થળોએ તેઓ હર્યાં ફર્યાં હતાં. યુવાનીના ઉન્માદમાં, પ્રણય દરમ્યાન તેઓ તમામ સીમા વટાવવાની ભૂલ કરી ચૂક્યાં હતાં. તેઓએ સરસ સુખમય જીવનના સપનાં જોયાં હતાં. સુલેખાના અચાનક જાકારાથી હતપ્રભ થયેલા તેઓ સુલેખાને લીધે જ અધ્યાત્મના માર્ગે વળ્યા હતા.
સુલેખાએ માથું ઢાળી દીધું. તે પૂર્વેના સુરેશ અને હાલના સુરેશ્વરાનંદ સાથે નજર મેળવી શકી નહીં. કોઈ વાતે સુરેશ એને વેદિયો લાગેલો. સુરેશની લાગણીઓની એણે મજાક ઉડાવેલી. સુરેશને ના કહેવાનું કહી દીધેલું. સુરેશની સ્થિતિ પર ઉપહાસ કરેલો. કોઈ સામાન્ય વાતમાં એણે સુરેશ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. તમામ સંબંધ એક ઝાટકે બંધ કરેલા. સુરેશની વિનવણી, આજીજી કે માફી વગેરેની પરવા કર્યા વિના તે અલગ થઈ ગઈ હતી. બસ એમજ મગજમાં કોઈ તુક્કો આવ્યો અને એણે સુરેશને જાકારો આપેલો. સુરેશની લાગણી, પ્રેમ દુભાવી એણે જે કરેલું, તેનો તેને કોઈ વસવસો નહોતો.
સુરેશ્વરાનંદે માઇક પર આંગળીથી બે ત્રણ વાર ટકોરા મારીને માઇક ચેક કરવાનો દેખાડો કર્યો. પોતે ધ્યાનભંગ થયા નથી તેમ જાતને આશ્વાસન આપી સ્થિર મુદ્રા કરી સુલેખા પર નિર્મળ દૃષ્ટિ ફેરવી એના સારા સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી. પોતાને દર્શાવી રહ્યા કે તેઓ ખરેખર સિદ્ધ મહાત્મા છે.
