STORYMIRROR

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

3  

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

ગણપતિ દર્શન

ગણપતિ દર્શન

5 mins
142

આજે ગણપતિ ચોથને લઈ અમારી સોસાયટીના કોમન પ્લોટમાં ગણેશ સ્થાપન કર્યું છે. કેટલા દિવસ માટે સ્થાપન છે તે ખબર નહોતી પણ પાછળથી જાણવામાં આવ્યું કે પાંચ દિવસના રાખ્યા છે. હવે ગણેશ ચતુર્થી પર્વ પર ગણપતિને સ્થાપના દ્વારા પૂજા અર્ચન કરવાનું નવરાત્રિની જેમ સામાન્ય થઈ ગયું છે.

સોસાયટીના રહીશોનું એક વોટ્સ એપ મેસેજ ગ્રુપ ચાલે છે. ગ્રુપ પર સંચાલકે એક મેસેજ મૂક્યો હતો કે આજે ગણપતિ સ્થાપન અને એમનું પૂજન, અર્ચન, આરતી વગેરે વિધિ સવારના ૧૧.૩૦ કલાક થી છે તો ભાવિક ભક્તોએ (મકાન માલિક, ભાડુઆત તમામ સૌ) સમયસર પધારીને લ્હાવો લેવો.

મેં મોબાઈલમાં સમય જોયો તો ૧૧.૦૩ વાગ્યા હતા. હજુ અડધા કલાક જેટલી વાર છે તે જાણીને હું, બીજા જરૂરી કામે વળગ્યો. વિચાર્યું કે બધા જશે તેમની સાથે ત્યાં જોડાઈ જઈશ.

થોડા જ સમયમાં જે જગ્યાએ ગણપતિ સ્થાપન કરવાનું હતું તે જગ્યાએથી સ્પીકર પર ગણપતિને લગતી સ્તુતિ, ભજન, ગીતો વગેરે વગાડવાનું શરુ થઇ ગયું. સોસાયટીના માણસો સમજ્યા કે સ્થાપના શરૂ થવામાં છે. મહિલા સભ્યો ખાસ જલદીથી ઘર બહાર નીકળી કોમન પ્લોટમાં જમા થવા લાગ્યા.

હું પણ સૌની સાથે સ્થાપન સ્થળે ગયો. નાના, મોટા અને બાળકો થઈ ત્રીસેક વ્યક્તિઓ હાજર હતી. મોટા ભાગે મહિલાઓ હતી. તમામ વિધિ બહેનોએ સંભાળી, આરતી વગેરેની તૈયારી પણ એમણે જ કરી નાખી. અમોને સારું લાગ્યું. અમો પાંચ છ જણા પુરુષવર્ગ દૂરથી દાદાને વંદી રહ્યા.

મેં જોયું કે ગણપતિની મૂર્તિ ગયા વર્ષ કરતાં નાની છે. ગણપતિની આંખો ખુબ ઝીણી લાગી, મતલબ કે છે જ નહિ એમ. એવું લાગે કે મૂર્તિકારે આંખોની જગ્યાએ ખાલી બે લીટી તાણી દીધી છે. મૂર્તિ આગળ પૂજા કરનારા ઊભા હોવાથી એના સંપૂર્ણ દર્શન થતા નહોતા. પૂજા શરૂ થઈ.

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા

માતા જાકી પારવતી પિતા મહાદેવા !

એક દંત દયાવંત ચાર ભુજા ધારી.....

જય દેવ જય દેવ જય વિઘ્નહર્તા.....

સહદેવા શ્રી ગણેશ સહદેવા શ્રી ગણેશ... વગેરે વગેરે.

મેં મનોમન વિચાર્યું કે મૂર્તિ ખરીદવા જનારાઓએ બરોબર ધ્યાન આપ્યું લાગતું નથી. ઉતાવળમાં કે પછી કદાચ કિંમત (?) ને લીધે હશે. મારું વિચારવાનું ચાલુ હતું.

ગણપતિ રિદ્ધિ સિદ્ધિ ના દાતા, સદા શુભ કરનારા, મોટું પેટ અને વિશાળ કાન અને ભાલ ધરાવનારા દેવ છે. એમનું પૂજન, અર્ચન અને આરતી વગેરે કરવાથી, એમની કૃપા થાય છે અને સુખ, સગવડ, રિદ્ધિ, સિદ્ધિ, ધન દોલત સૌ વધુ પ્રાપ્ત થાય છે.

પૂજા પતી ગયા બાદ સૌ આરતીની આશકા લઈ ધન્ય થયાના ભાવ સાથે, ઘેર જવા લાગ્યા. પંડાલમાં જગ્યા ખાલી થવાથી હું પણ દાદાની મૂર્તિ સમક્ષ ગયો. ભક્તિભાવથી વંદન કર્યા. મૂર્તિને અનિમેષ જોઈ રહ્યો. મનોહર હતી. આંખો તો વળી ખુબ સુંદર હતી. મૂર્તિકારની કલા ખરેખર અદભૂત હતી. મને મારા અગાઉના વિચારવા પર ક્ષોભ થયો. જોયા જાણ્યા વિના કોઈ ધારણા ધારવી નહિ એમ માની લીધું.

હું, "ગણપતિ" એટલે કે ગણોના અધિપતિ ! સૌને સાથે રાખી ચાલનાર, સૌનું શુભ ઈચ્છનાર, કરનાર, ખોટ પડતી ચીજવસ્તુ, ધનધાન્ય અને સમજણ આપનાર - શ્રધ્ધા વિશ્વાસનું પ્રતીક, એમ માનું છું.

જે કોઈ વ્યક્તિ લોકોનું, જગતનું, પ્રાણી માત્રનું, કોઈપણ રીતે સારું કરે છે, ભલું કરે છે, સુખાકારી કરી આપે છે, કષ્ટો, વિઘ્નો, અડચણો માં મદદગાર થાય છે, તે તે તમામ મારા માટે ગણપતિ છે.

સ્થૂળ મૂર્તિ લાવી, સ્થાપના કરી, ભગવદ્ ભાવ કરી ફક્ત પૂજા અર્ચનામાં મગ્ન રહેવું તે, ગણપતિની ખરી આરાધના નથી. 

ગણપતિ, ઉદ્યમ, મહેનતના પુરસ્કર્તા છે. તેઓ ક્યારેય શાંત બેસી રહેતા નથી. સતત પ્રવૃત્તિશીલ રહેવું એ એમનો મહાન ગુણ છે. જે વ્યક્તિ એનાં ધ્યેયમાં સતત કામ કર્યે રાખતો હોય, ઉદ્યમી હોય, મચ્યો રહેતો હોય, મથ્યા કરતો હોય, તો રિદ્ધિ અને સિદ્ધિ તેને આવી મળેજ. રિદ્ધિ સિદ્ધિ એ એના દાસી થવું જ પડે. આ જ તો ગણપતિની કૃપા કહેવાય !

ગણપતિની ઝીણી આંખ મતલબ સૂક્ષ્મ નિરીક્ષણ !

ગણપતિના મોટા સૂપડા જેવા કાન મતલબ સૌનું સાંભળતા સારા શ્રોતા !

ગણપતિનું મોટું પેટ મતલબ વિશાળતા !

ગણપતિની સૂંઢ મતલબ સારાસારનો વિવેક !

ગણપતિનું મોટું માથું મતલબ અઢળક જ્ઞાન !

આવા અમારા ગણપતિને ઉત્તરાભિમુખ સ્થાપિત કરવામાં આવ્યા હતા. સૌ એ ભાવ ભક્તિથી દર્શન કર્યા.

એક વાત મારા ધ્યાનમાં આવી કે ગણપતિની પૂજા વગેરેમાં શિવ, પાર્વતી, ઉંદર પ્રત્યે શ્રધ્ધા દર્શાવાય એતો ઠીક પણ અહીં એમની સાથે સાથે વિષ્ણુ ભગવાન, લક્ષ્મી દેવી, સરસ્વતી, કાલિકા, રામ, કૃષ્ણ વગેરે વગેરેનો પણ સ્તુતિ, પ્રાર્થના, આરતી અને જય જય કારમાં ઉલ્લેખ થયો. ગણમાં સૌ હોવા જોઈએ ને !

આરતી વગેરે પૂર્ણ થયા બાદ પ્રસાદી વહેંચવામાં આવી. સૌ પ્રસાદી લઈને છુટ્ટા પડવા લાગ્યા હતા ત્યારે દરેક વ્યક્તિ, પોત પોતાના મંતવ્યો રજૂ કરવા લાગ્યા હતા. સર્વસામાન્ય એક મંતવ્ય પ્રમાણે એવી બાબત, ચર્ચાઈ કે ગણપતિ ભગવાનની મૂર્તિ ઉત્તરાભિમુખ છે તેથી પૂજા અર્ચના કરનારનું અને ભાવિક જનોના મુખ દક્ષિણાભિમુખ થાય છે ! અને તે સારું નહિ. લ્યો બોલો ! કેવી વાત?

જે શુભ કરનારા છે, રિદ્ધિ સિદ્ધિ ના દાતા છે એમને માટે આ બાબત કેટલી યોગ્ય ? શું થાય ? ચર્ચાએ વિસ્તૃત રૂપે લીધું. થોડી વારમાં ચર્ચાના નિષ્કર્ષ રૂપે ગણપતિની મૂર્તિને પૂર્વાભિમુખ કરી દેવામાં આવી ! હવે પૂજા અર્ચના કરનારાનાં મોઢાં પશ્ચિમાભિમુખ રહેશે જે સૌને સારું લાગ્યું.

દાદાની જય હો ! ગણપતિ બાપ્પા મોરિયા ! 

સાંજના ફરી પૂજા, અર્ચના, આરતી કરવા સમયે સૌ ભેગા થયા. મને ફરી નવાઈ લાગી ! વાત એમ બની હતી કે દાદાની મૂર્તિ ઉત્તરાભિમુખ હતી અને અમો સૌ સવારની જેમ દક્ષિણાભિમુખ રહી ભજી રહ્યા હતા. હજી તો બપોરના મૂર્તિ પૂર્વાભિમુખ કરી હતી ! અને હાલ ઉત્તરાભિમુખ?

મૂળ વાત એ બની હતી કે લંબ ચોરસ પ્લોટમાં ખુલ્લી જગ્યા ઉત્તર દક્ષિણમાં વધારે પડતી હતી. પૂર્વાભિમુખ મૂર્તિ કરવાથી અમોને એટલે કે ભક્તોને ઊભા રહેવાની પૂરતી જગ્યા મળતી નહોતી. એટલે દર્શનની સુવિધા માટે, હવે "ઉત્તરાભિમુખ કે દક્ષિણાભિમુખ" બધું જ ચાલે એમ મન મનાવ્યું હતું.

અને દાદા? એતો પૂજા, અર્ચના, આરતી બાદ એકલા મંડપમાં રહેવાના હતા. અમો સૌ તો ભોજન કરી સરસ મજાની પથારીમાં સુઈ જવાના હતા. પાંચ દિવસ પછી મૂર્તિસ્વરૂપ દાદાને વહેતી નદી, સરોવર કે તળાવમાં, સારી પવિત્ર જગ્યાએ વિસર્જિત કરવાના હતા. સર્જન અમારું, ભક્તિભાવ અમારો અને વિસર્જન પણ અમારું.

દાદા તો મોટા પેટવાળા છે. એમને જેમ રાખીશું તેમ રહેશે. નાની મોટી ભૂલો વગેરેને માફ કરી, જાણે અજાણે પણ આપણું રખોપું કરવાના જ છે.

દાદાની જય હો ! ગણપતિ બાપ્પા મોરિયા ! આવતા વર્ષે ફરીથી..


Rate this content
Log in

Similar gujarati story from Fantasy